કુદરત તરફ – વત્સલ વસાણી

[ ‘ગુજરાત સમાચાર’ તા-30-જૂલાઈ-2006 ‘રવિપૂર્તિ’ માંથી સાભાર ]

સાંજનો સુંદર સમય અને હૃદયને સ્પર્શી જાય એવું ભીનું ભીનું વાતાવરણ છે. આવા સમયે ચારે બાજુથી બધુ બંધ હોય એવા એરકંડિશન્ડ વાતાવરણમાં જ રોજ રહેવું પડતું હોય છે. પણ રવિવાર હોવાથી આજે આ સુંદર ચાન્સ મળી ગયો છે. ખુલ્લું વાતાવરણ મને ખૂબ ગમે છે. ક્યાંય કોઈ દિવાલ ન હોય અને વિરાટ સાથે ઓતપ્રોત થઈને માણસ જીવતો હોય તો કેવું સારું ! બહારની થોડી દિવાલો તો શરીરના રક્ષણ માટે જરૂરી છે પણ મનમાં રચાયેલી બીજી અસંખ્ય દિવાલોની જરૂર શી છે? માણસ માણસના હૃદય વચ્ચે કોઈ દિવાલ ન હોય અને સમગ્ર સાથે આત્મીયતાભર્યો વ્યવહાર જીવનની વાસ્તવિકતા બની જાય તો સૃષ્ટિનું એ સૌથી મોટું સદભાગ્ય હશે.

નજર મારી બારી બહાર જઈ રહી છે. વરસવા માટે તત્પર હોય એવા વાદળથી આકાશ છવાઈ ગયું છે. કેટલાક કંજુસ માણસો પાસે ઘણું હોય છે અને છતાં એ આપી શકતા નથી. જિંદગીના અંત સુધી એ બસ ભેગું જ કરતાં રહે છે. આપવું, અનરાધાર વરસવું એ એમનો સ્વભાવ નથી. પણ આ વાદળાં તો આપવાની જ ભાષા જાણે છે. ભરાઈ ગયા એટલે વરસવા માટે અધીરાં બની જાય છે. કશુંક આપવા માટે આપણી પાસે ધન જ હોવું જોઈએ એ સમીકરણ ખોટું છે, પૈસા અથવા તો પૈસાથી ખરીદાતી વસ્તુ આપીએ તો જ આપ્યું કહેવાય એ માન્યતા બરાબર નથી. પૈસા સિવાય પણ આપણી પાસે આપી શકાય એવું ઘણું છે. પ્રેમભર્યા વ્યવહાર માટે ફૂટી કોડીનોય ખરચ કરવો પડતો નથી. દિવેલિયું મોં લઈને જીવવા કરતાં ચહેરા પર સ્મિત લઈને જીવવામાં કોઈ ખરચ ક્યાં કરવો પડે એમ છે ? આકાશમાં મેઘગર્જના અને વીજળીનો ચમકાર ચાલુ છે. કેટલાંક વાદળ વરસે એના કરતાં વધુ ગરજતાં હોય છે. કેટલાક માણસો પણ આવા જ હોય છે. આપે એના કરતાંય વધુ બોલી બતાવતા હોય છે. સાચેસાચ વરસવાનું શરૂ થાય ત્યારે ગડગડાટ આપોઆપ શાંત થઈ જાય છે. સજ્જનો અનરાધાર વરસે તો પણ એના હૃદયમાંથી અહંકાર કે હું પદનો એકાદો સ્વર પણ ઊઠતો નથી.


