- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સુખ અને જિંદગી – પરાજિત પટેલ

સુખનાં છલકાતાં જળ….

માણસની આગળ થોડાક કાગળ મૂકી દો, ને પછી એના હાથમાં પેન પકડાવી દો…. માણસ કાગળ પર આડાટેડા લીટા કરવા લાગી જશે, અજાણતાં જ થોડાક શબ્દો લખશે…. ને કાગળને બરાબર ચિતરી નાખશે. પછી આ કાગળોનો ડૂચો કરીને ફેંકી દેશે. પણ તમે એણે ફેંકી દીધેલા કાગળોને ઉપાડી લો, વ્યવસ્થિત રીતે ખોલી નાખો… ને જરા વાંચવા પ્રયત્ન કરો કે એણે કાગળો પર શાનું ચિતરામણ કર્યું છે ?…. ને અર્થહિન લીટાની વચ્ચે અનાયાસે જ કેટલાક શબ્દો લખ્યા છે. તે ક્યા છે…. આવું જ અમારા એક મિત્રે કરેલું. એકવાર નહિ પણ ત્રણ ચાર વાર કરેલું… જુદા જુદા માણસો દ્વારા લખાયેલા કાગળોના ડૂચા એણે સંઘરી રાખેલા. એણે એક કાગળ ઉપર આ બાબતોની વ્યવસ્થિત નોંધ લખી રાખેલી. જે મને એણે એક દિવસે બતાવેલી : એ નોંધ વાંચીને મને લાગેલું કે માણસો સ્વીકારે કે ન સ્વીકારે પણ એના અજ્ઞાત મનમાં કેટલાક શબ્દો પડેલા હોય છે….ને અનાયાસે જ એ તે વ્યક્ત થઈ જતા હોય છે. એની નોંધ પ્રમાણે રશિયન અમીન નામના 26 વર્ષના એક અપરિણિત યુવાને પ્રેમ, તરસ, ગેસ, આત્મહત્યા વગેરે શબ્દો લખેલા. બીજા એક માણસે પણ બીજા બધા શબ્દોની સાથે સુખ, પ્રેમ અને કોઈ યુવતીનું નામ લખેલું. એક વાત તો જરૂર તારવી શકાય કે માણસના મનમાં કશીક તરસ પડેલી છે એ પ્રેમની પણ હોય….ને સુખની પણ હોય ! સુખની તરસ તો સૌને લાગે, તરસ્યું મન સતત ઝંખે છે સુખને… સુખ, પ્રેમ, શાંતિ આ બધા એક જ લાઈનમાં બેસી જાય તેવા શબ્દો છે… ને માણસ કાન પકડીને કબૂલે નહિ તો પણ કેટલાક શબ્દો એના મનમાં ઊંડાણમાં ગોઠવાઈને બેઠા જ હોય છે !

‘તમે સુખી છો ?’ એવો પ્રશ્ન આપણે થોડાક માણસોને પૂછી એ તો ભાગ્યે જ કોઈનો જવાબ હકારમાં આવશે…. આમ તો માણસોને ઘણુંબધું મળ્યું હોય છે. પણ માણસને સતત એવું લાગ્યા કરતું હોય છે કે એને જે કંઈ મળ્યું છે એને ‘સુખ’ એવું નામ તો ન જ આપી શકાય. સુખ ખૂબ દૂરની ચીજ છે. અને એ એને પ્રાપ્ત થવી બાકી છે. એટલે આ પ્રશ્નના જવાબો વિવિધ હોવાના.
‘ના રે, અમે શાના સુખી !’
‘સુખ તો અહીં દીઠું છે જ કોણે ?’
‘રામ રામ કરો, ભાઈ ! દુ:ખનો જરાય પાર નથી, ને તમે વળી સુખની લઈને મંડ્યા છો !’
‘અમે તો સુખ જોયું નથી. તમારી પાસે હોય તો આપો.’
‘તમાચા મારીને ગાલ રાતા રાખીએ છીએ….સમજોને મારા ભાઈ’
સુખી માણસની પંગતમાં બેસવાની કોઈની તૈયારી જ નથી જાણે ! દરેક જણ જાણે કહે છે : ‘અમને સુખી તો કહેશો જ નહિ !’
સુખી ગણાવું નથી કોઈને ! ને દુ:ખી થવું પણ નથી…!


