ગુજરાતીમાં બોલો – ડૉ. પંકજ શા. જોશી

[ ‘નવનીત સમર્પણ’ જૂન-2006 માંથી સાભાર ]

થોડા સમય પહેલા વડોદરા જવાનું થયું અને ત્યાં વિદ્યાર્થીઓ, યુવાનો તથા ઘણાય રસ ધરાવતા નાગરિકો સાથે વિજ્ઞાન તથા બ્રહ્માંડ વિષે ઘણા મજાના વાર્તાલાપો થયા.

પરંતુ એ બધામાં, પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ગાળેલી એક બપોરના બે-એક કલાક મારે માટે અત્યંત યાદગાર બની ગયા. તેમણે મને આજના ગુજરાતની શિક્ષણ-પદ્ધતિ વિષે વિચારતો કરી દીધો. આમ તો મારે થોડી વિશ્વ-વિજ્ઞાનની વાતો કરીને પછી આ નાનાં-મોટાં બાળકો સાથે કંઈક પ્રશ્નોત્તરી કરવાની હતી, પણ તેમાં ઘટના એવી બની કે મને પોતાને જ અનેક પ્રશ્નો થયા. તે બધાના જવાબ તો મને હજુ મળ્યા નથી અને આથી જ સૌની સાથે તે વિષે વાત કરવા જેવું લાગે છે.

મૂળ વાત એમ બની કે થોડા પ્રાથમિક પરિચય પછી તારાઓ, સૂર્ય, ગ્રહમાળા વગેરે વિષે મેં વાત શરૂ કરી. સ્વાભાવિક રીતે જ ગુજરાતીમાં હું બોલતો હતો, વિદ્યાર્થીઓ આનંદથી સાંભળતા હતા, પાછળ છેલ્લે તેમના કેટલાક શિક્ષકો પણ બેઠા હતા. તેઓ જુદી જુદી શાળાઓમાંથી બાળકોને લઈને ત્યાંના વિજ્ઞાનકેન્દ્રમાં આવ્યા હતા. બધું બરાબર ચાલતું હતું અને વચ્ચે વચ્ચે તારા-નક્ષત્રો વગેરે વિષે અંગ્રેજી શબ્દો પણ હું કહેતો જતો હતો, જરૂર જણાય ત્યાં જેથી ભવિષ્યને માટે વધુ અભ્યાસ કરનારને તે ઉપયોગી થાય. ત્યાં થોડીવારમાં જ પાછળથી એક શિક્ષક મારી પાસે આવ્યા અને મને વચ્ચે જ અટકાવી ને કહેવા લાગ્યા : ‘સાહેબ, અંગ્રેજીમાં જ આખી વાત કરો ને ! આવી બધી વાત તો અંગ્રેજીમાં જ બરાબર થાય ને !’

મેં તરત વિદ્યાર્થીઓને કહ્યું કે જુઓ મને આવી વિનંતી મળી છે, મને કંઈ વાંધો નથી, ચાલો અંગ્રેજીમાં વાત કરીએ. અને મેં ભાષા બદલી ને ફરી વાતનો તંતુ સાધ્યો. તેમાં હજુ માંડ ત્રણ-ચાર મિનિટ થઈ હશે ત્યાં તો આગળ બેઠેલી દસ-બાર વર્ષની બાળા જોરથી બોલી ઊઠી : ‘હાય, આમાં તો કાંઈ સમજાતું નથી ! પહેલા ગુજરાતીમાં કેવી સરસ સમજ પડતી’તી, સાહેબ, ગુજરાતીમાં જ બોલોને, પ્લીઝ !’
હવે ન સમજવાનો અને મૂંઝવવાનો મારો વારો હતો. મેં કહ્યું : ‘જુઓ મિત્રો, મને તો ગુજરાતીમાં બોલવાનું ગમશે – ગમે જ છે ખાસ કરીને ગુજરાતીમાં. પણ આ શિક્ષકે કહ્યું અંગ્રેજીનું. તો થોડું અંગ્રેજી મને પણ આવડે છે આથી તેનો પણ વાંધો નથી. પણ પહેલાં નક્કી કરો કે કઈ ભાષામાં વાત કરવી છે, પછી આગળ વધીએ !’

