ગુંચવાડાનો લ્હાવો લીજીયે રે !… – બકુલ ત્રિપાઠી

[‘બકુલ ત્રિપાઠીનું તેરમું…’ પુસ્તકમાંથી સાભાર.]

કોઇ વાર એવું બને છે કે મારી ટેલિફોન લાઇન બીજા કોઇના ટેલિફોન જોડે જોડાઇ જાય છે. એટલે એક સાથે ત્રણ જણ ટેલિફોન કરતા હોય એવી સ્થિતિ ઊભી થાય છે. ક્યારેક તો ચાર જણ ! આપણો પોતાનો પતંગ ચગતો હોય ત્યાં બીજા કોઇ બે જણ આવીને ઝોલ નાખે એવું થાય છે! પછી વિનંતીઓ, ખુલાસા, આગ્રહભરી વિનંતીઓ અને હાકલા પડકારા શરૂ થાય છે.

‘મિસ્ટર તમે હઠી જાઓ.’
‘પણ અમારો ફોન પહેલેથી ચાલુ છે !’
‘તે બરાબર, પણ હવે આપણી લાઇનો ગૂંચવાઈ ગઈ છે, તમે બંધ નહીં કરો ત્યાં સુધી આમ જ રહેશે.’
‘તમે રિસીવર મૂકી દો મિસ્ટર.’
‘અમારી વાત ચાલુ છે.’
‘અમારી વાત ચાલુ છે.’
‘અમારી વાત પણ ચાલુ છે. તમે ફોન મૂકી દો ને કહું છું…’
‘તમે મૂકી દો… સુરેન્દ્ર, મોટેથી બોલ, વચ્ચે કોઇ ડબડબ કરે છે એટલે સંભળાતું નથી…. શું કહ્યું ? હા… મેં પછી માસીને કહ્યું કે જો સુરેન્દ્રને મન ન હોય તો વિચાર માંડી વાળે…. એટલે માસી કહે…’
‘એ માસીના ભાણેજ… રિસીવર મૂકી દેને ! વાત ચાલે છે, સાંભળતો નથી ? … મૂકી દેને અલ્યા કહું છું… તમને નહીં મંગળદાસ, તમને નહીં…. આ તો કોઇ ડફોળની જોડે આપણી લાઇન મિક્સ થઇ ગઇ છે અને ચૌદશિયો મૂકી દેતો નથી…’
‘માસી મને કહે કે નરેન્દ્ર, સુરેન્દ્રનો વિચાર ન હોય અને તારો વિચાર હોય તો તું હા પાડી દે…’
‘મિસ્ટર, તમે પ્લીઝ વચ્ચેથી ખસી જશો ? અમારે અગત્યની વાત ચાલે છે… તમે ટેલિફોન બંધ કરો ને યાર !…. કહું છું ટેલિફોન બંધ કરો ને દોસ્ત… મંગળદાસ… તમને નહીં… તમે ચાલુ રાખો… મંગળદાસ.. હલો… હલો… મંગળદાસ..’
‘પછી માસા વચ્ચે પડ્યા ને માસીને કહે તુ ડાહી ના થાને ! સુરેન્દ્રને જે કહ્યું હશે તે કરશે, પણ મેં કહ્યું માસા, તમે આમાં વચ્ચે શું કામ પડો છો ?…’
‘તમે વચ્ચે પડ્યા છો મિસ્ટર… ફોન અમે પહેલો જોડેલો…’
‘હલો… મંગળદાસ.. મંગળદાસ..’
‘હલો, હલો, હલો…’

મને પોતાને આવી સ્થિતિ ગમે છે ! મારા ફોન કોઇની જોડે ગૂંચવાઇ જાય છે ત્યારે મને તો ઊલટો આનંદ થાય છે – બીજાઓની વાત સાંભળવા મળે ને – તે માટે ! હું જો ઉપરના સંવાદમાં મંગળદાસ નો મિત્ર હોઉં તો મંગળદાસને કહું કે તું ચૂપ રહે અને પેલાઓનો સંવાદ સાંભળવાનું ચાલુ રાખ – નરેન્દ્રનું શું થયું ? સુરેન્દ્રનું શું થયું ? માસા-માસી એની વાતમાં વચ્ચે પડ્યાં એમાં પછી આગળ શું થયું ? નરેન્દ્ર માસી ને માસા વચ્ચે પડ્યો ખરો ? એની અસર સુરેન્દ્રની ‘પેલી બાબતમાં’ શું થઇ ? સુરેન્દ્ર કોઇની વચ્ચે પડ્યો ખરો કે માત્ર માસી-માસાને જ એકબીજાની વચ્ચે પડવાની છૂટ હતી ? છેવટે વિજય કોનો થયો ? સુરેન્દ્રનો ? નરેન્દ્રનો ? માસાનો કે માસીનો ? … મોટે ભાગે માસીનો જ થયો હશે !

