બાઝાર સે ગુઝરા હૂં – ભગવતીકુમાર શર્મા

એકાદ મહિના પહેલા શ્રીમતીજી બે-ત્રણ દિવસ માટે અમદાવાદ ગયાં અને સુરત પાછાં ફર્યા ત્યારે જાણે કે અડધું અમદાવાદ ખરીદતાં આવ્યાં ! મને પહેલો વિચાર એ આવ્યો કે શ્રીમતીજી અમદાવાદ આઠ-દસ દિવસ રહ્યાં હોત તો ન જાણે શી સ્થિતિ સર્જાત ! જોકે તેમણે જાતે જ ખુલાસો કર્યો : ‘હજી તો ઘણી ખરીદી બાકી રહી ગઈ ! શું કરું ? પૈસા જ ખૂટી પડ્યા ! સુરત પાછા ફરવા માટેના ગાડીભાડા જેટલા માંડ રહ્યા !’ મેં શ્રીમતીજી પાસેના ખૂટી ગયેલા પૈસાનો આભાર માન્યો ! પણ તેમણે તરત કહ્યું : ‘ફરીથી અમદાવાદ જઈશ ત્યારે પૂરતા પૈસા લઈને જ જઈશ !’ મેં જવાબ આપ્યો – મનોમન ‘એના કરતાં અમદાવાદની કોઈક બૅન્કમાં ખાતું ખોલાવી રાખો ને !’

ખરી કરમકહાણી તે પછી શરૂ થઈ. બૅગો ખોલી તેમાંથી ચીજવસ્તુઓનો રીતસર ગંજ ખડકતાં શ્રીમતીજીએ કહ્યું : ‘આટલું બધું ઊંચકી લાવી; તમારે માટે બે ધોતિયાં પણ ખરીદ્યાં, છતાં માનશો ? મેં મારા પોતાના માટે એક હાથરૂમાલ સુદ્ધાં નથી ખરીદ્યો ! બધું ઘર માટે જ લીધું !’

મેં હિંમતપૂર્વક કહ્યું : ‘ઘર તમારું જ છે ને ?’ શ્રીમતીજીના મુખ પર સ્મિત આવ્યું. મને ખરેખર માનવાનું મન નહોતું થતું : સ્ત્રી બહારગામથી આટલી બધી ચીજવસ્તુઓ ખરીદી લાવે અને તેમાં પોતાના માટે એક સાડી તો શું લેડીઝ હેન્ડકર્ચિફ પણ ન હોય ! અદ્દભુત ! સાચે જ, ચિંતકો સ્ત્રીને ત્યાગમૂર્તિ અમસ્તા કહેતા નથી !

પરંતુ એ ગજથી માપીએ તો હું વધારે મોટો ત્યાગી કહેવાઉં ! આનું કારણ સ્વયં સ્પષ્ટ છે. હું કશી ખરીદી લગભગ કરતો જ નથી ! હું મારે માટેય કશું ખરીદતો નથી તેમ બીજાઓને માટેય કાંઈ ખરીદી કરતો નથી ! એમ લાગે છે મારી હથેળીમાં ખરીદીની ઝાંખી પાંખી રેખા પણ નહિ હોય !

અલબત્ત, કેટલાંયે માનવીઓની હથેળીમાં ખરીદીને લગતી રેખા બહુ સ્પષ્ટ અને સક્રિય હોય છે ! આમાં માત્ર સ્ત્રીઓને નહિ, ઘણા પુરુષોનોયે ખુશીથી સમાવેશ થઈ શકે ! મેં એવાયે પુરુષો જોયા છે કે શેરીને નાકે પાન ખાવા જાય અને રસ્તામાં શિંગોડાં વેચતી ટોપલાવાળી જુએ તો અઢીસો-પાંચસો ગ્રામ પણ શિંગોડા ખરીદતા આવે ત્યારે જ તેઓને જંપ વળે ! સવારે સલૂનમાં દાઢી કરાવવા જાય અને આવતી વખતે કોક ફેરિયા પાસેથી ડઝન રૂમાલ ખરીદતા આવે એવા સજજનો પણ મેં જોયા છે.

