- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનભર્યા રંગે દીકરીઓની સંગે – પલ્લવી મોદી

[‘દીકરી એટલે દીકરી’ પુસ્તકમાંથી સાભાર. વાંચવા અને વસાવવા જેવું આ પુસ્તક મેળવવા માટે સંપર્ક કરો : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. ફોન : 91-79-22139253/22139179/22132921]

‘દીકરી એટલે દીકરી’ માટે લખવાના આમંત્રણ સાથે મન ભીંજાઈ ગયું. અનેક સ્મરણો તાજાં થયાં – એક વાત ચોક્કસ છે અને એ સૌથી ઉપર ઊપસી આવે છે – આ દીકરીઓની સંગે જ તો અમારાં જીવન હર્યાંભર્યાં થયાં છે. મને ખરેખર એવું લાગે છે કે અમે દીકરીઓનાં માબાપોએ ખૂબ ખૂબ પૂણ્ય કર્યાં હશે, વાર્તાઓમાં કહે ને તેમ ‘આ ભવમાં નહીં તો ગયા ભવમાં’ તે ભગવાને આપણને આ વહાલનો ખજાનો બક્ષ્યો છે. દીકરીઓનાં માબાપોને આવું લાગતું હશે કે કેમ તે મને ખબર નથી પણ આ આનંદ, સંતોષ, જીવન ધન્ય થઈ જવાની અનુભૂતિ પુત્રીઓની સંગે જ તો મળી છે.

ભગવાને આ દુનિયામાં કામની વહેંચણી કરી તેમાં સૌથી ઉત્તમ કામ દરેક માણસને માથે ‘બાળઉછેર’ ની જવાબદારી સોંપી તે છે, એવું મને લાગે છે. ખરેખર આપણને દુનિયા જોવાનો, જાણવાનો, માણવાનો, શીખવાનો અને સમજવાનો આ બીજો અવસર મળ્યો છે. જિંદગીની નાનીનાની મજાઓ આપણા વ્યસ્ત જીવનમાંથી અલોપ થઈ જતી હોય છે તે આ દીકરીઓ સાથે પાછી આવે છે. વરસાદમાં ભીંજાવાનું, અળશિયાં કે ગોકળગાય જોવા જવાનું, દરિયા પર છીપલાં વીણવાનું, છીપલાં ગંધાઈ જતાં ફેંકી દેવાનું… કંઈ કેટલીય વાતો છે જે બાળકી સાથે જ તો ફરી જીવવા મળે છે. આખું સૂર્યમંડળ કેવી રીતે ચાલે છે તેનો ગરબો કર્યો ત્યારે મને પણ આ અખિલ બ્રહ્માંડની અખિલાઈનાં દર્શન થયાં હતાં.

અમારી દીકરીઓ ઋજુતા (27) અને ઋતુ (24) આટલી મોટી થઈ ગઈ છે પણ મને એનો અહેસાસ નથી. હજુ તો હું વિસ્મયનાં ફેઝમાંથી બહાર નથી આવી. ઋજુતાની પલાખાં મનમાં ગોઠવીને બોલવાની ક્ષમતા કે નવા શબ્દો વાક્યોમાં વાપરવાની આવડત પર જાણે હું કાલે વારી જતી. કોઈપણ જાતના સંગીતના શિક્ષણ વગર ફક્ત આત્મસૂઝથી ‘ચિત્રહાર’ માં આવતું કોઈપણ ગીત 5-6 વર્ષની ઋતુ હારમોનિયમ પર વગાડતી તે મારી તો સમજની બહારની વાત છે. હું એને પૂછું કે આવું તને કેવી રીતે સમજ પડે છે તો સરળતાથી કહેતી કે તને કેવી રીતે શાકમાં કયો મસાલો કેટલો નાખવાનો તે સમજ પડે છે, તેવી રીતે. હા, એક વાત છે કે દીકરીઓને સૂરનું ભાન રહે અને સંગીતનો ‘કાન’ કેળવાય એ માટે પપ્પાએ હારમોનિયમ વગાડવાનું, સિતાર શીખવાનું શરૂ કરેલું. તે ઋતુ ‘કાનસેન’માંથી ‘તાનસેન’ ના રસ્તા પર ચઢી ગઈ.

