બધું ચિંતન બધાંને ન પચે – સર્વેશ વોરા

[ આ નિબંધ લેખકના પુસ્તક ‘અન્તર્યાત્રા’ માંથી લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રીમતી મંજુબહેન પટેલનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]

પાંચ આંગળીઓ સરખી હોતી નથી.
બે માણસ સરખાં હોતાં નથી.
એક જ આહાર, એક જ વાતાવરણ, એક જ પરિવારમાં જન્મેલાં બે ભાંડરું સરખાં હોતાં નથી. દરેક દરેક વ્યક્તિની સમજણશક્તિ અલગ હોય છે. ઘટનાઓ પ્રત્યેના પ્રતિભાવો અલગ હોય છે.

વ્યક્તિ વયથી મોટી થાય એટલે એની સમજણશક્તિ અચૂકપણે વધે જ એવું જરૂરી નથી. છતાં પણ વયની બાબતમાં એટલું તો કબૂલ કરવું પડે કે જો વ્યક્તિ જાગૃત હોય તો અનુભવોથી એને જે શીખવા મળે તે હજારો પુસ્તકોમાંથી પણ ન મળે. વિદેશની શ્રેષ્ઠ ‘મૅનેજમેન્ટ ઈન્સિટટ્યૂટ’ માં પાંચ વર્ષો ભણી, પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, સુવર્ણપદક મેળવનાર વ્યક્તિ જાતે માત્ર બે વર્ષો કરિયાણાની દુકાન ચલાવે, ત્યારે એને એવું કશુંક જાણવા-શીખવા મળે જે એને પાંચ પાંચ વર્ષોના ચોપડિયા અભ્યાસમાં પણ શીખવા ન મળ્યું હોય. અનુભવથી માણસ આંતરિક રીતે ઘડાય છે. અનેક મુદ્દાઓ એવા હોય છે, જે તમે બિન-અનુભવીને કહો, તો પત્થર પર પાણીની માફક વહી જાય.

બહું સાદું ઉદાહરણ આપું : કોઈ સાધુ મહારાજ ધર્મ વિષે વાર્તાલાપ આપતા હોય. એ વખતે તેઓ શાસ્ત્રમાંથી સંદર્ભ સમજાવતાં કહે કે ‘જેવું દુ:ખ તને થાય છે એવું અન્યને પણ થાય છે.’ ત્યારે માતાપિતાની શીળી છાંયમાં ઉછરનાર, આ જ સુધી નિરાશા, વ્યથા, પીડાનો જરા પણ અનુભવ ન કરનાર જુવાનિયાને ઉપર જણાવેલ ચિંતન-વાક્યની કશી અસર ન થાય. અને એ વાક્ય ‘પોથીમાંના રીંગણા’ જેવું જ લાગે. સ્પષ્ટ કહીએ તો વછેરા જેવા જુવાનિયાને આવાં મનોમંથન આધારિત પ્રવચનો કે લેખો ભારે કંટાળાજનક લાગે. પરિણામે ચિંતનાત્મક વ્યાખ્યાનોમાં જુવાનોની હાજરી ઓછી જોવા મળે. જો હાજરી ઓછી હોય તો ખોટું શું છે ?

પ્રશ્ન એ છે કે આવી હાલત આજની જ છે કે દરેક જમાનામાં આવું જ ચાલતું આવ્યું છે ? જે લોકો એક જ મુદ્દો ચોળીને શૂળ ઊભું કર્યા કરે છે કે ‘જુવાનિયાની હાજરી નથી થતી.’ એ લોકોને આ જ સાદોસીધો સવાલ કરવો છે : જુવાનિયાઓ ચિંતનાત્મક કે ગંભીર મનોમંથન કરતા સત્સંગમાં ભાગ લેતા એવો જમાનો ભૂતકાળમાં, કહો કે ઈતિહાસમાં પણ ક્યારેય હતો ખરો ?

ધરતી પર યોગ્ય ગરમી ન પડે, તેના પર હળના ધારદર ચાસ ન પડે, તો પછી બીજ અને વરસાદ ધારેલી અસર ઊભી કરતાં નથી. લીલોછમ પાક લહેરાવાનું શક્ય બનતું નથી. ધરતી પર સખત તાપ પડે, હળથી ખેડાય ત્યારે એ ધરતી લીલાછમ પાક માટે તૈયાર થાય છે. જે ધરતી પર પ્લાસ્ટિકનું આવરણ કૃત્રિમ રીતે પથરાયેલું હોય, તેના પર વરસાદ થાય તો કશો અર્થ ખરો ? બૌદ્ધિક દલીલોથી વધુ ઊંડા ન ઊતરી શકનારને કશુંક વેધક કહેવાનો અર્થ ખરો ? જુવાનિયાઓનાં હૈયા વણખેડાયેલી ધરતી જેવાં હોય છે. અને હૈયું ખેડાય છે જીવનના ધારદાર અનુભવો દ્વારા, નિરાશા-આશાના ચાસ દ્વારા.

