પસ્તી – યોગેન્દ્ર વ્યાસ

સુજન ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે શેરીમાં પેસતાં દૂરથી જ મૃણ્મયનો ભેંકડો તેને સંભળાયો. તેને ફાળ પડી. મૃણ્મય છ વરસનો થયો ત્યાં સુધીમાં ભાગ્યે છ વાર રડ્યો હશે. અને આટલું જીદપૂર્વક, આટલું ગુસ્સાથી, આટલું મોટેથી તો ક્યારેય નહીં.

જીદ કરવાનું, ખિજાવાનું, વિરોધ કરવાનું એમના આખા ખાનદાનમાં લોહીમાં ન હતું. પિતાજી શિક્ષક. આ અઠવાડિયે જ નિવૃત્ત થવાના હતા. આખા ગામમાં એમની સ્વસ્થતા, એમની સમાધાનવૃત્તિ, એમના શાંત સ્વભાવનાં લોકો વખાણ કરતા. સુજન પોતે પણ બાપ પર ગયો હતો. લગ્ન જીવનનાં દસ વરસ દરમ્યાન ક્યારેય પત્ની પર ખિજાયો ન હતો. એની પત્નીની બેનપણીઓ આ વાત માનવા તૈયાર ન હતી. મૃણ્મય પણ એટલો જ શાંત, હસમુખો, પોતાની જ મસ્તીમાં મસ્ત. એટલે મૃણ્મયને આ રીતે રડતો સાંભળી પહેલાં તો સુજનને ફાળ જ પડેલી પણ ઘરમાં પ્રવેશતાં સાથે જ પત્નીને જોઈ એને શાંતિ થઈ. કશું અનિષ્ટ નથી બન્યું તેની ખાતરી થતાં શાંતિથી મૃણ્મયને ખોળામાં લઈ માથે હાથ ફેરવી આશ્ચર્ય સાથે ‘રાજા બેટાને કંઈ વાગ્યું તો નથી ને ! નિશાળનાં કપડાં પણ બદલ્યાં નથીને કંઈ ?’ પૂછ્યું. આ સવાલ સાંભળી મૃણ્મયનું રડવાનું વધી ગયું. એનો તંદુરસ્ત ગોળમટોળ ચહેરો રડી રડીને લાલ લાલ થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ ઉભરાતાં હતાં. જાણે સર્વસ્વ ગુમાવી દીધું હોય એવી લાચારીથી એણે પપ્પાને ખભે માથું નાખી દીધું.

સુજને તેને છાતી સરસો ચાંપ્યો. માથે, કપાળે, ગાલે ચૂમ્યો. એનાં આંસુ લુછ્યાં પણ તેના હીબકાં અટક્યાં નહીં. ‘કપડાં તો બદલો, લાડલાને ખોળામાં લઈ બેઠા છો તે રંગરોગાન થઈ જશે.’ પત્નીએ રસોડામાંથી આણેલો પાણીનો પ્યાલો એના હાથમાં પકડાવતાં હુકમ છોડ્યો.
‘કાલે ધોઈ નાખજે’ પત્નીના ગુસ્સાનું કારણ હજુ સ્પષ્ટ થતું ન હતું. તેથી તેણે હળવાશથી કહ્યું ને દીકરાને પાણી પાવાનો પ્રયત્ન કર્યો. દીકરાએ મોં ફેરવી લીધું.
‘હા, બધાંએ ગંદકી કરવીને મારે કામવાળી થવું.’ પત્ની છણકી દીકરાએ ફરીથી ભેંકણો તાણ્યો. સુજન ગુંચવાયો. દીકરાને છાતીની વધુ નજીક લીધો. ‘પણ થયું છે શું એ કહે ને ?’ તેણે સીધું પત્નીને જ પુછ્યું.
‘થવાનું શું હતું ? બધાંએ ભેગા મળીને ઘરનો ઉકરડો કરી નાંખ્યો.’ સુજને જોયું કે પત્ની આજે ખરેખરી ખિજાયેલી હતી.
બધાંમાંતો ઘરમાં માત્ર ચાર જણ હતાં. પોતે, પિતાજી અને દીકરો. પત્નીએ તો બધાંમાંથી પોતાને બાકાત રાખી હતી.

