જીવનની બારી – પ્રણવ ત્રિવેદી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (રાજકોટ) નો ખૂબ ખૂબ આભાર ]

ધડામ…! પવનના વેગથી બારી બંધ થઈ અને પલ્લવીની તંદ્ર તૂટી. મનોમન તે બબડી પણ ખરી કે હજુ કેટલી બારી બંધ થવાની હશે કોને ખબર ? હજુ હમણાં તો વનમાં પ્રવેશેલી પલ્લવીએ જીવનમાં અનેક બારીઓને બંધ થતાં જોઈ હતી અને અંતરની કોઈ અતૂટ શ્રદ્ધાના બળે નવી બારીઓ ખોલી પણ હતી.

બહાર ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો હતો. વાતાવરણમાં ભીનાશ હતી અમે પલ્લવીની કોરી આંખો સામે જીંદગીના વિવિધરંગી દ્રશ્યો કોઈ ફિલ્મની જેમ પસાર થઈ રહ્યા હતા. આવી જ એક વરસાદી સાંજે કૉલેજમાં એક રક્તદાન શિબિરમાં પોતે પ્રથમ વખત સુધિરને મળી હતી. પોતાના પહેરવેશ પ્રત્યે બેદરકાર અને કંઈક ધૂની જેવા લાગતાં સુધિર શાહની ઓળખાણ તેને એક અધ્યાપકે કરાવી ત્યારે મનમાં ઊંડે ઊંડે અનુભવેલી ઝણઝણાટીની પોતે અવગણના કરી હતી. પરંતુ પછીના એક વર્ષ દરમિયાન આ પરિચય એક સુદ્રઢ પરિણયમાં પરિણમ્યો ત્યારે મનમાં મુગ્ધ મેદાનો પર ગુલાબી ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી. આર્મી ઑફિસરની પુત્રી હોવાને કારણે પલ્લવીનો પોતાનો રોફ પણ ક્યાં ઓછો હતો ? અને સામે પક્ષે સુધિરનું મુફલિસી વ્યક્તિત્વ ! એક વૈશાખી બપોરે પલ્લવીએ પ્રેમ ખાતર પરિવાર છોડ્યો અને જીવનની પ્રથમ બારી બંધ થઈ હતી.

લગ્નજીવનના પ્રારંભના દિવસો તો મુગ્ધતાના કેફમાં વીતી ગયાં. સ્વભાવની વિસંગતીઓ અતિપરિચયમાં જ નજરે ચઢે છે. એ સત્ય પોત પ્રકાશીને જ રહ્યું. સ્થાયી આવકનો અભાવ અને પારિવારિક છત્ર બનવાં પ્રત્યેની સુધિરની બેદરકારી અવારનવાર બન્ને વચ્ચે ઘર્ષણનું કારણ બનતી. મનની તિરાડ પુરાઈ જવાની તમામ શક્યતાઓને અતિક્રમી ગઈ ત્યાં સુધીમાં એક પુત્ર અને એક પુત્રીનું પરિવારમાં આગમન થઈ ચુક્યું હતું. પલ્લવીને જીવનની કઠોરતા સમજાતી ગઈ અને તેણે પોતાના અભ્યાસ અને ખંતના સહારે સારી નોકરી મેળવી લીધી. સમય એક વહેતી હવા છે જે રોકી રોકાતી નથી. વીતતા સમય સાથે બન્ને વચ્ચેનું અંતર વધતું ચાલ્યું. પ્રેમ અને આકર્ષણ જો વિચારોની સમરસતા અને સમજણ નિષ્ઠાના પાયા પર ન રચાયા હોય તો તકલાદી નીવડે છે. જીવનની વધુ એક બારી બંધ કરવાનો નિર્ણય લેતા પહેલાં પલ્લવીને અનેક રાતોની ઊંઘ બલિદાન કરવી પડી હતી.

