જૂનો વડલો – પ્રદીપ સંધવી

[આજથી એક વર્ષ પહેલા મુંબઈમાં જે તંગ પરિસ્થિતિ થઈ તેનું નિરૂપણ કવિશ્રીએ વડલાના માધ્યમથી કર્યું છે. આ રચનાઓ બોરીવલીના નેશનલ પાર્ક ખાતે આવેલા એક વડલાને સંદર્ભમાં રાખીને લખાઈ છે. રીડગુજરાતીને આ રચનાઓ મોકલવા બદલ શ્રી પ્રદીપભાઈ સંધવીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

[1] 26 જુલાઈ 2005.
ભારે જફા થઈ
શહેરમાં,
જાન, માલ, મિલકત, મકાનોની-
ભારે!
પણ પણે, આઘે, ઊંડે,
જંગલમાં
કોને માથે શી શી વીતી,
કોણ જાણે?
ઢળી પડ્યો,
જૂનો વડલો.

[2] વન વચ્ચે
ઊભો’તો વડલો;
જમાનાથી.

જટાજૂટ,
ફરફરતી દાઢી,
તપસ્વી.
કહેતો: આઓ, બચ્ચા, બૈઠો.
બેસતો ઘણી વાર.
ઘણી વાર ચાલ્યો જતો.
કહેતો : મજે કરો બેટા!

[3] વન વચ્ચે
બે વાટ.
એક જતી નદીને અડકતી,
ક્યાંક અંદર ઊતરતી,
ક્યાંક ચડતી,
ભીની-કોરી.
બીજી જરા છેટે.
પહેલી શરૂ થતી
વડલા હેઠળથી.
ઝૂલતી કમાનો
વડવાઈની
આવકારતી-
આવનાર ને ન આવનાર
સહુને.

[4] ધોધમાર
વરસાદ ત્રાટક્યો
ખાંડાધારે.
ઘોર કડાકા,
વીજ સબાકા,
હૂ હૂ કરતું
વાવાઝોડું….
વ્યાકુળ, વિહ્વળ
સાપ, દેડકા, સસલાં, હરણાં,
છોડ, ઝાડવાં,વનના વેલા.
એક અવિચળ
હશે ઊભો આ
જૂનો વડલો
છેવટ સુધી.
ઢળ્યો શાંતિથી,
પડ્યો શાંતિથી,
સુપ્ત શાંતિથી;
ભીષ્મ પિતામહ.

[5] જે ધરતીપર
ઊંચો ઊભો,
ઉન્નત મસ્તક,
આભ ટેકવી ખાંધે;
આજે સૂતો
એને ખોળે.
વનનો દાદો;
એનો છોરુ.
[6] ઊભો હતો ત્યારે
ભવ્ય,
સૂતો ત્યારે
દિવ્ય,
ઊર્ધ્વમૂલ
અધ:શાખ:.
[7*] વન વચ્ચે
ઊભો’તો વડલો
કૈંક દાયકા-સૈકાઓથી;
કદાચ દલપતરામ-સમયથી.
ઉદાસ ઊભા
ભાદરવાના ભીંડા કહેતા:
અમે સહેજ ખસવા કીધેલું !

[8] પૂર ઓસર્યાં,
નદી ફરી ચાલવા લાગી
હળવે હળવે
નીચાણમાં.
પણ ફરી ફરીને ચાહે
ઊઠીને જોવા,
ક્યાં ગયો
જૂનો વડલો?

[9**] પુરા વિજનમાં જતાં, ભટકતાં, સદા થોભતા,
કદી ચરણ બેસતા, વળગતા, કદી ઝૂલતા.
સદા નીરખતો સહસ્ર કમલાક્ષથી સ્નેહનાં.
હવે ન વડલો રહ્યો; ક્યમ કરી રહેવું કહો!

********************************

*કવિ દલપતરામની આ કવિતાનો સંદર્ભ: ‘ભાદરવાનો ભીંડો’
ભીંડો ભાદરવા તણો, વડને કહે સુણ વીર,
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સુણી વડ ઉચર્યો વાણી:
વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો;
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.

** જગન્નાથના આ શ્લોકના અનુસરણમાં, કવિંને વંદન સાથે.

पुरा सरसि मानसे विकचसारसालिस्खलत्
परागसुरभीकृते पयसि यस्य यातं वय: ।
स पल्वलजले धुनामिलदनेकभेकाकुले
मरालकुलनायक: कथय रे कथं वर्तताम् ।।

અગાઉ જેનું યૌવન માનસસરોવરમાં, ખીલેલી કમલપંક્તિઓમાંથી પડતા પરાગથી સુરભિત થયેલા જળમાં વ્યતીત થયું હતું, એ જ રાજહંસનો કુલનાયક હવે ભેગા થયેલા અનેક દેડકાઓથી ભરેલા ખાબોચિયાના પાણીમાં શી રીતે રહે; જરા કહો તો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મફત – રતિલાલ બોરીસાગર
શ્રાવણ અને આરાધના – ઉત્સવ વિશેષ Next »   

8 પ્રતિભાવો : જૂનો વડલો – પ્રદીપ સંધવી

 1. Neela Kadakia says:

  રાજહંસનો કુલનાયક હવે ભેગા થયેલા અનેક દેડકાઓથી ભરેલા ખાબોચિયાના પાણીમાં શી રીતે રહે; જરા કહો તો !
  ખુબ સુંદર પંક્તિઓ છે.

  નીલા

 2. Dharmaji Shinde says:

  Well done. Pradeep we can releate to the place and
  environment of the Poems. Beatifully captured in words. Let us have some more jewels like this on this
  page.

 3. dr.kirit bharti patel says:

  pradip,
  seeing is believing
  we saw it .we want to see more .we are not seeing.
  “juna vadla” aam kem ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.