ઈંદુ – નિરુપમા શેઠ

આજે રજાનો દિવસ છે. ઘરમાં શાંતિનું સામ્રાજ્ય છે. માએ એક જ ઈશારે સૌને શાંત કરી દીધાં છે. ગોટીઓથી રમતી સોનુંએ માનો આદેશ મળતાં ગોટીઓ ખોળામાં મૂકી દીધી. પ્રીતિ જોરજોરથી બોલીને પાઠ યાદ કરતી હતી. તેણે મનમાં રટવા માંડ્યું. નીતુ વાસણ માંજતી હતી, તે મૂકીને અંદર ચાલી આવી. મા સિલાઈનું મશીન ચલાવતી હતી તે મૂકી બેસીને ગાજબટનનું કામ કરવા લાગી.

આમ તો હું હાથમાં ચોપડી લઈને બેઠી છું, પણ એક અક્ષર પણ મગજમાં જતો નથી. એકાદ ડૂસકું ન ઈચ્છવા છતાં ભરાઈ જાય છે. રડીરડીને મારી આંખોમાં બળતરા થાય છે. પુસ્તકનો તકિયો બનાવી જમીન ઉપર જ લંબાવી આંખો બંધ કરી સૂઈ જવાનું મન થાય છે. માથું ભારી થઈ ગયું છે. માએ એક વાર મારા તરફ જોયું – તેની આંખોમાંથી કેટલી દયા, માયા ને મમતા ટપકે છે. હું જાણું છું મમ્મી શું કહેશે ? એ જ જૂની વાત કહેશે. ‘ઈંદુ, તારા બાબુજીનો કાંઈ વાંક નથી. એમને પોતા પર કાબૂ નથી રહેતો. તું આ વાત ભૂલી જા. મનમાં ખરાબ ન લગાડી રાખ.’

આ બધી વાત હું જાણું છું, સમજું છું, પણ પરિસ્થિતિમાં કાંઈ જ ફરક નથી પડતો. વારંવાર આ જ પરિસ્થિતિ બન્યા કરે છે. રહીરહીને વિચાર આવે છે કે હું મરી કેમ જતી નથી ? હું કેમ કંઈક મારી જાતને કરી નથી નાખતી ? પણ કંઈ જ થતું નથી. પંખા પર બેઠેલી ચકલીઓને હું વારંવાર ઉડાડ્યા કરું છું. ફરી એ તેનાં ડાળીડાળખાં ભેગાં કરી લાવે છે. આ ચકલીઓની જેમ સંજોગો પણ બેશરમની જેમ ફરી ફરી વાર આવા થયા કરે છે અને આ ઘરને ઉદાસ અને દુ:ખી કરી મૂકે છે. હું જાણું છું કે આ ચકલીઓની જેમ આપણે સંજોગોથી એટલા જલ્દી છૂટી શકતાં નથી. હું નીતુને પાણીનો ગ્લાસ લાવવા ઈશારો કરું છું. પાણી પીતાં પીતાં અજાણ્યે મારા મોઢામાંથી ઠંડીનો સિસકારો નીકળી જાય છે. ત્રણે બહેનો મને જુવે છે અને સૌના મનમાં ને નજરમાં મારા તરફ દયા અને સહાનુભૂતિ દેખાય છે.

જ્યારે જ્યારે મને બાબુજીનો માર પડે છે ત્યારે આવું જ થતું હોય છે. મા અને મારી ત્રણેય બહેનોની મારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિનો ભાવ દેખાય છે મારા માટે. કંઈ પણ કરવા તત્પર રહે છે. મને સુખી કરવાના તેમના પ્રત્યનોથી મને સુખ નથી મળતું, પણ મારું હૃદય મારી આ દયાજનક પરિસ્થિતિ પર રોઈ ઊઠે છે. આવતી કાલે છેલ્લું પેપર છે એ વિચાર મનમાં ઘૂમરાયા કરે છે. હું આંખો ચોળતી ચોપડીનાં પાનાં ઊથલાવું છું. હું ગંભીરતાપૂર્વક વાંચવામાં મન લગાડવાનો પ્રયત્ન કરું છું. પેપરની વાતે જ મને માર પડ્યો. બાબુજીએ પૂછ્યું :
‘પેપર્સ કેવા જાય છે ?’
કેટલા પ્રેમથી પોતાની પાસે બોલાવી તેમણે પૂછ્યું હતું. મેં જ્યારે જણાવ્યું કે ફક્ત ગણિત છોડીને બધાં જ પેપર્સ સારાં ગયાં છે. બસ, આટલી જ વાત પર બાબુજીને ગુસ્સો આવી ગયો.
‘તારું ગણિતનું પેપર કેમ ખરાબ ગયું ? એનો અર્થ એ કે તું મન દઈને ભણતી નથી. તારા ઉપર તો બધી આશા બાંધીને બેઠો છું. તું જો ફાઈનલમાં સારા માર્ક્સથી પાસ થઈશ તો તને મારી ઑફિસમાં જ નોકરી મળી જશે….’

