- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એનો ભાર કેવો ? – ડૉ. શરદ ઠાકર

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે,
અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે.

‘એ વખતે આટલી જ ધૂળ હતી, રસ્તામાં ?’
‘આથીયે વધારે. આખો રસ્તો જ ધૂળિયો હોય પછી ? ચાલતાં ચાલતાં આખો પગ જ ઊતરી જાય અંદર-શેકાતી ભઠ્ઠીમાં.’
‘બસ નહોતી ?’
‘ના.’
‘સૂરજ આજના જેટલો આકરો નહિ હોય.’
‘આથીયે વધુ તેજ. આકાશમાંથી લૂ વરસે. ને પગની નીચે ભઠ્ઠી સળગે.’
‘રોજ સાત-સાત માઈલ આવામાં ચાલવાનું ?’
‘સાત નહીં, ચૌદ. સાત માઈલ જવાના અને સાત આવવાના.’
‘થાકી જતા હશો નહીં ?’
‘થાક ? જરાય નહીં ને !’
‘કેમ ?’
આટલા સવાલના જવાબ મળ્યા, પણ આ છેલ્લા ‘કેમ?’ નો જવાબ ના મળ્યો. હું ચાલતાં ચાલતાં હાંફતો હતો. બપોરનો એક વાગ્યો હતો. બસ હતી, પણ કનેકશન ચૂકી જવાયું હતું. બાપદાદાનું ગામ હજુ સાત માઈલ દૂર હતું. લગ્ન પ્રસંગે પહોંચી જવું બહુ જરૂરી હતું. કોઈ ખાનગી વાહન મળે એમ નહોતું. ચાલવાનું નામ પડે ત્યાં જ મારા પગમાં લેક્ટિક ઍસિડ જમા થવા માંડે છે. દુનિયાભરના પ્રવાસીઓનો થાક મારા ચરણોમાં આવીને અટકી જાય છે. વાંક મારો નથી, મારા બેઠાડુ જીવનનો છે. બાકી મારા વૃદ્ધ માબાપને થાક કેમ ન લાગ્યો ને મને જ લાગ્યો ? અમે ત્રણેય જણાં ચાલી રહ્યાં છીએ. પંદરેક મિનિટ માંડ થઈ હશે ને હું એમનાથી પાછળ પડી જવા લાગ્યો. તરવૈયા ડૂબતાંને ખેંચે એમ મારા પિતા મારો હાથ ઝાલીને ચાલી રહ્યા હતા.

ચાલતી વખતે સમય કાપવાનું એકમાત્ર સાધન સંવાદ છે. મારાથી તો બોલાય તેમ હતું જ નહીં. એમણે જ વાત કાઢી. ‘તું તો એ વખતે સાવ નાનકો. માંડ પાંચેક વરસનો. પણ ભારે બીમાર રહેતો. શહેરના ડૉકટરો દવા કરી કરીને થાક્યા. છેવટે હાથ ઊંચા કરી દીધા – આને હવાફેર માટે ગામડે લઈ જાવ. એને દવાફેરની જરૂર નથી. દવામાં તો ઈન્જેકશન લખી આપું છું, એ રોજ મુકાવજો. છોકરાનું સુખ તમારા નસીબમાં લખ્યું હશે તો જીવતો લઈને પાછા આવશો…. બાકી…’

બિચારા ડૉકટરને ખબર નથી હોતી કે છોકરો એમના માટે દર્દી હોય છે પણ એક બાપ માટે જિંદગી હોય છે. હું તને – મારી જિંદગીને બચાવવા ગામડે આવ્યો. હવા-પાણી ચોખ્ખાં હતાં. આખા ગામની હૂંફ હતી, પણ ઈન્જેકશન આપવા માટે ડૉકટર નહોતા. આ આપણે હમણાં ઊતર્યા એ નાનકડા શહેરમાં એક કાચા પાકા ડૉકટર હતા. એને પૂછ્યું તો કહે લઈ આવજો રોજ ટેણિયાને મારી પાસે, હું ઈન્જેકશન મૂકી આપીશ. બે રૂપિયા થશે રોજનાં !

