દવાની જાહેરખબરો – જ્યોતીન્દ્ર દવે

હમણાં કેટલાક વખતથી એક વિદેશી પૌષ્ટિક દવાની જાહેરાત વર્તમાનપત્રોમાં આવે છે, તે તરફ અચાનક મારું ધ્યાન ખેંચાયું. વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતી દવાઓની જાહેરખબરો વાંચવી એ સારું નથી, એમ ઘણા માને છે, પરંતુ સમાચાર ને તંત્રીલેખ કે નોંધ વાંચ્યા પછી કંટાળેલા મગજને જાહેરખબરના વાંચનથી ઘણો આરામ મળે છે એવો મારો અનુભવ છે. અને તેમાંયે ખાસ કરીને દવાની જાહેરખબરો તો બહુ જ રસિક હોય છે.

એમાં માત્ર દવાની જ વાત નથી હોતી, પણ માણસના શરીરની અંદર ને બહાર હવામાં, પાણીમાં અને દૂધમાં ઉત્પન્ન થતાં સુક્ષ્મ જીવડાંઓને પોતાની વસતિમાં વધારો કરી માણસની વસતિમાં ઘટાડો કરવાની તેમની અદ્દભુત શક્તિ તથા કેટલાક મનુષ્યના ઘરસંસારની હકીકતો ને વનસ્પતિ તથા ખનીજના ગુણદોષો; ઈત્યાદિ અનેક અવનવી બાબતોનું એમાં બયાન હોય છે.

આ બધું વાંચીને મને આનંદ થાય છે, પરંતુ સૌથી વધુ આનંદ તો એ વાતથી થાય છે કે માંદા માણસોની દરકાર રાખનાર દુનિયામાં કેટલા બધા પરોપકારી સજ્જ્નો છે ! ઉપર હિમાલયના શિખરોનાં ગાઢ જંગલોમાં ભટકીને નવી નવી જાતીની વનસ્પતિઓનો અભ્યાસ કરી વીસ વીસ વર્ષ સુધી અખંડ તપશ્ચર્યા ને પ્રયોગો કરીને આપણું માથું દુ:ખતું અટકાવવા માટે ‘પેઈન બામ’ ની શોધ કરી મામૂલી કિંમતે આપણને અમૂલ્ય ઔષધ આપવા તૈયાર થનારની વાત વાંચી માણસની ભલમનસાઈ ને પરોપકારવૃત્તિ માટે મને બહુ જ માન ઉત્પન્ન થાય છે. દુનિયામાં રોગો વધતા જાય છે. રોજ રોજ નવી તકલીફો ને ફરિયાદો ઊભી થતી જાય છે ને નવા નવા ઉપચારો પણ શોધાતા જાય છે. ને માનવશરીરનાં દુ:ખ ને દર્દો દફે કરવાને સ્થળે સ્થળેથી અનેક પરોપકારી પુરુષો ને સંસ્થાઓ મેદાનમાં આવતા જાય છે. આ સૌ વાંચી કોનું હ્રદય આનંદ ને અભિમાનથી ઉભરાઈ નહિ જાય ?

આ જાતની દવાઓની જાહેરખબરો વાંચીને એ દવા મંગાવીને તેનો ઉપયોગ કરનારાઓ હેરાન થાય છે. પૈસાની બાબતમાં તેઓ મુંડાય છે એટલું જ નહિ, પણ આ જાતની અજાણી દવાઓના સેવનને લીધે એમની તબિયતને પણ બહુ નુકશાન થાય છે, એમ કેટલાક ફરિયાદ કરે છે. એમની ફરિયાદ ખોટી છે એમ હું કહી શકું એમ નથી, પરંતુ મને લાગે છે કે સારી શિખામણનાં પુસ્તકોને શાસ્ત્રોની પેઠે દવાની જાહેરખબરો પણ વાંચવા માટે છે, અમલ કરવા માટે નહિ. એના વાંચનમાં જે રસ પડે છે, તે જ બસ છે. વધારે ડાહ્યા થઈને એને અજમાવી જોવાની જરૂર નથી અને કદાચ માથાના દુ:ખાવા પર રામબાણ ઈલાજ તરીકે મશહૂર એવા કોઈક પેઈનબામથી કોઈકનું માથું દુ:ખતું ન મટે એટલું જ નહિ, પણ વધારામાં કપાળ પર ફોલ્લીઓ થાય તો તેમાં ‘પેઈન બામ’નો કે એની જાહેરાતનો વાંક કાઢવો તે મને બરાબર લાગતું નથી. રોગીનો રોગ જાય એવી દવાની અલબત્ત જરૂર છે જ, પરંતુ તે મળે અથવા મળે તે દવાથી એનો રોગ ન જાય, તો પણ કોઈની સહાનુભૂતિ એને મળે, કોઈ તરફથી એને હૂંફ મળે તોય એને અરધો આરામ થાય છે. આ રીતે દવાની જાહેરખબર વાંચતાં મારા દુ:ખ વિષે કાળજી કરનાર કોઈક છે, એને મટાડવા એ કેટલી બધી મહેનત કરે છે ને મારે માટે કેવા આશ્વાસનના શબ્દો કાઢે છે, એ જાણી અને ઘણી રાહત મળે છે. દવાની જાહેરખબરથી આટલું થાય તો એ ઓછું નથી.

