સુખનું સ્ટેશન – જયવતી કાજી

જન્મદિને લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો’. માણસની ઈચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા જઈએ, એની પાછળ દોડીએ તેમ દૂર ને દૂર ઊડી જાય છે ! સુખ અને શાંતિને બદલે આજના આપણાં જીવનમાં અશાંતિ, અજંપો અને ઉદ્વેગ ખૂબ વધી ગયાં છે. 

અમેરિકા તો વિશ્વનો ઘણો સમૃધ્ધ દેશ છે. જીવનમાં ઘણી સગવડ છે, છતાં લોકોના મનને શાંતિ નથી. ‘ટેન્શન’ને લીધે ઊંઘવા માટે ગોળીઓ લેતા હોય છે. વધુ ને વધુ લોકો માનસિક ‘ડીપ્રેશન’ નો ભોગ બનતાં જાય છે. સમજ નથી પડતી કે આવું કેમ બને છે ? આપણી જીવનશૈલી ખોટી છે ? આપણી વિચારધારામાં ક્ષતિ છે ? પ્રગતિની એ કિંમત છે ? કે પછી માનવીની એ નિયતિ જ છે ? સુખ એ શું મૃગજળ છે ? સુખ માટેની માનવીની ઝંખના એ શું માત્ર ઝંખના રહેવા જ સર્જાઈ છે કે પછી માનવીને સુખ શું છે એની જ ખબર નથી ?

આદિ કાળથી માણસ સુખની શોધમાં જ રહ્યો છે. પ્રશ્ન એ જ છે કે એને સુખ કેવી રીતે સાંપડે ? સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ અલગ હોય છે અને એ બદલાતી રહે છે, પરંતુ મોટા ભાગના માણસો માટે તો સુખ એટલે પ્રાપ્તિ – મેળવવું – પુષ્કળ મેળવવું અને ભોગવવું. જે મળ્યું તેનાથી વધારે ને વધારે મેળવતાં જ જવું, જે કાંઈ મેળવ્યું હોય તેનું પ્રદર્શન કરવું અને એ માટે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવી. માણસનું મન તૃપ્ત થતું નથી. એને હંમેશા એમ થાય છે કે ‘હજી વધારે હોય તો સારું.’ સાથે સાથે એને એમ પણ થાય છે કે આટલું મળશે એટલે બસ! પછી હું સુખી થઈશ. પછી બસ, સુખ ને સુખ જ હશે.

આપણાં પોતાના અંતરના ઊંડાણમાં એક કાલ્પનિક સ્વપ્નું હોય છે. વિઝન હોય છે. આપણને થાય છે કે આપણે એક લાંબી સફરે નીકળ્યા છીએ. ચાલતી ટ્રેઈનની બારીમાંથી આપણે બહારનું દશ્ય જોઈએ છીએ. બાજુના ‘હાઈ-વે’ પરથી વાહનો પસાર થઈ રહ્યાં છે. દૂરની ટેકરીઓ પર ગાય, ભેંશ, ઘેટાં અને બકરાંઓને ચરતાં જોઈએ છીએ. લીલાંછમ ખેતરો જોઈએ છીએ. ઝૂંપડાં જોઈએ છીએ. અને નાના-નાનાં માટીનાં ઘરનાં આંગણામાં ખેલતાં બાળકો જોઈએ છીએ. મોટાંમોટાં વૃક્ષોને પસાર થતાં જોઈએ છીએ. આ બધું આપણે જોઈએ છીએ. ટ્રેઈન આગળ ને આગળ જઈ રહી છે. પરંતુ આપણા મનમાં તો આપણું પહોંચવાનું સ્થળ – ડેસ્ટીનેશન છે ! આટલે વાગે આપણે એ સ્ટેશને પહોંચી જઈશું અને બસ ! ત્યાં પહોંચીશું એટલે ખુશી જ ખુશી જ ! ત્યાં પહોંચીશું એટલે આપણાં સુંદર મોહક સ્વપ્નાં સાચાં પડશે. આપણે ઉત્સુકતાથી આપણા પહોંચવાન સ્ટેશનની રાહ જોતાં રહીએ છીએ, અને માનીએ છીએ કે ત્યાં પહોંચ્યાં એટલે ‘સુખ, સુખ અને નિરાંત !’