બન્ને છુટા પડ્યાની ક્ષણ પછીના ચોવીસ કલાક પલ્લવીન હજુ આજે પણ યાદ છે. નજર સામે કિશોરી બનેલી પુત્રી, હજી માંડ બોલતા શીખેલો પુત્ર અને અનિશ્ચિત ભાવિ સાથે જિંદગીની લડાઈ શરૂ કરવાની હતી. તેને એકાકી સ્ત્રી પ્રત્યેના પુરુષ પ્રધાન સમજના દષ્ટિકોણની ખબર હતી. સમાજના ડરથી જીવવા ટેવાયેલાં રૂઢિગત માબાપ હતાં અને પોતાના અંગત કહી શકાય એવા એકાદ બે મિત્રો હતાં. નિયતિ જ્યારે આઘાત આપે છે ત્યારે સહન કરવાની શક્તિ પણ આપે જ છે. એ સત્ય વધુ મજબુત બનતું પલ્લવીએ જીવનમાં અનેકવાર અનુભવ્યું હતું. પુન:લગ્ન પ્રત્યે અંગુલિનિર્દેશ કરનાર હિતેચ્છુઓ પણ હતાં. પણ પલ્લવીને લગ્નજીવનનો હવે કોઈ મોહ ન હતો કે ન હતી ઈચ્છા કે તમન્ના. માત્ર અને માત્ર બન્ને સંતાનોના ઉછેર સિવાય ક્યાંય મન નહોતું લાગતું.

બહાર વરસાદનું તોફાન ઘટ્યું હતું…. પલ્લવીએ ઉભા થઈ બારી ખોલી. આકાશમાં વાદળો વિખરાઈ રહ્યાં હતાં. વૃક્ષો અને મકાનો વરસાદમાં ધોવાઈને શાળાએ જવા તૈયાર થયેલા બાળકો જેવા ચોખ્ખાચણાંક થઈને ઊભા હતા.

જીવનની એકલતાને ઝીલવા પલ્લવીએ સંગીત અને સાહિત્ય તરફ મન વાળ્યું હતું. મન એ વૃક્ષને વીંટળાઈ જતી વેલ જેવું હોય છે. જીવનવિકાસ માટે અનુરૂપ આધાર શોધી જ લેતું હોય છે. સંગીત અને સાહિત્યએ નવા મિત્રો પણ આપ્યાં અને નવી દ્રષ્ટિ પણ આપી. મનને થોડીઘણી શાન્તિ પણ આપી અને વધુ તો જીવવાનું બળ આપ્યું. લાગણીઓ અને સંવેદનાની બાબતે તેની નિષ્ઠુરતા જોઈ એક કવિમિત્રએ તો ટકોર પણ કરેલી કે તમારો આ સાધુભાવ સહજ નથી પણ વિતેલા સમયની આડપેદાશ છે. અત્યારે આ વિચારતાં વિચારતાં પણ પલ્લવીના ચહેરાં પર સ્મિત ફરકી ગયું. શબ્દો પણ કેવા કેવા રૂપ ધારણ કરે છે ! મિત્રોની લાગણીઓ ન સમજાય તેવું ન હતું પણ એ લાગણીઓની નોંધ લેવા જેટલી સંવેદના જ કદાચ બચી ન હતી. આ વિશાળ પૃથ્વી પર પોતાના જેવા અનુભવોમાંથી પસાર થયેલી અનેક સ્ત્રીઓ હશે જેણે પોતપોતાની સમજણ, શક્તિ અને સુઝબુઝ પ્રમાણે જીવનમાં કેડીઓ કંડારી હશે આ વિચાર માત્ર થી જ પોતે એકલી નથી તેવું આશ્વાસન મળતું.

આજે પલ્લવીને જીવનની તમામ જવાબદારીઓ પૂરી થયાનો અહેસાસ થતો હતો. પુત્રી સાસરે હતી અને પુત્રનો ઑસ્ટ્રેલિયામાં ગમી ગયાનો હમણાં જ પત્ર આવ્યો હતો. હવેની જિંદગી ધ્યેયશુન્યતાથી ભરપૂર હતી. ફરી ફરીને પેલાં સાહિત્યિક મિત્રની વાતો યાદ આવી ગઈ. તે કહેતાં કે પલ્લવી જેને તું ધ્યેયશુન્યતા કહે છે તે તો તારી મનગમતી પ્રવૃત્તિ કરવા માટેની સ્વતંત્રતા છે. સતત સંધર્ષે તારા વિચારોને નકારાત્મક બનાવ્યા છે તેને હકારાત્મક બનાવવાની તક છે. પલ્લવીને આવું સાંભળવું ગમતું પણ આઘાતોથી જડ થઈ ગયેલું મન આ સ્વીકારવા તૈયાર ન હતું. કશાય પ્રતિભાવની અપેક્ષા વગર લાગણીઓ વહાવ્યે જતાં મિત્રોને અન્યાય કર્યાનું દુ:ખ ક્યારેક મનોઆકાશમાં વીજળી બનીને ચમકી જતું અને સંવેદનશીલતા પરના કઠોર કવચ પર અથડાઈ જતું. પલ્લવી થંભી ગયેલાં વરસાદ પછીના ઠંડકભર્યા વાતાવરણમાં પેલી ગઝલ ગણગણાવતી રહી.