‘પૈસાનો સવાલ નહોતો, મુશ્કેલી હતી આવવા-જવાની. બસ તો એ દિશામાં ફરકતી જ નહોતી. રસ્તો પણ ધૂળિયો કાંટા-ઝાંખરાથી છવાયેલો. સવારે રાતનો ટાઢો રોટલો ખાઈને નીકળી પડું. ખિસ્સામાં ડૉકટરને આપવાની ફી હોય, વધુ જોખમ તો રખાય નહીં. લૂંટફાટનો ભય. બધા કહે કિંમતી ચીજવસ્તુ ઘરે મૂકીને જ નીકળવું. હું બબડું-દુનિયામાં સૌથી વધુ કિંમતી ચીજ તો મારા ખભે માથું ઢાળીને સૂતી છે. એને બચાવવા તો આ રોજની ખેપ ખેડું છું. પગમાં ગામડાના મોચીએ સીવેલા ચંપલ, અરધો માઈલ ચાલતા તો પગ દાઝવા માંડે, સૂરજ ભઠ્ઠી જેવો થતો જાય, નીચેની ધૂળ આગ ઓકતી નદી બની જાય. ડૉકટરનો સમય સાચવવા થોડું મોડું જ નીકળવું પડે. તું અશક્તિને કારણે લગભગ લાશ જેવો થઈને મારા બાવડે પડ્યો હોય. માથું મારા ખભે ઢળેલું હોય. ક્યારેક તો સહેજ ઢંઢોળીને ખાતરી કરી જોઉં કે….કે જીવે તો છે ને, મારો લાલ ? આવા સાત માઈલ જવાના અને સાત પાછા આવવાના ! ગળે શોષ પડતો હોય. પણ ક્યાંય થાક ખાવા કે પાણી પીવાયે ઊભા નહીં રહેવાનું !

હું સાંભળી રહ્યો હતો. હાંફતાં હાંફતાં મેં પૂછ્યું, ‘થાકી જતા હશો, નહીં, બાપુજી ?’
એ ટટ્ટાર બની ગયા : ‘થાક ? જરાય નહીં ને !’
મેં પૂછ્યું ‘કેમ ?’ બસ, મૌન ! આ ‘કેમ’ નો કોઈ જવાબ નહીં.
જવાબ મેં વિચારી જોયા. એમની જુવાની મેં પછીથી મોટા થઈને જોયેલી. સુદઢ, સ્નાયુબદ્ધ, કસરતી દેહ, એમની પાસે ધર્મેન્દ્ર સ્ત્રૈણ લાગે. કદાચ એટલે જ થાક નહીં લાગતો હોય. કદાચ એ વખતના અસલી ખોરાક-પાણીને કારણે હશે. કદાચ બીમારીથી કંતાઈને હું જ લાશ જેવો બની ગયો હોઈશ. મારો ભાર જ નહીં લાગતો હોય. આવાં કંઈક ‘કદાચ’ વિચારી જોયાં, પણ કોણ જાણે કેમ પેલા ‘કેમ?’ નો જવાબ ન મળ્યો. મેં પણ પછી તંત છોડી દીધો. જિંદગી એક વિરાટ પ્રશ્નપત્ર છે. એમાં ક્યાં ત્રણ જ કલાકની અવધિ છે ? જવાબ ન મળે એ સવાલ રાખી મૂકવો, ગમે ત્યારે અચાનક, અનાયાસ, મેધલી રાત્રે થતા વીજળીના ઝબકારાની જેમ જવાબ પણ મળી જશે. હું ચાલતો રહ્યો, થાકથી, ગરમીથી, ધૂળથી હાંફતો હાંફતો…. પેલા સવાલને મગજના આઈસ-બૉક્સમાં મૂકીને !

હજુ હમણાંની જ વાત છે. રાતનો પોણો વાગ્યો હશે. નાટક હમણાં જ પૂરું થયું. પ્રેક્ષકો એક પછી એક બહાર નીકળવા લાગ્યા. હું પણ નીકળ્યો. મારી સાથે મારો છ-સાડા છ વર્ષનો પુત્ર પણ હતો. બીજા બે વડીલ મિત્રો હતા. બંને પ્રખ્યાત હસ્તીઓ હતી. નાટક જોઈને પછી એને વિષે એમણે અભિપ્રાય આપવાનો હતો. એ અભિપ્રાય પર નાટક ચાલવા દેવું કે અટકાવી દેવું એનો નિર્ણય થવાનો હતો. ધીમે ધીમે લોકો વીખરાઈ ગયા. નાટ્યગૃહ ખાલી ખંડેર જેવું થઈ ગયું. માત્ર નાટકના નિર્માતા, અન્ય કલાકારો અને બે વડિલ મિત્રો જ રહ્યા. નાટક વિષે ચર્ચાઓ ચાલતી હતી. હું ઊભો ઊભો થાક્યો. ક્યાંય બેસવા માટે સ્વચ્છ જગ્યા નહોતી. પગમાં વિશ્વભરના પ્રવાસીનો થાક જમા થવા માંડ્યો હતો. ત્યાં જ એક કોમળ સ્વર મારા કાને અથડાયો, ‘પપ્પા, ઊંઘ આવે છે…. ઊંચકી લ્યો ને !’ મેં આંગળી ઝાલીને ઊભેલા મારા દીકરા સામે જોયું.