પુસ્તકો, ભાષણો, સાંપ્રદાયિક ભાષણો હૈયાંને કદાપિ ખેડી શકશે નહીં. આવા વણખેડાયેલા જુવાનિયાઓને ધર્મ-ચિંતનનાં ભાષણોમાં ખેંચીને તમે શું સિદ્ધ કરવા માગો છો ? જેમની ગ્રહણશક્તિ હજુ તૈયાર થઈ નથી એવા જુવાનિયાઓનાં સુષુપ્ત મનમાં ચિંતન-અવગાહન માટે કાયમી સૂગ ઊભી થઈ જાય, કાયમી ત્રાસ ઊભો થઈ જાય એવું ઈચ્છો છો ?

હા, આ લખનારને અવારનવાર ‘કહેવાતી’ ‘યુવા-શિબિર’માં લઈ જવામાં આવ્યો છે. તેમાં કેટલાક સુખી ઘરના જુવાનિયા મળે, જેમને માટે ધર્મની (કહેવાતા ધર્મની, સાંપ્રદાયિક હઠાગ્રહને આજે મોટે ભાગે ધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે.) વાતો એક રોમાંચક બૌદ્ધિક કસરત સિવાય વધુ કશું હોતું નથી. યા તો કોઈ ‘પોપ્યુલર’ (લોકપ્રિય, ચલણી, બજારમાં સૌથી વધુ ઉપલબ્ધ) ચિંતકની દલીલો એમને હોઠે હોય, અથવા તો જાણ્યે અજાણ્યે અમુક-તમુક સંપ્રદાયની વાતોનું પિષ્ટપેષણ હોય ! હા, એમાં ત્યાગ, વૈરાગ, અહિંસા, ધ્યાન જેવી વાતો હોય, પણ માત્ર શબ્દોની રમત ! માત્ર એક ‘ડાઈવર્ઝન’ (વિષયાંતર દ્વારા મનોરંજન). પ્રતીતિ, અનુભવને નામે સંપૂર્ણ મીંડું.

નરેન્દ્રનાથ વિવેકાનંદ બન્યા ત્યાં સુધીની યાત્રામાં પહેલે પગથિયે ભલે બૌદ્ધિક દલીલો હશે, પણ નરેન્દ્રના હૈયામાં, બુદ્ધિની પેલે પાર પણ જબરદસ્ત તોફાન મચ્યું હતું. એનું આખું હૈયું રોમાંચિત હતું. આવાં તોફાન, આવા રોમાંચ તો જ્ઞાનયાત્રાના પ્રારંભની સૌ પ્રથમ લાયકાત છે. આપણે ત્યાં આવા રોમાંચને મુક્ત દોર આપવાને બદલે, યુવાનોને એક અથવા બીજા સાંપ્રદાયિક ટોળીને વફાદાર બનાવવાના પ્રયાસો થતા જોઈએ, ત્યારે માત્ર જુગુપ્સા જ પેદા થાય.

બધા યુવાનો અપરિપક્વ હોય છે એવું કહેવાનો આ લખનારનો હેતુ નથી. નાની વયે ખરેખર જેમની જિજ્ઞાસા જાગૃત થઈ હોય, એવો વિરલ જુવાનિયો સહજ તરસથી પ્રેરાઈને ગંભીર ચિંતન-પ્રવચન માણવા આવે તો ચોક્કસ તેને સ્પષ્ટ લાભ થાય. પણ તેની તરસ બૌદ્ધિક, માત્ર દલીલબાજી પૂરતી હોય તો તેણે ચિંતનપ્રવચનમાં સમય ન બગાડવો જોઈએ. એણે કોઈ સામાયિકની શબ્દ-રમતમાં ચોકઠાં પૂરવાં જોઈએ. જેને ખરેખરી જિજ્ઞાસા જાગી હશે, એની અનુભૂતિ પણ જાગૃત થઈ હશે, અને ચિંતન-પ્રવચનનો આનંદ માણવા આ અનુભૂતિ-જાગૃતિ અનિવાર્યપણે જરૂરી છે. પછી એ જાગૃત વ્યક્તિ જુવાન હો કે વૃદ્ધ.