ગુસ્સાથી તેમનો ચહેરો તમતમતો લાલ થઈ ગયો હતો. તેમની કપાયેલી બાંયનો છેડો ધ્રૂજતો હતો. મને થયું કે હવે માર પડશે. મારું મોઢું સુકાઈ ગયું હતું. ત્યાં બેસું કે ઊઠીને ચાલી જાઉં, કંઈ જ નક્કી કરી શકતી નહોતી. મા, નીતુ, સોનુ, પ્રીતિ બધાંના શ્વાસની દોરી જાણે બાબુજીએ તેમના કપાયેલા હાથમાં પકડી લીધી હતી. પછી તડાતડ બે થપ્પડ મારા ગાલ પર પડી હતી. માએ ઝડપથી આવી મને ખેંચી પાછળ ધકેલી દીધી. બાબુજીનો હાથ મમ્મીની આંખો પર નજર પડતાં જ અટકી ગયો. ખબર નહિ માની આંખોમાં શું શક્તિ છે ? બાબુજીનો ગુસ્સો માની આંખોમાં જોતાં જ ઓગળી જાય છે.

મકાનમાલિકણ મિસિસ ખન્નાને અમે આંટી કહેતાં હતાં તે બારણામાં એક વાર આવી ડોકું કાઢી ચાલ્યાં ગયાં. પછી એક પછી એક તેનાં બાળકો દરવાજામાં ડોકિયું કરી ગયાં. અચાનક મારી નજર તેના મોટા દીકરા અશોક પર પડી. તે મારા તરફ ખૂબ દયા તથા સહાનુભૂતિથી જોઈ રહ્યો હતો. બસ, એને જોતાં જ મારાં આંસુઓનો ધોધ વહેવા માંડ્યો. મકાનમાલિકણ અથવા તેનાં બાળકો ભલેને જોઈ જાય, મને જરાય દરકાર નહોતી. પણ તેમનો બી.એમાં ભણતો દીકરો અશોક કોઈ વાર આમ ડોકિયું કરે તો હું ખૂબ દુભાઉં છું. મને અપમાન અને ક્ષોભ લાગે છે. ઘણી વાર થાય છે હું મરી જાઉં. આવાં અપમાનોથી તો બચી જાઉં. પણ આવાં અપમાનો પણ ચકલીઓની જેમ શરમ વગર થયાં જ કરે છે.

આ અપમાન જ્યારે અશોક ઘરમાં હોય ત્યારે વધુ સાલે છે. તે ઘણી વાર મારા તરફ સહાનુભૂતિ બતાવે છે. તે મને હિંમત આપે છે. ખાસ કરીને જ્યારે બાબુજી હોસ્પિટલમાં હતા ત્યારે અશોકે મારી ખૂબ મદદ કરી હતી. અશોકની આ મદદનો હું કદી ખુલ્લા દિલથી સ્વીકાર ન કરી શકી. જ્યારે જ્યારે તેના પ્રેમનો સ્વીકાર કરવા મન કૂદે છે ત્યારે બાબુજીનો કપાયેલો હાથ મને રોકે છે. મને મારી જવાબદારીઓનું ભાન કરાવે છે.

વિચારું છું, પહેલાં તો બાબુજી આવા નહોતા. જ્યારથી તેમનો જમણો હાથ કપાઈ ગયો છે ત્યારથી બાબુજી એવા રહ્યા જ નથી. કેટલા શાંત સ્વભાવના અને પ્રેમાળ તેઓ હતા. હજી પણ કોઈ વાર ખૂબ પ્રેમ કરે છે, પણ પછી રડી પડે છે. પસ્તાવો કરે છે બાળકોને વઢવાનો-મારવાનો. પણ…. પછી જાણે ક્યારે તેમના પર ભૂત સવાર થઈ જાય છે… તેઓ જાત પર કાબૂ રાખી શક્તા નથી. જ્યારે તો મને તથા નીતુને મોટાં થયેલાં જુએ છે ત્યારે તેમને જવાબદારીઓનું ભાન થતાં તેઓ ચિંતામાં પડી જાય છે. ચાર દીકરીઓનો ભાર…..