આશરે બસો-સવાબસો વિદ્યાર્થીઓ અને આઠ-દસ શિક્ષકો હશે – બધા જ શાંત થઈ ગયા. વળી કોઈ આવીને મને ધીરેથી કહી ગયું કે આમાં અંગ્રેજી માધ્યમની શાળાના ઘણા વિદ્યાર્થીઓ છે. મેં વિદ્યાર્થીઓને જ પૂછ્યું : ‘ગુજરાતીમાં જ વાત ચાલુ રાખવી તેમ ઈચ્છનારાઓ હાથ ઊંચા કરો.’ અને ઘણા બધા હાથ ઊંચા થયા. પછી અંગ્રેજીનું પૂછ્યું તો થોડ જ હાથ ઊંચા થયા. છેવટે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળામાંથી આવે છે તે પૂછતા તે તો ઘણાય અડધા જેટલા હતા, કે કદાચ એથી વધુ.

પણ હવે બ્રહ્માંડની વાતમાંથી હટીને મારું પોતાનું મગજ જ આ ભાષાના પ્રશ્નમાં લાગી ગયું હતું ! આથી જરા સંશોધન કરવા મેં વિદ્યાર્થીઓને પૂછ્યું : ‘તમારામાંથી ઘણાય અંગ્રેજી શાળાઓમાં ભણે છે, તે ભલે ભણતા પણ મને એ વાત કરો કે તમારામાંથી ઘરમાં, તમારાં માતા-પિતા સાથે કેટલા અંગ્રેજીમાં વાત કરે છે ?’ ત્યારે એક ચબરાકિયો વળી જોરથી બોલી ઊઠ્યો : ‘સાહેબ, ઘરમાં તો ગુજરાતી જ બોલીએ ને !’ મેં કહ્યું : ‘એમ નહીં, હાથ ઊંચા કરો….’ ત્યારે એક જ હાથ ઊંચો થયો, બધાની નવાઈ વચ્ચે અને એ છોકરો કહે કે મારા પપ્પાએ નિયમ કર્યો છે કે તેમની સાથે મારે અંગ્રેજીમાં જ બોલવાનું. અંગ્રેજી સુધરે એટલા માટે. મેં તરત પ્રશ્ન કર્યો : ‘પણ મમ્મી સાથે ?’ અને જવાબ હતો : ‘એ તો ગુજરાતી જ હોય ને !’

ભાષાની આવી ચર્ચા થશે તેવી કોઈની ધારણા નહોતી-વિદ્યાર્થીઓ, શિક્ષકો, અમારામાંના અધ્યક્ષ કે બીજા વિદ્વાન મહેમાનોની ! સાવ શાંતિ છવાયેલી હતી. મેં શિક્ષકો તરફ જોઈને કહ્યું : ‘બાળકોને પસંદ છે તો ગુજરાતીમાં જ વાત ચલાવા દો ને. પછી એવું હશે તો છેલ્લે થોડું અંગ્રેજી પણ બોલી દઈશું. તમારા સંતોષ માટે !.’

આ સભા તો એ દિવસે પછી સરસ પૂરી થઈ, પણ મેં આગળ કહ્યું તેમ મારા માટે અને કદાચ આપણા બધાના માટે અનેક પ્રશ્નો છોડતી ગઈ છે. આ સંદર્ભે ત્યાંના મિત્રોએ પછી કહ્યું કે : ‘અમારે વડોદરામાં આવી અંગ્રેજી-ગુજરાતીની મારામારી તો ચાલ્યા જ કરે હંમેશા.’ પરંતુ આ ઘટના વિષે ધ્યાનથી વિચારીએ તો તે આજનું ગુજરાત બધે વધતા-ઓછા અંશે આવી પરિસ્થિતિ હશે, તે વિષે સૂચક માહિતી આપી જાય છે. આપણી આજની શિક્ષણ-પદ્ધતિ, આપણી મનોદશા, શાળાઓ તથા શિક્ષકોની સ્થિતિ તથા તૈયારી વિષે આ ઘટનામાંથી સંકેતો મળે છે.