આ ઉપરાંત એ જાહેરખબરો ઘણી બાબતમાં ઉત્તમોત્તમ સાહિત્યની કૃતિઓ સાથે સરખાવી શકાય એવી હોય છે. વીર, કરુણ, શૃંગાર ને કવચિત્ હાસ્યરસનાં પણ એમાં દર્શન થાય છે. જો કે સૌથી પ્રધાન રસ તો એનો અદ્દભુત રસ હોય છે. વિવેચકો કહે છે કે ઉચ્ચ પ્રકારની દરેક સાહિત્યની કૃતિમાં બીજા રસ સાથે અદ્દભુત રસ તો હોય જ છે, તેમ આ બધી જ જાહેરખબરોમાં વધતા ઓછા પ્રમાણમાં અદ્દભુત રસ રહેલો જ છે, પરંતુ હમણાં જે જાહેરખબરો તરફ મારું ધ્યાન ખેંચાયું તેમાં જેવો અદ્દભુત મેં જોયો તેવો બીજો કોઈ ઠેકાણે જોયો નથી. ઈશ્વરને માટે કવિએ કહ્યું છે તેમ સૌ જાહેરખબરોમાં આ જાહેરખબર વિષે કહી શકાય કે “સહુ અદ્દભુતોમાં તું જ સ્વરૂપ અદ્દભુત નિરખું !”

એમાં વર્ણન કર્યું છે તે મુજબ આ દવા ખાવાથી માણસની ઉંમરમાં 30 વર્ષ જેટલો ઘટાડો થઈ જાય છે ! સિત્તેર વર્ષની એક સ્ત્રીએ સાત દહાડા આ દવા ખાધી એટલે એ ચાળીસ વર્ષની થઈ ગઈ (અને, જાહેરખબરમાં લખ્યું નથી પણ આપણે ઉમેરી શકીએ કે નેવું વર્ષનો એનો પતિ હૃદયને એકાએક આઘાત લાગવાથી મરી ગયો !) આ વાંચીને મને થાય છે કે એ તો નેવું કે સિત્તેર વર્ષની સ્ત્રીએ દવા ખાધી, પણ કોઈક 35 વર્ષના પુરુષે ખાધી હોત તો એ બિચારો પાંચ વર્ષનો બાળક બની જાત અથવા કોક 30 કે 29 વર્ષની વ્યક્તિએ એનું સેવન કર્યું હોત તો તેને માટે ફરી જનમવાનો પ્રસંગ ઊભો થાત. પચાસ વરસની અંદરનાએ આ દવા ન ખાવી એવી એમાં ચેતવણી પણ નથી આપી. એટલું જ નહિ પણ બાળક, જુવાન, વૃદ્ધ બધાને માટે આ દવાની ભલામણ કરવામાં આવી છે. કોઈ પાંચ વર્ષનું બાળક ભૂલ્યેચૂક્યે આ દવા ખાય ને એની ઉંમરમાં ત્રીસ વર્ષનો ઘટાડો થઈ જાય તો પરિણામ કેવું ભયંકર આવે ! એની ઉંમર 25 વર્ષ પહેલાંની થઈ જાય; એટલે કે આ દુનિયામાંથી 25 વર્ષ માટે અદશ્ય થઈ જઈને પછી એને ફરી જન્મ લેવો પડે !

