જીવન વિષે સમ્યક્ દષ્ટિ – સુરેશ જોષી

[ શ્રી સુરેશભાઈ જોષીએ તેમના મિત્ર શ્રી ચીમનભાઈને લખેલ આ પત્ર તેમજ બીજા અન્ય પત્રોનું સંકલન શ્રી રસિકભાઈ શાહે કર્યું છે. વડોદરાથી પ્રગટ થતા ત્રૈમાસિક સામાયિક ‘તથાપિ’ ના ફેબ્રુઆરી-2006 માં આ પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ‘તાજ રેસીડેન્સી’ વડોદરા ખાતે શ્રી સિતાંશુંભાઈ, શ્રી બળવંતભાઈ, શ્રી રમણભાઈ સોની વગેરે સાથેની એક મૂલાકાતમાં ‘તથાપિ’ ના તંત્રી શ્રી જયેશભાઈ ભોગાયતાને મળવાનું થયું. તેમણે ગુજરાતી સાહિત્ય વધારે લોકો સુધી પહોંચે તે માટે રીડગુજરાતીને ‘તથાપિ’ ના અંકો ભેટ આપ્યા જે બદલ શ્રી જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર. – મૃગેશ શાહ ]

(પરિચય : 1942ની આઝાદીની લડતમાં એલ્ફીન્સ્ટન કૉલેજમાં જૂનિયર બી.એ.નો અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી – રચનાત્મક કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે હું પત્રવ્યવહાર કરતો ત્યારે જે પત્રો તેમના તરફથી મળેતા તે મેં આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રોએ જીવનમાં સત્યમ્-શિવમ્-સુન્દરમ્ નું મને દર્શન કરાવ્યું છે. કૉલેજમાં એ દિવસોમાં અમે મળતા ત્યારે ફૂરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કે રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસુફી ભર્યા પુસ્તકો વાંચતા. સુરેશભાઈ – (એટલે કે વડોદરાની આર્ટ્સ કૉલેજના અધ્યાપક શ્રી સુરેશ જોષી) એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા કરેલા. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી ચાંચ ડૂબતી નહિ. આજે આ પત્ર છાપવાનો ઉદ્દેશ એ છે કે આજના કૉલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે – જીવનમાં પણ અનેક ઝંઝાવાતો આપણે અનુભવીએ છીએ ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તો પ્રકાશનું એકાદ કિરણ તો જરૂર-જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાચકોને પણ આપી જશે એવી અપેક્ષા સાથે – ચીમનલાલ જે. શાહ)

પ્રિય ભાઈ,
પત્ર મળ્યો. તારો રોષ અને અકળાટ – બંને જાણ્યાં. પરિસ્થિતિ એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્વ નથી. સુંવાળી સેજ પર સૂઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તો સૌ કોઈને ગમે. પણ ચારે બાજુથી ઘેરી લેતી દ્વેષ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે મુખે ઈષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી કસોટી છે. આપણી પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે પણ એમના પ્રત્યે જો આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણકે આપણામાં રહેલું શુભ તત્વ સાવ અપ્રસ્તુત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા આપણા આત્માને કલેશકારક બની રહે છે. કસોટીની પળે દિલને મૂંઝવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વળમાં ચક્કર ખાઈને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ ડિફિકલ્ટીઝને ઓપોર્ચ્યુનિટિઝમાં ફેરવી નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બધે જ છે. એમાં આપણે એકાદ બાજુનો બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના જુસ્સામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઈચ્છું કે એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યવહારિક કહેવાતા હિતનો કે હક્કનો સવાલ હોય તોયે એની પ્રત્યે ઉદાસીનતા (ઈન્ડીફરન્સ) સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તો આપણાં સંવિતનાં (consciousness) નાં પાણી સ્થિર રાખવાં જોઈએ. વ્યવહારિક હિત કે હેતુ કરતા આત્યંતિક હેતુ – absolute aim – નું જ વધારે મહત્વ છે.

