પ્રાચીન ભારતમાં ધ્વજની ભૂમિકા – બકુલ બક્ષી

india flagદરેક રાજય અથવા રાષ્ટ્રનો ધ્વજ એની સ્વતંત્રતાનું પ્રતીક છે. પ્રાચીન સમયથી રણમેદાનમાં ધ્વજને ખાસ મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. એનું અપમાન એટલે દેશનું અપમાન. એની પ્રતિષ્ઠા જાળવી રાખવા કેટલાંય પ્રાણોની આહૂતિ આપવામાં આવી છે. કેવળ રણમેદાનમાં જ નહિ, જ્યારે પણ રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવી હોય ત્યારે ધ્વજના પ્રતીકથી એ કરી શકાય છે. વિશ્વભરની દરેક સંસ્કૃતિમાં ધ્વજની ચોક્કસ ભૂમિકા છે. અને પ્રાચીન સમયથી ચાલતી આવી છે. આધુનિક યુદ્ધની પદ્ધતિ બદલાઈ ગઈ છે છતાં પણ ધ્વજની પ્રતિષ્ઠામાં ફરક પડ્યો નથી. પારંપરિક રણનીતિમાં તો એની ભૂમિકા યથાવત રહી છે.

ઋગવેદમાં ધ્વજ અને પતાકાનો ઉલ્લેખ છે. ક્યારેક ધ્વજને કેતુના નામે પણ સંબોધિત કરવામાં આવે છે. નાની પતાકાને કેતુ નામ અપાતું જ્યારે ધ્વજ માટે બૃહદકેતુ અથવા સહસ્ત્રકેતુ પ્રયોગ કરવામાં આવતો. તે સમયની રણભૂમિ પર દુશ્મનના ધ્વજ તરફ આયુધોથી વાર કરવામાં આવતો. કેવળ યુદ્ધમાં જ નહિ પણ રાષ્ટ્રીય સમારોહ વખતે પણ ધ્વજને મહત્વનું સ્થાન આપવામાં આવતું. લગભગ દરેક પ્રાચીન દેશ અને ત્યાંના શાસકોને પોતાના ધ્વજ હતા. પ્રાચીન ભારતમાં કોઈ એક રાષ્ટ્રીય ધ્વજ ન હતો પણ દરેક રાજ્યને પોતાનું પ્રતીક જરૂર હતું.

ક્યારેક તો રાજા પોતાની બહાદુરીના પ્રતીકરૂપે પોતાનો ધ્વજ રાખતા અને એના સંરક્ષણ માટે પ્રાણ આપવા પણ તૈયાર રહેતા. મહાભારતમાં કુરુક્ષેત્રના રણમેદાન પર અનેક વ્યક્તિગત ધ્વજોનો ઉલ્લેખ જોવા મળે છે. લડાઈ દરમ્યાન સૈનિકો આ ધ્વજ દ્વારા જ પોતાના નેતાને ઓળખી શકતા. મહાભારતમાં ધ્વજ, કેતુ અને પતાકા નામે આ ઓળખાતા. ધૃતરાષ્ટ્રના પ્રશ્ન બાદ સંજય કૌરવો અને પાંડવોના અનેક ધ્વજ તથા પતાકાઓનું વર્ણન કરે છે. મહાભારતમાં દરેક શુરવીર માટે જુદા ધ્વજ અથવા પતાકાનું વર્ણન કરાયેલું છે. ક્યો યોદ્ધા કેવા ધ્વજ વાપરતો તેની પણ વિસ્તૃત જાણકારી અપાઈ છે.

અર્જુનનો કપિધ્વજ હતો જેને હનુમાનનું પ્રતીક માનવામાં આવતો. એના પર હનુમાનની પ્રતિકૃતિ અંકિત હતી. અશ્વત્થામાનો ધ્વજ સિંહલંગુલમ કહેવાતો જેના પર સિંહની આકૃતિ અંકિત હતી. અમુક ધ્વજો પર હાથી અને મયૂરની છબી અંકિત કરવામાં આવતી. જયદ્રથના ધ્વજ પર વરાહનું પ્રતીક હતું. દુર્યોધનની ઓળખાણ નાગદેવતા અને રત્નજડિત ધ્વજ દ્વારા થતી હતી. ભીષ્મ પિતામહનો તાલધ્વજ હતો જે તાલવૃક્ષનો સંકેત આપતો હતો. તે જ પ્રમાણે વીર ઘટોત્કચના ચક્રધ્વજ પર રથના ચક્રનું પ્રતીક હતું. પાંડવોના ધ્વજો પર દરેક માટે જુદા જુદા ચિન્હો હતાં જેમકે ભીમ માટે સિંહનું યુધિષ્ઠિરને ચંદ્ર, સહદેવને હંસ વગેરે.

