પડાવ – બકુલ બક્ષી

[1] હિમાલયના શેરપાઓ

હિમાલયનાં ઘણાં ઊંચા શિખરો નેપાળમાં આવેલા છે. વર્ષોના પ્રયત્નો બાદ 1953માં એક બ્રિટિશ પર્વતારોહીદળના બે સદસ્યો એવરેસ્ટને સર કરવામાં સફળ થયા હતા. આ બે સદસ્યો હતા – એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગે. વિશ્વભરમાં એમના સાહસને બિરદાવવામાં આવ્યું હતું. આજે લગભગ પચાસ વર્ષ પછી એવરેસ્ટ વિજેતાઓનું લીસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે કે સાતસોથી વધુ નામો એમાં ઉમેરાઈ ગયાં છે. એમાં મહિલાઓ પણ છે અને એકથી વધુ વાર એવરેસ્ટ સર કરનારા પણ છે. પચાસ વર્ષ બાદ જોઈએ તો હિલેરી અને તેનઝિંગની સફળતા સામાન્ય લાગે છે. પણ આ સફળતાથી નેપાળની શેરપા જાતિને વિશ્વ વ્યાપી પ્રસિદ્ધિ મળી.

નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે. જેમાં અલ્પ સંખ્યક શેરપાઓ બૌદ્ધ ધર્મ પાળે છે. આજથી સો એક વર્ષ પહેલાં યુરોપનાં પર્વતારોહીઓએ હિમાલયનાં શિખરો સર કરવાના પ્રયાસ શરૂ કર્યા. સામાન ઊંચકવા અને હિમાલયની પર્વતમાળામાં માર્ગદર્શન માટે એમણે શેરપાઓની મદદ લીધી. ગરીબીમાં જીવતી આ પ્રજાને આવકનું નવું સાધન મળી ગયું. દેવીદેવતાઓના નિવાસસ્થાન માની એમણે આ હિમશિખરોને સર કરવાની કોશિશ કરી ન હતી. વિદેશી અભિયાન દળો પાસેથી સારી કમાણી થવા લાગી અને આ ભાવના તૂટતી ગઈ.

માઉન્ટ એવરેસ્ટની નજીકનો ખુમ્બુ પ્રદેશ શેરપાઓનું નિવાસ સ્થાન ગણાય છે. જેની રાજધાની છે ‘નામચે બઝાર’ નામનું પહાડી ગામ. આ સ્થળ લગભગ સત્તર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને એવરેસ્ટ અભિયાનની અહીંથી શરૂઆત થાય છે. શેરપાની ભાષામાં એવરેસ્ટનું નામ છે – ચોમાંલૂંગ્મા – જેની એ શ્રદ્ધાથી પૂજા કરે છે. શેરપા મૂળ પૂર્વ તિબેટમાંથી સોળમી સદીમાં અહીં આવી સ્થાયી થયા અને મુખ્યત્વે ખેતી કરતા અથવા ઘેટાં ચરાવતા. એમના રીતરિવાજો હજી પણ નેપાળ કરતાં તિબેટને વધારે મળતા આવે છે. થોડા શેરપાઓ બ્રિટિશ સૈન્યમાં નોકરી મેળવી દાર્જીલિંગ તરફ વસવાટ કરી ગયા હતા.

1920 ની આસપાસ બ્રિટિશ પર્વતારોહીઓએ આ શેરપાઓને મજૂર અને ભોમિયા તરીકે ભાડે રાખ્યા. તે સમયે એવરેસ્ટનો રસ્તો તિબેટ થઈને જતો હતો. હવે નેપાળ સરકાર વિદેશીઓને પરવાનગી આપે છે જેથી એવરેસ્ટનું આરોહણ નેપાળમાંથી કરવામાં આવે છે. તિબેટની સરખામણીમાં આ રસ્તો વધારે સરળ છે. આજે શેરપાઓ સામન નથી ઊંચકતા, તે કામ માટે ખાસ મજૂરો ભાડે રખાય છે. શેરપા હવે માર્ગદર્શક અથવા તો પર્વતારોહી ટીમના સદસ્યરૂપે જાય છે. તેનઝિંગની સફળતાએ એમને આ સદ્ધરતા અપાવી છે અને કેટલાય શેરપાઓ એવરેસ્ટ વિજેતા બની ચૂક્યા છે.