પછી આથીયે વધુ અદ્દભુત વાત તો બીજી છે. આ દવા એક કાચની શીશીમાં લાંબો વખત પડી રહી હતી. હવે સાધારણ રીતે કોઈ પણ દવા લાંબો વખત શીશીમાં પડી રહે, ત્યારે એ દવા બગડી જાય છે ને શીશીને કંઈ થતું નથી. બહુ બહુ તો દવા ઢોળી નાખી શીશી સાબુના પાણીથી સાફ કરવી પડે છે. પણ આ કિસ્સામાં દવાને કંઈ થયું નહિ ને શીશીની તબિયત એકદમ સુધરી ગઈ. એનો કાચ બરડ હતો તે પોલાદ જેવો નક્કર બની ગયો ! હથોડાના ઘા એના પર મારવામાં આવ્યા તો પણ એ ભાંગી નહિ. માણસના શરીર કાચ જેવાં કહેવાય છે. ટકોરો વાગતાં એ તૂટી જાય એવાં હોય છે, પણ એ કરતાં વધારે બાબતમાં માણસના શરીર ને કાચ વચ્ચે સરખાપણું હોય એમ મને લાગતું નથી. એ દવાથી કાચની તબિયત સુધરે છે, પણ તેથી માણસના શરીર પણ એના વડે લોખંડ જેવા નક્કર થઈ જશે, એમ કહેવાય ?

પરંતુ દરેક બાબતમાં અદ્દભુત ચમત્કારો દાખલ કરવાની આપણને એટલી ટેવ પડી ગઈ છે કે એમાં કોઈ જાતનો વિવેક કરવાની આપણે જરૂર જ જોતાં નથી. આ વૃત્તિથી પ્રેરાઈને આપણે મહાપુરુષો અને ભક્તોને જાદુગર બનાવી મૂક્યા છે. કોઈ માણસથી ન થઈ શકે એવાં કામ એમની પાસે કરાવ્યાં છે. પવિત્ર જીવન ગાળીને દુનિયાને આદર્શ આપી જવો એ જ એમનું કર્તવ્ય છે, એમ માનીને ન ધરાતાં આપણે એમની પાસે અકાળે વરસાદ અણાવ્યો છે, સમુદ્રના ભાગ પડાવ્યા છે, મુડદાંઓને બેઠાં કરાવ્યાં છે, મૂગાઓને બોલતાને બોલતાઓને મૂગા બનાવડાવ્યા છે.

માણસની બાબતમાં જ નહિ, પણ જડ વસ્તુઓની બાબતમાં પણ આવી ચમત્કારિક વાતો જોડી કાઢ્યા વગર આપણને ચેન પડતું નથી. તાનસેને દીપક રાગ ગાયો ને શહેરમાં દીવા પ્રગટ્યા એવી દંતકથા છે. આ દંતકથાનો હેતુ તાનસેન ને સંગીતનો મહિમા વધારવાનો હોય તો તે ખોટો છે, એમ કહેવું જોઈએ. બીજી બધી કલાઓની પેઠે સંગીતકલાનો હેતુ પણ સાંભળનારનાં હૃદયને ડોલાવી એને અપૂર્વ આનંદ આપવાનો જ છે. એ કાર્ય એ જેટલે અંશે કરી શકે, તેટલે અંશે એને સફળતા મળી ગણી શકાય. દીવા સળગાવવા એ સંગીતનું કાર્ય નથી. દીવા તો હજામ પણ સળગાવી શકે અને અસલ શેરીઓમાં હજામો જ દીવા સળગાવતા તેમ જ દીવા સળગાવવા માટે કંઠને મહેનત આપી ગાયન ગાવાની પણ જરૂર નથી. આજે તો ચાંપ દબાવતાં એ કામ બિલકુલ તકલીફ વગર થઈ શકે છે.

એવી પણ એક વાત મેં સાંભળી છે કે આગલા જમાનામાં થઈ ગયેલા એક સુપ્રસિદ્ધ ગાયકે એક વખત માલકોષ રાગ ગાયો હતો, ત્યારે ખંડમાં સળગતી હાંડીઓ ફૂટી ગઈ હતી. આમાં હાડીઓ બહુ જ તકલાદી હતી કે ગવૈયાનો અવાજ કોઈ માણસનો ન હોય એવા બોમ્બના ધડાકા જેવો હતો તે નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ હાંડીઓ ફોડવાથી કોઈ પણ રાગની કે એ રાગના ગાનારની આબરૂ વધતી નથી. તો એટલું જ કહેવું જોઈએ કે હાંડી ફોડવા માટે એટલી બધી તકલીફ ઉઠાવવાની જરૂર જ નથી. કોઈ પણ બાળક પથ્થર ફેંકીને કે સોટી ફટકારીને ઘણી જ સહેલાઈથી હાંડીઓ ફોડી શકે. આજે પણ ઘણાં બાળકો જો ઘરઘણી વાંધો ન લે તો એ કામ કરવાને તૈયાર છે. ખરી રીતે જોતાં દીવા સળગાવવાનું કે હાંડી ફોડવાનું કામ સંગીતનું નથી, છતાં સંગીતનો મહિમા વધારવા ખાતર એવી વાતો જોડી કાઢવામાં આવે છે.