જિંદગી માણવાનો ફરી મોકો મળ્યો છે તે વાતની પ્રતીતિ મને ગુજરાતી ભાષા શીખવતાં થઈ. ગુજરાતી સાહિત્ય સાથેનું મારું પુનર્મિલન અને ગુજરાતી કાવ્યો અને વાર્તાઓને અંગ્રેજી માધ્યમમાં ભણતી મારી દીકરીઓ માણી શકી – ધૂમકેતુના ભાવજગતમાં વિહરી શકી કે અખાના કટાક્ષને પકડી શકી એ મારે મન બહુ મોટી વાત છે. સુંદરજી બેટાઈના ‘એ નિશાળ એ સવાર’, રાજેન્દ્રશાહના ‘બોલીએ ના કંઈ’ કે નિરંજન ભગતના ‘પથ્થર થરથર ધ્રૂજે’ નો મારી દીકરીઓનાં નૈતિક મૂલ્યો ઘડવામાં ફાળો કંઈ નાનોસૂનો નથી.

દરેક કુટુંબમાં અમુક વાક્યો કે પ્રયોગો ‘તકિયાકલામ’ તરીકે વપરાતા હોય છે. આ પ્રયોગો પાછળ એક વિસ્તાર હોય છે, જે કુટુંબના સભ્યોને દૂર રહેવા છતાંયે જોડે છે. ઋજુતા અમેરિકાથી ‘e-mail’ કે ‘msn chat’ પર “ખોરાકનો સ્વાદ જીભમાં નહીં મનમાં છે” – ગાંધીજી, “ભણતર બહુ વધ્યા ભાઈ” – ધૂમકેતુ એ ગુજરાતી સાહિત્યએ આપેલા અમારા ‘તકિયાકલામ’ છે.

ઋજુતાનો મજાક-મસ્તીભર્યો સ્વભાવ વાતાવરણમાં હળવાશ લઈ આવે. જ્યારે ઋતુની લાગણી સભરતા હૃદયને ભીંજવી નાખે. જિંદગીના નાનામાં નાના ‘આમ’ પ્રસંગોને ‘ખાસ’ પ્રસંગોમાં ફેરવવાની ઋતુમાં આવડત છે. ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખીને એ પ્રસંગોને નવો જ ઓપ આપી શકે. એકસરખા વાતાવરણમાં ઊછરતી એક જ માબાપની આ ‘બે વેલો’ કેટલી જુદી હોય તેનો પ્રત્યક્ષ અનુભવ આ દીકરીઓને જોતાં થાય છે. કોઈએ કહ્યું છે તેમ ‘આપણે કશું જ કરવાનું નથી, બસ એક ફૂલને ઊઘડતું નિહાળવાનું છે.’ આમાં ન તો ફૂલને ખીલવા માટે કશી મથામણ કરવી પડે છે ન તો માળીને – બસ કુદરતની કરામત છે.

દીકરીઓ સાથે જોડાયેલું છે તેમનું મિત્રવર્તુળ. ઋજુતાના આર્કિટેક્ચરના સબ્મિશન્સ કે ઋતુના એમ.બી.એના પ્રોજેક્ટસ ને કારણે અમારું ઘર સહાધ્યાયીઓથી ભર્યું ભર્યું રહ્યું છે. ઉજાગરાઓ કરીને, ખૂબ ચીવટ અને ખંતથી કામ કરતી આ યુવાપેઢીને અમે નજદીકથી જોઈ છે. ‘ભણતરની અધોગતિ’, ‘યુવાનોમાં કામચોરી’ કે ‘યુવાનોમાં નૈતિક મૂલ્યોનો હ્યાસ’ જેવા વિષયોએ ખૂબ મંચો ગજાવ્યા છે. સમાજમાં મોટાઓએ યુવાનોનું આવું એક ચિત્ર ઊભું કર્યું છે. અમારો સ્વાનુભવ આથી એકદમ જુદો છે. આજનાં છોકરાંઓનાં વિચારો અને કામ અમને તો સાચાં, નિર્ભેળ અને સરળ લાગ્યાં છે. એમનો વહેવાર સીધો અને પ્રમાણિક લાગ્યો છે. ફરી મારું મન કૃતકૃત્યતા અનુભવે છે કે દીકરીઓની સંગે આ યુવાપેઢીને જાણવાનો અવસર મળ્યો છે.