ઉત્તમ રેડિયો-નાટક સાંભળ્યા જેવો સંતોષ મને થાય છે, લાઇનો એન્ટેંગલ થઇ જાય છે ત્યારે !

પણ શું કરું ? મારો ટેલિફોન સારો છે (નસીબ મારાં !) – એટલે વારંવાર લાઇનો મિક્સ થઇ જતી નથી. કોઇ એવો મિકેનિઝમ શોધવો જોઇએ કે જે મુજબ આપણે ધારીએ ત્યારે આપણી લાઇન બીજાની લાઇન જોડે ગૂંચવાઇ જાય…!
‘એ ના ચાલે !’ મારા એક ટેલિફોન ઑફિસના જાણકાર મિત્ર કહે છે ‘ટેલિફોન ટેપિંગ ગેરકાયદેસર છે.’
‘પણ આપણે ક્યાં પોલિટિશિયનોના ટેલોફોન ટેપ કરવા છે ? આપણે તો નરેન્દ્ર, સુરેન્દ્ર, માસા અને માસી વચ્ચેનું નિર્દોષ પણ મનોરંજક જીવંત નાટક…’
‘એ ના ચાલે. પારકી વાતો સાંભળવી એ ગેરકાયદેસર છે, એને ઇવ્ઝડ્રોપિંગ કહેવાય.’
‘જાણી જોઇને ઇવ્ઝડ્રોપિંગ ન કરીએ પણ જો પ્રભુકૃપાએ આપોઆપ એવી તક મળે…’
‘ના ચાલે’ એમણે કહ્યું.

પણ હું તો એવી તક શોધતો જ રહું છું. આ સંસારમાં જ્ઞાનવૃધ્ધિની શ્રેષ્ઠ તક છે, પારકાનો સંવાદ એની જાણ બહાર સાંભળવો એ ! આ પાપ છે એ હું જાણું છું પણ ઇશ્વર જો આપણને સરળતાથી પાપ થઇ શકે એવી સ્થિતિમાં મૂકી દે તો આપણે માની લેવું જ રહ્યું કે આપણે પાપ કરીએ એવી ઇશ્વરની ઇચ્છા છે. મને શેરબજારના ભાઇઓ વચ્ચ એના ટેલિફોન સાંભળવા બહુ ગમે છે !

‘છેતાળીસ થાય એટલે કાપી નાખજે.’
‘એ તો ઠીક, પણ ગરવારેમાં પડવું છે કે નહીં ?’
‘એ દબાય એની રાહ જોવી છે મારે !’
‘એક પાર્ટી છે તૈયાર…’
‘ગરવારે માટે ?’
‘હા, કહે છે જોડે પડવું હોય તો પડીએ ! બે મહિનાનો કિસ્સો છે પછી કાપી નાખવાના…’
‘પણ લટક્યાં તો ?’
‘છાતી જોઇએ, બોલ પડવું છે ?’
એવા ઉત્સાહમાં આવીને બોલી બેસું છું…. ‘હા, મારે પડવું છે !’ અને તરત પેલાઓ ચમકે છે. એ કોણ છે વચ્ચે ? મિસ્ટર વચ્ચેથી હઠી જાઓ…’ વગેરે… વગેરે… વગેરે…

પારકા ટેલિફોન સાંભળવાની શરત એ છે કે, તમારે ચૂપ રહેવું જોઇએ ! તો જ પેલા લોકો વાતો કર્યા કરે. તમારે તો તમારી શંકરજટામાં પેલી વાણીગંગા ઝીલ્યા જ કરવાની ! હા, વચ્ચે વચ્ચે કંટાળો આવે તો એકાદ બેવાર કૂકડે કૂક કરીને કૂકડો બોલાવી દેવો !
‘એ શેનો અવાજ આવ્યો ?’
‘અવાજ આવ્યો ખરો.’
‘કોઇની લાઇન જોડાઇ ગઇ લાગે છે.’
પણ કૂકડો બોલાવ્યા પછી આપણે તો એકદમ જ ચૂપ જ થઇ જવું ! પેલાઓ થોડી વારે વાત શરૂ કરશે, ‘ગોરધનદાસનાં વાઇફ હૉસ્પિટલમાં છે. તું જોઇ આવ્યો કે નહીં ?’
‘ગોરઘન લલ્લુની વાઇફ?’
‘હા’
‘કઇ વાઇફ ?’
‘કેમ વળી ! જે વાઇફ છે તે.’
‘પણ એને તો બે હતી ને ? બીજી છે ! … ઘણીવાર માટુંગા વેસ્ટ ઊતરી જાય છે તે…’
‘એ એની વાઇફ નથી… યાર..’
‘નહીં ?’
‘નહીં’

આ વખતે તમને કંટાળો નહીં આવે, છતાંયે મન થાય તો મોટેથી પૂછવું, ‘તમારા વાઇફને કેમ છે ?’
‘એ કોણ છે ? લાઇન પર કોઇ છે. કોઇ છે લાઇન પર !’
તમે હવે ફરીથી કૂકડો બોલાવી શકો છો ! બિલાડી પણ બોલાવી શકો ! પણ કૂકડો બોલાવવો વધારે સરળ પડે છે !