રાત્રિનો શાંત સમય છે.
આકાશ અનરાધાર વરસી રહ્યું છે. છે તેટલું બધું જ આપી દેવા એ આતુર છે. ભેગું કરવાનો કોઈ ભાવ મનમાં ન હોય અને કોઈ આપવાનું શરૂ કરે તો સંસારના નિયમ પ્રમાણે ખૂટી પણ જાય. પરંતુ પરમાત્માના જગતમાં જેમ જેમ કોઈ આપવાનું શરૂ કરે, નિર્બંધ બનીને કોઈ જો વહેવા લાગે તો અંદરથી કશુંક અખૂટ, આપોઆપ ઊમટી આવીને છલકાવા લાગે છે. સંતોનું હૃદય સદા આ રીતે જ અનરાધાર વરસતું હોય છે. હૃદય પ્રેમથી ભર્યું હોય તો એ જળભર્યા વાદળ જેવું બની જાય છે. જ્યાં અને જેના પર વરસે ત્યાં ભીનાશ, તૃપ્તિ અને હરિયાળીનો ઉદય થાય છે. પ્રેમથી ભરેલું જીવન ફળદ્રુપ બની જાય છે. વિધ્વંસ નહીં પણ નવસર્જન, એ પ્રેમભર્યા હૃદયની સહજ ફલશ્રુતિ છે. પ્રેમાળ વ્યક્તિ આપોઆપ ધાર્મિક બની જાય છે. તમે બારીમાંથી આકાશને જુઓ તો પણ એ કેવડુંક દેખાય ? દિવાલો છોડી, ખુલ્લા આકાશ નીચે જઈને નજર કરવામાં આવે તો ખ્યાલ આવે કે અસ્તિત્વ કેટલું વિશાળ છે ! ફલેટનું જીવન, બેડરૂમની બારીઓ, પડદા અને એરકંડિશન્ડની કૃત્રિમ ઠંડકમાં પુરાયેલું જીવન વિરાટ આકાશનો પરિચય પામી શકતું નથી. કુદરતી હવા, કુદરતી ઠંડક, ચાંદની, તારા મઢ્યો ચંદરવો અને અસ્તિત્વનો વિરાટ વિસ્તાર આ બધું અગાસીમાં જઈને જોવામાં આવે કે રોજ યા ક્યારેક ખુલ્લા આકાશ નીચે સૂવામાં આવે તો જ ખ્યાલમાં આવે.

માણસ જેમ જેમ યાંત્રિક બનતો જાય છે, એનો કુદરત સાથેનો સંબંધ ઘટતો કે તૂટતો જાય છે. વરસાદ વરસતો હોય તો પણ એનું હૃદય નાચતું નથી. ખુલ્લા આકાશ નીચે જઈને નાના બાળકની જેમ નાચવાનું કે પલળવાનું એને મન જ થતું નથી. મજબૂરીવશ પલળવું અને અંતરની ઈચ્છા કે ઉમટ સાથે પલળવું એમાં આકાશ-પાતાળનું અંતર છે. કુદરતી વાતાવરણમાં ક્યારેક પલળતા પલળતા ચાલવાની મઝા માણી હોય તેને જ ખ્યાલ આવે. ખાખરાની ખિસકોલી સાકરનો શું સ્વાદ જાણે ?! રાત્રિનો શાંત સમય હોય અને વરસાદ વરસતો હોય ત્યારે જાગી જઈને ક્યારેય વર્ષાના તાલબદ્ધ કે રમઝટિયા સંગીતને સાંભળ્યું છે ? બગીચાના છોડ, વેલા અને ઝાડ પર ઝરમર ઝરમર ટપકતા વર્ષાબિન્દુઓના મસ્તીભર્યા સંગીતને માણ્યું છે ? હૃદય જો રસથી ભરેલું હોય તો આ સંગીત, શાસ્ત્રીય સંગીતના ચુનંદા સાધકો, વાતાવરણમાં જે સુગંધ, શાંતિ અને મસ્તી લાવી શકે તેનાથી સહેજેય ઊતરતું નથી હોતું.