આ મિત્રો હવે એમનાં એકલાનાં જ મિત્રો નથી રહ્યાં. એ મિત્રોએ મને પણ એમનાં જીવનમાં એક સ્થાન આપ્યું છે. એમનાં સુખ-દુ:ખ, અકળામણો, મૂંઝવણો મારી સાથે શૅર કર્યા છે. એમનાં જીવનની સિદ્ધિઓમાં અમે પણ ભાગીદાર બન્યાં છીએ. ઋજુતા અમેરિકા હોય તો યે એની બહેનપણીઓ નિયમિત મળવા આવે, ફોન કરે – શું આને જ કહેવાય હર્યુંભર્યું જીવન ?

દીકરીઓ યુવાનીના ઉંબરે આવતાં જે અસમંજસ માબાપો અનુભવે છે તે અમે પણ અનુભવી છે. આજના મુક્ત વાતાવરણમાં જ્યારે યુવાન છોકરા-છોકરીઓ છૂટથી હળેમળે ત્યારે કેટલી છૂટ સ્વીકાર્ય છે તે એક બહુ નાજુક પ્રશ્ન છે. આ મૂંઝવણ મેં અમારા મિત્ર સમાન વડીલ ડૉ. ડીસોઝાને કહી. એમણે એક બહુ સરસ વાત કહી, જે એમનાં માતુશ્રીએ એમને કહી હતી. ‘દીકરી, તું બહાર જઈને એ બધું જ કરી શકે છે જે ઘેર આવીને મને કહેતાં તું અચકાય નહીં, જે વાતમાં જરા પણ અચકાટ થાય એવું લાગે તે ન કરતી.’ કેટલો સરળ, સીધો અને સચોટ ઉપાય જે સમયાતીત છે. આજથી 50 વર્ષ પહેલાં એ જેટલો સાચો હતો તેટલો જ આજે પણ છે. આ ઉપાય મા-દીકરી વચ્ચેના વિશ્વાસ પર રચાયેલો છે, એ સંબંધોની પારદર્શકતા પર આધાર રાખે છે. મારે આ સમયે જ્યારે મારી દીકરીઓ આ નાજુક ઉંમર વટાવી ચૂકી છે ત્યારે એ જ કહેવાનું છે કે ‘It works’ !

દીકરીઓનાં બધાં જ મિત્રો – છોકરાઓ અને છોકરીઓ – અમારે ત્યાં છૂટથી આવતાં. મોડી રાત્રે બહાર જવું-આવવું, ક્યારેક પિકચર-નાટક કે પાર્ટીઓમાં જવું એકદમ સહજભાવે થયું છે. આમાં ન તો અમારે પક્ષે કે ન તો એ લોકોને પક્ષે કશી તાણનો અનુભવ થયો છે. અમુક નિયત સમય પહેલાં ઘરે આવી જવાની બંદિશ એમણે સહેલાઈથી સ્વીકારી હતી. આવા મુક્ત વાતાવરણમાં ઊછરતી અમારી દીકરીઓએ જ્યારે પોતાના જીવનસાથી નક્કી કર્યાં ત્યારે એમનો સ્વીકાર અમારે પક્ષે પણ સહજ હતો. આ સ્વીકારમાં અમે ફક્ત એક જ નિયમને અનુસર્યાં છીએ. ‘એમણે જે નિર્ણય લીધો છે તે જોઈ, વિચારી, સમજીને જ લીધો હશે.’ જ્યારે અત્યારે ઘી, ઘીના ઠામમાં પડી ગયું છે ત્યારે લાગે છે કે આ નાજુક સમય પણ સરળ રીતે પસાર થઈ ગયો છે.

નાનપણથી જ ઋજુ-ઋતુની એક ફરિયાદ – અમે ગમે તેટલું સારું કરીએ તો પણ મમ્મી તો આપણાં વખાણ કરતાંય શરમાય. કોઈને કહે પણ નહીં. આ નીતાની મમ્મી જો, કેવાં આખો દિવસ એની દીકરીઓનાં ઓવારણાં લે છે. કદાચ આ વાતમાં તથ્ય છે. મારી દીકરીઓની સિદ્ધિઓ કહેવામાં અત્યારે હું અચકાઉં છું. બંને દીકરીઓએ સર કરેલાં સિદ્ધિનાં શિખરો મને હંમેશા આકાશકુસુમવત્ લાગ્યાં છે. મને હંમેશા એવું જ લાગ્યું છે કે એ તો છાપાઓમાં સમાચાર આવે એવી વાત છે. કોઈ અજાણ્યા લોકોનાં જીવનમાં ઘટતી ઘટના જેવી વાત છે.

