સંપીને લડજો – ડૉ. ઊર્મિલા શાહ

‘અરે, સાંભળો છો ? આ તમને કહું છું. જરા મારી વાત તો સાંભળો.’
‘શું છે અત્યારના પહોરમાં ? જરા શાંતિથી છાપું તો વાંચવા દે… આ તારા ઘરમાં તો ત્રાસ છે…. ત્રાસ, ઘડીય શાંતિથી બેસવા જ ન મળે ને ! સવારના ચા પીવા બેસુ ને તારી ધમાધમ શરૂ થઈ જાય. ‘જલ્દી નાહી લેજો હોં ! પાછા છાપુ લઈને બેસી ન જતા. કપડાં ધોવાનાં રહી જશે. હું કંઈ ન જાણું.’ પણ કહું છું… ચા પીધા પછી પેટ સાફ થાય પછી નહાવા જાઉં ને ? એટલી વાર છાપું જોઉં તેય તારાથી ખમાતું નથી. ઘડી ય વાર હાશ કરીને બેસવા જ કોઈ દેતું નથી. હવે તો એવો કંટાળો આવી જાય છે, મને એમ થઈ જાય છે કે આ તે કંઈ ઘર છે ! જરાય હાશ નહીં, શાંતિ નહીં ! શું જિંદગી થઈ ગઈ છે ! નોકરી કરતો હતો ત્યારે તો જાણે છૂટકો જ ન હતો, સવારે દસ વાગે નીકળી જવાનું એટલે ઊઠું ત્યારથી જ ધમાધમ કરવી જ પડે અને એટલે થતું હતું કે રિટાયર થઈશ પછી સુખેથી જીવીશ, પણ એ સુખ નસીબમાં જોઈએ ને ! હવે તારી ટકટક ચાલુ થઈ જાય છે. પહેલા નોકરીની ગુલામી વેઠી ને હવે…’

‘હા, હા, તમને તો હું જ ખરાબ લાગું છું ને ! પણ એક દિવસ ફકત ઘર ચલાવી જુઓ તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે. તમે તો રિટાયર થયા એટલે તમારે તો શાંતિ થઈ ગઈ, પણ મને ક્યારેય ઘરનાં કામમાંથી મુક્તિ મળવાની છે ખરી ! છોકરાં નાનાં હતાં ત્યારે થતું હતું કે છોકરાં મોટાં થશે એટલે મને શાંતિથી જીવવા મળશે. ઘરમાં વહુ આવશે ને ઘર સંભાળી લેશે. પણ દીકરો ડૉકટર થયો ને વહુ પણ ડૉકટર થઈને આવી છે, સવારથી સૌ પોતપોતાનાં કામની ધૂનમાં હોય છે. એમનાં ચા-દૂધ પણ હું તૈયાર કરીને આપું ત્યારે…. ને આ નાના દેવાંગની જવાબદારી મારે માથે નથી ? ‘બા તો ઘરમાં જ છે ને ! બધું સંભાળી લેશે.’ માની બધો જ ભાર મારે માથે નાખી દેવામાં આવ્યો છે. અમારે તો No tire No retire જેવી દશા છે. એક્કેય દિવસ અમને રજા મળી છે ખરી ? નોકર તો વગર કહ્યે રજા પાડી દે છે, પણ હું ! હું ઘર છોડીને કયાં જવાની છું ! મારે તો ત્રણસો ને પાંસઠ દિવસ એક સરખા જ ને ! મને થાક નહિ લાગતો હોય ? મને ક્યારેય કંટાળો નહીં આવતો હોય ? હવે મારીય ઉંમર થઈ, પહેલાં તો હું ગમે તેટલું કામ ખેંચી કાઢતી, ધાર્યું કામ પાર પાડતી, ક્યારેય થાકતી ખરી પણ પાછો થાક ઊતરી જતો ને પાછો કામ કરવાનો જુસ્સો પણ આવતો. પણ હવે શરીર એવો સાથ દેતું નથી. મને ય હવે સાઈઠ પૂરાં થયાં. શરીરેય ક્યાં સુધી પહોંચે ? આ નંદિતા સાંજે હૉસ્પિટલથી આવે ને ‘થાકી ગઈ’ એમ નિસાસા નાખે છે. મનેય થાક નહીં લાગતો હોય ! થાક તે શું મારો સગો થાય છે ? પણ તમને ક્યારેય મારો વિચાર જ ક્યાં આવે છે ! સવારથી ઊઠીને હું જે કંઈ કામ કરું છું તેમાનું થોડુંક કામ તો એક દિવસ કરી જુઓ, તો ખબર પડે કે એ બધું કેમ થાય છે ! કેવી રીતે થાય છે! આટલાં વર્ષો થી તમારી સગવડો સાચવી, હવે મારું શરીર સાથ નથી દેતું એટલે અકળાઈ જવાય છે. ક્યારેક તો એમ થઈ જાય છે કે આ ઘર છોડીને ક્યાંક જતી રહું…પણ ક્યાંય ‘હાશ’ જ નથી મળતીને ! પરણ્યાંને આજકાલ કરતાં ચાલીસ વરસ થવા આવ્યા. એક્કેય દિવસે તમે મને કહ્યું છે ખરું કે ‘ચાલ, આજે હું ચા મૂકું છું, તું જરા શાંતિથી બેસ અને ચા પી.’ આવો તો તમને વિચારેય શાનો આવે !