માણસે જો ખરેખર સુખી, સ્વસ્થ અને મસ્તીભર્યું જીવન જીવવું હોય તો એણે કુદરત તરફ પાછા વળવું પડશે. વિજ્ઞાને આપેલી તમામ સુવિધાના અંગીકાર સાથે પ્રકૃતિએ અને પરમાતમાએ આપેલી નૈસર્ગિક સમૃદ્ધિને પણ જીવનમાં લાવવી પડશે. ખળખળ વહેતી નદી, નાચતાં કૂદતાં સંગીતમય ઝરણાં, મહાસાગરનાં ઉછળતાં મોજાં અને એની ગર્જના, વૃક્ષોની હરિયાળીથી ભરેલા પહાડો, હિમાચ્છાદિત શિખરો, રંગબેરંગી ફૂલો, સુંદર પક્ષીઓ, એના ટહૂકા, પશુઓ અને જંગલી પ્રાણીઓનું નૈસર્ગિક જીવન, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયની લાલિમા આ બધું અવારનવાર આપણે પણ જોવું અને માણવું જોઈએ. પ્રકૃતિની ગોદમાં વરસના અમુક દિવસો તો વીતાવવા જ જોઈએ. લોકો નિવૃત થાય ત્યારે પણ ઘરમાંથી બહાર નીકળતા નથી. ધન અને પૂરતા સાધન હોય તો પણ એનો ઉપયોગ કરી શકતા નથી. ધન માત્ર બેંક બેલેન્સ ઊભું કરવા જ નથી હોતું. ધનનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ. સુખ અને આનંદ માટે ધનને છુટ્ટા હાથે વાપરતા આવડવું જોઈએ. ધન એ સાધ્ય નહીં પણ સાધન છે. સુખપ્રાપ્તિનું જો એ સાધન બને તો જ એની મઝા અને સાર્થકતા.

પક્ષીઓ કોઈ પણ પરિસ્થિતિમાં ગાતાં અને આનંદ મનાવતા હોય છે. વહેલી સવારે કોયલના ટહૂકા અને બીજા પક્ષીઓના મધુર અવાજને હું સાંભળું ત્યારે ધન્ય બની જાઉં છું. કુદરત સાથે ઓતપ્રોત થઈને જીવતાં આવડે તો દુ:ખ, ડિપ્રેશન, કોઈનું અહિત કરવાની ઈચ્છા કે હિંસકવૃત્તિ સહેજેય નહીં બચે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એનો ભાર કેવો ? – ડૉ. શરદ ઠાકર
સુખ અને જિંદગી – પરાજિત પટેલ Next »   

13 પ્રતિભાવો : કુદરત તરફ – વત્સલ વસાણી

 1. સુરેશ જાની says:

  ” ખળખળ વહેતી નદી, નાચતાં કૂદતાં સંગીતમય ઝરણાં, મહાસાગરનાં ઉછળતાં મોજાં અને એની ગર્જના, વૃક્ષોની હરિયાળીથી ભરેલા પહાડો, હિમાચ્છાદિત શિખરો, રંગબેરંગી ફૂલો, સુંદર પક્ષીઓ, એના ટહૂકા, પશુઓ અને જંગલી પ્રાણીઓનું નૈસર્ગિક જીવન, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયની લાલિમા આ બધું અવારનવાર આપણે પણ જોવું અને માણવું જોઈએ. ”
  જો ‘આ ક્ષણ’ માં જીવવાનું આપણને આવડે તો આમાંનું કશું જ આપણી આજુબાજુ ન હોય તો પણ, આપણે તે જ આનંદની અનુભૂતિ હર ક્ષણે, હર જગાએ, હર સંજોગમાં કરી શકવા સમર્થ છીએ.આનંદ સમ્પૂર્ણ રીતે આંતરિક હોય છે.
  અને આ ક્ષણમાં જીવવાનું સૌથી સહેલું છે. તેને માટે કોઇ સાધન કે સગવડ કે સમૃધ્ધિ કે વાતાવરણ ની જરૂર હોતી નથી.

 2. manvant says:

  સમયોચિત સારો લેખ છે.દરરોજ નવું જુએ,
  તે રમણીયતાનું રૂપ છે.”દિને દિને યત-
  નવનીયતાંમુપૈતિ,તદેવ રૂપં રમણીયતાયા:/

 3. manvant says:

  સમયોચિત સારો લેખ છે.દરરોજ નવું જુએ,
  તે રમણીયતાનું રૂપ છે.”દિને દિને યત-
  નવનીયતાંમુપૈતિ,તદેવ રૂપં રમણીયતાયા:”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.