એ જ રીતે દવાનું કામ બાટલીની તબિયત સુધારવાનું નહિ, પણ માણસની તબિયત સુધારવાનું છે. આમ છતાં એ દવા કેવી અદ્દભુત છે તેનો ખ્યાલ આપવા ખાતર આવી વાત કરવામાં આવે છે. માણસો એ દવા ગળે ઉતારવા કદાચ તૈયાર થાય, પણ આ વાત તો એમને ગળે ભાગ્યે જ ઊતરે. આવો દાવો કરવાને બદલે સાદીસીધી વાત કહી હોત કે : “ભાઈઓ, આ અમારી દવા ઘણી સારી છે. જેણે જેણે એ ખાધી છે, તેને ઘણો ફાયદો થયો છે. તમે પણ જો નબળા હો તો એ દવા અજમાવી જુઓ. મોટે ભાગે તો તમને ફાયદો થશે જ. અને ન થાય તો તમે અને અમે બંને દિલગીર થઈશું. એથી વધારે આપણે કાળા માથાના માનવીઓ કરી પણ શું શકીએ? દરેક કિસ્સામાં સંપૂર્ણ સફળ થાય એવી દવા હજી સુધી કોઈએ શોધી નથી અને એવો ખોટો દાવો અમારે કરવો પણ નથી.”

પરંતુ આ રીતે જો કોઈ પોતાની દવાની જાહેરાત કરે તો એ માણસ મજાક કરે છે એમ ઘણાને લાગે, એવો સંભવ છે. તદ્દન સાદી અને સીધી વાત લગભગ આપણા જીવનમાંથી જતી રહી છે. અતિશયોક્તિ વગરનું, મીઠુંમરચું ભભરાવ્યું ન હોય એવું, કંઈ પણ લખાણ ભાગ્યે જ અસર કરે છે. ખાવાની બાબતોમાં જેમ આપણને મરીમસાલા વગર ચાલતું નથી, ખાદ્ય પ્રદાર્થનો કુદરતી સ્વાદ આપણને બિલકુલ રુચતો નથી, તે જ રીતે બધી બાબતમાં મરીમસાલા વગર આપણને કંઈ પણ સ્વાદ આવતો નથી.

શાકભાજી ઘણાં મોંધા થઈ ગયાં હતાં, ત્યારે મારા એક ઓળખીતા ગૃહસ્થ દરિયાકાંઠેથી ગોળ પથ્થરો વીણી લાવીને તેનું શાક બનાવતા ! મને એ વાતની ખબર પડી ત્યારે મેં એમને પૂછ્યું : ‘તમે હવે તો પથ્થર પણ ખાવા માંડ્યા એ સાંભળ્યું છે, એ શી વાત છે ?’
‘હું પથ્થર ખાઈ જતો નથી, પણ એનું શાક બનાવીને તેનો ઉપયોગ ફક્ત જીભને સ્વાદ મળે એટલા પૂરતો કરું છું.’ એમણે જવાબ દીધો.
‘એટલે શું ? પથ્થરનું શાક શી રીતે બનાવો છો ?’ મેં પ્રશ્ન કર્યો.
એમણે ખુલાસો કરતાં કહ્યું : ‘જુઓ, આપણે બધા દૂધી, વેંગણ, ભીંડા, તુરીયાં, કારેલાં વગેરે વગેરે શાકો ખાઈએ છીએ, ખરું કેની ?’
‘હા,’ મેં જવાબ દીધો.
‘પણ ખરી રીતે એ શાક કરતાં આપણું ધ્યાન મસાલા તરફ વધારે હોય છે.’ એમણે કહ્યું અને ઉમેર્યું : ‘આપણે જે શાક બનાવીએ છીએ તેનો મૂળ સ્વાદ શો હશે તે જાણતા પણ નથી. પણ એમાં રાઈ, મીઠું, હીંગ, મરચું, તેલ વગેરે મસાલો નાંખીને એક જુદી જ વસ્તુ ઉત્પન્ન કરીએ છીએ. હવે અહીં શાક મળતાં નથી. એટલે હું આ ગોળ કાંકરા લઈ આવ્યો છું. એને સાફ કરીને ચણાના લોટમાં તૈયાર કરી એમાં ભરપટ્ટે મરીમસાલો નાખું છું ને વઘાર કરું છું. એ તૈયાર થાય છે ત્યારે ઉપરથી મસાલો ખાઈ જઈને કાંકરા ચુસીને થાળી બહાર ગોઠવી દઉં છું. એને ફરી પાછા સાફ કરી બીજીવાર ઉપયોગમાં લઉં છું. આમ મને શાક ખાવાનો સંતોષ મળે છે ને ખરચ થતો નથી.’