મા તેમને હિંમત આપે છે. પણ હું…. હું તો કંઈ જ કહી શક્તી નથી. મારા મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી. વિચારું છું કે બાબુજીને હિંમત અને સહારો આપવા કંઈક કહું, પણ હું કંઈ કહી શકતી નથી. અચાનક સૂતાં સૂતાં બાબુજી ઊઠીને બેસે છે. કંઈક બબડે છે. ‘હું તમારા માટે કંઈ જ નથી કરી શક્યો. કંઈ નહિ તો એક ઘર બનાવત, કંઈક તમારા માટે સગવડ-વ્યવસ્થા કરી જાત.’ ઘરના સૌ તેમનો બબડાટ સાંભળી તેમની સામે જોતા રહી જાય છે. બાબુજી પોતાની જાત જોડે જ વાતો કરતા રહે છે. ‘વિચાર્યું હતું કે ઈંદુંને ખૂબ ભણાવીશ, પણ તેનું ભવિષ્ય તો અત્યારથી જ લખાઈ ગયું છે. સાવ સ્પષ્ટ સામે જ દેખાય છે. તે પણ મારી ઑફિસમાં કલર્ક તરીકે જોડાઈ જશે…. ત્યાં જ કામ કરતા કોઈ સાથે પરણશે… અથવા….’

હું બાબુજીની આ વાતો સાંભળી ધ્રૂજી ઊઠું છું. થાય છે ઊભી થઈ બાબુજીના મોઢે મારો હાથ દાબી દઉં, પણ હું મારી બેઠક પરથી ઊઠતી નથી. ભણવાનું છોડી હું વિચારે ચડી જાઉં છું. મારા ભવિષ્ય માટે વિચારું છું. લાગે છે મારું આખું જીવન નાની બહેનોની જવાબદારી નીચે જ દટાયેલું રહેશે. અને ક્દાચ રણમાં ઊગેલા ફૂલ વિનાના થોરની જેમ જ હું જીવીશ…. આવા ખોટા વિચારોથી હું મારી જાતને મુક્ત કરું છું. બાબુજીએ આખું જીવન દુ:ખ જ ભોગવ્યું. એમનાં દુ:ખોનો વિચાર કરતાં મને મારાં દુ:ખ ખૂબ નાનાં લાગે છે, ઓછાં લાગે છે. કદી થાય છે બાબુજીનાં દુ:ખોનો પડછાયો અમારા જીવનને અંધકારમય બનાવી દે છે. કદાચ આ પડછાયો પેઢી દર પેઢી અમારો પીછો કરતો જ રહેશે.

બે વર્ષ પહેલાં જ્યારે બાબુજીના હાથમાં દુખાવો ઊપડ્યો ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ દરદ આવું ભયાનક સ્વરૂપ ધારણ કરી લેશે. કૅન્સરનું નામ સાંભળતાં જ જીવ અડધો ઊડી જાય છે. ડૉકટરોએ કહ્યું કે હાથ કાપવો પડશે ત્યારે બાબુજીની સાથે અમે સૌ પણ ચિંતાથી મરવા જેવાં થઈ ગયાં હતાં. બે વરસથી લાગે છે કે આ ઘરમાં વસંતે ડોકિયું પણ કર્યું નથી. કદી કોઈના ચહેરા પર હાસ્ય દેખાયું નથી. એ હોસ્પિટલના દિવસો – જ્યારે હાથ કપાવ્યો હતો – જાણે કાંટાળા રસ્તા પર જ ચાલતા ચાલતા વીત્યા હતા. એ કાંટાઓની પીડા કદી ગઈ જ નહોતી.