બાળકનો જન્મ થાય પછી એકાદ-બે વર્ષ તેને કડવાટ-કડુ-કરિયાતું પાવાનો આપણે ત્યાં રિવાજ છે. આ જ બાળક થોડું મોટું થાય અને શાળાએ, બાળમંદિરે જતું થાય કે તરત જ તેને સમાજ, શાળાઓ, શિક્ષકો અને મા-બાપ પોતે પણ આવી જ રીતે માતૃભાષાનું અમૃતરૂપી ધાવણ છોડાવીને પરભાષાનો કડવાટ પિવડાવવા માટે તૈયાર થઈ જાય છે ? હજુ તો બાળક પાંચ-છ વર્ષનું માંડ થાય ત્યાં તેને અંગ્રેજી એ,બી,સી,ડી શીખવી દેવા માટે ઘરે ઘરમાં કેમ યુદ્ધની પરિસ્થિતિ રચાય છે ? જો ‘કેટ’, ‘બેટ’, ‘મન્કી’ અને એવા બીજા શબ્દો શીખવામાં ચાર-પાંચ વર્ષના બાળકને થોડીવાર પણ લાગે તો તેના ‘એડમિશન’ નું શું થશે ? એ ભયથી સર્જાતી ભયંકર તાણ, ફડફડાટ અને માતા-પિતાના ચકળવકળ ચહેરાઓ કોણે નહિ જોયા હોય ?

આ બધી પરિસ્થિતિનું મુખ્ય કારણ એ જ છે કે આપણા ગુજરાતી સમાજમાં અને ગુજરાતનાં શહેર-ગામોમાં એવો અતિ વ્યાપક ખ્યાલ અને માન્યતા છે કે જીવનમાં, સમાજમાં અને કારકિર્દીમાં સફળ થવું હોય તો અંગ્રેજી, અંગ્રેજી અને બસ અંગ્રેજી ભાષા જ જોઈએ. અને એ નહિ હોય તો આપણે ત્યાંની કાઠિયાવાડી બોલીમાં કહીએ તો ‘મરાઈ જઈશું’. આમ આપણો આખો સમાજ જાણે એક પ્રકારની ભય ભરેલી તાણ-નર્વસ સ્થિતિમાં જીવી રહ્યો છે એમ કહીએ તો વધારે પડતું નહિ કહેવાય જરા પણ, એવું મને તો જણાય છે. આ સાથે જ એ પણ યાદ આવી જાય છે કે અમે શાળામાં ભણતા ત્યારે પણ, દાયકાઓ પહેલાં પણ, આ પ્રશ્ન આવી જ ઉગ્રતા અને લાગણીઓની લડાઈ સાથે ચર્ચાતો. એ સમયે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક શ્રી મગનભાઈ દેસાઈ માતૃભાષાની વાત કરવામાં એવા વગોવાયેલા કે ગુજરાતી માધ્યમને ‘મગન માધ્યમ’ નું નામ અપાયેલું !

પરંતુ શું આ માન્યતા અને ખ્યાલ સાચો છે ? એનો જવાબ મેળવવા તો વૈજ્ઞાનિકો, બાળ-માનસશાસ્ત્રીઓ, ભાષા-શાસ્ત્રીઓ, કેળવણીકારો તથા તત્વજ્ઞાનીઓની સલાહ, અભિપ્રાય લેવા-સમજવા જોઈએ.

પણ એ વાતને હમણાં એક બાજુ રાખીને પહેલા તો મને એ જ પૂછવાનું મન થાય છે કે આ પરિસ્થિતિમાં ચાર-પાંચ વર્ષના કુમળા બાળકની શી દશા અને પરિસ્થિતિ થાય છે એ કોઈએ વિચાર કર્યો છે ? દોઢ-બે વર્ષની વય થતા થોડું થોડું સમજણું થતું જતું બાળક પોતાના કાકા-કાકી, મામા-મામી, દાદા-દાદી, ભાઈ-બહેન, માતા-પિતા આ બધાં તથા આસપાસના આડોશી-પાડોશી તથા સમાજમાંથી હર્ષ, શોક, સુખ, દુ:ખ, આનંદ, ભય, પ્રેમ, ગુસ્સો અને આવી અનેકવિધ લાગણીઓ, માહિતીજ્ઞાનનાં સ્પંદનો ઝીલતું મોટું થતું જાય છે અને તેની મન, બુદ્ધિ, અંત:કરણની ક્ષિતિજો ધીમે ધીમે વિકસતી આવે છે. ગુજરાતના કોઈ સામાન્ય ગામ કે શહેરમાં આ બાળક વસેલું છે તેવો વિચાર કરો, જે વાત અલબત્ત ભારતના અન્ય પ્રદેશોને પણ વધતા-ઓછા અંશે લાગુ એ જ રીતે પડે છે. એકસોમાંથી પંચાણું-અઠ્ઠાણું ટકા તો બાળકની આજુબાજુ સ્વાભાવિક જ તેની માતૃભાષાનું વાતાવરણ હોય છે અને વધારામાં હિન્દી, અંગ્રેજી ભાષાઓના આપણા પોતાના બની ગયા હોય એવા કેટલાક શબ્દો.