એમણે તો પૈસા બચાવવા ખાતર એવો પ્રયોગ કર્યો હતો, પણ એમની જે મૂળ વાત છે કે આપણે શાકભાજીના અસલ સ્વાદની પરવા કરતા નથી, આપણને તો મરીમસાલો જોઈએ છે તે તદ્દન સાચું છે.

આપણી જીભની જે સ્થિતિ થઈ છે તે આપણા મગજની પણ થઈ છે. વસ્તુનું કુદરતી ને સ્વાભાવિક વર્ણન કે દર્શન એને ગમતું નથી. એને તો ખૂબ શણગાર સજીને ભપકાબંધ એના આગળ એ રજૂ કરવામાં આવે ત્યારે જ સંતોષ થાય છે, અને આટલા ખાતર જ, કુદરતી રીતે જ લોકોનું ધ્યાન ખેંચે એવી સુંદર તરુણીને પણ પાવડર, લીપસ્ટિક ને ઘરેણાં તથા લૂગડાંની ટાપટીપનો આશ્રય શોધવો પડે છે. શણગાર વગર આવતું સૌંદર્ય પણ આકર્ષક ન નીવડે તો અતિશયોક્તિ વિનાની જાહેરખબર કાર્યસાધક શી રીતે થઈ શકે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પસ્તી – યોગેન્દ્ર વ્યાસ
કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ Next »   

19 પ્રતિભાવો : દવાની જાહેરખબરો – જ્યોતીન્દ્ર દવે

 1. Jayshree says:

  ” સારી શિખામણનાં પુસ્તકોને શાસ્ત્રોની પેઠે દવાની જાહેરખબરો પણ વાંચવા માટે છે, અમલ કરવા માટે નહિ. ”

  Nice Comedy Article..

  હસવા હસવામાંજ ઘણી સરસ વાત રજૂ થઇ છે. બધી બાબતમાં મરીમસાલા વગર આપણને કંઈ પણ સ્વાદ આવતો નથી.

 2. janki says:

  nicely sarcastic written but funny story.

  yeah nowadays we tend to care for only outside appearance

 3. manvant says:

  કોઇ હસ્યા વિના ન રહી શકે ,એવી આ લેખકની અનુપમ
  શૈલીથી ગુજરાત પરિચિત છે.વાસ્તવિક જીવનનું દર્શન
  તેઓ સરસ રીતે રજૂ કરી શકે છે!.આભાર મૃગેશભાઈ !

 4. Hitesh Dixit says:

  Brilliant piece, as expected, from Jyotindra Dave.

  BTW, for those readers who may not be aware, the writer of this piece passed away about 20 yrs back and this piece must have been written at least 30 yrs back, if not more!!

  Mrugeshbhai, can you refer from the source and tell us approx.year?

  Thanks!
  Hitesh.

 5. varun patel says:

  i like 2 J.D.s……The article of J.D. (Jyotindra Dave) ….. The peg of J.D. (Jack Daniel) scotch…

  Can’t help but laugh…..

 6. Vikram Bhatt says:

  Hitesh Dixit suggested that this article must be 30 years old, Varun patel also reminds JD & JD scotch. If we mix both the version, old wine kicks more.
  Apart from joking, also to note the relavence of 30 years old article in present context.
  Such article shows that why JD is JD. Evergreen.
  VB

 7. Kamal Lukha says:

  Gujaratna Panota Hasyaputra saman Jyotrindrabhai ni bahuparichit hashyashaili bhagyej koine khadkhadat hasta roki rakhe…

  Capsule ni jem kadvi pan satya hakikat saras hasyakatha rupe kahi chhe…

 8. NARHARI HALBE says:

  a very original comedy pointing out our human nature.A very live after these many years.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.