પર્વતારોહણની મોસમ ઉનાળાના ત્રણ મહિનાની છે, જ્યારે અનેક વિદેશી ટીમો હિમાલયમાં આવે છે. મોટા ભાગના શેરપા આજે પર્યટન અથવા પર્વતારોહણમાંથી જ પોતાની આવક મેળવે છે. બાકીના સમયમાં ખેતીવાડી અથવા યાક પ્રાણીઓને ઉછેરવાનું કામ કરે છે. અનેક પર્વતારોહીઓ એવરેસ્ટ પર મૃત્યુ પામ્યા છે અને તેમાંથી પચાસ ટકા શેરપાઓ છે. ખુમ્બુ ગ્લેશિયરની નજીક એમના માટે પાળિયા જેવાં પથ્થરનાં સ્મારક મૂકવામાં આવ્યાં છે. આ સ્મારકોને સ્થાનિક ભાષામાં ‘ચુરુંગ’ કહેવાય છે. શેરપાઓની સૌથી પવિત્ર થ્યાંગ બોચે મોનાસ્ટ્રી પણ આ જ વિસ્તારમાં આવેલી છે.

શેરપા પ્રજા તિબેટથી એક ધાર્મિક ઉત્સવ ‘ડૂમજે’ પોતાની સાથે લાવી છે જે આજે પણ પાંચ દિવસ સુધી ઉજવાય છે. અહીં લામાઓ મહોરાં પહેરી નૃત્ય કરે છે અને ઉત્સવના વાતાવરણની જમાવટ કરે છે. શેરપાઓ એક પ્રકારના આદિ-માનવમાં પણ શ્રદ્ધા રાખે છે જેને એ ‘યેતી’ કહે છે. હિમાલયની બર્ફીલી ઊંચાઈ પર આ યેતી ક્યારેક દેખાયાના કિસ્સાઓ પ્રચલિત છે. યુરોપના પર્વતારોહીઓ આને ‘સ્નો મેન’ નું સંબોધન આપે છે. આર્થિક રીતે શેરપા ગરીબ છે. આનો જાત અનુભવ થયા બાદ હિલેરીએ એક ટ્રસ્ટની સ્થાપના કરી ખુમ્બુ પ્રાંતમાં છવ્વીસ સ્કૂલો અને એક હૉસ્પિટલની સ્થાપના કરી છે. એકલા હાથે શેરપાઓને એણે બનતી મદદ કરી છે.

એવરેસ્ટ પર વિજય મેળવવામાં શેરપાઓની સિદ્ધિઓ અજોડ છે. આંગરીતા શેરપા દસ વાર એવરેસ્ટ જીતી ચૂક્યો છે અને તે પણ ઑક્સિજનની મદદ વિના. અપ્પા શેરપાએ નવ વર્ષમાં નવ વાર વિજય મેળવ્યો છે. પાસાંગ લ્હામુ શેરપા એક માત્ર મહિલા વિજેતા છે જે 1993માં એવરેસ્ટ ઊતરતી વખતે મૃત્યુ પામી હતી. કાજી શેરપા પારંપરિક નેપાળી પોશાકમાં એવરેસ્ટ વિજય મેળવી ચૂક્યો છે. લોપસાંગ જંગબુ શેરપા વિશ્વના સૌથી ઊંચા શિખર પર ત્રણ કલાક ગાળી આવ્યો છે જે લાંબામાં લાંબો સમય છે. આટલી સફળતાઓ બાદ પણ એમની આર્થિક સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. છ વખત એવરેસ્ટ સર કરનાર સુંગદાર શેરપાએ ગરીબીથી કંટાળી આત્મહત્યા કરી હતી. હિમાલય પર પર્વતારોહણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી શેરપાની વીરગાથાઓ પણ જીવંત રહેશે.