બધું ચિંતન બધાંને પચવું જોઈએ એવો દુરાગ્રહ નરી બેવકૂફી છે. મહત્વની વાત એ છે કે ચિંતન, ધર્મ-સત્સંગ વગેરેમાં બુદ્ધિ ઉપરાંત વ્યક્તિત્વનાં અન્ય અનેક અંગોની લાયકાત વિકસેલી હોવી જોઈએ. ઉપનિષદમાં ‘આનંદ’ના વિષય પર પ્રવચન ચાલતું હોય, ને સાંભળનાર વ્યક્તિનું હૈયું યોગ્ય લાયકાત ન ધરાવતું હોય, તો એને પાંવભાજી કે બીડી-સિગારેટના આનંદમાં અને ઉપનિષદ-ભાખ્યા આનંદમાંનો તફાવત હરગીઝ સમજાશે નહીં : ભલે પૂરો તફાવત ન સમજાય તો કાંઈ વાંધો નહીં, એ દિશામાં એકાદ અંશ જેટલી સમજણની પરિપક્વતા તો હોવી જોઈએ ને ?

સભાગૃહમાં કેટલા કાળાવાળવાળા એકઠા થાય છે, ને કેટલા સફેદવાળવાળા એક્ઠા થાય છે એ માપદંડ રાજકીય યુવાસંગઠનોને સોંપી દો. ચિંતન-મનોમંથનની વાત જ્યાં ચાલતી હોય ત્યાં તો કેટલા મરજીવા એકઠા થાય છે, તેનું મહત્વ હોય. કેટલાંના હૈયાં ખેડાયેલાં છે તે મહત્વનું હોય. તમે ચિત્તની તૈયારી, વ્યક્તિનાં તમામ અંગોની તૈયારીવિહોણા પાસે કશી ઊંડી વાત કરશો તો પેલો એવી છીછરી દલીલો કરશે, શાબ્દિક વૈખરીના ચાળા કરશે કે તેમ ભોંઠા પડી જશો. બધાંને બધું ચિંતન સમજાય નહીં. કારણકે ચિંતન હૈયાંનો વિષય છે અને હૈયું અનુભવથી ઘડાતું હોય છે. દરેક હૈયાનું ઘડતર જુદી જુદી કક્ષાએ પહોંચ્યું હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુરુતત્વ – સં. મૃગેશ શાહ
પસ્તી – યોગેન્દ્ર વ્યાસ Next »   

12 પ્રતિભાવો : બધું ચિંતન બધાંને ન પચે – સર્વેશ વોરા

 1. Uday Trivedi says:

  Well, I must say it is a debatable topic. You see, There is one theory saying some people need guidance to come out of darkness. Some believe we can’t make them come out of darkness , they themselves have to do it.

  I believe that combination of these two with right balance works. We must try to help our fellow brothers adn sisters to come out of darkness, provided we have access to light. At the same time, there should not be much attachment to the outcome of that. Do your duty and put rest on God (Or nature or Param tatva or Chance or whatever you believe). With effort and grace of God, we do what we are supposed to do. Whatever happens next is that person’s Karma unfolding through….

  TO decide clearly is one of the greatest assets…

 2. manvant says:

  આ લેખમાંનાં છેલ્લાં ત્રણ વાક્યો બધું જ કહી જાય છે.
  દરેકે વારંવાર વાંચવા જેવાં છે.આભાર !

 3. DHARMESH TRIVEDI says:

  MANNIYA SARVESHJI

  બધાંને બધું ચિંતન સમજાય નહીં. કારણકે ચિંતન હૈયાંનો વિષય છે અને હૈયું અનુભવથી ઘડાતું હોય છે. દરેક હૈયાનું ઘડતર જુદી જુદી કક્ષાએ પહોંચ્યું હોય છે.
  AA SHBDO SAMGRA LEKH NU PARAMHARD CHHE ANE TUNDE TUNDE MATI BHINN AVU TO SUBHASHIT MA KAHELJ CHHE NE ATLE AA BABAT YUVANE YUVANE JARUR ALAG MAHTVA RAKHTI HASE APNO VISHYVASTU KHUB CHACHA NO AVKASH DHARAVE CHHE.ABHAR.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.