વિસ્ફોટ – નૂતન જાની

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ.નૂતનબેન જાનીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

ટ્રીન ટ્રીન… ટ્રીન ટ્રીન… નેહાએ ફોનનું રિસીવર ઊંચક્યું. ‘હેલો, હેલો, હેલો…’ એના અવાજનું વોલ્યુમ વધતું ગયું. રિસીવર સરકીને ભોંય પર પછડાયું. એણે હિંમત એકઠી કરી પાછું એને ક્રેડલ પર ગોઠવ્યું. એમાં ફોનનો શો વાંક ? એણે ટી.વી.ની ન્યૂઝ ચેનલને લાઉડ કરી. પાંચ મિનિટ પહેલાં ત્રણ જગ્યાએ બૉમ્બબ્લાસ્ટ ના ન્યૂઝ હતા ને અત્યારે સાત જગ્યાએ. તે એકદમ બેબાકળી બની ગઈ. ટી.વી. સ્ક્રીન પર આગની લપેટો, ધુમાડાના ગોટેગોટા, લોહી નીતરતાં શરીરો ને કણસતી કિકિયારીઓ…. એને કશું જ ગમતું નહોતું.

ગૌરવ આજે શેરબજાર ગયો છે. કેટલા બધા વખતથી પપ્પાજીના નામ પરથી શેર પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનું કામ રહી જતું હતું. ગૌરવ રોજ કોઈને કોઈ કામમાં વ્યસત રહેતો ને શેરટ્રાન્સફરની વાત પડતી મૂકાતી. આજથી તેની ઑફિસમાં ઈન્ટિરિયર ડેકોરેશનનું કામ શરૂ થવાનું હતું તેથી આજે તે ઘરે હતો. ચા-નાસ્તો પતાવી તે નિરાંતે ટી.વી. જોવા બેઠો. નેહાએ પપ્પાજીના શેરની વાત કાઢી. પેન્ડિંગ કામ પતાવવાનો મોકો જોઈ ગૌરવ તરત તૈયાર થઈ ગયો.

સાડા નવે નીકળેલા ગૌરવને શેર માર્કેટ પહોંચતા અગિયાર તો વાગે. ઘરના કામથી પરવારી નેહાએ ટાઈમપાસ માટે ટી.વી. ચાલુ કર્યું હતું. ચેનલ સર્ફીંગ કરતાં કરતાં ન્યુઝ ચેનલ પરનાં બૉમ્બબ્લાસ્ટના સમાચાર સાંભળીને તે એકદમ ગભરાઈ ગઈ.

ટ્રીન ટ્રીન….ટ્રીન ટ્રીન… ફોન એક ધારો રણકતો હતો. નેહામાં ફોનના રિસીવરને ઊંચકવાની હામ નહોતી. તોય કંપતા હાથે તેણે ફોન ઊંચક્યો, ‘હલો, હલો, હલો, હલો…’ રિસીવર પછડાઈને મૂકાઈ ગયું. આ ગૌરવ પણ…., એને ખબર નથી પડતી કે ઘરે ફોન કરી પોતાના વિશે જણાવી દેવું જોઈએ ? નેહા બાલ્કનીમાં આવી ઊભી રહી. ઘર સામેનો ગુલમહોર એને દઝાડતો હતો. સ્કૂલે જવા તૈયાર થયેલા ગ્રાઉન્ડમાં રમતા બાળકોનો ઘોંઘાટ એને ત્રાસ આપતો હતો. ગૌરવ અને નેહાના લગ્નને સાત વર્ષ થઈ ગયેલાં પણ હજી ઘરમાં એ બે ના અવાજો જ પડઘાયા કરતા. રોજ આ બાળકો રમતા ત્યારે નેહા બાલ્કનીમાં ઊભી રહી એમની રમતના અવાજોથી પોતાના કાનને ભરી દેવા ઉત્સુક રહેતી.

‘આન્ટી, આન્ટી’ નીચેથી નીશા એને બોલાવી રહી હતી પણ નેહાને એનું ભાન જ નહોતું. તરત એ ઘરમાં ગઈ. એની નજર ચારેકોર ફરી વળી. એને લાગ્યું એ કોઈ ભયાનક ભૂતાવળ તરફ ખેંચાઈ રહી છે. એણે ફોન ઊંચક્યો…શું કરું ? કોને ફોન કરું ?… જયંતભાઈને કે પછી હરેશને ? કશી સમજણ પડતી નહોતી.