એમ થાય છે કે કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે બસ ! પછી થાય છે કે સરસ નોકરી મળી જાય એટલે થયું ! નોકરીના-વ્યવસાયમાં સ્થિર થઈએ એટલે નિરાંત ! પછી એક સુંદર, ‘સ્માર્ટ’ મનગમતી યુવતી સાથે લગ્ન થાય એટલે સુખી ! પણ વાત ત્યાં અટકતી નથી. પછી જોઈએ છીએ એક ઘર, મોટર અને વધુ પૈસા. બાળકો મોટાં થઈ જાય અને ભણી રહે એટલે જવાબદારી પૂરી ! પછી નિવૃત્ત થઈ જઈશું અને શાંતિથી સુખચેનમાં જીવન પૂરું કરીશું ! આપણી પાસે દશ હજાર રૂપિયા એકઠા થાય છે, ત્યારે આપણને થાય છે એક લાખ હોય તો સારું ! નાની મારૂતિ ગાડી આવે છે ત્યારે મર્સિડીઝ હોય તો કેટલું સારું એમ થાય છે. આમ, આપણી અપેક્ષાઓ વધતી જાય છે. લાલસા વધતી જાય છે. મનમાં અસંતોષનો અગ્નિ જલતો રહે છે, અને એની સાથે સુખ-શાંતિ-નિરાંત આઘાં ને આઘાં ઠેલાતાં જાય છે.

ધન-સંપત્તિ, દોલત અને ચીજવસ્તુઓ મેળવવા માટે પ્રયાસ માણસના ગજા અને શકિત ઉપરાંતનો ઘણી વખત હોય છે. પોતાના શક્તિ બહારના આ પ્રયાસથી એ માણસને અને એની આજુબાજુના કુટુંબીજનોને એ કારણે સતત માનસિક દબાણ રહે છે. કેમ કરીને વધારે અને વધારે મેળવીએ ? એ માટે શું કરી નાંખીએ ? એ અજંપો માણસના મનની શાંતિ અને સ્વસ્થતાને હણી નાખે છે.

તમે કહેશો : દુનિયા એમ જ ચાલે છે ને ? એમાં આપણે શું કરી શકીએ ? દુનિયાની એ તો રીતરસમ છે. જેટલું વધુ તેટલું વધુ સારું. જેની પાસે જેટલું વધારે તેટલો તે વધુ સફળ ! જેની પાસે ત્રણ મોટર હોય તે એક મોટર હોય તેનાં કરતાં વધુ સફળ. એક ઘર નહિ પણ બે-ત્રણ બંગલાઓ હોય તે વધુ ફત્તેહમંદ. જેટલાં સાધનો વધારે એટલી વધુ સફળતા. આપણે આર્થિક અને સામાજિક સફળતાને ‘acquisition’ સાથે સાંકળી દીધી છે અને સફળતાને સુખનો પર્યાય માની લીધો છે. આપણે ભૂલી જઈએ છીએ કે સુખ કોઈ સાધનમાં નથી, પરંતુ એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની આપણી પોતાની ક્ષમતામાં છે.

આપણે મેળવીને કે મેળવતાં જઈને અટકી જતાં નથી, પણ સતત બીજાંને જોતાં રહીએ છીએ. બીજા લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ. તમે કહેશો કે એ તો સ્વાભાવિક છે. બીજાનું જોઈને આપણે શીખતાં અને સુધરતાં જવું જોઈએ. એમ ન કરીએ તો આપણો વિકાસ કેવી રીતે થાય ? કબૂલ ! બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા અમુક હદ સુધી ઠીક છે, પણ જ્યારે એ સમગ્ર જીવનમાં અને વ્યવહારમાં ઈર્ષ્યાનું કીટાણું બનીને પ્રસરી જાય, ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે.

