તુલસી મહોર્યા ! – કલ્પના જિતેન્દ્ર

tulsiઅષાઢ આરંભ્યો, વાદળાં ગોરંભ્યા ને વર્ષાએ અમીછાંટણાં છાંટ્યા કે તરતજ વિષ્ણુપ્રસાદે આંગણાની ક્યારીમાં તુલસીના માંજર રોપી દીધા. ચોથે દિવસે કૂંપળ ફૂટી ને મહિનામાં તો સરસ મજાનો છોડ ઊગી ગયો. વિષ્ણુપ્રસાદ હરખાયા ને ભાનુબેન તો ખુશખુશાલ ! ‘હાશ ! હવે તુલસીની પૂજા કરવા બીજાના ઘરે નહિ જાવું પડે.’

અગાઉ ફ્લેટમાં રહેતા ત્યારે બે ત્રણ વાર કુંડામાં તુલસી ઉગાડવાનો પ્રયોગ કરેલો. એકવાર માંજરમાંથી કૂંપળ ફૂટી ન ફૂટી ત્યાં તો ખિસકોલી ખાઈ ગઈ ! બીજી વાર માંજરમાંથી કૂંપળે જરાક ડોકું કાઢ્યું, ત્યાં તો ચકલી ચાવી ગઈ ! બંને જણા દ્વિધામાં હતાં ‘હવે કરવું શું ?’ ત્રીજીવાર એમણે પાડોશમાંથી મોટો રોપ લાવીને રોપ્યો. છોડ પણ સરસ થયો. ત્યાં હુપહુપ કરતો વાંદરો આવ્યો ને કુંડાને બાલ્કનીની પાળી પરથી છેક નીચે પાડી દીધું !…. છોડ અને કુંડું, બેયના રામ રમી ગયાં ! બંનેને શ્રી રામ પાસે પહોંચાડી દીધા !

હવે ચોથીવાર તુલસી વાવવાની હિંમત જ ન રહી ! ભાનુબેને પાડોશના તુલસીના દર્શનથી સંતોષ માનવો પડ્યો. સંધ્યા સમયે રમાબેનને તુલસી ક્યારે દીવો મૂકતાં જોઈ મનમાં ઓછું આવી જતું. પણ, આનો કોઈ ઉપાય જ નહોતો. તુલસી એવાં તો રૂઠ્યાં કે વારંવાર રીઝવવા છતાં રીઝ્યાં જ નહિ ! તુલસીનું રૂસણું લાંબું ચાલ્યું ! ભાનુબેન મનમાં ને મનમાં વલોવાય. એક વાર તો વિષ્ણુપ્રસાદની મજાક પણ કરી.
‘તમારાથી તુલસીનો વિરહ કેમ સહેવાય છે ?’ અને ત્યારે જ વિષ્ણુપ્રસાદને ભાગવતની કથા યાદ આવી. તુલસી વિષ્ણુ ભગવાનને અતિપ્રિય, તેની પ્રિયતમા. ને એમણે પણ એવું જ મરકી લીધું,
‘કંઈ નહિ, પ્રિયતમા નહિ તો પત્ની તો બાજુમાં છે જ ને ?’

થોડા સમય પછી દીકરા પરેશે પ્લોટ લીધો. રૂપકડું, સુંદર નાનું એવું મકાન બંધાવ્યું. ને વળી નાનાકડું આંગણું પણ ખરું ! અખાત્રીજે વાસ્તુ લીધું ને અષાઢી બીજે રહેવા પણ આવી ગયાં ! દીકરા-વહુ ધરના નવા ફર્નિચર, રંગરોગાન વિગેરેમાં વ્યસ્ત રહેવા લાગ્યાં. ભાનુબેન-વિષ્ણુપ્રસાદ અલિપ્ત રહેતાં, ‘એમણે હોંશથી મકાન બંધાવ્યું છે, એમને એમની રીતે જ સજાવવા દો.’ હા, રસ લેતાં ને વખાણતાં પણ ખરાં ! એમને બંનેને તો આંગણું, ને આંગણામાં ઝૂલતો હીંચકો અતિપ્રિય ! લાલ રંગના તળિયાવાળા હીંચકે બંને હળવે હળવે ઝૂલતાં ને સંસારની ખટમીઠી વાગોળતાં.

વર્ષાના છાંટણા થયાં કે વિષ્ણુપ્રસાદે સૌ પહેલું કામ આંગણામાં માંજર રોપવાનું કર્યું. છોડ ઉગ્યો, વિકસ્યો ને ખેતરાઉ જમીનના કારણે વિકસતો જ ગયો !….. ફલેટના કુંડામાં ન રીઝ્યાં તે તુલસીને આંગણાની ક્યારી એટલી બધી ગમી ગઈ કે ફળતાં ને ફાલતાં જ ગયાં ! જોતજોતામાં એક છોડની જગ્યાએ અનેક છોડ ઊગી ગયા. અરે ! તુલસીનું વન થઈ ગયું ! નાનકડા આંગણાની નાનકડી ક્યારી તુલસીથી લહેરાઈ ઊઠી !