બારણું ઉઘાડી એ સામેવાળા પારુલબેનને ત્યાં ગઈ.
‘પારુલ તેં ન્યુઝ સાંભળ્યા ? ફોર્ટમાં સાત સાત જગ્યાએ બૉમ્બ ફૂટ્યા છે.’
એકદમ નિરાંત જીવે પારુલ બોલી, ‘પંકજની ઑફિસ તો અહીં બાજુની ગલીમાં ત્રીજા મકાનમાં. થોડી વારમાં પંકજનો માણસ ટિફિન લેવા આવશે. હજી તો રોટલીનો લોટ બાંધવાનો બાકી છે. આવને અંદર, રસોડામાં.’
‘ના, ના, જવા દો.’ બોલતામાં તો નેહા ફસડાઈ પડી. પારુલ એકદમ ગભરાઈ ગઈ. એણે બૂમ પાડી, ‘અમિત જલ્દી આવ. જો આ નેહા માસીને શું થઈ ગયું ?’ અમિત અને પારુલે મળી નેહાને ઊંચકી સોફા પર સૂવડાવી. અમીતે નેહાના મોઢા પર પાણીની છાલક મારી.

નેહા ડરની મારી જાગીને ઊભી થઈ ગઈ. એની આંખો ચકળવકળ ફરવા લાગી. પારુલે એને હલબલાવતાં પૂછી રહી હતી, ‘નેહા શું થયું ? તારી તબિયત તો સારી છે ને ? ડૉકટરને બોલાવવા છે ?’
‘ના ટી.વી. પર બૉમ્બ બ્લાસ્ટ ગૌરવ….’ નેહાને ચક્કર આવવા શરૂ થયા.
પારુલ બોલતી હતી, ‘આવું બધું તો થયા કરે, એમાં ગભરાવાનું નહીં. આ ટી.વી. એ દાટ વાળ્યો છે. ટી.વી. પર શું નું શું બતાવે છે. નેહા, ચાલ જોઉં… ગભરાવાનું નહીં.’
‘પણ પારુલ, ગૌરવ આજે શેરબજાર ગયો છે. ત્યાં પણ બૉમ્બ ફૂટ્યો છે. મને ખૂબ ચિંતા થાય છે. નેહાનો અવાજ ઘ્રુજતો હતો.

એટલામાં પંકજની ઑફિસે ટિફિન પહોંચાડવા માટે માણસ આવ્યો. અમીતને નેહા પાસે ઊભો રાખી પારુલે ઝટપટ જે રસોઈ તૈયાર હતી તે ટિફિનમાં ભરી આપી. ટિફિનવાળાને રવાના કર્યો. તે નેહા પાસે બેસી સાંત્વન દેવા લાગી, હવે નેહા ચોધાર આંસુએ રડવા લાગી. એને પપ્પાજીની યાદ આવી ગઈ. અત્યારે તેઓ હોત તો ? કોઈ ફિકર કરવી જ ન પડત. પપ્પાજીએ નેહાના પિતાની ખોટ પૂરી કરેલી. મા-બાપ વગરની નેહાને એમણે જ મોટી કરીને પોતાના પુત્ર ગૌરવ સાથે પરણાવેલી. હવે તો તેઓ પણ નથી રહ્યા અને ગૌરવને કંઈ થઈ જશે તો ? ગૌરવ વગર કઈ રીતે જીવી શકાય ? નેહાનાં આંસુ અને ડૂસકાં પુર બની વહી નીકળશે એવું પારુલને લાગ્યું. અમીતે નેહાને પાણી પીવા આપ્યું.

નેહાના ઘરનો ફોન રણકતો હતો. તે ઝટ ઊભી થઈ….દોડી…. ફોન ઊંચકે તે પહેલાં જ રીંગ કટ થઈ ગઈ. ટી.વી. એમનું એમ ચાલું હતું. નેહાની સમાચાર સાંભળવાની ઉત્સુકતા મરી પરવારી હતી. પારુલને કામવાળી આવશે એની ચિંતા હતી પણ થાય શું ?…. ‘નેહા, એક કામ કરીએ. તારો ફોન મારે ત્યાં લઈ લઈએ. તારે એકલા નથી રહેવું, મારે ત્યાં શાંતિથી બેસ. એટલામાં હું મારું કામ પતાવી દઉં. અમીતે પણ પારુલભાભીના સૂરમાં સૂર પૂરાવ્યો. અમિતને પોતાના ફ્રેન્ડને મળવા જવાનું હતું એટલે એ પણ ઉતાવળમાં હતો. ધખધખતા રણમાં શેકાવું એટલે શું તેની તેને ખબર નહતી.

