વૈકુંઠરાયે જાગ તેડ્યા – દિલીપ ઓઝા

અંજલિ સોસાયટીમાં આવેલ ‘વિષ્ણુલોક’ માં આજકાલ રાત્રે મોડે સુધી ચર્ચાઓ થતી રહેતી. વૈકુંઠરાય તેમના પૌત્ર કૌશિકને યજ્ઞોપવીત આપતી વખતે જાગ તેડવા માટે મક્કમ હતા. વૈકુંઠરાયના પુત્ર રસિકનું કહેવું એમ હતું કે યજ્ઞોપવીત અવશ્ય આપવું. પરંતુ જાગ તેડવાની કશી આવશ્યકતા ન હતી. વૈકુંઠરાયનાં પત્ની ધનલક્ષ્મી તથા રસિકનાં પત્ની કપિલાનો આ બાબતમાં એવો મત હતો કે અત્યારના સમય પ્રમાણે જે રીતે અનુકૂળ પડે તેમ કરવું.

તે દિવસ તો ગરમાગરમ ચર્ચા થઈ ગઈ. વૈકુંઠરાય પોતાનો આખરી ફેંસલો સુણાવતા હોય તેમ બોલી ઊઠ્યા, ‘જુઓ, તમને બધાંને કહું છું. આપણા કુટુંબમાં પેઢી દર પેઢી પુત્રને યજ્ઞોપવીત આપતી વખતે જાગ તેડવાનો રિવાજ છે. મારા પિતાશ્રીને યજ્ઞોપવીત આપતી વખતે જાગ તેડેલ તેમ મારા દાદા કહેતા. મને પણ યજ્ઞોપવીત આપતી વખતે જાગ તેડયાનું સ્મરણ છે. રસિકને પણ યજ્ઞોપવીત આપતી વખતે ધામધૂમથી જાગ તેડવામાં આવેલ. હવે આ કૌશિક વખતે જ શા માટે વિરોધ કરવામાં આવે છે તે મને સમજાતું નથી. બાકી ખર્ચ માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આને માટે મેં અગાઉથી જ આયોજન કરી રાખેલ છે. આ તો આપણી પ્રતિષ્ઠાનો સવાલ છે. વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા આપણે કેમ તોડી શકીએ ? માટે કોઈએ આનો વિરોધ કરવાનો નથી.’

વૈકુંઠરાયે તેમનું વક્તવ્ય પૂરું કર્યું એટલે રસિક સહેજ રોષમાં બોલી ઊઠ્યો, ‘બાપુજી, તમે જરા વિચાર તો કરો. હવે આખો જમાનો બદલાઈ ગયો છે. કોઈને આજકાલ આઠ આઠ દિવસ બગાડવાની ફુરસદ હોતી નથી. આવા પ્રસંગમાં લખલૂટ ખર્ચો કરવો તેમાં કોઈ વૈજ્ઞાનિક દષ્ટિ નથી. યજ્ઞોપવીત આપ્યા પછી પણ કેટલા યુવાનો પહેરે છે ? આ તો સાપ ગયા અને લિસોટા રહ્યા તેના જેવું છે. માટે હું તો હજી પણ કહું છું કે તમે ફરીથી ઊંડો વિચાર કરો. બાકી બાપુજી, હું તમોને વિશેષ કહી પણ શું શકું?’

આખરે ધનલક્ષ્મીએ તોડ કાઢતાં હોય તેમ વૈકુંઠરાય સામે જોઈને કહ્યું, ‘જુઓ, તમે એમ અકળાઓ નહીં. અંતે તો તમારી ઈચ્છા પ્રમાણે જ કરશું. પરંતુ આ તો સમય બદલાઈ ગયો છે તેની વાત છે. રસિકની વાત કંઈ છેક ખોટી નથી. તેમ છતાં શાંતિથી વિચારીને જે કંઈ કરવું ઘટે તે કરવું. આ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ છે. તેને કંકાસ અને કજિયામાં પલટી ના નખાય.’