તમને તો એમ જ થાય છે કે નોકર રાખ્યો છે ને ! બધું કરી લે છે. પછી સુમિને શું ચિંતા ! અને એટલે જ દહાડામાં દસ વખત બેઠા હો ત્યાંથી બૂમ પાડો છો, ‘સુમિ….પાણી લાવજે, સુમિ ફોન લેજે, સુમિ બારણું ખોલજે રિંગ વાગી.’ હું રસોડામાં હોઉં ને હાથ કામમાં હોય તોય તમે ક્યારેય હાથે પાણી લો છો ખરા ! તમે મને બીજી મદદ ન કરો પણ કમસે કમ તમારું પીવાનું પાણી તો જાતે લો. હવે મારું શરીર નથી પહોંચતું. પગેય વાથી ઝલાઈ ગયા છે. એ તો જેને થાય તેને ખબર પડે. ક્યારેય તો એવો દુખાવો થાય કે આંખમાંથી આંસુ આવી જાય છે, પણ તમને મારી જરા સરખી પણ દયા આવે છે ખરી ? મારો જરા પણ વિચાર આવે છે ખરો ? ક્યારેક તો મને એવો ગુસ્સો આવે છે કે એમ થઈ જાય છે કે તમનેય મારા જેવો પગમાં દુખાવો થાય તો ખબર પડે કે મને શું થાય છે !

માણસ રાખવાનું તમે કહો છો પણ સારા માણસો જ ક્યાં મળે છે ? ભાડૂતી માણસ એટલે ભાડૂતી માણસ, એના ભરોસે કંઈ ઘર ઓછું ચાલે છે ! સતત પાછળ ફરીએ ત્યારે જ ઘરનું કામ પાર પડે છે. આના કરતાં તો માણસ ન હોય તો સારું. આ તો સહુને એમ થાય કે માણસ છે ને ! મા ને માથે કંઈ કામનો બોજ નથી ! પણ આ બધાં ને શું ખબર પડે ! કોને શું કહું ! અને એટલે જ આ બધી હૈયાવરાળ તમારા પર ઠલવાઈ જાય છે. પણ તમનેય મારી વાત સાંભળવાની ક્યાં નવરાશ છે ! છાપું વાંચ્યાથી ઊંચા આવો ત્યારે ને ! ક્યારેક તો મને એવું લાગે છે કે જાણે હું ભીંતો સાથે જ વાતો કરતી ન હોઉં !