આવી પરિસ્થિતિમાં આપણે આપણા અહમની મહત્તાને જોખમમાં મુકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. નૉનએટેચમેન્ટ – અનાસક્તિ – એ જ એક સાચી નીતિ છે. જુદા જુદા પરસ્પર વિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં અહમને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું ? અને વળી આપણે જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યક્તિનો વાંક કાઢીને રોષે ભરાઈ જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે ? એની આપણને સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે ? માટે આતુરતાથી ઈચ્છેલું, ઝંખેલું ન મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા પ્રયત્નો દિલની સચ્ચાઈથી ધગશથી કરવા જોઈએ. કેટલીક વાર પૂર્વગ્રહથી મન અત્યંત દૂષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યક્તિ સાથે આપણો જોગ ખાવાનો જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની શક્યતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. દરેક વ્યક્તિમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણમાંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસક્તિથી પોતાનું કરી લેવું, ધીમે ધીમે એ દોષની મલીન છાયાને પણ સૌંદર્યની પ્રભામાં ફેરવી નાંખવી ને અંતે શુભના નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા અનુભવવી એ એક ચિત્તની અદ્દભુત તેમજ અતિ ઈષૃ અવસ્થા છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના ચંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે.

આજસુધીમાં તને પત્ર ઘણાં લખ્યાં છે, દિલમાં જે સૂઝી આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પોચી ધરતી છોડીને સિદ્ધિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉત્સુક થયેલો જોઈશ તે દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડી મૂંઝાઈ જવું, થાકીને બેસી પડવું, એ હવે સહી લેવું ન જોઈએ – ને તે યે અવશ બનીને સહી લેવું એ તો કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ યથાતમ સિદ્ધ કરનારા ચાર જુવાન મળી રહેશે તો આજનું મારું સ્વપ્ન સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તો હું સારી પેઠે સમજું છું. એમ છતાં પણ ‘આજ પછી કાલ તો ઊગવાની જ છે ને ?’ એમ માનીને નિશ્ચિંત રહેવું એને હું ઠીક માનતો નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર સોપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમાદમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને હું સહી શકતો નથી.

‘સાધના’ વાંચતા પણ તને કંટાળો આવતો હતો. ‘The Religion of Man’ વાંચતા યે તને એવું જ થાય છે. એનો અર્થ એ થયો કે હજુ તારું મન એ આનંદને પોતાનો કરીને માણવાને ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, ઋતુના શાશ્વત ગુંજનનો આછો શો પડઘો કે રહસ્યના સ્ફોટનની અપૂર્વ સન્ધિ જ્યારે જીવનમાં વણનોતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી ઈન્દ્રિયોએ ખડા કરેલાં વ્યવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યસ્ફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્શયા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન પણ કદાચ ચાલ્યું જાય. માટે વિઝનની એવી ક્ષણોને છટકી જવા ન દેવી જોઈએ.

રવિબાબુએ ‘સાધના’ માં ને એમનાં બીજા પુસ્તકોમાં એમનાં જીવનમાં અનુભવેલી એવી દર્શનની-અમૂલ્ય અનુભવની પળો વર્ણવી છે. એનું વાંચન કે મનન આપણને પણ એવી ક્ષણોનો અનોખો અનુભવ લેવાને ઉત્સુક કરે છે. આ માટે હું રવિબાબુનાં પુસ્તકો વાંચવાનો ખાસ આગ્રહ રાખું છું. પત્ર લખજે-મોકળે દિલે લખજે – હં.

સુરેશનાં સ્નેહવંદન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તુલસી મહોર્યા ! – કલ્પના જિતેન્દ્ર
ઈંદુ – નિરુપમા શેઠ Next »   

8 પ્રતિભાવો : જીવન વિષે સમ્યક્ દષ્ટિ – સુરેશ જોષી

 1. Uday Trivedi says:

  Really very deep and enlightening thoughts !! I was knowing Suresh Joshi as a very good “Lalit Nibandha” writer and this letter shows how good he was at an early age about guiding a person on mental and spiritual plane..

 2. manvant says:

  સુંદર મનોચિકિત્સક,વિવેચક,ટીકાકાર તરીકે
  હું અમારા ટ્યુટર શ્રી.જોશી સાહેબને ઓળખું છું.
  એમનાં લેક્ચર્સ બહુ રસિક લાગતાં ન હતાં;
  કારણ સદાય તેઓની નજર શંકાભરી દેખાતી.
  જો કે આ લેખ પ્રશંસનીય છે જ ! આભાર !

 3. Sanjay says:

  It’s really great. I am feeling that some one has got my heart and and telling all beats of it. still there are many things which i am learning still but it still the way is towards the Eternal happyness and peace. Its all like “Vaishanv Jan to Tene re Kahie- by Narsih maheta”

 4. હુ ધોરણ ૮માં અભ્યાસ કરુ ચુ. તમારી આ વેબસાએટ ખુબ જ સરસ ચે.પરંતુ સાથે સાહીત્યકારો ના ફોટા પણ રાખવા જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.