હવે એ ચાર-પાંચ વર્ષનું થતાં જ એક જુદી જ ભાષા (અંગ્રેજી) ની કેટલીક રંગબેરંગી કે સાવ સાદી પુસ્તિકાઓ તેની સમક્ષ હાજર થઈ જાય છે ! અચાનક જ, તેમાંથી તેણે કંઈક ‘કરી લેવાનું છે’ ‘શીખી’ લેવાનું છે, ‘સિદ્ધ કરી લેવાનું છે’, એવી વાત એ જ માતા-પિતા ક્યારેક આગ્રહ કે ક્યારેક થોડા ગુસ્સા સાથે કરવા લાગે છે જે પહેલા અતિ પ્રેમાળ અને દેવદૂત જેવા દેખાતા હતા ! જે સમાજ, વાતાવરણમાં તે ઊછર્યું છે તેનાથી કંઈક જુદી જ વાત આ થવા લાગી છે. ઘણા બધા કિસ્સાઓમાં તો બાળક તથા માતા-પિતા આ બંને પક્ષે એક અત્યંત મનોવેદનામય પરિસ્થિતિ પણ આમાંથી સર્જાય છે.

સાચી હકીકત તો એ છે કે મોટા ભાગનાં બાળકોનો ઘણો સમય, અનેક વર્ષો, આ નવી પરિસ્થિતિ સાથે સંતુલન સાધવામાં જ પસાર થઈ જાય છે. બાળપણનો આ એક એવો સમય છે જેમાં, બાળ-મનોવિજ્ઞાનના નિષ્ણાતોના કહેવા પ્રમાણે અને સામાન્ય અનુભવથી પણ આપણને બધાને પણ ખબર છે તે પ્રમાણે બાળક વધુમાં વધુ ગતિથી નવી નવી વાતો અને જ્ઞાન મેળવતું-શીખતું હોય છે. બરાબર આ જ સમયે તેને માતૃભાષા, જેનાથી તે પોતાના અત્યારસુધીના અનુભવોથી પૂર્ણ પરિચિત થઈ ચૂક્યું છે અને પોતાની અભિવ્યક્તિ સાધી ચૂક્યું છે, તેનાથી તેને વિખૂટું પાડી દેવાનો પ્રયત્ન અને કાર્ય શરૂ થાય છે. મોટાભાગના કિસ્સામાં બાળકને આ નવો અનુભવ ભયજનક જ જણાય છે. અને તેની રચનાત્મક શક્તિઓ ગુંગળાઈને તેની નવું નવું શીખવાની ગતિ ધીમી પડી જાય છે.

તેમાંય સૌથી વધુ ક્રૂરતાપૂર્ણ વાત તો એ થાય છે કે જેમાં આજની ક્ષણ સુધી તે હસતું-રડતું, ખાતું-પીતું, નાચતું-ગાતું હતું તે તેની સમક્ષની માતૃભાષા તો હલકી-નબળી છે તેવી વાત શરૂ થાય છે ! કોઈ ફેશનપરેડમાંથી હાજર કરાયેલી સુંદરીની જેમ, તે સ્વરૂપે અંગ્રેજીભાષા તેની સમક્ષ રજૂ કરાય છે, જે તેની માતા-માતૃભાષા કરતા ઉત્તમ, ઉપયોગી, સુંદર, મહાન છે, આવું માનવા-મનાવવાની બળજબરી શરૂ થાય છે. ચાર-પાંચ વર્ષના બાળકની મનોભૂમિકામાં જવાનો પ્રયત્ન કરીને આ વાત વિચારશો તો તરત સમજાશે. આનું પરિણામ એક જ હોઈ શકે અને હોય છે જે તેની સ્વાભાવિક રચનાત્મકતા, કલ્પનાશીલતા પર આઘાત (પ્રહાર) થઈ તે કુંઠિત થાય તે જ બને છે. આવી ઘટનાના અનેકાનેક દાખલા તમને તમારી જ આસપાસ જેટલા જોવા હોય તેટલા સરળતાથી મળી શકશે, મેં તો ઘણાય જોયા જ છે.