મારા એક વડીલ સદગત નાથુકાકાનો મુખ્ય જીવનરસ જ ખરીદીનો હતો ! છેલ્લે ગંભીર માંદગી આવી તે પહેલાં સવાર-સાંજ બજારમાં જવાનો તેમનો નિત્યક્રમ હતો. કોઈક તેમને મળવા આવે અને તેઓ ઘરમાં ન હોય એટલે તેમના કુટુંબીજનો બેધડકપણે આવનારને કહેતા : ‘બજારમાં તપાસ કરો. તેઓ તમને ત્યાં જ મળી જશે !’ માહિતી સો ટકા સાચી પડતી ! નાથુકાકા બજારમાં આંટા મારતા, ભાવતાલ કરતા, ખરીદી કરતા અચૂક મળી આવે ! એમ કહી શકાય કે ખરીદી એ એમની સૌથી વધારે પ્રિય હૉબી હતી – બલકે ખરીદીની તેમણે લલિત કલાની કક્ષાએ ખિલાવટ કરી હતી ! એવુંયે કદીક બનતું કે નાથુકાકા બજારથી કશીયે ખરીદી કર્યા વિના, ખાલી હાથે, ખાલી ઝોળીએ ઘેર પાછા ફરતા ! આશ્ચર્ય પામીને હું તેમને પૂછતો : ‘નાથુકાકા, કેમ આજે તમારી ઝોળી ખાલી છે ?’
‘તે ખાલી જ હોય ને !’
‘પણ તમે ગયા’તા તો બજાર જ ને ?’
‘હા, પણ આજે મારે કશી ખરીદી કરવાની નહોતી ! બધી જરૂરી ચીજો હું ગઈ કાલે જ ખરીદી લાવ્યો હતો !’
‘તો પછી તમે બજાર ગયા શા માટે ?’
‘બસ, એમ જ ! પગ છૂટા કરવા !’
‘તે માટે તમે બાગમાં કે પુલ પર જઈ શક્યા હોત !’
‘મારે માટે તો બજાર જ બાગ અને બજાર જ પુલ !’ નાથુકાકાએ મને પોતાનો જીવનમંત્ર સમજાવી દીધો ! એ ક્ષણે નાથુકાકા મને સંત કબીર જેવા લાગ્યા ! કબીરજી પણ તેમનાં પદોમાં ‘બાઝાર’ નો વારંવાર ઉલ્લેખ કરે જ છે ને ?! ‘કબીરા ખડા બાઝાર મેં’ વગેરે ! નાથુકાકાની જેમ કબીરસાહેબ પણ વારંવાર, કહો કે નિયમિતપણે બજારમાં જતા હોવા જોઈએ ! તે વિના તેમની કવિતામાં બજારનો ઉલ્લેખ આવે ખરો ?! અલબત્ત, કબીરજી શેની ખરીદી કરવા માટે આ રીતે બજાર જતા હશે તે હું જાણતો નથી. શક્ય છે કે કબીર-પત્ની સંતને ઘરવખરી ખરીદવા બજાર મોકલતી હોય ! આમ પણ એ જમાનામાં સારા ઘરની સ્ત્રીઓ બહુ બહાર ન જતી. કબીરસાહેબ વણકરનો વ્યવસાય કરતા હતા. શક્ય છે કે તેઓ વણાટકામનાં સાધનો ખરીદવા, સૂતરની કોકડીઓ લેવા, વણેલું કાપડ દુકાનદારોને વેચવા વગેરે બજારુ કામો માટે વારંવાર બજારમાં જતા હોય અને બજારનો માહોલ જોઈને તેમને દુનિયાનું પ્રતીક સાંપડ્યું હોય ! એ તો સારું છે, કે વિશ્વ વ્યાપાર સંગઠન જેવી સંસ્થાના વ્યાપાર-પ્રવીણ અગ્રણીઓને હજી કબીરસાહેબની આ વિશિષ્ટ બજાર-પ્રીતિની જાણ થઈ નથી, નહિ તો તેઓએ સાધુજન કબીરસાહેબને ગ્લોબલ માર્કેટ ઈકોનોમીના આદ્ય પ્રણેતા ઠરાવી દીધા હોત !

નાથુકાકા જ્યારે પણ બજાર જવા છતાં કશીયે ખરીદી કર્યા વિના, ખાલી હાથે, ખાલી ઝોળીએ ઘેર પાછા ફરતા અને મારી પૂછપરછના જવાબમાં ‘હું તો અમસ્તો જ બજારમાં ગયો હતો’ એવો ઉત્તર વાળતા ત્યારે મારા મનમાં કેટકેટલા કાવ્યાઅધ્યાસો જાગ્રત થઈ ઊઠતા ! કવિ રાજેન્દ્ર શાહનો નિરુદેશે ભ્રમણનો સંકલ્પ મારી અંતરગુહામાં પડઘાતો ! કવિ નિરંજન ભગતની પ્રસિદ્ધ કાવ્યપંક્તિઓ પણ મારે સ્મરણે ચઢતી;

‘હું તો બસ, ફરવા આવ્યો છું….
હું ક્યાં મારું કે તમારું
એક્કે કામ કરવા આવ્યો છું ?’