પાડોશી રાહુલભાઈએ મહાબળેશ્વરમાં બંગલો ખરીદ્યો અને અજિતભાઈએ નવી ‘હોન્ડા’ ગાડી ખરીદી. પ્રશાંતભાઈનો છોકરો મેડિકલ કૉલેજમાં દાખલ થયો અને અમારો મુદિત કોમર્સમાં ગયો ! બધાં ક્યાં ને કયાં પહોંચી ગયાં અને આપણે ? આપણે રહી ગયાં ! એટલે મન ખિન્ન થવાનું. અફસોસ થવાનો અને આપણે દુ:ખી થવાનાં. આપણી પાસે શું છે, એનો આપણને વિચાર નથી આવતો. એ તરફ આપણી દષ્ટિ જતી જ નથી. આપણી નજર તો બીજા તરફ હોય છે. મન જે નથી એ જ શોધ્યાં કરે છે. એને માટે એ તલસે છે. જે નથી તેજ તેને જોઈએ છે ! એની આ ઝંખના એને જંપવા દેતી નથી. એની પાસે જે છે એનો એને આનંદ માણવા દેતી નથી. આપણે સતત આપણું દુ:ખ જોતાં રહીએ છીએ અને બીજાનું સુખ જોતાં રહીએ છીએ !

આપણી જિંદગી સાથે, આપણા સંજોગો કે જીવનદષ્ટિ સાથે કશો જ સંબંધ ન હોય તો પણ આપણે બીજાંને જોવાના ! બીજાની સરખામણી કરવાનાં અને આપણે માની લીધેલાં એમના સુખ અને સફળતાથી આપણે દુ:ખી થવાનાં આપણે સુખી થવું છે, પણ આપણે ઈચ્છીએ છીએ કે સુખ આપણાં પુરતું જ મર્યાદિત રહે. એવા કેટલાય માણસો હોય છે, જેમને કોઈ વાતે સુખ લાગે નહિ ! નાની સરખી વાતમાં પણ દુ:ખી થઈ જાય !

અરે ! બીજો કોઈ સુખી થાય એમનું પણ તેમને દુ:ખ !
એક સાંભળેલો પ્રસંગ મને યાદ આવે છે. એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરે. એક દિવસ પ્રભુ સાક્ષાત્ પ્રગટ થયા અને એને કહ્યું, ‘વત્સ ! હું તારા પર પ્રસન્ન થયો છું. માગ, તું માગે તે તને આપીશ.’ પેલો માણસ તો ખુશખુશ થઈ ગયો અને કહ્યું, ‘પ્રભુ ! મારે ઘરે રૂપિયાનો વરસાદ થાય એવું કરો.’ ‘તથાસ્તુ’ કહી દેવ તો અદ્રશ્ય થઈ ગયા. સાથે જ એનું ઘેર રૂપિયાના વરસાદથી ભરાઈ ગયું. પેલો માણસ તો રાજીના રેડ થઈ ગયો. સીધો બહાર દોડી ગયો – પાડોશીને આ સારા સમાચાર આપવા માટે ! જુએ છે તો પાડોશીના ઘરના પણ બહાર દોડી આવ્યા હતાં. એમને ત્યાં પણ રૂપિયા વરસ્યા હતા, પરંતુ એ જોતાં જ આ માણસનો આનંદ કયાંય ઊડી ગયો. એ તો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. એણે છેવટે પ્રભુને પૂછી જ નાખ્યું, ‘જો પાડોશીને ત્યાં પણ રૂપિયા વરસાવવા હતા તો મને શું કામ વરદાન આપ્યું ? માણસને સુખ જોઈએ છીએ પણ પોતાના પુરતું જ !

ઘણાં વિચારે છે કે યુવાનીનાં થોડાં વર્ષો મહેનત કરી લઈએ – સંઘર્ષ વેઠી લઈએ અને અમુક સ્થિતિએ પહોંચ્યા પછી આ ધાંધલ-ધમાલ અને હાયવરાળ છોડી આરામથી જીવનનો આનંદ માણીશું. પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો છે. સુખ તો મૃગજળ જેવું લોભામણું છે. દૂર ને દૂર તમને એ ઘસડતું જાય છે, કારણકે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !

ખરે જ ! સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે. સુખ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું, એ તો આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! બાળપણમાં સાંભળેલી સુખી કાગડાની વાર્તાની માફક માણસ પોતે ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ કરે, તેને કોણ દુ:ખી કરી શકે !

આપણે જો આપણા જીવનની શુભ વસ્તુઓને જોઈશું, આપણને પ્રભુએ બક્ષેલા સુખનો વિચાર કરીશું તો આપણને કોઈ અફસોસ નહિ રહે.

સુખ તો આપણી આજુબાજુ બધે ફેલાયેલું છે. ફકત આપણને એનું દ્વાર ખોલવાની ચાવી મળવી જોઈએ ! ‘ખુલજા સિમસિમ’ની માફક સુખના ખજાનાનાં દ્વાર ખૂલી જાય એટલે બસ ! સુખ તો અહીંયા છે – ત્યાં છે- બધે જ પડેલું છે, પરંતુ એને જોતાં-શોધતાં શીખવાનું છે. સુખ તો પ્રિય પુસ્તકમાં છુપાઈને પડયું છે. કોઈની મૈત્રીભરી દષ્ટિમાં એ રહેલું છે; તો કોઈક ના મોહક સ્મિતમાં સંતાયેલું છે ! કોઈક પ્રિય વ્યકિતના ઉષ્માભર્યા સ્પર્શમાં, તો કોઈક અપરિચિતના મૃદુ સ્વરમાં એ રહેલું છે ! સુખ ! સુખ તો આપણા સમગ્ર વિચારમાં વ્યાપી રહેલું છે. આપણી પ્રત્યેક પ્રાર્થનામાં સુખનું સ્વરૂપ રહેલું છે. સુખને દૂર શોધવા જવાની જરૂર નથી. સુખ સર્વત્ર છે ! સુખનો વાસ છે પ્રેમભર્યાં હૈયામાં. આપણે એને પુષ્યની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું હોય છે.

આજે જ્યારે જીવનસંધ્યાના સાગરતટે અમે બંને ઊભાં છીએ, ત્યારે ચોથી પેઢીના શિશુના આગમનથી અનેરું સુખ અનુભવીએ છીએ.

આપણે પોતે સુખી થઈશું તો જ બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે, છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ.

સુખનાં પણ કેટલાંક ધારા ધોરણો હોય છે. કેટલીક વિલક્ષણતા હોય છે. સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ બદલાતી જાય છે. બાળપણમાં રમતગમતમાં સુખ લાગે. કિશોરાવસ્થામાં મિત્રો સાથે આનંદપ્રમોદમાં સુખ લાગે. યુવાવસ્થામાં ધન-સંપત્તિ-પ્રેમ અને સફળતા મેળવવામાં સુખ લાગે. પરિવારને સુખી કરવામાં આનંદ આવે, અને ઢળતી ઉમ્મરે થાય, ‘બસ ! તબિયત સારી રહે. કોઈના ઓશિયાળા થવું ન પડે અને આમ ને આમ ઊકલી જઈએ તો થયું.’ સુખનું કોઈ એક સ્ટેશન કે ડેસ્ટીનેશન નથી. આટલું મળે – આટલું થાય એટલે નિરાંત….સુખ પણ આપણું એ સુખનું સ્ટેશન દૂર ને દૂર જ ઠેલાતું જાય છે.

જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો- સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે. ટૂંકમાં કહું તો સુખ સમાયું છે દષ્ટિમાં. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. સુખી થવા માટે પણ મનને તાલીમ આપવી પડે છે. સંગીત શીખવા રિયાઝ કરવો પડે છે, નૃત્ય શીખવા માટે તાલીમ લેવી પડે છે, તેવી જ રીતે સુખી થવા સભાન રીતે પ્રયત્નશીલ રહેવું પડે છે. નૃત્ય અને સંગીતની જેમ સુખપ્રાપ્તિ એ પણ એક કળા છે. કળા સતત અને સખત તાલીમ માંગી લે છે. સુખનું પણ એવું જ છે.