તાજેતરમાં જ યુનેસ્કોએ વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસ પછી એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવ્યું છે કે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ તો બાળકને માતૃભાષામાં જ આપવું જોઈએ, જેના અનેકાનેક ફાયદાઓ છે. અને જો એ ન થાય અને માતૃભાષાથી અન્ય ભાષામાં બાળકનું શિક્ષણ શરૂ કરાય તો તેના ઘણાય ગેરફાયદા અને નુકસાનો પણ બહાર આવ્યાં છે.

અહીં મૂળ વાત એટલી જ છે કે ભાષામાં બાળક જન્મથી સંવેદનો ગ્રહણ કરતું આવ્યું છે તેમાં જ આગળનું શિક્ષણ તેને માટે સરળ-સહજ રહે છે, જ્યારે તેમાં ચાર-પાંચ વર્ષની કુમળી વયે જ ભાષામાં ફેરફાર કરવાથી સ્વાભાવિક જ ગૂંચવાડો ઊભો થાય છે. તમારા કુટુંબમાં બાળકનો જન્મ થાય કે તરત જ ઘરમાં અને આસપાસ પણ બધી વાતચીત, વ્યવહારો અંગ્રેજીમાં જ થવા લાગે તો જરૂર તેનું શાળાનું શિક્ષણ તમે અંગ્રેજીમાં શરૂ કરી શકો. પણ તેમ ન હોય તો અન્ય ભાષામાં શાળાએ મોકલતા નુકશાન જ છે.

વળી, આપણા સમાજમાં વ્યાપક બનતી જતી માન્યતા અને ખ્યાલ જેની આગળ વાત કરી કે જીવનમાં સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ શિક્ષણ લેવું અને શરૂ કરવું જોઈએ, એ ખોટી અને પાયા વગરની વાત છે. વાસ્તવિકતા તો એ છે કે એકવાર માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ શરૂ થાય અને પાયો મજબૂત બને, બાળકનું વાંચન તથા અનુભવ થોડા વિશાળ બને પછી અન્ય જરૂરી ભાષાઓ તથા આવડતો તો એ ઘણી વધારે સરળતાથી ગ્રહણ કરી લે છે અને જીવનના સર્વાંગી વિકાસમાં તે વધારે સરળતાથી આગળ વધે છે. પણ આ વિષેની વધારે વાત ફરી ક્યારેક કરીશું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રાવણ અને આરાધના – ઉત્સવ વિશેષ
પ્રેમ….! – અજય ઓઝા Next »   

35 પ્રતિભાવો : ગુજરાતીમાં બોલો – ડૉ. પંકજ શા. જોશી

 1. Jayshree says:

  ખરેખર વિચારતા કરી દે એવો લેખ છે.

  સફળતા માટે પહેલેથી અંગ્રેજી માધ્યમ હોવુ જરાય જરૂરી નથી. એ વાતનો તો જાત- અનુભવ પણ છે, અને ઘણ એવા લોકોને ઓળખું છું, કે જે પોતાના ક્ષેત્રમાં સફળતાની ટોચ પર છે, અને ૧૨ ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે.

  વિચારની અભિવ્યક્તિ જેટલી સરળતાથી માતૃભાષામાં થાય, તે બીજી કોઇ ભાષામાં ન થાય.

 2. અમિત પિસાવાડિયા says:

  સરસ મંતવ્ય સજુ કર્યુ છે ડૉ. પંકજભાઇ જોશી એ ,
  ખરેખર , પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા મા જ હોવુ જોઇએ.
  અંગ્રેજીભાષા શીખવી પણ જરૂરી છે પણ આજના કહેવાતા એવા અમુક મોર્ડન વાલીઓ તેને વધુ પડતુ મહત્વ આપે છે. જે બાળક ના સર્વાંગી વિકાસ માટે યોગ્ય નથી.

 3. Neela Kadakia says:

  મારો પૌત્ર જ્યારે મુંબઈ આવ્યો તે વખતે 3 વર્ષનો હતો [3 વર્ષ પહેલાની વાત છે] ત્યારે તે વખતે તેની સાથે કોઈપણ અંગ્રેજીમાં વાત કરતું ત્યારે તેનો પ્રતિભાવ આજ હતો ગુજરાતીમાં બોલોને!