દિલમેં અબ દર્દે મહોબ્બતકે સિવા કુછ ભી નહીં…
મેરી જિંદગી અબ ઈબાદત કે સિવા કુછ ભી નહીં…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુંચવાડાનો લ્હાવો લીજીયે રે !… – બકુલ ત્રિપાઠી
કાગપુરાણ – કનક રાવળ Next »   

10 પ્રતિભાવો : જીવનની બારી – પ્રણવ ત્રિવેદી

 1. manvant says:

  સ્વભાવની વિસંગતિઓ અતિપરિચયમાંથી જ નજરે ચઢે છે.
  સમયની વહેતી હવા રોકી શકાતી નથી.
  નિયતિ આઘાત આપે,ત્યારે સહનશક્તિ પણ આપે જ !
  મન વેલ જેવું !આવાં સનાતન સત્યો તો પ્રણવભાઈ જ
  આપી શકે !…તંત્રીશ્રીને પણ ધન્યવાદ !

 2. અમિત પિસાવાડિયા says:

  જીવન ની અમુક કઠોર વાસ્તવિકતા નો બખુબી ચિતાર શ્રી પ્રણવભાઇ એ આપ્યો છે. પ્રેમ અને આકર્ષણ જો વિચારોની સમરસતા અને સમજણ નિષ્ઠાના પાયા પર ન રચાયા હોય તો તકલાદી નીવડે છે. એ પણ હકિકત છે. આકર્ષણ તો ક્ષણિક વસ્તુ છે.
  સરસ નિરૂપણ છે શ્રી પ્રણવભાઇ . અભિનંદન …

 3. Jayshree says:

  મન એ વૃક્ષને વીંટળાઈ જતી વેલ જેવું હોય છે. જીવનવિકાસ માટે અનુરૂપ આધાર શોધી જ લેતું હોય છે.

  Very True..

  Nice Story…!!

 4. pallavimistry says:

  ‘PREM ANE AKARSHAN JO VICHARO NI SAMRASATA ANE SAMAZAN NI NISHTHA NA PAYA PER NA RACHAYA HOY TO TAKALADI NIVADE CHHE’ NICE STORY. REALLY ENJOYED
  Pallavi

 5. dmkhatri says:

  શ્રી પ્રણવભાઇ,

  જીવન હંમેશા સહન-શક્તિ પર જ જીવાય છે એ આપે આ વાર્તા દ્વારા સુંદર રીતે દર્શાવ્યું છે. સર્વ જન સુખાય સર્વ જન હિતાય , ઓ પરમેશ્વર સર્વને કઠોર સમય પસાર કરવાની શક્તિ અર્પો..

  ખુબ ખુબ અભિનંદન.. આપની લેખન કલા ખુબ વિકસે તેવી શુભ-કામના.

  દિલીપ ખત્રી.

 6. Sanjay Upadhyay says:

  An artistic presentation of the realistic facts…
  To live is to endure and Pallavi has proved it….You have unveiled some bitter truths of life in the story in a literary manner…Well done…Best Wishes…..

 7. dhruval patel says:

  Mare etlu j kevanu che ke loko kahe che ke bhagvan j bhadhu sukh ane dukh ape che temni echacha vagar pandadu pan haltu nathi. jo aa satay hoy to te manas ne janam su kam ape che ane karam su kam karave che.tene to apadne katpulti ni jem j rakhya che karan ke sara ke kharab kam pen te j karave che,tena fal pen te j ape che to su kam janam ape che.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.