- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મસાલાઓનું મહત્વ – નીલા કડકિયા

[ રીડગુજરાતીને આવો સુંદર લેખ મોકલવા બદલ શ્રીમતી નીલાબહેન કડકિયાનો ખૂબ ખૂબ આભાર]

આપણાં રસોડામાં રહેલાં મસાલાઓ ખૂબ જ ઉપયોગી તેમ જ ઉપકારી છે. આજની આપણી યુવાપેઢીને જેના પ્રત્યે સુગ છે તેઓને તેનાં મહત્વનું જ્ઞાન નથી તો એ વિષે થોડીક જાણકારી આપવાનો મારો આ પ્રયાસ છે. એમાં કોઈ ઊણપ લાગે તો જરૂરથી જણાવી શકો છો. કોઈપણ મસાલાનો વધુપડતો ઉપયોગ હાનિકારક છે તેમ જ ઉપયોગ ન કરવાથી નુકશાન પણ કરી શકે છે.

ચાલો તો શરૂઆત કરીયે ‘ઘી’ ‘તેલ’ થી.

[1] તેલ : તેલનાં ઉપયોગથી શરીરમાં લચીલાપણું આવે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરને ચરબીયુક્ત બનાવે છે. તેલ વાળ અને ચામડી માટે હિતકારક છે.

[2] ઘી : ઘીનો ઉપયોગ શરીરને માટે જરૂરી છે. તે શરીર માટે Lubricantનું કામ કરે છે. તેમ જ ઘી શરીર માટે antiseptic પૂરવાર થયું છે. જોકે તેનો વધુ પડતો ઉપયોગ શરીરને ગોળાકાર બનાવે છે. આજની પેઢીમાં એવી વાયકા ફેલાયેલી છે કે ઘીથી Cholesterol વધે છે પણ ઘી થી નથી વધતું પરંતુ તેલથી વધે છે. એટલે બને ત્યાં સુધી સીંગતેલનો ઉપયોગ ન કરવો એની જગ્યાએ ‘કોર્ન ઓઈલ’ અથવા કપાસિયાનું અથવા તો સનફ્લાવરનાં તેલનો ઉપયોગ કરવો.

હવે વાત મસાલાની….

[1] હળદર : હળદર આપણાં શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. Antiseptic હોવાથી ઘામાંથી નીકળતા લોહીને બંધ કરવા હળદરનો ઉપયોગ થાય છે. ખાંસીમાં હળદરને ગોળ સાથે મેળવી ખાવાથી રાહત રહે છે.દૂધમાં હળદર મેળવી ને પીવાથી ખાંસીમાં રાહત રહે છે.

[2] મરચુ : તીખુ ને ગરમ છે. તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે પાચન શક્તિમાં વધારો કરે છે.પણ તેનો વધુ પડતો ઉપયોગ અલ્સરને નોતરે છે.

[3] ધાણા : ધાણા ને જીરા સાથે ભેળવી તેનો ઉપયોગ દાળ શાકમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી મસાલાની સુગંધી ઔર વધે છે.ધાણાથી ખોરાક પાચ્ય બને છે. શરીરની વધેલી ગરમીને ઠંડી કરવા ધાણાને કાળી દ્રાક્ષ સાથે રાતનાં ભીંજવી સવારે ગાળીને તેનો રસ પીવાથી રાહત રહે છે. અથાણાંમાં ધાણાના કુરિયાનો ઉપયોગ થાય છે.

[4] રાઈ : રાઈ ગરમ જરૂર છે પરંતુ દમ તથા ખાંસી માટે ઉત્તમ છે. સોજા પર વાટેલી રાઈનો લેપ રાહત આપે છે. અથાણામાં રાઈનો ઉપયોગ થાય છે.

[5] મેથી : મેથી જેટલી કડવી છે તેટલી ઉપયોગી છે. સવારે નયણાં કોઠે એક ચમચી મેથી ચાવવાથી વા નાં રોગમાં ખૂબ જ રાહત આપે છે.સાંધાનાં કે પેટમાં આવતી ચૂંક માટે મેથી ઉત્તમ છે. સુવાવડીને મેથીનાં લાડુ ખવડાવવામાં આવે છે. અથાણામાં મેથીનાં કુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

[4] અજમો : અજમો એક ઉત્તમ મસલો છે. તે વાયુનાશક, દુર્ગંધનાશક, ગરમ અને તીખો છે. ગેસ થયો હોય કે પેટમાં દુ:ખતું હોય તો થોડોક અજમો ફાકી જવાથી રાહત રહે છે. નાના બાળકો કો મોટાઓને કાનમાં સણકા મારતા હોય તો તેલમાં લસણની કળી અને અજમો કકડાવીને ગરમ કરી આ હુંફાળું તેલ [ગાળેલું] કાનમાં નાખવાથી ખૂબ જ રાહત રહે છે. નયણાં કોઠે મેથી અને અજમો ચાવવો ઉત્તમ છે.

