‘અરધી સદીની વાંચન યાત્રા’ મારું પ્રિય પુસ્તક – જગદીશ શાહ

[ ફેબ્રુઆરી-2006માં પ્રકાશિત થયેલ અને કવિશ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદન કરાયેલ સુપ્રસિદ્ધ પુસ્તક ‘મારું પ્રિય પુસ્તક’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. આ પુસ્તકમાં વિવિધ સાહિત્યકારોએ પોતાને ગમતા પુસ્તકની વિગત, પુસ્તક ગમવાના કારણો અને બીજી અનેક રસપ્રદ વાતો કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી ચંદ્રેશભાઈ વૈદ્ય (એલિસબ્રીજ જીમખાના, અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. ]

મારું પ્રિય પુસ્તક આજે શોધવું અઘરું છે. આ શોધ માટે બાળપણથી અત્યાર સુધીની જીવનયાત્રાની સાથે વાંચનયાત્રાને યાદ કરવા મથ્યો. બહુ જ નાનો હતો ત્યારે પંચતંત્રની વાતો, ઈસપની નીતિકથાઓ, બકોર પટેલ (કદાચ 1થી 21 ભાગ), ગિજુભાઈની વાતો, તારાબહેનના પાઠો રસપૂર્વક વાંચ્યા, વારંવાર વાંચ્યાનું સ્મરણ છે. કિશોરાવસ્થાથી કુમારાવસ્થામાં પ્રવેશ પછી ગોળીબારની મુસાફરી, ગરુડની પાંખે (હંસાબહેન મહેતાની), ચંદ્રલોકની મુસાફરી (મૂળશંકર ભટ્ટનું ભાષાંતર), સૌરાષ્ટ્રની રસધારના 1 થી 5 ભાગ અને સોરઠી બહારવટિયા, ગ્રામલક્ષ્મીના ચાર ભાગ, પાટણની પ્રભુતા અને ક.મા.મુનશીની તે જ ક્રમની નવલકથાઓ, માનવીની ભવાઈ અને પન્નાલાલનાં બીજાં પુસ્તકો વંચાતાં ગયાં.

પછી તો એમ બન્યું કે લેખકનું એક પુસ્તક ગમી જાય એટલે તે લેખકનાં મળી શકે તેટલાં બીજાં પુસ્તકો વાંચી જતો. તે રીતે જ્યોતીન્દ્ર દવે, ઈશ્વર પેટલીકર, સ્વામી આનંદ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, દાદા ધર્માધિકારી, લિયો ટૉલ્સ્ટૉય જુવાનીમાં વંચાયા. જ્ઞાનેશ્વરી અને ગીતા પ્રવચનો, વિવેકાનંદ અને રામકૃષ્ણ સુધી વાંચનનું સાતત્ય, ઝડપ, ગ્રહણશક્તિ સારાં રહ્યાં.

છેલ્લાં ત્રીસેક વર્ષમાં ‘ભૂમિપુત્ર’ અને ‘શિવામ્બુ’ એ બે સામાયિકોના સંપાદન અને યજ્ઞ પ્રકાશનોમાં વ્યસત રહેવાને કારણે આંદોલન, પર્યાવરણ, આરોગ્યના વિષયો પૂરતું મર્યાદિત વાંચન રહ્યું. તેમાંય ક્યારેક પુસ્તકોની સમાલોચના લખવાની થતી ત્યારે પુસ્તકને જોઈ લેવાનું બનતું પણ રસપૂર્વક સાદ્યંત વાંચવાની ચોપડીઓ જૂજ રહેતી. રસિક ઝવેરીની ‘અલગારી રખડપટ્ટી’ ગુણવંત શાહના ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘કબીરા ખડા બાજાર મેં’ તે રીતે પૂરેપૂરાં વંચાયાં, રસપૂર્વક વંચાયાં.

જુવાનીથી માંડીને જીવનના સંધ્યાકાળ સુધી રેલ્વે ટાઈમટેબલ, નકશાપોથી (ઍટલાસ) અને શબ્દકોશ (તેમાંય વિશેષ ભગવદ્ગોમંડળ) સતત જોવાતાં રહે છે. બાકી જીવનના આઠમા દાયકાના પ્રવેશ પછી એકધારું લાંબુ વાંચન ફાવતું નથી. છેલ્લાં બે વર્ષથી એક આંખ જતાં અને બીજી આંખ પણ તે જ રીતે જઈ શકે એવી દાકતરની સલાહ પછી એક જ વિષયનું લાંબા સમયનું વાંચન છોડી દીધું છે.

છેલ્લાં બે વર્ષમાં મારું પ્રિય પુસ્તક કહી શકું તો ‘અરધી સદીની વાચનયાત્રા’ ના 1-2-3 ભાગો છે. આ ગાળામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ અને ‘ગુજરાત મિત્ર’ ની રવિવારીય પૂર્તિઓ ઉપરાંત વખત મળે ત્યારે આ પુસ્તકો જોઈ લઉં છું. મહેન્દ્ર મેઘાણી એક સિદ્ધ સંપાદક છે. તેમનું વાંચન વિશાળ છે. અલબત્ત, દરેક સંપાદકની પોતાની દષ્ટિ અને પસંદગી હોય છે. મારી અને તેમની રુચિમાં ઘણું સામ્ય છે. તેમણે ટીવીના દશ્ય-શ્રાવ્ય પ્રબળ માધ્યમ સામે અરધી સદીની વાચનયાત્રાની હજારો નકલો છાપી-વેચી છે. સરેરાશ સાડા છસો પાનાંની પાકાં પૂઠાંની ચોપડી માત્ર પંચોતેર રૂપિયામાં તેમણે સુલભ કરી દીધી છે. તેય દસ નકલ લેનારને તો માત્ર પચાસ રૂપિયા જ પડે છે. વાંચવી અને સારે પ્રસંગે ભેટ આપવી હોય તો આ ચોપડીઓ ઉત્તમ છે.