એક ઑફિસમાં બાબુજી ટાઈપિસ્ટ હતા. હવે કપાયેલા હાથથી તે કામ કરવાનું શક્ય નહોતું. તેમને ફાઈલનું કામ સોંપ્યું હતું. બાબુજીએ ધીમે ધીમે ડાબા હાથથી કામ કરવાનું શીખી લીધું. માએ સિલાઈનું કામ શીખી લીધું, જેનાથી ઘરની આવકમાં મામૂલી વધારો થયો હતો. બાબુજી બેઠા બેઠા બોલે છે, ‘મારી મા તો મને જન્મ આપીને જ ચાલી ગઈ. બાપે જલ્દી બીજું લગ્ન કરી લીધું. હું માસીના આધારે મોટો થયો. માબાપના સ્નેહથી હું જન્મથી જ વંચિત રહ્યો. વિચાર્યું હતું કે મારાં બાળકોને હું ખૂબ સ્નેહ આપીશ. ખૂબ આગળ વધારીશ. પણ મારાં બાળકો તો મારી હાજરી હોવા છતાં પ્રેમવિહોણાં રહ્યાં.’ પછી બાબુજી જોરજોરથી રડી પડતા. થોડા દિવસો ઠીક પસાર થતા. ફરી અચાનક સૂતા સૂતા બાબુજીને આવો એટકે આવતો. ફરી પથારીમાંથી બેઠા થઈ ધ્રૂજવા લાગતા. મોં લાલચોળ થઈ જતું અને વ્યાકુળ થઈ ઊઠતા. ડૉકટરની સલાહ અનુસરવાનું મુશ્કેલ થતું જતું હતું. આર્થિક ભારને લીધે અનુકૂળ આરામ તથા ખોરાક તેઓ ન લઈ શક્તા. ડૉકટરોએ તેમને વજન ઊંચકવાની મના કરી હતી. ભીડવાળી બસોમાં મુસાફરી ન કરવાની તથા ગુસ્સે ન થવાની ખાસ સૂચના આપી હતી. બાબુજી સવારમાં જ નાસ્તો કરી બસ પકડવા દોડાદોડ કરતા અને માનો જીવ ચિંતાથી ઘેરાઈ જતો. ઑફિસનું કામ, બસ પકડવાની દોડાદોડમાંથી ઘેર આવતા તો ઘરમાં જાણે કરફ્યુ લાગી જતો. કોઈ ખાસ વાત કે અવાજ ન કરતું.

પણ ઘણી વાર એવું થાય કે બાબુજીના ઘરમાં હોવા છતાં કરફયુ ઓર્ડર ઊડી જતો….. તેઓ સૌ સાથે રમતા ખડખડાટ હસતા પણ…….. પણ આવી ક્ષણો ખૂબ ઓછી અને અલ્પજીવી રહેતી. મા આખો દિવસ કાંઈક ને કાંઈક કામમાં ગૂંથાયેલી રહેતી. મશીન ચલાવતી કે રસોઈ કરતી અથવા રેશનની લાઈનોમાં ઊભી રહેતી. જ્યારથી ડૉકટરોએ માને કહ્યું હતું કે બાબુજીની તબિયત ક્યારેય બગડી શકે તેવી છે, કંઈ પણ થઈ શકે ત્યારથી મા બિચારી મનમાં ને મનમાં મૂંઝાઈ રહે છે. મકાનમાલિકણનો મા તરફનો વ્યવહાર સહાનુભૂતિપૂર્ણ હતો. પણ તેને પોતાના મકાનના ભાડાની પણ ચિંતા હતી. અમારી પાસેથી તે ઓછું ભાડું લેતી હતી. પણ જો અમે આજે ખાલી કરી આપીએ તો તેને બેથી ત્રણ ગણું ભાડું વધુ મળે તેમ હતું.

આજકાલ એ મા સાથે ઝઘડી પડતી અથવા મારી નાની બહેનોને ધમકાવી નાખતી. સોનુ મા પાસે રડતી રડતી ફરિયાદ લઈ આવતી તો મા તેને ધીમા અવાજે કહેતી, ‘બેટા, જેમતેમ કરી સમય કાઢવાનો છે. તમે લોકો આ બાજુ રમો.’ સોનુ અને પ્રીતિ અંદર અંદર ધૂંધવાતી. મકાનમાલિકણનો મોટો દીકરો અશોક કાયમ અમારો પક્ષ લેતો. એની આંખમાંથી નીતરતો પ્રેમ હું જોતી, પણ તેની તરફ જોવા સિવાય બે શબ્દ પણ તેની સાથે બોલવાની મારી હિંમત નહોતી. મનમાં કાયમ એક ડર રહેતો કે અશોકના દેખતાં બાબુજી મને ક્યાંક ધમકાવી ન નાખે !