હું જાણું છું કે આ કંઇ બહુ સારું ન કહેવાય. પણ તમે શું કરો ? જો પેલાઓને લાઇન પરથી હઠી જવાનું કહેશો તો હઠવાના નથી. ઘણી વાર તમે હઠી જવાની ઉદારતા દાખવી રિસીવર મૂકી દો છો તો થોડી વારે પાછું ઉપાડો છો ત્યારે ગોરધનદાસ માટુંગા કેમ ઊતરી જાય છે ને પેલી કોણ છે એની જ વાત ચાલતી હોય છે.

તો પછી આપણે સાંભળવી ! અકળાવાનું નહીં, આનંદ લેવો ધૃતિપૂર્વક ! આજનો લાવો લીજીયે રે… કાલ કોણે દીઠી છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભજનગંગા – સંકલિત
જીવનની બારી – પ્રણવ ત્રિવેદી Next »   

18 પ્રતિભાવો : ગુંચવાડાનો લ્હાવો લીજીયે રે !… – બકુલ ત્રિપાઠી

 1. Jayshree says:

  આ પુસ્તકનું શીર્ષક : “બકુલ ત્રિપાઠીનું તેરમું”… વાંચીને જ હસવું આવી જાય… અને નીચે ઝીણાં અક્ષરે લખ્યું છે:

  ” ….. હાસ્યપુસ્તકસ્તો ! તમે શું કંઇ.. બીજું સમજ્યા ? ખરેખર ?
  શરમાઓ જરા શરમાઓ આવા ખરાબ ખરાબ વિચારો કરતાં ! શરમ છે તમને ?

  જેનું શીર્ષક જ આટલું હસાવે.. એના લેખ વાંચો તો હસવું ક્યાંથી રોકાય ?? ખરેખર, મઝા આવી ગઇ…!!

 2. Neela Kadakia says:

  બકુલ ત્રિપાઠી નામ જ વાંચતાં એક બેઠીદડીનો આકાર નજર સમક્ષ આવી જાય છે પછી એમ થાય કે હસાવવાની કળાથી ભરપૂર છે આ વ્યક્તિ.
  આ કળાને તેમજ આ વ્યક્તિને મારા પ્રણામ.

  નીલા

 3. સુરેશ જાની says:

  બકુલ ત્રિપાઠીના પિતાશ્રી અમને ગુજરાતી શીખવતા અને તેમનાં પત્ની કોલેજમાં ગણિત. પણ ઠોઠ નિશાળીયા સાથેની સંગત તો છાપામાં સતત રહેતી.
  મૃગેશ ભાઇ એક સૂચન …
  હવે તમારા ખજાનામાં એટલી બધી સંપત્તિ અથવા, મારા જેવા ચટક સવાદીયાના શબ્દોમાં કહીએ તો મીઠાઇ ભરેલી છે, કે કેલેન્ડરની પળોજણમાં પડ્યા વિના જ સીધા આપણા મનગમતા લેખકના લેખ વાંચવા હોય તો તે મળી જાય તેવી અનુક્રમણિકા પણ બનાવો તો કેવું? કદીક આપણે હસવાના મુડમાં હોઇએ તો કદીક કવિતા વાંચવાના , તો આવું કૈંક હોય તો સરળતા રહે.

 4. અમિત પિસાવાડિયા says:

  આજે તો હસવાની બહુ મજા પડી , 🙂
  આભાર મૃગેશભાઇ … :))

 5. manvant says:

  હાસ્યરસથી ભરપૂર વાંચન મળ્યું.લેખક અને
  રજૂકર્તાનો આભાર !

 6. Gira says:

  HAHAHA………….
  LOLOLOOLOOLLL…..totaly funny… always like to read… any book of Bakul Tripathi…. really nice… fantastic….:D 😀 😀

  thanks to the author…..;)

 7. Devendra Shah says:

  Dear Sir Bakulbhai Tripathi,
  I know you personally. I was your student in H.L. College. I still remember your joke(!) S V Desai saheb aws taking salutes and you were walking before him. …and you realize near Mithakhali …
  You are great ! namaskar.

 8. Amol Patel says:

  Gujarat thi dur rahi ne pan, gujarati sahitya wanchwani, manvani tak aapva badal aap sauno khub khub aabhar.

 9. Bakulbhai Tripathi has always been my favourite writer; I have all his 15 or 16 books published so far starting from `SACHRACHRMA’ and read them over and over again;the articles always make you smile even if you have read them umpteen number of times. Congratulations to Mrugeshbhai and my Pranams to Bakulbhai.

 10. nilesh patel says:

  બહુ મજા આવિ હો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.