  નીલા

 4. Ami Patel says:

  I agree with you 100%. Sad thing is, when we visit India, we see a lot of families who insist their kids to talk in English and they themselves are also trying to speak in English with us, while on the other hand we in USA make sure that we talk Gujarati at home and with other Gujarati friends…

  Mrugeshbhai, Neelaben, Amitbhai etc.. how do you write comments in Gujarati. I really want to write comments in Gujarati…specially this one..

 5. unknown says:

  The fundamental and important aspect is not learning language 1 or or language 2, but to instill the love & interest in reading, literature, or any language itself.

  Once a person learns to enjoy language in its purity, they will automatically be inspired to read and talk and any language. Unfortunately, it is easiest to learn multiple languages in early years of our life. Most of what we learn is done before 13-14yrs, so let the children learn as many language as they can, but it is important to develop an interest in literary aspect of language.
  All the kids in our family went to primary schools with different languages, and we all enjoy speaking & reading Gujarati, Hindi, and English. It didn’t matter what our primary school language was, we were all taught to enjoy language in itself.

 6. manvant says:

  નર્મદે કહ્યું છે :”ભાષાને શું વળગે ભૂર ?
  જે રણમાં જીતે તે શૂર !”
  ગાંધીજીએ કહ્યું છે: “માતૃભાષા એ તો માનું
  ધાવણ છે.જેમ માની છાતીએથી હું અળગો
  ન થાઉં,તેમ માતૃભાષાથી પણ અળગો ન થાઉં”.
  લાંબી લચક વાતો થી કાંઇ નથી વળવાનું.
  આભ ફાટે ત્યાં થિંગડું કોણ દઈ શકશે ?વિચારવા જેવું છે !
  ‘Neglect of mother tongue,is a national suicide”.

 7. Kalpesh says:

  ભાષા હ્રદયની અભિવ્યક્તિ છે.

  આપ સરળતાથી અને ભાવપુર્વક અંગ્રેજી બોલી શકો તો અંગ્રેજીમાં બોલો, દેખાડા માટે નહિં.

 8. Kalpesh says:

  મારી બહેનને દુ:ખ છે કે એ અંગ્રેજીમાં બોલી શકતી નથી.
  મેં પુછ્યું

  “તારે કોની જોડે અંગ્રેજીમાં વાતો કરવાની હોય છે?
  તું ગુજરાતી કેટલું ચોખ્ખું બોલી શકે છે?”

  મોટાભાગે લોકો બન્નેમાંની એક્પણ ભાષા બરાબર બોલી શકતા નથી.

 9. Dilip Patel says:

  વર્તમાનકાળે અભ્યાસના માધ્યમ બાબતે વિદ્યાર્થીઓને અનુભવવી પડતી વ્યથાને પંકજભાઈ જોશીએ વાચા આપીને આપણને વિચારતા કરી મૂક્યાં છે.

  માતૃભાષા એ તો આત્માની ભાષા છે. સપનાં ને દિવાસ્વપ્નો જોવાની ભાષા છે. ભાવની અભિવ્યક્તિની ભાષા છે. સંસ્કૃતિના જતન ને સંવર્ધન માટે ભાષાનું મહત્વ ભોજન, ભજન ને ભૂષા કરતાંયે અતિ અગત્યનું છે.

  વિદેશના ગુજરાતી વસાહતીઓ માટે ગુજરાતી શીખવા માટે આ વેબસાઈટ અતિ ઉપયોગી બની રહેશે. http://kids.swaminarayan.org/gujarati/index.htm

 10. Dilip Patel says:

  અમીબેન,

  ગુજરાતીમાં ટાઈપ કરવા માટે યુનિકોડ ડાઉનલોડ કરવાનું માર્ગદર્શન મેળવવા આપ કવિલોક.કોમની મુલાકાત લઈ શકો છો. એ માટેની લીંક આ છે. http://www.kavilok.com/Typing_Gujarati1.htm

 11. niloo vaishnav says:

  pankajbhai.
  thanks
  i would like to share my views!
  we had a T.O.T.(TRAINING THE TRAINERS) programe for gujarat state medical assosiation and faculty were from national and international level.in a one of the on hand programe few doctors were asked to give demonstration how you will train your targated audience in gujarat.3 or 4 doctors were not to the mark in speaking correct english.i was asked to talk about srengthe and weakness of the participants, i said to them that they all the subject well but if you really reach to the heart and heads of the targate audience,there is no hesitation to speak in the language in which you are more confortable and send your message to your audience well.i donot mean anyway let down the importance of english language, but i do mind in number of service club meetings even the president has failed to communicate well but for language bearier.i think it is better to deliver the speech in gujarati and for students even ‘GUJU ENGLISH’ will do!