[2] જાપાનનો પારંપરિક ચા સમારોહ

ચા પીવાની શરૂઆત ચીનમાં થઈ અને આજે એ જુદી જુદી રીતે વિશ્વભરમાં પીવાય છે. ચીન તથા જાપાનમાં દૂધ અને ખાંડ વિનાની લીલી ચા પીવાય છે. જેને આપણે ‘ગ્રીન ટી’ નામે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં ભલે ‘ટી’ કહેવાતી હોય પણ ચીન અને જાપાનમાં આ પીણાને ‘ચા’ કહેવાય છે. આપણે પણ આ શબ્દ ચીનની ભાષામાંથી અપનાવ્યો છે. ચીનમાં પણ કહેવાય છે કે ચાના છોડની પ્રથમ શોધ બૌદ્ધ ભિક્ષુઓએ કરી હતી. આ પત્તાઓને ગરમ પાણીમાં ઉકાળવાથી એવું પીણું બન્યું જે સ્ફૂર્તિ આપતું અને ધ્યાનમાં મદદરૂપ થતું હતું.

ચા પીવાની આદત જાપાને ચીન પાસેથી અપનાવી. અહીં પણ બૌદ્ધ ભિક્ષુઓ જ કારણરૂપ બન્યા. બૌદ્ધ વિહારોમાં આનો ઉપયોગ થતો હોવાથી આ પીણાને ધાર્મિક મંજૂરી મળી ગઈ અને સામાન્ય પ્રજાએ પણ સહેલાઈથી અપનાવી લીધું. જાપાનમાં આનું સેવન પ્રકૃતિ સાથેનો સંબંધ ગણવામાં આવ્યું. વિધિવત આનું સેવન કરવામાં આવ્યું જેને ચા નોયૂ અથવા ‘ટી સેરિમની’ નામ અપાયું. આ એ પ્રકારની ઉજવણી હતી જેના માટે વિસ્તૃત પૂર્વતૈયારી કરવી પડતી. આ સમારોહ આજે પણ જાપાનની પારંપરિક સંસ્કૃતિનું અંગ ગણાય છે.

આઠમી સદીના નારા યુગ સમયે જાપાનમાં ચા પીવાની શરૂઆત થઈ હતી. ઝેન વિચારધારાની અસર નીચે એનો વિકાસ થયો. શરૂઆતમાં રાજાઓ અને ઉમરાવો સુધી જ મર્યાદિત ચાને લોકચાહના મળી અને ફેલાવો વધતો ગયો. સામાન્ય માણસ ભલે આ સમારોહની વિધિ ન કરતો હોય પણ ચા એનું પ્રિય પીણું બની ગયું. નવી નવી ઢબે ચા બનવા લાગી અને દરેક વિધિને પોતાનું મહત્વ હતું. ચા-નો-યૂનો અર્થ જાપાનિઝ ભાષામાં ‘ચાનો માર્ગ’ થાય છે. મેઈજ વંશની સ્થાપના બાદ જાપાનના સામુરાઈ યોદ્ધાઓ નવરા થઈ ગયા હતા અને એમણે ચા પીવાની નવી પદ્ધતિઓ સ્વીકારી શાંતિના સમયમાં આ સમારોહ પર વધારે ધ્યાન આપ્યું. સેનનો રિક્યુને ટી સેરિમનીનો પ્રણેતા માનવામાં આવે છે. આ પરંપરા સોળમી સદીથી શરૂ થઈ હતી અને હજી પણ જાળવી રખાઈ છે.