તે રાત્રે તો વાત પતી ગઈ. પરંતુ બધાનાં કાનમાં એક જ વાત ધુમરાતી રહી કે આ કૌશિકના યજ્ઞોપવીતનો પ્રસંગ હેમખેમ ઊકલી જાય તો સારું. ઘરમાં હમણાં હમણાં યજ્ઞોપવીત અને જાગ તેડવાની વાત થતી હતી તેથી એક દિવસ કૌશિકે વૈકુંઠરાયને પૂછ્યું : ‘દાદાજી, આ જાગ તેડવાના એટલે શું ?’
વૈકુંઠરાયે કહ્યું : ‘બેટા, તને જનોઈ આપવાની છે અને એ વખતે જાગ તેડવાના છે. જાગ તેડવા એટલે આપણા સગાંવહાલાં આપણા ઘરે આવે અને આઠ દિવસ સુધી રોકાય. રોજ જુદું જુદું મિષ્ટાન્ન બનાવવાનું. ગોર મહારાજ રોજ આવીને પૂજાવિધિ કરે. ઘરને પણ સારી રીતે શણગારવાનું. અઠવાડિયા સુધી બસ આનંદ કરવાનો.’
કૌશિક દાદાજીની વાત સાંભળી રાજી રાજી થઈ ગયો. તેને ગળ્યું બહુ ભાવતું. તેને મહેમાનો આવે તે પણ ખૂબ ગમે. તે તેના ભાઈબંધ ટીનુંને આ સમાચાર આપવા હરખભેર દોડી ગયો.

એક દિવસ હંમેશની ટેવ પ્રમાણે વૈકુંઠરાય સવારમાં ફરીને આવતા હતા. એવામાં કન્યા છાત્રાલય આગળ અટકી ગયા. છાત્રાલયમાંથી કોઈ કન્યાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેઓ ઝડપથી અંદર ગયા. જોયું તો એક કન્યા રડતી હતી અને તેની આસપાસ ચારપાંચ છોકરીઓ વીંટળાઈ વળી હતી. વૈકુંઠરાયે રડવાનું કારણ પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે તે છોકરી પાસે પુસ્તકો લેવાના પૈસા નથી અને સ્કુલમાં કોર્સ શરૂ થઈ ગયો છે. આવતા મહિને તેના ઘરેથી પૈસા આવશે ત્યારે જ તે પુસ્તકો લઈ શકશે અને તે અભ્યાસમાં બધાંથી પાછળ રહી જશે.

વૈકુંઠરાયે તે છોકરીનું નામ પૂછીને કહ્યું, ‘દીકરી, તું રડીશ નહીં. મને તું તારા મોટાકાકા સમજ. હું આજે તારા માટે પુસ્તકો મંગાવી દઈશ. તું ચોપડીઓનું લિસ્ટ મને આપી દે.’ તે છોકરીએ હરખાઈને ચોપડીઓનું લિસ્ટ વૈકુંઠરાયના હાથમાં આપી દીધું. વૈકુંઠરાય છાત્રાલયની અંદર ચોમેર નજર ફેરવતા બહાર નીકળ્યા.

વૈકુંઠરાય ઘર તરફ જતા હતાં ત્યાં રસ્તામાં આવતા વૃદ્ધાશ્રમ આગળ અટકી ગયા. ક્યારેક તેઓ વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા. ઘણા સમયથી કામકાજના બોજને લીધે તેઓ જઈ શક્યા ન હતા. વૈકુંઠરાયે અંદર જઈને જોયું તો ગૃહપતિ કોઈની સાથે ઠપકાના સૂરમાં વાત કરી રહ્યા હતા. વૈકુંઠરાયે પૂછતાં ગૃહપતિએ જણાવ્યું કે તે ગૃહસ્થે બે માસથી પૈસા ભર્યા ન હતા. તેમનો પુત્ર નિયમિત પૈસા મોકલી આપતો. પરંતુ આ વખતે બે માસથી પૈસા આવ્યા ન હતા. હવે ગૃહપતિ ક્યાં સુધી આ ચલાવી લે ? તેમની પણ જવાબદારી હતી.

વૈકુંઠરાયે તે વૃદ્ધ પ્રતિ જોયું. તેમના મોં પર લાચારીના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. વૈકુંઠરાયે ઝાપાટાભેર પાકીટ કાઢ્યું અને ગૃહપતિએ કહ્યા એટલા પૈસા ભરી દીધા. તે વૃદ્ધ ગૃહસ્થે ખૂબ જ સ્નેહ અને આભાર દષ્ટિથી વૈકુંઠરાય પ્રતિ જોયું. વૈકુંઠરાયે બધાંને નમસ્તે કરીને વિદાય લીધી.

રાત્રે વૈકુંઠરાયે ઘરનાં બધાંને ચર્ચાવિચારણા માટે ભેગાં કર્યાં. ધનલક્ષ્મી તથા રસિકની પત્ની મનમાં ફફડતાં હતાં કે આજે વળી ગરમાગરમ વાતાવરણ સર્જાશે અને શાંતિ જોખમાશે. પણ બધાંના સુખદ આશ્ચર્ય વચ્ચે વૈકુંઠરાયે શાંતિથી સવારના બંને પ્રસંગની વાત કરી અને કહ્યું : ‘રસિક ! તારી વાત સાચી છે. અત્યારના સમયમાં બાળકને યજ્ઞોપવીત આપતી વખતે જાગ તેડવા અને સામૂહિક રીતે આઠ દિવસ મિષ્ટાન્ન આરોગવું એ સામાજિક અપરાધ છે. જ્યારે ગરીબ કન્યાઓ ભણવા માટે તલસતી હોય અને તે માત્ર પૈસાના અભાવથી ભણી ના શકે તેમ જ ગરીબ વૃદ્ધોને પૈસા ખાતર લાચારી ભોગવવી પડે તેવો સમાજ કદી વિકાસ કરી ના શકે.’