 12. Nilesh Sahita (Singapore) says:

  First of all many thanks to the info re: typing in Gujarati. I was able to download and setup typing in Gujarati very quickly.

  I almost thought of writing this response also in Gujarati but unfortunately my speed is still not that good – so pardon me for using English.

  Pankajbhai has raised some interesting points. This is what I think:

  1. We Gujaratis are very pragmatic people. We understand dollars and cents very well but unfortunately there are many things that money can not buy. Values come through culture and language is important part of culture. Jews took extraordinary efforts to revive Hebrew language because they knew that if they don’t review Hebrew, their culture is endangered.

  2. If we don’t take efforts to make sure our children learn our language, we got no rights to complain about their lack of culture orientation when they grow up. And unfortunately many parents realize this way too late.

  3. Choice of whether English Medium or Gujarati medium in India – I think it depends on the family. If at least one of the parent is able to help child with studies in English during initial years – there is nothing wrong in English medium school provided child also learns Gujarati as a language subject.

  4. However, for those households where both parents don’t understand English – generally speaking Gujarati medium will be better option unless parents have means to engage private tutors etc. to make up for their lack of knowledge in English.

  5. In today’s world one can not deny the importance of English. Particularly in India where there are more jobs in Service sector than manufacturing sector, knowledge of English is a must. In fact even in China & Japan, they have realized imporatnce of learning English and English skill is in great demand there. English is a defacto official language for international trade and business and one can not run away from English.

  6. Ideally both English and Gujarati should co-exist. In Singapore we are lucky because the Government policy requires that each child learn at least one non-English language and fortunately Gujarati is one of the official language. In fact we also have a Gujarati school where more than 200 children go to study Gujarati as 2nd language subject every Saturday morning.

  7. In Singapore, funnily enough the competition to Gujarati comes not from English but guess what – from Hindi. Despite having a Gujarati school and option of learning Gujarati – many Gujarati children learn Hindi. Their parents suspect that if at all they move back to India – it will be difficult to find good English medium school where there is option of learning Gujarati as a subject. I believe even in Mumbai (where there is seizable Gujarati population) – there are not many good English medium schools where children have option of learning Gujarati language as a subject. This is a sad reality. Not sure about how’s the situation in Gujarat.

  In short, choice of language medium in India is a complex subject and requires careful consideration before the choice is made. There is no universal right or wrong answer.

  However, we parents need to make effort to make sure that our children grow up with knowledge of our mother tongue or else it will be a suicide as the other reader has pointed out.

 13. mukesh gandhi says:

  dear Sir,

  i would like to share my experience, i put my daughter in Gujarati Medium, now she is in 12th In Jaihind college in Mumbai and i stay in Juhu Scheme area in mumbai. But i can proudly say that my experiment of educating my daughter in mother tounge and along with it teaching her english through teachers and trinity college of London which has it’s franchiese in mumbai is 100 percent sucessful. her confidence level and family attachments are the bigfgest achievements along with her fluency in english.

  thanks,
  mukesh gandhi

 14. chetna says:

  this is really nice topic….sachu j chhe k apni gujarati bhasha pan ekdam unchi bhasha chhe,jyare koi mane em khae k mane tamari jem hi level nu gujarati nathi samjatu…tyare mane thay chhe k gujarati ma pan ketla badha deep meenings chhe? gujarati bhasha ma je mithash chhe,je dard chhe je,alag alag feelings darshavva mate na shabdo chhe..eva bhagye j biji koi bhasha ma hashe..!!..

 15. આપણી માતૃભાષાનું અપમાન એ બૌથ્થિક દેવાળું અને દેશની શરમ છે.

 16. Dipika says:

  આપણી માતૃભાષાનું અપમાન એ બૌથ્થિક દેવાળું અને દેશની શરમ છે.

