ક્ષિતિજ અને ક્ષણ – આદિલ મન્સૂરી

બે ક્ષણ

સૂરજ થૈ શકવાની ઊજળી ક્ષણની વચ્ચે
ઝાકળ ઝાકળ ઝાકળ જેવું રણની વચ્ચે

ઢળતી સાંજનું વાછરડું ખોવાયું જાણે
એમ બાવરી ગાય ભાંભરે ધણની વચ્ચે

હાથ હવામાં ઊંચકાઈને હેઠા પડ્યા
ખાલીપો ખખડે ખાલી વાસણની વચ્ચે

પલકારામાં ઊડતું પક્ષી હેઠું આવ્યું
પથ્થર ત્યાંનો ત્યાં જ હજી ગોફણની વચ્ચે

ગોળ ગોળ ચકરાતું સઘળું ચારે બાજુ
ખીલી થૈ ખોડાઈ ગયો કારણની વચ્ચે

દોરીના બે છેડાઓને ગાંઠ લગાવી
પા પા પગલી ભરતો કૈં ઘડપણની વચ્ચે

વિસ્મયનો વિસ્તાર સતત ફેલાતો એવો
જાણે આખી દુનિયા હો બે ક્ષણની વચ્ચે

ક્ષિતિજ

ક્ષિતિજની પાંપણે પીળાં સપનનો ભાર હશે,
ઉદાસ રાતની આંખોમાં અન્ધકાર હશે.

ઝરુખે કાગડો બોલ્યો ને આંખ મીંચાઈ,
કોઈ જનાર હતું; કોઈ આવનાર હશે.

અહીંયા થાકી જશે ચાલવાથી જે આજે,
પછી એ કાલે ખભાઓ ઉપર સવાર હશે.

ઊભાં છે પાંપણો ઢાળીને બારણામાં એ,
હૃદય વિચારી રહ્યું : ‘આ જ સ્વર્ગદ્વાર હશે ?’

હું વિસ્તર્યો છું સમયના વિશાલ વર્તુલમાં
વિખૂટી પડતી ક્ષણેક્ષણમાં મુજ મઝાર હશે.

કોઈ જગાડે ન ‘આદિલ’ ને નીંદથી હમણાં
સપનના સાત સમંદરની સામે પાર હશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે સુંદર પ્રેરકપ્રસંગો – બેપ્સી એન્જિનિયર
મનનીય સુભાષિતો Next »   

12 પ્રતિભાવો : ક્ષિતિજ અને ક્ષણ – આદિલ મન્સૂરી

 1. રીડગુજરાતી પર ઘણા દિવસો પછી કોઈ પદ્યકૃતિ વાંચવા મળી. આદિલભાઈને સરળ શબ્દોમાં ગહનતા લઈને ઉઘડવાનું વરદાન છે… ખૂબ જ સુંદર શેર… જીવનની ગહેરાઈઓ સુધી લઈ ગયાં… આભાર, મૃગેશભાઈ!

 2. Keyur says:

  અહીંયા થાકી જશે ચાલવાથી જે આજે,
  પછી એ કાલે ખભાઓ ઉપર સવાર હશે.

  – very nice “Sher”

 3. RAZIA says:

  વતન ની માટી ની સુગન્ધ સુધી લઇ જનારા કવિ એટલે….

  જનાબ આદિલ મન્સુરી સાહેબ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.