દુશ્મનના ધ્વજને નિશાન બનાવી તોડવાની કોશિષ કરવામાં આવતી. ધ્વજનો નાશ થતો એ પરાજય જેવી સ્થિતિ ગણવામાં આવતી. પ્રાચીન ભારતની યુદ્ધ પદ્ધતિમાં ધ્વજરક્ષાને ખાસ મહત્વ આપવામાં આવતું. આ મહત્વ મનુષ્ય સુધી સીમિત ન હતું. દેવોને પણ પોતાના ખાસ ધ્વજ હતા જેમ કે – શિવને નંદી, વિષ્ણુને ગરુડ, ચન્દ્રને ખડગ અને કામદેવને મકરધ્વજ, ધ્વજો વિષેના ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ રણનીતિ વિષે લખ્યું છે. આમાં પણ સૈન્યની ગતિ ધ્વજની સ્થિતિ દ્વારા માપી શકાતી હતી. વ્યૂહરચનામાં પણ એનું અગત્યનું સ્થાન હતું. સૈન્યના દરેક અંગને પોતાનો વ્યક્તિગત ધ્વજ હતો જેથી રણમેદાન પર એમની વ્યૂહરચના સરળતાથી જાણી શકાતી.

સૈન્યમાં ઘણી વાર પતાકાનો ઉપયોગ શણગાર માટે પણ કરવામાં આવતો. કાલીદાસ સૈન્ય માટે પતાકિની શબ્દપ્રયોગ પણ કરે છે. આહત થયેલા સૈનિકોની મદદ માટે પણ ધ્વજ, પતાકા અને રણશિંગાનો ઉપયોગ કરવામાં આવતો. રથમાં ધ્વજને મુખ્યત્વે વાંસની કાઠી પર લહેરાવવામાં આવતો અને એ એક જગ્યાએ સ્થિર રહેતો. ધ્વજાના અનેક પ્રતીકો કાષ્ઠ અને પથ્થર પર કંડારવામાં આવ્યા છે અને સાંચી તથા અજંતાની કલાકૃતિઓમાં જોઈ શકાય છે. રણક્ષેત્રે ધ્વજનો પ્રયોગ ઉત્તર ભારત પૂરતો સીમિત ન રહી દક્ષિણ ભારતમાં પણ પ્રચલિત હતો.

ધ્વજના વપરાશ વિશે દક્ષિણના તમીલ રાજાઓના પોતાના માપદંડ હતા. ત્યાં ક્યાલ (મત્સ્ય), સીલા (ખાણ) અને પુલી (વાઘ) ના પ્રતીકો વપરાતા, દક્ષિણનાં અમુક રાજ્યોમાં પુલીકોડિયન(વાઘધ્વજ) નો પ્રયોગ થતો હતો. મદુરાના પાંડ્યન રાજાઓમાં મીનીધ્વજ પ્રચલિત હતો જે મત્સ્યનું પ્રતીક હતી. એમનું મીનાક્ષી મંદિર પણ જાણીતું છે. રથ પર પતાકાઓ લહેરાવવામાં આવતી અને દક્ષિણના રાજાઓ યુદ્ધમાં પોતાના હાથી પર રાજ્યનો ધ્વજ રાખતા. પલ્લવ રાજાઓ વૃષભ, ચાલુક્ય અને વિજયનગરમાં વરાહ પ્રતીકના ધ્વજ વપરાતા. પ્રતીક તો કોઈપણ હોય, પ્રાચીન ભારતની રણનીતિમાં ધ્વજની એક ખાસ ભૂમિકા હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્યક્તિત્વનો ખ્યાલ – ફાધર વાલેસ
રીટાનો અકર્મયોગ – પલ્લવી મિસ્ત્રી Next »   

20 પ્રતિભાવો : પ્રાચીન ભારતમાં ધ્વજની ભૂમિકા – બકુલ બક્ષી

 1. manvant says:

  ધ્વજ અંગે વિશદ માહિતી છે.કેટલીક નવી ને જાણવાજોગ લાગી.આભાર !

 2. Neela says:

  very informative

  Neela

  visit http://shivshiva.wordpress.com/ for exclusive photoes of Kailash

 3. good information !!!
  jai hind , jay bharat !

 4. Ami Patel says:

  Good research. Jai Hind

 5. vijay says:

  Good research!

 6. Maharshi Mehta says:

  Perhaps we can relate flags with so called corporate identity. I really mentioned something of this nature during my seminars for corporate identity. Its a new form of old idea!
  http://en.wikipedia.org/wiki/Corporate_identity
  Thanks for the informative article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.