 17. Upendra says:

  પંક્જ્ભાઈ
  મારો જન્મ આફ્રિકામાં અને બાર વર્ષનો થયો ત્યાં સુધી ગુજરાતીમાં ભણ્યો હતો અને એ બી સી ડીનો પ્રથમ પરિચય તેરમે વર્ષે થયો. ગુજરાતી વાંચનમાં ગાંડિવ, બાલજીવન, કુમાર, તથા બકોરપટેલ માણ્યાં અને વિદ્યાર્થીકાળમાં અને તે પછી સરસ્વતીચન્દ્ર, ચન્દ્રકાંત, ગુજરાતનો નાથ અને અનેક લેખકોનું વિપુલ સાહિત્ય માણ્યું અને હજી પણ માણું છું.
  વિલાયતમાં આવ્યા પછી દરેક વ્યવહારમાં મને અંગ્રેજી ભાષા બોલવામાં, વાંચવામાં કે લખવામાં કોઈ પણ જાતની તક્લીફ નડી નથી.આજે નિવૃતજીવન વિતાવું છું.આ મારો જાતઅનુભવ છે જે ભાષાક્ષેત્રે થયેલાં વિવિધ સંશોધનોને બહાલી આપે છે. વિશ્વના ઘણાં દેશોનો પ્રવાસ પણ કર્યો છે અને જે જે દેશોમાં ગયો ત્યાં એ જોયું કે પ્રાથમિક શીક્ષણ તો માતૃભાષામાં જ હોય છે.

 18. Nilesh Mistry says:

  માતૃભાષા એ તો આત્માની ભાષા છે. સપનાં ને દિવાસ્વપ્નો જોવાની ભાષા છે. ભાવની અભિવ્યક્તિની ભાષા છે. સંસ્કૃતિના જતન ને સંવર્ધન માટે ભાષાનું મહત્વ ભોજન, ભજન ને ભૂષા કરતાંયે અતિ અગત્યનું છે.

 19. mukesh gandhi says:

  નમસ્તે પ’ક્જભાઇ!

  I am sorry for the English language as i tried but took 15 minutes .

  I am very happy and impressed by the courage shown for our matrubhasha gujarati by pankajbhai, Congratulations!

  i would like to share my experience, i have studied in gujarati medium and by profession i am an analyst cum financial consultant in the stock market.

  i have one daughter of 18 years and studying in 13th in Mass media in Mithibai College campus in Mumbai. i am staying at juhu scheme and 3 of my generations i.e. my father, myself and my daughter are born and raised in vileparle (mumbai).

  when my daughter was born i had decided to put her into gujarati medium but resistance started from my wife and family , i asked my wife to convince me intelectually why not put her into gujarati medium school but in english medium school. i had assured her to put my daughter in bombay’s best English Medium school if she can convince me intellectually(She couldn’t!). i assured her that my daughter’s English vocabulary was my responsibity and put the machinery to her to fulfill my conviction, Even than she was not convinced and matter became so serious that it even went to the level of divorce . but by grace of god she agreed and now she (my wife) says putting my daughter in Gujarati Medium was the best decision in her life (better than getting married to me). my daughter is fluent in english without any inferiorarity complex,giving presentation in college,seminars,workshops and even working as intern during summer jobs taking intereviews and writing articles for the news paper and firms.

  we are a joint family, she reads gujarati poems for her grandma and translates articles for the grandpa, at the same time teaches english to my nephew who is in 4th grade of one of the most famous English Medium school of our area.

  In short, i can tell you from my experience that even in today’s modern lifestyle and surroundings my experiment of this kind is hundred and ten percent success. what is required is strong belief in yourself and courage to experiment.

  Again i congratulate pankajbhai from my heart and wish all of us those who want to do something for matrubhasha .

  mukesh/beena (Niyati-my daughter)

 20. સુરેશ જાની says:

  ભાઈ શ્રી. અનિમેષનો આભાર- આ લેખની લીન્ક બતાવવા માટે. બહુ જ સુચક વીચારો પંકજભાઈએ રજુ કર્યા છે – આપણને સૌને વીચારતા કરી મુકે તેવા. ઘણી બધી અકળામણ પણ થઈ. સામ્પ્રત સમાજના માનસ માટે.
  પણ અંધારઘેર્યા આકાશમાં વીજળી જેવી વાત એ છે કે, કમસે કમ આપણા લેખકો અને સાહીત્યરસીક જનતા આવું બધું વીચારતાં થયાં છે. આ વર્ગને માટે આ બે લેખો આહ્વાન ( આહ્ વાન ) છે કે, આ પરીસ્થીતી ચાલુ રહેશે કે, એમાં કોઈ પરીવર્તનને અવકાશ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.