હવે તેની નજર ઘરમાં થઈ રહેલી સાફસૂફી પર પડી. ‘ઉકરડો અમે કર્યો છે કે આ સાફસૂફીને બહાને તેં ?’ તેણે વાતાવરણને હળવું બનાવવા મજાકના અવાજમાં કહ્યું.
‘તમને મજાક સૂઝે છે, પણ ઘરની સાફસૂફીમાંથી જ હું ઊંચી નથી આવતી.’ પત્નીનો મિજાજ ઠંડો પડવા માંડ્યો હતો. મૃણ્મયનાં ડૂસકાં ચાલુ જ હતાં.
‘પણ એમાં મૃણ્મય ક્યાં આવ્યો ?’ ઘરમાં થતા ઉકરડા અને મૃણ્મય વચ્ચે શો સંબંધ એ સમજવાની તે કોશિશ કરી રહ્યો.
‘પૂછો તમારા લાડલાને. લખોટીઓ, બિલ્લાઓ, છાપો, દિવાસળીનાં ને સિગરેટનાં ખોખાં, નંદવાયેલી બંગડીઓના કાચ, નકામાં ચિત્રો, આખા ગામનો ઉકરડો ઘરમાં ભેગો કરે છે. ને પાછું એ કચરાને અડકાય નહીં.’ પત્ની એકશ્વાસે બોલી ગઈને રસોડામાં ચાલી ગઈ.
મમ્મીનું પ્રવચન સાંભળીને મૃણ્મયે ફરીથી ભેંકડો તાણ્યો. સુજનને હવે ઝઘડાના મૂળનો ખ્યાલ આવ્યો ‘ક્યાં ફેંકી દીધું મમ્મીએ બધું ? ચાલ જઈને વીણી લાવીએ’ કહી મૃણ્મયને તેણે ખોળામાંથી ઊભો કર્યો.
‘આપી દીધું.’ માંડ-માંડ બોલીને મૃણ્મય ફરીથી રડી પડ્યો.
‘હા આપી દીધું. બધું પસ્તીવાળાને આપી દીધું.’ અંદર રસોડામાંથી પત્નીએ મોટેથી કહ્યું.
‘કશો વાંધો નહીં. હું તને બધું ફરીથી લાવી આપીશ.’ તેણે દીકરાને સમજાવ્યો.
‘અત્યારેજ’ દીકરો ડૂસકાં ભરતાં ભરતાં બોલ્યો.
‘ચાલ અત્યારેજ. તું આ પાણી પી લે. મોં ધોઈ નાંખ.’ તેણે દીકરાના મોં પાસે પાણીનો પ્યાલો ધર્યો.
દીકરો પાણી પીતો હતો ને તેનું ધ્યાન સામેના ઘોડા તરફ ગયું. આખો ઘોડો ખાલી હતો. હવે તેને ખરેખર ફાળ પડી. ‘આ ઘોડામાંની ચોપડીઓ, પત્રો…..’ જરા અવાજ મોટો થઈ ગયો. અવાજમાં આશંકા, બીક, થોડો ગુસ્સો ભળેલાં હતાં.
‘એ બધું મેં પસ્તીમાં આપી દીધું.’ પત્નીએ રસોડામાંથી જણાવી દીધું.
‘હેં ?’ એનો અવાજ ફાટી ગયો. ‘હું હમણાં આવું’ કહી મૃણ્મયને રડતો મૂકી તે ઘરની બહાર નીકળ્યો. પગમાં ચંપલ પહેરતો હતો ત્યાં જ પત્ની રસોડામાંથી ચાનો કપ લઈ બહાર આવી.
‘ક્યાં ચાલ્યા ? આ ચા.’
‘પસ્તીવાળો કંઈ બાજુ ગયો ?’ તેણે ઓટલો ઉતરતાં ઉતરતાં પુછ્યું.
‘એને તો ચાર પાંચ કલાક થઈ ગયા.’
‘કેવો હતો ? એણે શું પહેર્યું હતું ?’ તેણે ચિંતિત અવાજે પૂછ્યું.
‘એ બધું જોવા હું નવરી હતી ?’ પત્નીને આ ચિંતા અને અધીરાઈ સમજાતાં ન હતાં.
‘હું આવું’ કહી એ ઓટલો ઉતરી ગયો ને લગભગ દોડતો શેરીની બહાર નીકળ્યો.