અને સૌથી વધારે તો મને ઉર્દૂ શેરનો પેલો મિસરો યાદ આવતો :

‘બાઝાર સે ગુઝરા હું, ખરીદાર નહીં હૂં !’

બહુ તત્વચિંતનયુક્ત કાવ્યપંક્તિ છે આ ! દુનિયામાં આવવું, દુનિયાની વચ્ચોવચ રહેવું, કશાથી લેપાવું-ખરડાવું નહિ, જળકમળવત્ સ્થિતિ પ્રાપ્ત કરવી તે મોટી સાધના માગી લેતી બાબત છે.

બહુ મુશ્કેલ છે – બજારમાં જવું છતાં કશી ખરીદી કરવાથી લલચાવું નહિ ! બજારમાં વારંવાર આંટા મારવા છતાં બજારની રીતરસમ, તૌર-તરીકા અર્થાત્ દુનિયાદારીથી અલિપ્ત રહેવું એ અશક્ય જેટલું મુશ્કેલ છે ! મારા પૂરતી એક બહુ મોટી નિરાંત છે ! હું ભાગ્યે જ બજાર જાઉં છું એટલે બજારના તૌર-તરીકાઓથી લેપાવાનો પ્રશ્ન જ મારે માટે લગભગ પેદા થતો નથી ! તેવું જ દુનિયાદારીનું ! એ ક્ષેત્રમાં હું બહુ માથું મારતો નથી એટલે માથું રંગાવાનો ભય કે કપાળે તિલકનો યશ, બંનેથી હું ઊગરી જાઉં છું !

મારાં શ્રીમતીજીની વાત અલગ છે. બીજા ઘણા પુરુષોનાં પત્નીશ્રીઓની વાત પણ તેવી જ હશે. તેઓ હોંશેહોંશે બજારમાં જાય છે, ખિસ્સાં – આઈ મીન, પર્સ ખાલી થઈ જાય ત્યાં સુધી ચિક્કાર ખરીદી કરે છે અને વધુ ખરીદી માટે ફરીથી બજારમાં જવાનો સંકલ્પ કરી તેનું પાલન પણ કરે છે. બને ત્યાં સુધી બજારમાં ન જવું, જવું તોયે ખરીદી ન કરવી અથવા ખપપૂરતી જ કરવી : આવી ફિલસૂફીમાં તેઓને શ્રદ્ધા નથી ! તેઓ પ્રશ્ન કરે છે : દુનિયામાં આવ્યા છીએ તો દુનિયાદારીમાં રસ કેમ ન લેવો ? સમુદ્રમાં ઝંપલાવ્યા પછી હાથપગ હલાવ્યા વિના કેમ ચાલે ? આ બાબતમાં હું અને મારા જેવા થોડાક કંગાળ લધુમતીમાં છીએ ! અમે નાહક આ શેર ગણગણ્યા કરીએ છીએ :

‘દુનિયા મેં હૂ, દુનિયા કા તલબગાર નહીં હૂં;
બાઝાર સે ગુઝરા હૂં, ખરીદાર નહીં હૂં !’

માર્કેટ ઈકોનોમીના આ જમાનામાં અમારું આ અરણ્યરુદન કોણ સાંભળવાનું હતું ?!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્યસંચય – સંકલિત
શિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ Next »   

13 પ્રતિભાવો : બાઝાર સે ગુઝરા હૂં – ભગવતીકુમાર શર્મા

 1. હાસ્યસભર !!!

  🙂 🙂 🙂

 2. Dhrumal Oza says:

  Tame jo Bhagvatikumar Sharma nu naam lekh saathe na aapu hot to mari jem ghana ne lagat ke aa lekh Vinod Bhatt athwa Ratilal Borisagar e lakhyo hashe:)

  This is something very unique from Bhagwatikumar Sharma.
  Good one..

 3. manvant says:

  સિદ્ધહસ્ત લેખકને હાથે લખાયેલુ આ સુન્દર સર્જન
  ગૃહિણીમાંથી નાથુકાકા તરફ કેવી સરળતાથી વાચકને
  વાળી લઈ ધાર્યો હેતુ સિદ્ધ કરી લે છે તેનું આ ઉત્તમ
  ઉદાહરણ છે.શ્રી ભ.શર્મા ને વાંચવા એ લ્હાવો છે !આભાર !

 4. Maharshi Mehta says:

  khub saras lekh!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.