સુદામા ચરિત્ર – પ્રેમાનંદ

[ બાળપણમાં જેમણે સાથે વિદ્યાભ્યાસ કર્યો છે એવા બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે – એ ભૂમિકા પર રચાયેલું કવિશ્રી પ્રેમાનંદ કૃત આ સુપ્રસિદ્ધ આખ્યાનોમાંનું એક આખ્યાન છે.]

[કડવું- 10 મું ]

krishana-sudama પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પેર, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?
આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?
પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?
ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?
કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?
શરીર આપણાં ઊકળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?
સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?
આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?
ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?
શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?
નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?
એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?
ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?
આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?
ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?
મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?
જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?
ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃત્યુ પામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?
મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?
હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?
સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?
પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?
આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?
હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાગપુરાણ – કનક રાવળ
પ્રેમની જીત – બાળવાર્તા Next »   

12 પ્રતિભાવો : સુદામા ચરિત્ર – પ્રેમાનંદ

 1. Neela Kadakia says:

  વર્ષો પછી આખી કવિતા વાંચવાની મઝા આવી ગઈ. જૂની યાદો તાજી થાય છે.
  આભાર.

  નીલા

 2. manvant says:

  સને 1951માં વડોદરા કોલેજમાં માન. ડૉ.શ્રી.
  મંજુલાલ મજમુંદાર સાહેબ પાસે આ ચરિત્ર મને
  શીખવાનો અવસર સાંપડેલો.નવલરામે કહેલું કે :
  “પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલી શકે એવો કોઈ
  ગુજરાતી કવિ હજી સુધી પાક્યો નથી !”

 3. સુરેશ જાની says:

  અમારે સ્કૂલમાં ભણવામાં આવતી પ્રેમાનંદની બીજી રચના યાદ આવી ગઇ. સુદામા કૃષ્ણને મળવા જાય છે ત્યારે તેમના દેદાર તેમાં વર્ણવ્યા હતા.

  “અપાન રેણુએ અભ્ર છાયો ધૂમ્ર ગોટાગોટ”

  અતિશયોક્તિ અલંકારના ઉદાહરણ તરીકે કદાય આ પંક્તિ શીખાવાતી તેવું યાદ આવે છે.

 4. Mahendra Shah says:

  This reminds me the classical music Bandish,as follows.
  When Sudama returns back to his hut after Visiting shree Krishna.
  Mandar dekh dare sudama. kaun bhup utare sudama.
  Ek taraf to hathi zulat hai dusare aas paas khade.
  Ek taraf Shivjiji zule, Hira ratan zule sudama.

 5. પ્રિય મૃગેશભાઈ,

  સુંદર કવિતા…. આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

  http://www.vmtailor.com

  વિવેક

 6. અતુલ જાની (આગંતુક) says:

  શ્રીકૃષ્ણ – સુદામા વચ્ચેની અદભુત મિત્રતાને વર્ણવતી એક નવી જ ભાત પાડતી (પ્રશ્ન અને ઉત્તરના માધ્યમ દ્વારા) શ્રી પ્રેમાનંદજી ની ઉત્તમ કૃતિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.