સુખ નામનો પ્રદાર્થ એમની આંખોમાં વીજળીની જેમ ઝબક્યા કરે છે… એક ચમક આવી જાય છે… પણ એના પૂરા સ્વરૂપને તેઓ પામી શક્તા નથી. તમે સુખી નથી ? ના કેમ ? ધન છે, કમાણી છે, પત્ની છે, બાળકો છે…. પછી યે તમે સુખી નથી ?… ના… બધું છે પણ હજી તો ઘણું ખૂટે છે…. નથી એને ‘નથી’ નો ડંખ છે. વેદના છે ને છે…. તેને જે નથી તેની ચિંતા છે… સુખી માણસોના લીસ્ટમાં પોતાનું નામ લખાઈ જાય તેવું કોઈ ઈચ્છતું નથી…. સુખ કલ્પનાની ચીજ છે… તેમને માટે ! માત્ર કલ્પનામાં જ રમાડ્યા કરવાની ચીજ છે… ઉઘાડી આંખે જોઈ શકાય તેવી નહિ, પણ બંધ આંખે કલ્પનાની. પાંખે ચડીને સુખને માત્ર રમાડી આવવાનું…. સ્વર્ગમાં સુખ હોય તો સ્વર્ગની કલ્પના કરો… ને દુનિયાના કોઈ દેશના રમ્ય નગરમાં સુખ હોય તો તેની કલ્પના કરો. સુખ નામનો પદાર્થ કેવો હોય ? એક માણસે આંખો બંધ કરીને કીધું : ‘શ્વેત-શ્વેત.. નાનો મોટો થતો… રતાશિયા રંગનો…એને જોઈએ એટલે આનંદ આનંદ પથરાઈ જાય ! સુખનો રંગ હોય કે ન હોય પણ સુખને જોવું, કલ્પવું, મમળાવવું સૌને ગમે છે ! માણસ કાગળ ઉપર લીટા કરીને કે આડાઅવળા શબ્દો લખીને ય ભીતરમાં પડેલી પેલી સુખની તરસને છતી કરી દે છે, છુપાવતો નથી…. સુખનાં જળ ખોબે ખોબે પીવા માંગે છે….. ને કોઈ અદશ્ય અસ્તિત્વ આખી ડોલ લઈને ઊભું હોય તેવી તે કલ્પના કરે છે.

જિંદગીને સાંધવી છે…..

કહેવાય છે કે કુદરત જ્યારે કોઈની પરથી આંખ ફેરવી લે છે ત્યારે તેના પર આપત્તિઓના પહાડ તૂટવામાં કંઈ કમી રહેતી નથી. એક આપત્તિને કારણે હજી તો આસું પણ લૂછાંયાં નથી હોતા ત્યાં તો બીજી આપત્તિ અચાનક આવી પડે છે. કાંઈ ગૌરવશાલિની અને ખમીવંતી નારી જ આપત્તિઓની ધોધમાર વર્ષા વચ્ચે અડીખમ ઊભી રહી શકે છે. આવે સમયે એને સહાયભૂત બને છે, આત્માનું અડગ ધૈર્ય, ખુમારી અને ખમીરનું તેજ અને પ્રબલ આત્મવિશ્વાસ… એ સિવાય નારી તૂટી પડે, ભાંગી જાય ને કાં તો અનર્થ સરજે અથવા આત્મધાતી માર્ગ ગ્રહણ કરે.

બાલુબહેન આવી ખુમારી અને નારી ગૌરવનાં પ્રતીક છે. જેને આપણે નસીબ કહીએ છીએ એ નસીબે તો એમના જીવનનો સુવર્ણકુંભ ફોડી નાંખ્યો છે. અરે પગ નીચેની ધરતીનો આધાર પન છીનવી લીધો છે અને આશા-અરમાનોનાં કબૂતરોની ડોક મરડી નાંખી છે. બાલુબહેન એટલે ભગ્ન ઈમારતનું એક નામ, જેમની જીવનની વાડીનાં પાટિયે-પાટીયા તૂટી ગયાં છે અને સાવ દિશાશૂન્ય બની ગઈ છે એવી એક જિંદગીનું નામ ! પણ તોય બાલુબહેને ખુમારી પ્રગટાવી છે. કબૂતર પાંખ પર પડેલા પાણીનાં ટીપાં ખંખેરીનાંખે તેમ જીવનમાં વ્યાપેલી ઘોર હતાશાને એમણે ખંખેરી નાખી છે. સંઘર્ષમય જીવન વચ્ચે જિંદગી માટેની એક નવી કેડી કંડારીને નારી શક્તિને ગૌરવમય યશપિચ્છ એમણે પહેરાવ્યું છે.

બાલુબહેન પરણ્યાં હતાં ત્યારે સુખ એમનાં ચરણ ચૂમતું હતું, એમાંય જ્યારે બે બાળકો બગીચાનાં ફૂલની માફક એમના આંગણામાં કલ્લોલ કરી ઊઠ્યાં ત્યારે તો સૌ કોઈને એમના સુખની ઈર્ષા આવે !