કચ્છી કહેવત છે તેમ, આપણે ‘નીચાં નેણ રાખીએ.’ એનો અર્થ એ જ કે દુનિયામાં આપણાં કરતાં તો અનેક માણસો દુ:ખી હોય છે. એમની પાસે તો ધન-દોલત-સગવડ જેવું કશું નથી હોતું. આપણે તો એમનાં કરતાં ઘણાં વધારે સુખી છીએ ! એમના તરફ જોઈએ તો આપણને થશે કે આપણને જિંદગી સામે- ઈશ્વર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુનિયાના કયા દેશના લોકો સુખી છે એવું એક સર્વેક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તમે કહેશો અમેરિકા અને સ્વીટ્ઝરલૈંડના લોકો સૌથી સુખી હશે ! ના રે ના ! દુનિયાના સુખી દેશોમાં નંબર છે બાંગલાદેશ, ભારત, પોલેંડ અને માલદિવનો ! કારણ કે સુખનું સ્થળ છે માનવનું મન.

સુખી થવું હોય તો ભૂતકાળને ભૂલી જવો પડે. ભવિષ્યની ચિંતા સતત ન કરો. કારણકે જિંદગી એટલે આજ – વર્તમાન. ભૂતકાળ વીતી ગયો છે. એ પાછો નથી આવવાનો. ભવિષ્યની કશી જ ખબર નથી. ભાવિ રહસ્યમય છે. જ્યારે વર્તમાન એ જ પરમાત્માની પરમ બક્ષિસ છે.ગઈકાલના ખેદમાં અને આવતીકાલની ચિંતામાં આજને શા માટે રગદોળવી ?

આપણે એટલું જ યાદ રાખીએ કે સુખ અને દુ:ખ એક જ સિક્કાની બે બાજૂ છે. બંન્ને જોડિયા છે. સુખની પાછળ દુ:ખ હોવાનું જ. દિવસ પછી રાત અને વસંત પછી શિશિરની માફક, એ કુદરતનો ક્રમ છે. કારણકે જીવનમાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ નથી રહેતું. બધું જ બદલાતું જાય છે. યાદ રાખવા જેવું એક જ સુત્ર છે : ‘આ પણ પસાર થઈ જશે’. ‘સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ જે મળ્યું તેમાં સંતોષ માનીએ. પુરુષાર્થ ઉચ્ચ ધ્યેય માટે સતત કરતાં રહેવાનો. સફળતા-નિષ્ફળતા હરિને હાથ. મનમાં એક જ વિશ્વાસ રાખવાનો – જે થશે તે સારા માટે થશે. જીવન માટેનો વિદ્યેયક, પોઝીટીવ દષ્ટિ, આત્મશ્રધ્ધા અને પરમાત્મામાં શ્રધ્ધા. ‘ચિત્ત, તું શીદને ચિંતા કરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’

જીવનના પ્રત્યેક સૂર્યોદયને આશા અને આનંદથી વધાવીએ. પ્રત્યેક દિનને- પ્રત્યેક ઘડીને પૂરા દિલથી જીવીએ. જિંદગી જેમ આવે તેમ ઝીલતાં જઈએ. અને એ માટે પરમાત્મા પાસે બળ માંગીએ. કુંતામાતાની માફક આપણે ભગવાન પાસે દુ:ખ નથી માંગવાનું, એટલું જ માંગીશું – અમને શકિત આપજો, સુખ અને દુ:ખ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો…

મધુર રહીએ એટલું સુ:ખ,
માનવી રહીએ એટલું દુ:ખ,
સુખી રહીએ એટલી આશાઓ,
જરૂરિયાત સંતોષે એટલી સમૃધ્ધિ,
હૂંફ આપે એટલા મિત્રો, અને
આજને ગઈ કાલ કરતાં વધુ સુખદ્
બનાવે એટલી નિશ્ચયશક્તિ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમુજનો રાજા
મન અને અંતરમન – સુનિલ ગણદેવીકર Next »   

18 પ્રતિભાવો : સુખનું સ્ટેશન – જયવતી કાજી

 1. Miesh Shah says:

  Very well said. Thank You

 2. amit says:

  sachu kahyu che, sukh nu koi station nathi hotu ,, saraslekh che ,,

 3. bela says:

  saras lekh che. jaywatiben. hu belu tamne AIR ma malalti

 4. nayan panchal says:

  “‘ચિત્ત, તું શીદને ચિંતા કરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’”

  “આપણે ભૂલી જઈએ છીએ કે સુખ કોઈ સાધનમાં નથી, પરંતુ એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની આપણી પોતાની ક્ષમતામાં છે.”