આજે એમ જ થયું. અશોક ઘેર હતો ને બાબુજીએ મારું સખત અપમાન કર્યું. શું અશોક બાબુજીની મનોસ્થિતિ સમજે છે ? કદાચ એ મારા પર હસતો હશે….. મારે શું ? હસવું હોય તો હસે !!

બાબુજીની આંખો ખૂલી. મા રસોડામાં રોટલી બનાવવા ચાલી ગઈ છે. નીતુ માને મદદ કરવા ગઈ છે. સોનું, પ્રીતિ ક્યાંક બહાર રમવા ગયાં છે.

‘ઈંદુ’ બાબુજી મને બોલાવે છે. પણ હું સાંભળ્યું, ન સાંભળ્યું કરવા ઈચ્છું છું. છતાં કરી શકતી નથી. હું તેઓ તરફ જોઉં છું. તેઓ મને આંગળીના ઈશારે પાસે બોલાવે છે. બહુ ધીમી ચાલે હું તેમની પાસે જાઉં છું. તેઓ મારા હાથ પકડી મને પાસે બેસાડે છે. ‘બેટા ઈંદુ, મને માફ કરી દે !’ તેઓ બોલે છે. મારી અંદર ઊકળતો લાવારસ ફરી આંખો દ્વારા બહાર વહેવા લાગે છે. મારું માથું તેમની છાતી પર રાખી તેઓ પંપાળે છે. પણ હવે કોઈ જોતું નથી. બહારથી પણ કોઈ ડોકાતું નથી. મને થાય છે તેમનો પ્રેમ બતાવવા બધાને હાક મારી બોલાવું – માને, બહેનોને, મકાનમાલિકણને અને ખાસ કરીને અશોકને… આવો જુઓ, બાબુજી મને કેટલો સ્નેહ કરે છે ! પણ હું કોઈને બોલાવી શક્તી નથી. બાબુજીનો કપાયેલો હાથ મારી સામે ઘૂરકતો હોય તેમ લાગે છે અને હું ધ્રૂજી ઊઠું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન વિષે સમ્યક્ દષ્ટિ – સુરેશ જોષી
ખજાનો ઉમંગનો – સુધીર પટેલ Next »   

13 પ્રતિભાવો : ઈંદુ – નિરુપમા શેઠ

 1. janki says:

  nice story
  vividly describes the love behind anger in most parents.
  thanks

 2. manvant says:

  આત્મદર્શી દુ:ખદ વાર્તા છે.આભાર !

 3. Gira says:

  omg..it’s really heart-touching story… i had always thought about DADs that they have no heart but if u see inside them they do. and especially for their daughters they have so much love which u can’t even describe.

 4. સુરેશ જાની says:

  નિરૂપમાબેન સારું ગાય છે તેમ જાણ્તો હતો, પણ આટલું સરસ લખે પણ છે તે આજે ખબર પડી.
  અમારે 10 મા ધોરણમાં ‘બાપકા દિલ’ નામની વાર્તા ભણવામાં આવતી હતી તે યાદ આવી ગઇ.

 5. Keyur says:

  Hun to maanu chu ke baap no prem kadach maan na prem karta vadhare nahin to ocho to nahin j hoy. Pan baap ni drashti and ganatri judi j hoy che. Tethi to te upar thi nisthur laage che. Pan sachu kahu to aa gantrio tena prem ma thi prangri hoy che. Rakhe ne tame eevu maanta ke te ganatri baaj che. Baap to upar thi kathan ne aandar thi ketlo ruju hoy che te saasre valaveli beti ne ke e baap ne pucho jene teni dikri ne bijna haath ma soopi che. Aane anubhvya vina naa samji shakay.

 6. વાંચીને મન પણ વિષાદ ગ્રસ્ત થઈ ગયુ એ જ વાર્તાકારની સિધ્ધી છે. ખૂબ જ સુંદર વાર્તા છે. ટીવીના આ જમાનામાં જ્યારે 100-200 કરોડથી નીચેની વાત થતી જ નથી ત્યારે આવી વાસ્તવિકતાથી ભરપૂર રચના પ્રસિદ્ધ કરવા બદલ આભાર.

  સિદ્ધાર્થ

 7. What color is generic lexapro….

  Generic name for lexapro drug. Generic lexapro….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.