એની આંખો ઊંઘરેટી બની ગઈ હતી. એનો વાંક ન હતો. આખા દિવસની દોડધામ અને પછી આ નાટક જોવાનો ઉજાગરો ! એની તમામ શક્તિ નિચોવાઈ ગઈ હતી. અત્યારે હું એનો પપ્પા નહોતો, એના માટે પથારી બની ગયો હતો. મેં વહાલથી એને ઊંચકી લીધો. થોડીક જ ક્ષણોમાં એ મારા ખભા પર માથું ઢાળીને ઘસઘસાટ ઊંઘી ગયો. એનો હૂંફાળો શ્વાસ મારા ગળા પર અથડાતો રહ્યો. પેલા વડીલો વચ્ચે વાતચીત, ચર્ચા-વિચારણા ચાલતાં રહ્યાં. એક, સવા, દોઢ, બે વાગવા આવ્યા. છુટકો નહોતો. પેલા મિત્રો માટે આ ફરજનો એક ભાગ હતો, હું પણ બંધાયેલો હતો. એમની સાથે આવ્યો હતો, સાથે જ જવાનું હતું.

‘ડૉકટર, તમારા દીકરાને ત્યાં બાંકડા પર સુવરાવી દો ને. થાકી જશો. અમને હજુ થોડી વાર લાગશે.’ એક મિત્રને મારી દયા આવી. હું કંઈ બોલ્યો નહીં. મારી જગ્યાએથી હાલ્યો પણ નહીં. એ બાંકડા પર મારા રાજકુંવરને થોડો સુવડાવાય ? કેટલો ગંદો હતો એ બાંકડો ?’

‘તમે કંટાળી જશો, મિત્ર, અહીં આ સિમેન્ટના ઓટલા જેવું છે, ત્યાં એને…’ બીજા મિત્રે બાજુમાં સ્ટેજ જેવું હતું એ બતાવ્યું. હું કંઈ બોલ્યો નહીં. રાત્રે બે વાગ્યે આ સિમેન્ટનો ઓટલો કેટલો ઠંડો હોય છે એ હું જ જાણું. આ લોકો શું જાણે ?

‘લાવો ડૉકટર સાહેબ, તમારા પ્રિન્સને હું ઊંચકી લઉં, તમે થાકી જશો ઊભા રહીને..’ નાટકનો મુખ્ય અભિનેતા બોલ્યો. પ્રખ્યાત કલાકાર હતો. મે વિચાર્યું : ‘માણસ ભલો છે, પણ એમ કંઈ મારો દીકરો એને ઊંચકવા માટે થોડો આપી દેવાય છે ? કેટલા ભરોસાથી એ દીકરો મારા ખભે માથુ મૂકીને સૂતો છે ? એ ભરોસાને તોડાય કેવી રીતે ? હું કંઈ બોલ્યો નહીં. માત્ર ઊભો રહ્યો.

છેવટે રાત્રે અઢી વાગ્યે પાર આવ્યો. બધાં વીખરાયાં. મેં ગાડીનો દરવાજો ખોલીને મારા પુત્રને હળવેકથી સીટ પર સૂવાડ્યો. અચાનક હળવા થઈ જવાનો ભાર વર્તાયો. બંને મિત્રો પણ ગાડીમાં ગોઠવાયા.
‘થાક લાગ્યો હશે, નહીં ડૉકટર ? દીકરાને ઊંચકીને લગભગ પોણા બે કલાક સુધી ઊભા રહ્યા. અમે તો ખાલી હાથે ઊભા હતા, તોય થાકી ગયા.’ એક મિત્રે વાત કાઢી.
મારી જીભ પર અચાનક જ વાક્ય આવી ગયું: ‘થાક ? જરાય નહીં ને ?’
‘કેમ ?’
‘કારણકે એ પુત્રનો ભાર હતો ને, માટે !’

વીજળીનો કડાકો થયો હોય એવું લાગ્યું. મનનું આકાશ જાણે ચિરાયું. આ જવાબ હતો. મેં એ લોકોને આપેલો જવાબ નહીં, પણ મારા જ પ્રશ્નનો કોઈ અન્ય વ્યક્તિએ આપેલો જવાબ ! કોણ ? કોણ હતી એ અન્ય વ્યક્તિ ? મને યાદ આવ્યું. મારા મગજના કોલ્ડ સ્ટોરેજમાં વરસોથી મેં સંઘરી રાખેલ મારા જ પ્રશ્નનો જવાબ મારા વૃદ્ધ પિતા, મારી જ જીભ પર આવીને આપી રહ્યા હતા : ‘થાક ન લાગે, પિતાને પુત્રનો ભાર ઊંચકતા ક્યારેય થાક ન લાગે.’