ગૌરવ ઠીક તો હશે ને ? આજે ઘણા દિવસે માંડ તે ઘરે રહેલો. ને પોતે એને કામે મોકલ્યો. નેહાને બહુ અડવું લાગતું હતું. પોતાની જાત પર ગુસ્સે થવું કે દયા ખાવી એને કશું સમજાતું નહોતું. બૉમ્બ બ્લાસ્ટના સમાચારને કલાકે વીતી ગયેલો. હજી ગૌરવનો કોઈ પત્તો નહોતો. તે ગાંડા જેવી બની ગઈ હતી.

પારુલ રસોડાનું કામ સમેટવામાં વ્યસ્ત હતી, ત્યાં એના ઘરના ફોનની રીંગ વાગી. રસોડામાંથી આવીને તેણે ફોન લીધો. ગૌરવ બોલી રહ્યો હતો, ‘પારુલભાભી, નેહાને ફોન કરેલો, પણ એ બહાર ગઈ લાગે છે.’
ગૌરવ આગળ બોલે તે પહેલાં જ પારુલે કહ્યું, ‘ગૌરવભાઈ, નેહા અહીં છે.’ ગૌરવનું નામ સાંભળી નેહાએ રિસિવર આંચકી લીધું. ગૌરવ અદ્ધર શ્વાસે બોલ્યો, ‘હેલો..હેલો નેહા, હું ગૌરવ.’
નેહાની આંખો ફરી વહેવા લાગી, ‘ગૌરવ ક્યાં છે તું ?’
‘નેહા હું ઠીક છું. મને કંઈ નથી થયું. મારી વાત શાંતિથી સાંભળ. પંકજભાઈને પારુલભાભીની આવતા મહિને મેરેજ એનિવર્સરી છે. પારુલભાભીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો પ્લાન પંકજે બનાવેલો. આજે સવારે એ ઝવેરીબજાર ગયેલો. શેરબજારમાં બૉમ્બ બ્લાસ્ટ ના ન્યૂઝ સાંભળી હું ત્યાં ન ગયો ને ફોઈને મળવા ભૂલેશ્વર જવા નીકળ્યો. ભૂલેશ્વર પહોંચ્યો તો ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળ્યા. ઈજાગ્રસ્ત લોકોને લઈ ઝવેરીબજારમાંથી ટૅકસીઓ હોસ્પિટલો તરફ દોડી રહી હતી. એક ટૅકસીમાં મેં પંકજભાઈને જોયા… હું તરત જ ત્યાં દોડી ગયો. એમને હૉસ્પિટલમાં લઈ આવ્યો છું. એ જે દૂકાને હતા ત્યાંથી પાંચમી દૂકાનમાં જ બૉમ્બ ફૂટેલો. તેમના આખા શરીરે હાથે, પગે, માથે જખ્મો થયા છે. બને તો ઝડપથી તું પારુલ ભાભીને લઈને અહીં હરકિસનદાસ હૉસ્પિટલમાં આવ. બીજે માળે, ઈમરજન્સી વોર્ડમાં.

નેહા અવાક્ ઊભી સાંભળતી રહી. પારુલ એની સામે જોઈ રહી હતી. પારુલને આ વાત કઈ રીતે કરવી ?.. એને હૉસ્પિટલ કઈ રીતે લઈ જવી ? પારુલે એને ઢંઢોળી, ‘નેહા, શું વાત છે ? ગૌરવભાઈ તો સાજા-નરવાં છે પછી આમ ચૂપ કેમ થઈ ગઈ ?’ નેહાની આંખમાંથી વહેતા આંસુ પારુલ કળી ન શકી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની કૃતિઓ – સંકલિત
જુઓ હસ્યા ને ! – સંકલિત Next »   

14 પ્રતિભાવો : વિસ્ફોટ – નૂતન જાની

 1. અમિત પિસાવાડિયા says:

  અત્યંત સંવેદનશીલ વાર્તા છે.

 2. Varun Patel says:

  Samkalin ghatna ni sunder abhivyakti…
  Dhanyavaad

 3. manvant says:

  સમયોચિત વાર્તા છે .ગુલમહોર દઝાડતો હતો !
  અંત દુ:ખદ છે.વર્ણન પ્રવાહી છે.ડૉ.જાની ને
  શ્રી.શાહ ને અભિનંદન !

 4. geetadesai says:

  very touching story.

 5. Gira says:

  Omg… such an tragic story!!!!!! :((

 6. Gira says:

  Omg… such a tragic story!!!!!! :((

 7. Very Very Touching story. Very apt in today’s world, whatever is happening around us! Congratulations to Shri Nutan Jani.

 8. Amol Patel says:

  Really good strory,
  Thank you Nutanben for sending this story.

 9. bina patel says:

  A very good story that touched my heart deeply, thanks

 10. Mona says:

  Touching one……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.