ભાનુબેનનો દિવસ જ તુલસીના દર્શનથી ઊગે ! ઊઠીને સૌ પહેલાં તુલસીની પૂજા કરે – કંકુ, અક્ષત ચઢાવે, આરતી ઉતારે, માથે ઓઢીને પ્રણામ કરે, સંધ્યા સમયે દીપ-અગરબત્તી પ્રગટાવે ને મનોમન પ્રાર્થના કરે, ‘હે તુલસી મા ! તમે જેવાં ફળ્યા છો તેવા મારા દીકરા-વહુને પણ ફળજો !’ વિષ્ણુપ્રસાદને બીજું કામ પણ શું હતું ? તુલસીને સાચવે, સવાર ને સાંજ ખૂબ માવજત કરે. પાણી સીંચે, ક્યારીમાં ગોડ કરે, ખાતર નાખે, સૂકા ને ચીમળાયેલા પાંદડાને ખેરવી નાખે ને પાણીની ઝારીથી નવરાવે પણ ખરા !

તુલસી પણ આ પરિવારમાં બરાબર ઓતપ્રોત થઈ ગયાં ! શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ પાણીમાં ક્યાંય સુધી નાહ્યાં કરે ! ચા-દૂધને ખાંડની સાથે એવા તો એકરૂપ થઈ જાય કે ચાનો સ્વાદ ને રૂપરંગ બદલાઈ જાય ! આદુ ને મરીની સાથે ખૂબ જામે ! ઠંડીમાં તો વારંવાર રસોડામાં પહોંચી જાય. પોતે ગરમ થાય ને ઘરનાની ઠંડી ભગાડે ! ધીરે ધીરે ચામાં, ચટણીમાં, ઓસડમાં, ભગવાનના પ્રસાદમાં યત્ર, તત્ર, સર્વત્ર તુલસીનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું !

થોડો સમય વીત્યો… પુત્રવધૂ જ્યોતિએ ઘરની સજાવટ પૂરી કરી, હવે આંખ આંગણામાં આવી, આંગણ ભલે નાનું છે પણ ત્યાં નાનકડો બગીચો બનાવી શકાય. ગુલાબને મોગરો તો ક્યાં જગ્યા રોકવાના છે ? જુદી ને મધુમાલતીની વેલ ચડાવી દેવાની, રાતરાણીને બેડરૂમની બારી પાસે વાવવાની ! પગથિયાં પાસે લીલીછમ લોન વાવવાની ! પગ લાંબા કરીને બેસવાની…. ને કેટલીય કલ્પનાઓ કંડારી !

ફરી અષાઢ આવ્યો, વરસ્યો ને જ્યોતિ ઊપડી નર્સરીમાં. જાતજાતના કેટલાય છોડ લઈ આવી… આખા બગીચામાં નજર ફરી વળી, પણ વાવવાની જગ્યા ક્યાં ? મનમાં શું સૂઝયું કે ઘરમાંથી પાવડો લઈ આવી ને આડેધડ ઊગેલાં તુલસીને ઝૂડી નાખ્યાં ! તુલસીનો એક છોડ, એક પાંદડું, ક્યાંય નામનિશાન ન રહેવા દીધું.

વહેલી સવારથી મંદિરના ઉત્સવમાં ગયેલા વિષ્ણુપ્રસાદ ને ભાનુબેન મોડી રાત્રે ઘરે આવ્યા. થાકેલાં એવા કે તરત ઊંઘી ગયા. હંમેશની આદત પ્રમાણે સાડા પાંચ વાગ્યામાં બારણું ખોલી બહાર આવ્યાં કે હેબતાઈ ગયાં ! ભાનુબેનથી હળવી ચીસ પડાઈ ગઈ ! ઘડીભર તો આંખ પર વિશ્વાસ ન આવ્યો.
‘તુલસી ગયાં ક્યાં ?…. અને આ નવા છોડ ?….’
થોડી વારે વાસ્તવિકતાનું ભાન થયું. પણ વહુને કહેવું શું ? તુલસીનું અસ્તિત્વ જ જ્યાં મિટાવી દીધું ! પ્રેમાળ પુત્રવધૂ આટલી ક્રૂર કેમ બની ગઈ ? આઘાત લાગ્યો. તુલસી સાથે એક સગપણ હતું. અત્યંત લગાવ હતો. તેને સાચવવા, સંવારવા ને પૂજવાનું એકમાત્ર કામ હતું માની લો કે જીવવાનું અવલંબન હતું ! પણ હવે ગુસ્સો કરવાનો કે કોઈને કશું કહેવાનો અર્થ નહોતો ! બંને કશું બોલ્યાં નહિ ! પારવાર પીડા હૃદયમાં શમાવી દીધી ! વ્યથા શબ્દોમાં વ્યકત ન થઈ શકી પણ ચહેરા પર તો ઊભરાઈ આવી !