‘મેં નક્કી કર્યું છે, કૌશિકનો યજ્ઞોપવીતનો પ્રસંગ એક દિવસમાં આટોપવો અને જાગ તેડવા માટે જે ખર્ચ કરવા ધાર્યું હતું તે પૈસામાંથી બે ફાઉન્ડેશન બનાવવાં. એકમાંથી ગરીબ કન્યાઓને ભણતર માટે મદદ કરવામાં આવે તથા બીજા ફાઉન્ડેશનમાંથી ગરીબ, અશક્ત, મધ્યમવર્ગના વૃદ્ધોને આર્થિક સહાય કરવામાં આવે. હવે પછી કોઈ કન્યા માત્ર પૈસાના અભાવે ભણતર છોડશે નહીં તેમ જ ગરીબ વૃદ્ધો સ્વમાનપૂર્વક શેષ જીવન વિતાવી શકશે અને તેમને કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં પડે. બોલો, આ રીતે જાગ તેડવાનો મારો વિચાર આધુનિક છે કે નહીં ?’

કુટુંબના બધા સભ્યોએ વૈકુંઠરાયના આ નવા પ્રસ્તાવને હર્ષભેર આવકાર્યો અને તેમના આ નવા વિચારથી અત્યંત પ્રભાવિત થઈને તેમના પ્રતિ આદર અને સ્નેહ દાખવ્યાં. બીજે મહિને કૌશિકને ખૂબ જ આનંદપૂર્વક યજ્ઞોપવીત દેવાઈ ગઈ. પ્રસંગ બાદ ગરીબ કન્યાઓના ભણતર તેમ જ ગરીબ, અશક્ત વૃદ્ધોની સહાય માટે એમ બે ફાઉન્ડેશન રચાઈ ગયાં. વૈકુંઠરાયે ખૂબ જ મોટી રકમ બંનેમાં આપી. વૈકુંઠરાયની જ્ઞાતિના મુખપત્રમાં તેમના આ જાગ તેડવા અંગેના નૂતન અભિગમની ખૂબ ખૂબ સરાહના કરવામાં આવી તે વાંચીને કુટુંબના સભ્યોએ આનંદ અને ગૌરવ અનુભવ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચોરીની દવા – નાનાભાઈ ભટ્ટ
પ્રાચીન-અર્વાચીન ભજનો – સંકલિત Next »   

11 પ્રતિભાવો : વૈકુંઠરાયે જાગ તેડ્યા – દિલીપ ઓઝા

 1. Gira says:

  hmm.. but what happend the that boy who has already told his friend about doing this “JAG TEDVA”??? i didn’t get that part.. in the story it says that the boy wanted the JAG TEDVA traditionaly. but it turned out the other way.

  it was nice story. thanks.

 2. આપણામાં આ વૈકુંઠરાય જેટલી બુધ્ધિ ક્યારે આવશે?
  બાકી રહી વાત ગીરાબેનની. બેનજી, બાળકો તો વર્તમાનમાં જ જીવતા હોય છે. કૌશિક તો બીજી રમત મળી હશે એટલે જાગને ભુલી ગયો હશે. પણ આપણે બહુ શાણા ગણાતા મોટા લોકો ગઇ ગુજરી પરંપરા ભુલવા તૈયાર થતા નથી.

 3. manvant says:

  ડોસાને અનુભવે ડહાપણ શીખવ્યું ! પરંતુ આ ‘જાગ’
  શબ્દનો અર્થ કોઇ કહેશે કે ?વાર્તા બોધપ્રદ છે.આભાર !

 4. રીડગુજરાતી પર જ થોડા વખત પહેલા ‘એક અનોખા લગ્ન’ની વાત વાંચેલી, જેમાં વર-કન્યા અને જાનૈયાઓએ પણ રક્ત દાન કરીને સમાજને એક ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.

  વાત તો સાચી જ છે, 7-8 દિવસના લાંબા અને ખર્ચાળ રીત-રીવાજ પાછળ વર્ષોની બચત વાપરી દેવી એ તો કંઇ ડહાપણ નથી, પણ સમજે કોણ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.