[5] જીરુ : સ્વાદિષ્ટ, ઠંડુ, કફનાશક છે. જીરાને બમણી સાકર ઉમેરી ને ખાવાથી Acidity માં રાહત રહે છે. આ મિશ્રણ ગર્ભવતીને 8 માં મહિને ખવડાવવાથી આવનાર બાળકની આંખોનું તેજ વધે છે. શેકીને વાટેલુ જીરુ તાજી છાશમાં નાખીને પીવાથી છાશ વધુ રુચિકર બને છે તેમજ ખોરાક વધુ પાચ્ય બને છે.

[6] હિંગ : કડવી ને તૂરી જરૂર છે પરંતુ શરીર માટે ઉપકારી છે. પેટમાં થતાં વાયુ માટે લીંબુ, હિંગ, મીઠા,મરીનો ઉકાળો ખૂબ જ રાહત આપે છે. વઘારમાં હિંગનો ઉપયોગ પણ ઉત્તમ છે. બાળકોને પેટમાં ચૂંક આવતી હોય તો થોડાપાણીમાં થોડો હિંગ પાઉડર ઓગાળી ડૂંટીની આજુબાજુ લગાડવાથી ગેસથી છૂટકારો મળે છે અને રાહત થાય છે. હિંગના આખા ગાંગડા મરચા, હળદર, ધાણાજીરા પાઉડરમાં મૂકવાથી મસાલામાં જીવડાં પડતાં નથી. હિંગનો ઉપયોગ અથાણામાં થાય છે.

[7] મીઠું : મીઠું સબરસ ગણાય છે. દાળ શાકમાં કે રોજીંદા ખોરાકમાં મીઠાનો ઉપયોગ જરૂરી છે. જેનાંથી ખોરાકમાં રહેલાં ક્ષારની ક્ષતિ પૂરી થાય છે. જોકે વધુ પડતાં મીઠાનો ઉપયોગ હ્રદય માટે હાનિકારક છે. લોહીનું દબાણ ઊચું [High Blood Pressure] કરે છે. વધતી ઉંમર સાથે મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અથાણાંમાં મીઠું, સાકર, ગોળ, તેલ વગેરેનો ઉપયોગ Preservative તરીકે થાય છે.

[8] ખાંડ[સાકર] : પહેલાંનાં જમાનામાં કહેવાતું કે ‘ગળ્યું તે ગળ્યું બાકી બધું બળ્યું’ હવે તો ‘ગળ્યું ના રહ્યું ગળ્યું થઈ ગયું બળ્યું’. વધુ પડતી ખાંડનો ઉપયોગ Diabetes ને નોતરે છે. કહેવાય છે કે ‘બાળપણમાં ખાંડ રસાયણનું કામ કરે છે. યુવાવસ્થામાં ખાંડ અમૃતનું કામ કરે છે. વૃધ્ધાવસ્થામાં ઝેરનું કામ કરે છે.’

[9] ગોળ : મીઠો અને શક્તિવર્ધક છે. જુનો ગોળ શક્તિવર્ધક છે. થાક લાગે ત્યારે ગોળનો નાનકડો ગાંગડો દિવસભરનો થાક ઉતારે છે. ગરમીમાં કાચી કેરીને બાફીને તેનાંગર સાથે ગોળ ભેળવીને પીવાથી [બાફલો કહેવાય છે] લૂ લાગતી નથી. શરદીમાં ઘી,ગોળ,સૂંઠ ભેળવી ખાવાથી રાહત રહે છે.

[10] આમલી : ખાટ્ટી, ઠંડી, વાયુહર, પાચક છે. દાળ શાકમાં ખટાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આમલીનો વધુપડતો ઉપયોગ શરીરને હાની પહોંચાડે છે.

[11] કોકમ : ખાટ્ટા, પાચક છે. દાળ શાકમાં આમલીની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. કોકમનું શરબત healthy ગણાય છે.

[12] મરી : તીખા ગરમ અને વાયુનાશક છે. શરદી ખાંસીમાં મરીનો ભુક્કો મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે. તાવમાં તુલસી,મરી,હિંગ, ગોળનો ઉકાળો ઉત્તમ ગણાય છે. આધાશીશીમાં વાટેલા કાચા ચોખા અને મરીનાં ભુક્કાનો લેપ ઘણી રાહત આપે છે.

[13] અન્ય : એલચી સુગંધી, તીખી, કફ, વાયુ મટાડનારી છે. મુખાવાસ તરીકે ઉપયોગ થાય છે. મિષ્ટાનમાં સુગંધી આપે છે. આ ઉપરાંત લવિંગ તીખા, વાયુહર છે. ગરમ મસાલામાં ઉપયોગી છે.ચક્કર,ઉલટીમાં લવિંગ મોઢામાં રાખવાથી રાહત રહે છે. મુખદુર્ગંધ હર છે. તજ પણ તીખી , ગરમ, કફ, વાયુનાશક છે. ગરમ મસાલામાં ઉપયોગી છે. મુખવાસ તરીકે ઉપયોગી છે.