શબ્દો વિનાનું યુદ્ધ બંને પક્ષે શરૂ થઈ ગયું ! ઘરનું કિલ્લોલતું વાતાવરણ ધૂંધવાયેલું ને બોઝિલ રહેવા માંડ્યું. તુલસીના આઘાતે તેમની દિનચર્યા સમૂળગી બદલી નાખી. આખો દિવસ ક્યારામાં કામ કરતાં દંપતીએ આંગણામાં આવવાનું જ બંધ કરી દીધું. હીંચકો પણ ખાલી ખાલી ઝૂલ્યા કરતો !

જ્યોતિને મનમાં હતું કે બા-બાપુજીને ફૂલ-છોડ સાથે પ્રીતિ છે. નવા રોપાઓમાં પણ એટલી જ દિલચશ્પી લેશે…. પણ આ તેની ભૂલ હતી. તેને સમજાયું કે તેમને તો માત્ર તુલસી સાથે જ પ્રીતિ છે ! ને સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ચૂકેલું ! જ્યોતિને ખૂબ પશ્ચાતાપ થયો. પણ હવે કરવું શું ?

શ્રાવણની એક સવારે ભાનુબેને બારણું ખોલ્યું ને આંખો આશ્ચર્યથી છલકાઈ ગઈ ! બારણાની બરાબર સામે જ પ્રથમ નજર પડતાં જ, આકર્ષક રંગે રંગાયેલું ને હાથી ઘોડા ચીતરેલું, રૂપકડું, મજાનું કુંડું હસતું હતું !…. ને તેમાં સુંદર કોળવાયેલાં તુલસી લહેરાતાં હતાં !

ભાનુબેન એકદમ હરખાતાં અંદર દોડ્યાં. ઘણા સમયે પ્રૌઢાવસ્થામાં એમનો વિનોદ જાગી ઊઠ્યો ! વિષ્ણુપ્રસાદને ઢંઢોળવા લાગ્યાં : ‘જાગો, જાગો, વિષ્ણુજી ! બારણે તમારી પ્રિયા પ્રતીક્ષા કરે છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પડાવ – બકુલ બક્ષી
જીવન વિષે સમ્યક્ દષ્ટિ – સુરેશ જોષી Next »   

13 પ્રતિભાવો : તુલસી મહોર્યા ! – કલ્પના જિતેન્દ્ર

 1. manvant says:

  તુલસીમાં હૃદયનો રંગ લાગેલો !મમતાનો તાંતણો
  તૂટવાનું અને ફરીથી સંધાવાનું ભાનુબહેને જોયું.
  અગ્નિ પરીક્ષા થઈ !આભાર :કલ્પના બહેન અને
  શ્રી મૃગેશભાઈનો !

 2. chirag says:

  I am really sorry, I enjoyed the story but I did not get the meaning out of it.What message you are trying to convey…

 3. કીર્તિદા બ્રહ્મભટ્ટ says:

  ભૂલનો સહજ રીતે સ્વીકાર કરવીને બે પેઢી વચ્ચે સામંજસ્ય સાધવાનો- વિસંવાદિતા દૂર કરવાનો સુંદર માર્ગ બતાવ્યો છે. સહિષ્ણુતા કેળવવા આવા જ સાહિત્યની આવશ્યકતા છે.

 4. ashalata says:

  good story
  sachej vadiloe kahyu che ke JENE ANGANE TULSI
  ENE TYA KADI NA AVE VYADHI
  thanks
  ashalata

 5. Tushar Zala & NIkul Patel says:

  It’s really a very good and heart-touching story. we admire your attempts to give right justice to the story. please carry on in the same way, that’s how gujarati readers can get a good story. we hope your best creation is still remain to come infront of Gujarati people. thanx.

 6. Bhakti Eslavath says:

  A very strong story .. Navi ane Juni pedhi na melap and parspar ni samaj darshavava mate aabhar

 7. tulsi no chhod gujarati na darek sabhy tenu mahatva janechhe, chhata aavimoti bhul jyoti ae kari ane sudhari te jani jyoti ne dhanywad. tulasiji sashat devi chhe. teni pase khara dil thi prathana kari mogo te malechhe.prathana karo josho. jaisadguru.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.