લગભગ દોડતો જ તે ચાલતો હતો. દૂરથી કોઈ પસ્તીવાળાની લારી જુએ ને દોડે એને આંતરવા. એક એક પસ્તીવાળાની લારીઓ જોઈ વળ્યો. રાત પડી ત્યાં સુધીમાં પસ્તી જ્યાં વેચાતી એ એકએક દુકાન એ ફરી વળ્યો. દુકાનોમાં ને ગોડાઉનોમાં પસ્તીનો દરિયો છલકાતો હતો. કેટલીક દુકાનો અને ગોડાઉનોનાં તાળાં જોઈ એને સમજાયું કે ખાસું મોડું થઈ ગયું છે ને પસ્તીના આ દરિયા સુધી તો કદાચ એનો પસ્તીવાળો પહોંચ્યો પણ નહીં હોય. ‘કાલે વાત’ એમ મન મનાવી ચારેક કલાકની રખડપટ્ટી પછી એ પાછો ફર્યો.

ઘર તરફ જવા માટે તેના પગ ઉપડતા ન હતા. બંને પગે જાણે લકવો થઈ ગયો હતો. એને એક જ વિચાર પજવતો હતો. ‘પિતાજી નિશાળેથી પાછા ફર્યા હશે ને ખાલી ઘોડો જોયો હશે ત્યારે એમનું શું થયું હશે ?’

પિતાજીને નિવૃત્ત થવાને આડે માત્ર ચાર દિવસ બાકી રહ્યા હતા. ગઈ કાલે જ સાંજે ચા પીતાંપીતાં એ પોતાના નિવૃત્તજીવનની પ્રવૃત્તિ વિશેનું આયોજન સમજાવી રહ્યા હતા. કેટલા જતનથી એમણે કેટલાંક જૂનાં પુસ્તકો ભેગા કર્યાં હતાં. શાળામાં વિદ્યાર્થીઓને સતત વંચાવતા રહેતા. તેમાંથી કેટલાંક શાળામાંજ આપી દીધાં હતાં. થોડાંક બહુમૂલ્યવાન અપ્રાપ્ય પુસ્તકો એ પોતાની સાથે લઈ આવ્યા હતા. ‘આને વાંચનારા આમે ઓછા. સમજનાર તો સાવ ઓછા. હું એ બધાને સરળભાષામાં સમજાવવા માટે ટીકા લખવા ધારું છું.’
‘અને આટલા બધા પત્રો ?’ તેણે પૂછ્યું હતું.
‘શાળામાં મારા કબાટમાં મેં વરસો સુધી આ પત્રો સાચવી રાખ્યા. મારા દાદાના, બાપુજીના, બાના, કાકાના, મામાના, સસરાના, તારી માના, મિત્રોના, વિદ્યાર્થીઓના – કંઈ પાંચ-સાત હજાર પત્રો હશે. ઈચ્છા છે કે આખી જિંદગી ફરીથી એકવાર નવેસરથી જીવી લઉં. એ વખતે પ્રવાહમાં તણાતો હતો તેથી એ અનુભવો કદાચ ઉપર છલ્લાય રહ્યા હોય પણ હવે તટસ્થતાથી એ જિંદગીને વધુ નજીકથી, વધુ આનંદપૂર્વક જીવીને સંતોષથી મરીશ.’ એમણે સમજાવ્યું હતું.

કંઈ કેવા કેવા પત્રો હતા. સાદાં પોસ્ટ-કાર્ડ બે પૈસાથી માંડીને પંદર પૈસા સુધીનાં. રાજા-રાણીની ટપાલ ટિકિટથી માંડીને અશોકસ્તંભ સુધીની ટપાલ ટિકિટોવાળાં. પરબિડિયાં, ઈન્લેન્ડ, એરોગ્રામ, કોઈ સાવ પીળા પડી ગયેલા, કોઈ સુગંધી, કોઈની ગડી ઉકેલતાં જ છીંકો આવવા માંડે તેવા, કંઈ કેવાય અક્ષરોવાળાં.

પિતાજી કહેતા હતા કે એમના બાપુજીના અક્ષર મોતીના દાણા જેવા. એમનાં બા બે ચોપડી જ ભણેલાં. ને અક્ષર કરોળિયાના ટાંગા જેવા. બાને ઘણીવાર બાપુજી કહેતા કે દીકરાને તારું લખેલું વાંચતાં આંખે નંબર વધશે. તોય એ ભારપૂર્વક કહેતા ‘તમારી મા જેવી અભણ ઓછી છું તે તમારી પાસે લખાવું. મારા દીકરાને જાતે લખીશ.’ વેકેશનમાં પિતાજી ઘેર જાય ત્યારે મા-બાપ આ વિશે ફરિયાદ કરતાં, પિતાજી કહેતા કે, પોતે જાહેરમાં તો આ વિશે કશું કહેતા નહીં પણ ખાનગીમાં બાને કહી રાખેલું કે તારે જાતે જ લખવું. તું લખે છે ને એવું વ્હાલું લાગે છે. ને પછી તારા પત્ર પર માથું મૂકીને સૂઈ જઉં ત્યારે એવી ઘસઘસાટ ઊંઘ આવે છે.