મને તે ગમે છે કારણકે તેમાં સૌના રસની વિવિધ વાનગીઓ છે. કાવ્ય, નિબંધ, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, ચિંતનસામગ્રી, પ્રેરક અને જીવન પ્રત્યે જાગ્રત કરે તેવી વાતો તેમણે ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી અને ક્યારેક અન્ય ભાષાઓમાંથી સારવીને આપી છે. આ સંગ્રહો આપણી ગુજરાતની, દેશની, વિશ્વની અને માનવતાની સૃષ્ટિની સુંદરતા, સમૃદ્ધિ, મર્યાદા અને ખૂબીઓને છતી કરે છે. યાદી આપવા બેસું તો અનેક લેખો-ટુચકાઓ આપી શકાય પણ તે અહીં જરૂરી નથી.

જીવનના સંધ્યાકાળે, ઈન્દ્રિયો અને ગ્રહણ-સ્મરણ શક્તિઓ મંદ પડી હોય ત્યારે આ ગ્રંથો સ્ફૂર્તિ બક્ષે છે. તે પુસ્તક છે અને નથી. તે સર્વસંગ્રહ છે. મન કરે ત્યારે ખોલો, બે ચાર પાનાં વાંચી લો અને આંખ બંધ કરી ચિંતન કરી લો. ક્યારેક ભૂતકાળમાં લઈ જાય છે, ક્યારેક ભવિષ્યની આશા બંધાવે છે. માનવવસ્તી અને તેનો અવિરત વહેતો પ્રવાહ, સૃષ્ટિમાં થતા પરિવર્તનો અને નિતનવા ચિંતનપ્રવાહો, શાશ્વત મૂલ્યો વગેરેનો બોધ આ વાચનયાત્રા આપી જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોના કાવ્યો – સંકલિત
દિલતણો રાજા – દિલીપ ગજ્જર Next »   

27 પ્રતિભાવો : ‘અરધી સદીની વાંચન યાત્રા’ મારું પ્રિય પુસ્તક – જગદીશ શાહ

 1. manvant says:

  શ્રી જગદીશભાઈએ અર્ધી સદી સારું વાંચ્યું છે.
  ભિન્ન રુચિર્ હિ લોક:…તેમની બધી બાબતોમાં
  કદાચ સંમત ન થવાય !તેઓએ વિશાળ છતાં
  પરિમિત વાચન કરેલું લાગે છે.વાંચન બદલ
  અભિનંદન.દુનિયામાં ત્રાજવાં બધે જુદાં!
  જગત મોટું પુસ્તકાલય નથી ? આભાર !

 2. અમિત પિસાવાડિયા says:

  લોક મિલાપ ટ્રસ્ટ દ્ધારા પ્રકાશીત અરધી સદીની વાંચન યાત્રા ના ત્રણેય ભાગો બહુ જ સરસ છે. ચોથો ભાગ પણ લગભગ આવતી દિવાળી પર પ્રકાશિત થશે. પુસ્તક મા સાહિત્ય ના બધા જ રસ નો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિતા, ટુંકી વાર્તા, પ્રેરક પ્રસંગ, અનુવાદ , ચિંતન લેખ, પ્રવાસ વર્ણન વગેરે વગેરે. દરેક પાને વાચક ને કંઇક નવુ જાણવા મળે તેવુ પુસ્તક છે.

 3. Hitesh Dixit says:

  I have read all 3 parts of ‘Ardhi sadini…’ and can confirm they are very impressive. It is impossible to think of any other contemporary person who has done more for Gujarati literature as Mahendrabhai and Lokmilap are doing. Right from studying variety of topics, editing, compiling and then distributing these pearls of wisdom at such throw-away prices!!

  Also quite enjoyed the summary of his life as Jagdishbhai gives here in terms of reading and how it evolved.

  Rgds & Love
  Hitesh

  PS: Just recently got all the available volumes of Bakor Patel from Lokmilap for my 6-yr old son!

 4. Bansi Patel says:

  Yes, it’s absolutely true. This book is awesome. You can say the variety you get on readgujarati.com in the form of collection of small articles, you get the same in that book. You can say Mahendra Meghani had implemented the vision of Mrugesh Shah, years before. The three parts of the precious book give you all color of Gujarati Literature. Everybody who loves Gujarati Literature or who wants to get introduction of lots of writers of Gujarati Literature must read this book. It’s cheap in terms of money but is priceless in terms of content. Thanks to both Mahendra Meghani and Mrugesh Shah.

 5. અતુલ જાની (આગંતુક) says:

  અરધિ સદીની વાંચન યાત્રા અને રીડગુજરાતી બંનેમાં ઘણુ સામ્ય છે. બંનેમાં ટુંકા લેખો, વાર્તાઓ, ગઝલો, કાવ્યો અને જુદા જુદા લેખકોના ચિંતનાત્મક વિચારો છે. પણ રીડ ગુજરાતીની વિશેષતા તે છે કે તે સર્વદેશીય છે , સુલભ છે અને વળી તેમાં પ્રતિભાવો આપવાની સગવડ છે તેથી તે દ્વિ-માર્ગિય બને છે. જો કે ઓન-લાઈન વાંચવા કરતા પુસ્તક સ્વરુપે વાંચવુ વધારે સુગમ રહે છે.

  અરધિ સદીની વાચન યાત્રા ગુજરાતી સાહિત્ય-પ્રેમીઓ માટે તો એક અણમોલ નજરાણું જ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.