  “…કારણકે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !”

  “સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે. સુખ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું, એ તો આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! ”

  “આપણે પોતે સુખી થઈશું તો જ બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે, છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ.”

  “જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો- સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે. ”

  “એટલું જ માંગીશું – અમને શકિત આપજો, સુખ અને દુ:ખ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો…”

  અત્યંત ઉપયોગી લેખ. લેખકે સુખી થવાના બધા જ રહસ્યો કહી દીધા. આ લેખની તો printout લઇને દીવાલ પર ચોંટાડી દેવી જોઇએ.

  રીડગુજરાતી પર વાંચેલા સર્વશ્રેષ્ઠ લેખોમાંનો એક.

  નયન

 5. Hiral Thaker "Vasantiful" says:

  સાવ સાચી વાત. સુખની વ્યાખ્યા જેટલી વિશાળ ને દુઃખની વ્યખ્યા જેટલી નાની તેટલુ બવધુ સારુ.

 6. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર લેખ –

  સુખ વીશે ઘણા બધા ચિંતકોએ ચિંતન કર્યું છે. સુખી થવા માટે સહું પ્રથમ તો તે વિચારવું પડે કે સુખ ખરેખર કોને થાય છે? જેમ રસને જિહ્વા માણે છે, શબ્દને કાન સાંભળે છે, રૂપને આંખ જુવે છે, ઠંડી-ગરમી અને સુંવાળુ – ખરબચડું વગેરે સ્પર્શ ત્વચા અનુભવે છે, સુગંધ – દુર્ગંધ વગેરે નાક દ્વારા અનુભવાય છે તેવી રીતે સુખનો અનુભવ કોને થાય છે ? તો તેનો જવાબ મળશે કે સુખ અને દુઃખ તે મન દ્વારા અનુભવાય છે. જ્યારે જ્યારે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અનુકુળ વિષય સાથે સંયોગ કરે છે ત્યારે ત્યારે તે મનને એક હકારાત્મક સંદેશો પહોંચાડે છે અને હજુ વધારે તેવા પ્રકારની સંવેદનાની માંગણી કરે છે. જ્યારે જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયોને પ્રતિકુળ વિષય સાથે સંયોગ થાય છે ત્યારે ત્યારે તે મનને નકારાત્મક સંદેશો પહોંચાડે છે અને તે પ્રતિકુળ વિષયોથી ઝડપથી દુર થવા ઈચ્છે છે.

  પરંતુ જો આપણે આપણી ઈન્દ્રિયો ઊપર કાબુ મેળવી લઈએ તો પછી તેને માટે અનુકુળ કે પ્રતિકુળ જેવું કશું જ નથી રહેતું અને પરીણામે તે કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ તેને આનંદથી માણે છે અને મનને હકારાત્મક કે નકારાત્મક સંદેશો આપવાને બદલે સમતા રાખે છે અને પરીણામે મન પણ “હર હાલ મે ખુશ” રહે છે. આમ પોતાની ઈન્દ્રિયો ઉપર કાબુ કરવો તેને જ સમતા યોગ કહેવામાં આવે છે. અને આવા સમત્વ યોગમાં સ્થિત થયેલો મનુષ્ય જ પરમ સુખી થવા માટે લાયક બને છે.

  સુખ તે કોઈ બાહ્ય પરિસ્થિતિ દ્વારા રચાતુ મેઘધનુષ્ય નથી પરંતુ આંતર શત્રુ પર મેળવાતો વિજય છે. સુખી થઈ શકાતુ નથી સુખી હોઈએ જ છીએ – માત્ર કાલ્પનિક દુઃખને ત્યાગવાનું જ જરૂરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.