ને એક દિવસ બાલુબહેન ફાટ્યા કાળજે રડી પડ્યાં : ખેતરમાં જીવાભાઈ સર્પદંશથી મૃત્યુ પામ્યા હતા. જાણે બાલુબહેનને માથે આભ તૂટી પડ્યું. બાલુબહેને જીવાભાઈની છબી સામે જઈને પ્રતિજ્ઞા લીધી : ‘હું નોંધારી થઈ ગઈ છું, નાથ ! પણ યાદ રાખજો મેં તમારાં પડખાં સેવ્યાં છે. હું વજ્જરની બની જઈશ. કાઠી છાતી કરીને જિંદગીની આફતો સામે ઝઝૂમીશ…. તમારાં બાળકોને ઉછેરીશ. કાલ ઊઠીને આપણો રણછોડ ભડભાદર થઈ જશે ! એના રૂપમાં મારે મન તો તમે જીવતા-જાગતા જ છો… કાળજે તો કાણાં પડી ગયાં છે પણ હું પોચી માટીના પગવાળી નારી નથી… તમે ઉપર રહ્યો-રહ્યો અમારાં રખોપાં કરજો, નાથ !

ને બાલુબહેન ભડ થઈ ગયાં. બેઠા થઈ ગયાં. થોડાક વીંઘા જમીન હતી તો કછોટો વાળીને એમણે જાતે ખેડ આરંભી. ખેતરમાં જઈને મજૂરોની સાથે જ કામ કરતાં બાળકોને ઉછેરતાં બાપના મૃત્યુનો અણસાર પણ ન આવે એ રીતે એમને લાડ લડાવતાં. રણછોડ ભણતો હતો. એક દિવસ નિશાળ તરફથી બાલારામનું પર્યટન યોજવામાં આવ્યું. રણછોડ પણ એમાં જોડાયો હતો. ને ત્યાં જ ન બનવાનું બની ગયું… નદીકિનારે કેટલાંક છોકરાં સાથે રણછોડ નહાતો હતો ત્યાં જ એ લપસી પડ્યો. પાણી ઊંડાં હતાં… છોકરાં રણછોડને ડૂબતો જોઈને ચીસાચીસ કરી ઊઠ્યાં… પણ કોઈ રણછોડને બચાવી ન શક્યું !

ખુમારીથી જીવવું છે. ગૌરવભેર જીવવું છે ને હું કોઈની ઓશિયાળી નથી. ભાઈ, સુખેથી જીવી શકાય એટલી ભોં (જમીન) છે, ને ભોં સાથે બાથોડિયા ભરતી ભરતી હું જીવી લઈશ…..કુદરતને એમનું આટલુંય સુખ રુચતું નહોતું ! તળાવનો બંધ બંધાતો હતો. ને ગામની કેટલીક જમીન ડૂબમાં જતી હતી ! બાલુબહેનની જમીન પણ એમાં આવી ગઈ ! સરકારે એનું વળતર આપ્યું – પણ એમની જીવાદોરી તો તૂટી જ ગઈને ? બાલુબહેન લમણે હાથ દઈને બેઠાં.
પણ, ખુમારી જેનું નામ !
અને એય પાછી ગૌરવભેર જીવવાની ખુમારી !
જોડેના શહેરમાં એ દરરોજ જાય. શીવણ ક્લાસમાં જઈને કપડાં સીવવાનું શીખી આવે ! ઘેર આવીને મહાવરો કરે ! ને એક દિવસે એમણે હપ્તેથી સીવવાનું મશીન પણ લાવી દીધું. ફરીથી જીવાદોરી સંધાઈ ગઈ ! બાલુબહેન બહુ ઝડપથી બેઠાં થઈ ગયા !

અત્યારે તો બાલુબહેનના પગ ફરે છે. ને પગની સાથે સાથે મશીનનું પૈડું ફરે છે, ને નસીબનું પૈડું પણ ફરે છે. બાલુબહેનનું કામ ફક્ક્ડ….બ્લાઉઝ, ચણિયા, ફ્રોક વગેરે બાલુબહેન સીવ્યે જ જાય છે. ખૂણામાં સીવેલાં કપડાંનો ઢગલો પડ્યો છે. ને હવે તો પાસે બેઠેલી ગંગાની આંખોમાં આંખો પરોવીને બાલુબહેન કહે છે : ‘ફાટી ગયેલી જિંદગીને સાંધી દેતાં વાર શી ? હા, ખુમારી અને ગૌરવ ફાટી જાય તો એને સાંધી દેનારું કોઈ મશીન આ દુનિયામાં નથી.