માનવી લાગણીશૂન્ય બન્યો છે ? – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

કોઈ પણ યુગનો માનવી સાવ લાગણીશૂન્ય રહ્યો હોય એવું બન્યું નથી. હા, તેના પ્રમાણમાં સંજોગો અનુસાર વધઘટ હોઈ શકે. સમાજની જેમ મૈત્રી અને પ્રેમ પણ કુદરતના જ અનુપમ ઉપહાર છે, પણ માણસ એમાં જેટલી દખલ ઉત્પન્ન કરે છે, તેટલા અંશે તે દૂષિત થાય છે.

માણસ જેટલું સરળ, સાત્વિક અને ઔદાર્યપૂર્ણ જીવન જીવવાની કોશિશ કરે, તેટલું તેનું જીવન ભાવભીનું બની શકે. લાગણીને હૃદય સાથે લેવાદેવા છે અને હૃદય એટલે કે ભાવનાને ગણતરી સાથે નહિ પણ ગુણગ્રાહિતા, ગૌરવ અને સમર્પણ સાથે લેવા-દેવા છે એટલે જ્યાં પ્રેમનું પોત નબળું હોય ત્યાં ગણતરીને મોકળુ મેદાન મળી જાય !

માણસ જેમ જીવનના કેન્દ્રથી દૂર સરે અને ભૌતિક સુખો કે સમૃદ્ધિને જ પોતાના જીવનનું કેન્દ્ર બનાવે તેમ તેના જીવનમાં લાગણીના નીરને સ્વાર્થનો તડકો સુકાવવા માંડે.

આજનું જીવન વ્યસ્તતાનું જીવન છે, આજનું જીવન ભોગાભિમુખ વધુ ને ત્યાગાભિમુખ ઓછું છે. જીવન મૂલ્યો તરફની બેપરવાઈએ માણસને આત્મકેન્દ્રિ, ઐહિક સુખાકાંક્ષી ઘેલો અને મતલબી બનાવી દીધો છે. પરિણામે એ બહારથી સખત બની ગયો છે.
પણ એનો અર્થ એ નથી કે એના જીવનમાંથી લાગણીની સરિતાનાં નીર સાવ સુકાઈ ગયાં છે. આજનો માણસ અંત: સલિલા જેવો વધુ છે. એટલે એની લાગણીનો પ્રવાહ તાત્કાલિક બહાર નજરે ન પણ પડે ! પરંતુ સંબંધો વચ્ચે આવતા અંતરાયોના પડળ ભેદવાની અને અંદરના સ્નેહને તલાશવાની ધીરજ, સહિષ્ણુતા, ઉદારતા અને આત્મીયતાનો પાલવ પકડી રાખી યત્નશીલ હોવાની શુભનિષ્ઠા જતી ન કરો, તો માણસના હૃદયની ભીનાશ અને જળધારાના તમે દર્શન કરી શકો. એટલે આજનો માનવી લાગણી શૂન્ય બનતો જાય છે એ અંશત: સાચું છે, પણ નક્કર વાસ્તવિકતા નથી ! માણસ જેટલો વધારે લાલચુ તેટલો વધારે સ્વાર્થી. માણસ લોભને ઠુકરાવી શકે તો એ શહેનશાહનો પણ મહાશહેનશાહ બની શકે. આજનો માણસ નકલી સુખોની પાછળ દોડે છે એટલે અંત:કરણની અમીરાતને એ ઉવેખે છે.

એટલે ત્યાગ વગરનું જીવન જ લાગણીશૂન્ય બની શકે ! જે દિલ ‘ભરેલું’ છે, તે જ લાગણીનું દાન કરી શકે છે, જે દિલ ‘ખાલી’ મતલબ કે ત્યાગરહિત છે, એ લાગણીની ભીનાશ વગરનું હોય એમાં આશ્ચર્ય શું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનનીય સુભાષિતો
વાત એક સવાલની… – મહેશ યાજ્ઞિક Next »   

11 પ્રતિભાવો : માનવી લાગણીશૂન્ય બન્યો છે ? – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

  1. Jayshree says:

    આજનો માનવ લાગણીશૂન્ય બન્યો છે એમ તો ન જ કહેવાય. પરંતુ એક વાત છે, આજે લાગણીપ્રધાન લોકોની સંખ્યા ઓછી છે.. અને કદાચ લાગણીની તીવ્રતા ઘટતી જાય છે.

    પરંતુ એક સવાલ છે મારા મનમાં. કોઇ વ્યક્તિની લાગણીને કેવી રીતે માપી શકાય ? કોઇ વ્યક્તિ લાગણીશીલ છે કે નથી, એ કેવી રીતે નક્કી થાય ? એના સ્વજનો સાથેના વર્તન પરથી? કોઇ અજાણી વ્યક્તિ સાથેના વર્તન પરથી, કે પછી કોઇ પણ વાતને જોવાના એના દ્રષ્ટિકોણ પરથી?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.