જાપાનના ચા સમારોહ માટે બગીચો અને ખાસ પ્રકારનું બાંધકામ જરૂરી છે. મુખ્ય વિધિ એક કુટિરમાં કરવામાં આવે છે. મહેમાનો પ્રતીક્ષાલયમાં ભેગા થાય ત્યારબાદ યજમાન એમને બગીચાના પથ પર આમંત્રિત કરે છે. આ ઉદ્યાન પ્રકૃતિનું પ્રતીક છે અને અહીં પથ્થરનાં બનેલાં પશુપક્ષીઓ રાખવામાં આવે છે. ઉદ્યાનની કેડી પર ચાલવું એ ધ્યાનનું પ્રથમ પગલું ગણાય છે. ચા બનાવવાનાં વાસણો ધાતુનાં નહીં પરંતુ વાંસની બનાવટનાં રાખવામાં આવે છે. ચા વિધિની કુટિર (ટી હાઉસ) દસેક સ્કેવર ફીટની નાની સરખી હોય છે. જેમાં મહેમાનોને ઘૂંટણિયે ચાલીને પ્રવેશ કરવો પડે છે.

યજમાન દ્વારા મહેમાનોની પસંદગી કરાય છે અને આ વિધિને અનુરૂપ વિચાર ધરાવતાને જ બોલાવાય છે. આ પ્રસંગે મહેમાનો પ્રકૃતિ, કલા અને ચા વિષે જ ચર્ચા કરે તેવી અપેક્ષા રખાય છે. આ વિધિની કુટિરનો શણગાર આછા રંગોનો રાખવામાં આવે છે. વસ્ત્રો પણ હલકા રંગના પહેરવા પડે છે. શરૂઆતમાં ચા માટે તૈયાર કરાયેલું ગરમ પાણી ચખાડવામાં આવે છે. મહેમાનો જે રસ્તે ટી હાઉસમાં જવાના હોય ત્યાં પણ પાણીનો છંટકાવ કરાય છે. ભાવનાઓથી મુક્તિનો આ સંકેત છે. કુટિરમાં એમણે ઝૂકીને પ્રવેશ કરવો પડે છે જે નમ્રતાનું પ્રતીક ગણાય છે.

ટી હાઉસમાં મહેમાનો ગોઠવાઈ જાય ત્યારે કોલસાની સગડી પર ચાની કીટલી ચડાવવામાં આવે છે. સૂપ, અલ્પાહાર અને ચોખાની વાનગીઓ પીરસાય છે. આ પ્રસંગે નવી નક્કોર ચોપસ્ટીક્સ વાપરવાની પરંપરા છે. દરિયાઈ ખોરાક અને પહાડી પ્રદેશની વાનગીઓ આપવામાં આવે છે. આને પ્રકૃતિનો પ્રસાદ ગણવામાં આવે છે. મહેમાનો સિરેમિકનાં વાસણો લઈને આવે છે, જેમને ખાસ કાગળથી વિધિવત સાફ કરી તેમાં ચા પીવાય છે. રેશમીકાપડથી ઢાંકેલી ચા આવે છે, જેનું વિધિ પ્રમાણે સેવન કરાય છે. કુટિરને મોસમી ફૂલોથી સજાવવામાં આવે છે. યજમાનના આગ્રહથી મુખ્ય મહેમાન ચાનો પ્રથમ ઘૂંટડો લે છે. પછી એ પાત્ર એકત્રિત મહેમાનોમાં ફરે છે અને દરેક વ્યક્તિ આ ચાની ચૂસ્કી લે છે. ચા પીવાઈ ગયા બાદ યજમાન પોતે વાસણો ભેગા કરી લઈ જાય છે. આ વિધિ પૂરી થવામાં ત્રણથી ચાર કલાક લાગી જાય છે. આ વિધિ સામાજિક સંપર્ક અને પ્રકૃતિ સાથે સંબંધ જોડવાનું એક પારંપરિક માધ્યમ બની જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનભર્યા રંગે દીકરીઓની સંગે – પલ્લવી મોદી
તુલસી મહોર્યા ! – કલ્પના જિતેન્દ્ર Next »   

15 પ્રતિભાવો : પડાવ – બકુલ બક્ષી

 1. Uday Trivedi says:

  Really good informative article !! liked it..please post such articles in future also

 2. Neela Kadakia says:

  v.informative article really i like it. Need more like this.

  Neela

  http://shivshiva.wordpress.com/

 3. Hemendrasinh says:

  Article from bakul baxi always inspired me. Observation power and interesting writing skill are key in his writings. Glad to see/read articles from this larend writer.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.