તમે રિટાયર થયા પણ મને શું ફેર પડ્યો ? છાપું હાથમાં હોય અને બાજુમાં ટેલિફોનની ઘંટડી રણકે તોય તમે ફોન પણ ઉપાડો છો ખરા ? અંદરથી હાલો છો જ ક્યાં ! ક્યાં સુધી આમ નિરંજન નિરાકાર થઈને જીવશો ? હું નહીં હોઉં એ દિવસે જીવવુંય મુશ્કેલ બની જશે. એના કરતાં સમયસર ચેતો ને ! મને તો રોજ તમારી એટલી ચિંતા થાય છે… નથી ને મને કંઈ થયું ને જો હું તમારાથી પહેલી ગઈ તો તમારું શું થશે ! સાવ પાંગળા બની જશો મારા વિના.

મનથી ઘણુંય નક્કી કરું છું કે હવે બોલવું જ નથી. અકળાવું જ નથી. અરે ! હવે તો એ અકળાવાની કે બોલવાનીય તાકાત ક્યાં છે મારામાં ! પણ તમને આમ બેફિકરાઈથી જીવન જીવતાં જોઉં છું ને મારું મન ધ્રૂજી ઊઠે છે. રોજ સવારથી ઊઠું ત્યારે નક્કી કરું છું કે આજે મારે બોલવું જ નથી પણ તોય હારી જાઉં છું, થાકી જાઉં છું ને બોલી જવાય છે, ઊભરો ઠલવાઈ જાય છે. મારી તો આખીય જિંદગી આમ હૈયાવરાળમાં જ ગઈ છે. કોણ જાણે ક્યારે આરો આવશે આનો !’

આવાં કેટકેટલાં સુમિબહેન અને રસિકભાઈ આપણી આસપાસ જોવા મળે છે ! ક્યારેય તો એમને જોઈ મને થઈ જાય છે કે આમનું કેવું પ્રસન્ન દામ્પત્ય હતું ને હવે વૃદ્ધાવસ્થા થતાં એ દામ્પત્ય કેવું બદલાઈ ગયું છે. એ જ સુમિબહેનના જુવાનીના દિવસો મને યાદ છે. મને લાગે છે કે લગભગ એપ્રિલ મહિનો હશે. બપોરના અઢી વાગ્યા હશે, ને સુમિબહેન દોડાદોડ કરતાં બહાર નીકળ્યાં, મે પૂછ્યું, ‘અત્યારે ! આવા ભરતડકામાં ક્યાં જાવ છો ?’ તો હસી પડ્યાં ને કહે, ‘રસિક એમનાં કાગળિયાં ભૂલી ગયા છે, હમણાં જ ફોન આવ્યો તે આપવા જાઉં છું, એવા તો ભુલકણા છે શું કરીએ ! પણ એમાં એમનોય શું વાંક ! ઑફિસની કેટલી જવાબદારી તેમને માથે છે ! મને તો ક્યારેક એમની એવી દયા આવી જાય છે, હું એમને સાથ ન દઉં તો એમને કોણ સાથ દે ! ઑફિસમાં પટાવાળા તો હોય છે પણ એ બધાય આપણા સા’બ જેવા હોય છે અને એટલે જ ફોન આવ્યો કે ‘કાગળિયાં ઘેર રહી ગયાં છે.’ ત્યાં મેં સામેથી જ કહ્યું કે ‘હું આપી જાઉં છું.’ ઘરમાં હું હોઉં ત્યાં સુધી તો હું એમને પાણીનો ગ્લાસેય જાતે ભરવા ન દઉં. આપણે બીજું કરવાનુંય શું ? એમની સગવડ સાચવીએ એનો કેવો સંતોષ થાય છે ! જીવનની આ પણ એક મઝા જ છે ને !’