ઋજુતા એ શરૂઆત કરી, જ્યારે ICSEમાં 92% માર્કસ લાવી. ‘સાનંદાશ્ચર્ય’ શબ્દનો અર્થ સમજાયો. અમે આનંદવિભોર થઈ ગયાં હતાં. Kamla Raheja માં આર્કિટેકચરનો અભ્યાસ ‘બેસ્ટ સ્ટુડન્ટ’ ના પારિતોષક સાથે પૂરો કર્યો. અમેરિકા માસ્ટર્સ કરતાં પહેલાં પંચગીનીમાં એક બંગલો ડિઝાઈન કર્યો જેને જે.કે સીમેન્ટ તરફથી ‘યંગ આર્કિટેક ઑફ ધ યર’ નો ઍવોર્ડ મળ્યો. ઋતુની કારકિર્દી પણ એટલી જ ઉજ્જવળ રહી. સંગીત મહાભારતીમાંથી સિતાર અને વોકલમાં ‘એક્સીલન્ટ’ સાથે ડિપ્લોમા કર્યું. NMIMS માંથી Advertising & communication માં MBA કર્યું, અને બધી જ શાખાઓમાંથી ‘બેસ્ટ સ્ટુડન્ટ’ નું પારિતોષક મેળવ્યું. અંતિમ પરીક્ષામાં પ્રથમ આવી ‘AAA of I’ ની ટ્રોફી મેળવી.

આ દરેક સિદ્ધિઓના સોપાને હું એક જ ગીત ગણગણતી : ‘બીજું હું કાંઈ ન માંગુ રે,’ અને પ્રભુએ અધધ થઈ જવાય એટલું અઢળક આપ્યું છે. ઈશ્વરની અનન્ય કૃપા અમારા પરિવાર ઉપર છે. આ દીકરીઓ આપણા અસ્તિત્વના અવિભાજ્ય અંગ જેવી છે. આ લગભગ ત્રણ દાયકાની જિંદગી એમની આજુબાજુ ગૂંથાઈ છે. વર્ષોથી જેનો ડર લઈને જીવ્યા છીએ, તે દિવસ પણ હવે આવી ગયો છે. પંખીનો માળો તો પાંખો આવતાં છોડવાનો જ ને ? દીકરા કે દીકરી બંનેએ. પણ બિચારી દીકરીઓ. ‘વિદાયનો ભાર’ આખી જિંદગી વેંઢારે છે ! ઋજુતાના જન્મના બેએક મહિના પછી રેડિયો પર

‘પિકે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી,
રોએ માતાપિતા, ઉનકી દુનિયા ચલી.’

સાંભળતાં જે આંસુના તોરણ બંધાયાં તે પ્રસંગોપાત્ત 27 વર્ષોમાં અનેકવાર બંધાયા. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતી અનિલ જોશીની ‘કન્યાવિદાય’ દીકરીઓએ વિકલ્પમાં જ છોડી – મમ્મી શીખવી શકે તો ને !

ઋજુતા પરણી ગઈ, ત્રણ વર્ષ થઈ ગયાં. ઋતુ એ ઉંબરે પહોંચી ગઈ છે. મારું મન હજુ યે માનતું નથી. નવાઈ લાગે છે, શું આટલું જલ્દી આ બધું પૂરું થઈ ગયું ?

[લેખિકા પરિચય : અર્થશાસ્ત્રના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ તથા એમ.એની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે લઈને પલ્લવી મોદી અંધેરી, મુંબઈની ભવન્સ કૉલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયાં. અધ્યાપનની સાથે અધ્યયન કરતા રહીને તેમણે એમ.ફિલ તથા પી.એચ.ડીની ઉપાધિ મેળવી. તે સાથે જ વ્યાપાર અને વાણિજ્ય વિષયક લેખો ગુજરાતીમાં તથા અંગ્રેજીમાં વર્તમાનપત્રો માટે લખતાં રહ્યાં. તેમણે યુનિવર્સિટી કક્ષાએ અનેક પરિસંવાદોમાં પેપર્સ રજૂ કર્યા છે. પલ્લવીબહેનને ગુજરાતી તથા અન્ય ભાષાના સાહિત્યમાં વિશેષ રુચિ છે. નાટકો તથા ફિલ્મોમાં પણ તેમને એટલો જ રસ છે. સરનામું : 403, બીચ હેવન-1, જૂહુ રોડ, મુંબઈ-400 049]