છેલ્લે એમણે ઉમેરેલું, ‘સુજન તને કદાચ આ બધા લાગણીવેડા લાગતા હશે, પણ આજેય આ બધાના પત્રો વાંચું છું ત્યારે બધાંને મારી સાથે વાતો કરતાં સાંભળું છું. તારા અને વહુ-દીકરા સિવાય મારાં તો બધાં ગયાં. પણ આ પત્રો વાંચું છું ત્યારે લાગે છે કે બધાં મારી અંદર હજુ એવાંને એવાં જીવે છે.’

પિતાજીના આ શબ્દો એના કાનમાં પડઘાતા હતા ને તે લથડતે પગે કોઈક આત્મિય સ્વજનને સ્મશાને મૂકીને આવ્યો હોય તેમ ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં ટ્યુબલાઈટ બળતી હતી પણ જાણે પ્રકાશ ન હતો. ઘડીભર તો અંદર જવું કે ન જવુંની દ્વિધામાં તે બારણામાં થંભી ગયો. મૃણ્મય પિતાજીના ખોળામાં ઊંઘી ગયો હતો. બાજુની ખુરશીમાં બેસીને હીબકાં ભરતી પૂત્રવધુને સસરા સમજાવી રહ્યા હતા. ‘ગાંડી છું બેટા’ પસ્તી હતી ને કાઢી નાખી. ભૂતકાળ કંઈ ઓછો જ સંઘરી રખાય છે ? એમાં નકામો લાખ રૂપિયાનો જીવ ના બળાય. જે થયું તે સારું થયું. હવે મૃણ્મય સાથે નવેસરથી બાળપણ માણવાનું મળશે. એનાથી મોટું સદ્દભાગ્ય બીજું કયું ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બધું ચિંતન બધાંને ન પચે – સર્વેશ વોરા
દવાની જાહેરખબરો – જ્યોતીન્દ્ર દવે Next »   

16 પ્રતિભાવો : પસ્તી – યોગેન્દ્ર વ્યાસ

 1. Jayshree says:

  ખૂબ લાગણીસભર લેખ. ઘર યાદ આવી ગયું

 2. mavant says:

  ઘરમાંનાં આવાં વિચિત્ર પરાક્રમોની અસર બાળ ને વૃદ્ધમાનસ
  પર શી પડે ,એ ગૃહિણીઓ વિચારે છે ?સરસ લેખ.આભાર !

 3. Gira Shukla says:

  Aww… really nice story with the all emotions. i miss my grand pa so much…& all the old n treasure types papers and stuff…

  thanks…….

 4. Jawaharlal Nanda says:

  THIS REAL LIFE STORY MUST BE READ BY THE HOUSEWIVES TO IMPROVE THEIRSELVES, ! ! ! MY HEART IS CRIED AFTER READING OF THE STORY ! !

 5. Gaurang Sheth says:

  Highly moving narration….our elders only want us to understand and respect their sentiments, but most of the younger generation consider them trivial and neglect…while reading this article, I replicated it within my family and has become more sensitive to my parents’ concerns….thanks a lot to Yogendrabhai, Mrugeshbhai and readgujarati.com

 6. Naresh Dholakia says:

  Good, narration of events appeling , it seems that this has happended in our home , quite true

 7. Vishal says:

  really good story.
  A reality that happens almost in each home.

 8. Uday Trivedi says:

  Gem of a story ! this one really gave a nice feeling

 9. janki says:

  nice story and emotional too . this happens to me too, i always get yelled for saving old stuff.
  well what can we do?? we cant keep person with us then we keep thier stuff for memory.
  thanks

 10. Virendra Pandya says:

  Classic narration. Very emotional. The feeling was such that it is happening to us.
  Keep it up.
  Thanks to Readgujarati.com

 11. urmila says:

  beautiful article – shows the positive attitude of the experienced father in law who knows how to handle atmospher of the household when unknowingly someone hurts and brings the balance of understaning and hapiness back into the household – here i remember a song written by Avinash Vyas (i think) ‘mara ambolada char char phool – pahalu ful mogranu – mara sasaraji opta

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.