અને રસિકભાઈ પણ સુમિબહેનનો એટલો જ વિચાર કરતા. ભલભલા ભાઈબંધો ભેગા થવાના હોય, પણ સુમિબહેનની તબિયત સારી ન હોય તો ઘરમાંથી બહાર પગ પણ ન મૂકે, નાનપણથી કશું ઘરમાં કર્યું ન હોય એટલે ઘરમાં મદદ કરવાની સમજ ન પડે પણ સુમિબહેનને સહેજ આંખ કે માથું દુ:ખે એટલે એકદમ ઢીલા થઈ જાય. બંની એકબીજાના સાન્નિધ્યના સહારે કાંઈ ઓછા સંધર્ષોનો સામનો કર્યો છે ! અને ત્યારે જ તો દીકરાને આટલો ભણાવી શક્યાં અને આ પાછલી ઉંમરે આ ભૌતિક સુવિધાઓ પામી શક્યાં છે ને ! પણ ઉંમર થાય, શરીર પાછું પડે અને પછી પહેલાં જેટલો કામનો ભાર વેંઢારી ન શકાય એટલે મનની અકળામણ વધી જાય. આખી જિંદગી બધું જ બરાબર કર્યું હોય, ક્યાંય કશું જ ચલાવી લીધું ન હોય એટલે ક્યાંય કશી જ કચાશ ગમે નહીં. કોઈનું કરેલુંય ગમે નહીં અને ન થાય એની અકળામણ ખૂબ વધી જાય ને પરિણામે મનનો ઊભરો પોતાના માણસ પર જ નીકળે ને !

ઉંમર થતાં એકબીજા માટે પ્રેમ ઓછો થતો નથી, એકબીજા પર આમ જ અકળામણ થતી હોવા છતાં એકબીજા વિના ઘડી પણ ચાલતું નથી હોતું. જીવનમાં જુદા જુદા તબક્કે દામ્પત્યના રંગ બદલાતા રહે છે પણ પ્રેમ તો એટલો જ રહે છે અને એટલે જ આજનાં સમજુ સંતાનો વૃદ્ધ મા-બાપના આ અંતરંગોને પારખીને એમની લગ્નગાંઠના દિવસે હસતાં હસતાં શુભેચ્છા પાઠવે છે. ‘મમ્મી, પપ્પા, લડજો, પણ સંપીને લડજો’ ને ત્યારે મારું મન પ્રસન્નતાથી છલકી ઊઠે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અટવાઉં છું – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’
અજબગજબની એક નાર અલબેલી – પ્રવીણ પટેલ ‘શશી’ Next »   

10 પ્રતિભાવો : સંપીને લડજો – ડૉ. ઊર્મિલા શાહ

 1. Gira says:

  aww. really true n it was kinda sweet too.

  thanks for the nice story.

 2. અમિત પિસાવાડિયા says:

  really nice one !!!
  સમજણ અને સમજુતી હોય તો જીવન ખીલી ઉઠે છે.

 3. ઘર ઘર ની વાત…

 4. manvant says:

  બધો મનનો ઉભરો પત્નીએ ઠાલવી હૈયાવરાળ
  કાઢી.સો વાતની એક વાત ! ‘સંપીને લડો’
  ની સલાહ અંતે મળી.પતિને પક્ષે તો તદ્દન
  ચુપકીદી !ખાલી પેપરમાં માથું !અજુગતું
  નથી લાગતું ?ડૉ.સાહેબ !આભાર !

 5. Keyur says:

  Aanu naam te dampatya. Koik biju pan che aapna jivan man. Ane chataye te biju nathi! Kevi virodhabhasi haqeeqat! Je hoi tyare teni koi kimat nahi ane na hoi jyare, tyare te ati kimati. Saras vichar prerak lekh….

 6. સરસ…

  કવિ શ્રી સુરેશ દલાલનું પેલું ગીત યાદ આવી ગયું.

  કમાલ કરે છે… કમાલ કરે છે…
  એક ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.