શ્યામ ગુલાબી આકાશ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ આ ટૂંકા નિબંધો ડૉ. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક ‘શ્યામ ગુલાબી આકાશ’ માંથી સાભાર લેવામાં આવ્યા છે. ]

જીવનમાં મહત્વ શાનું ? ‘શું છે’ તેનું કે પછી ‘શું હોવું જોઈએ’ તેનું ?

સ્વ. ઉમાશંકરભાઈની સરસ મજાની પંક્તિઓનું સ્મરણ થાય છે. ‘ભૂતના સંસ્મૃતિ તારે, વર્તમાન ગૂંથી રહું. વર્તમાન મધુર સ્વપ્ને ભાવિની ઝંખના કરું.’ જીવનમાં સંતોષનું મહત્વ છે, પણ એવો સંતોષ પ્રમાદ કે પલાયનવાદનું સમર્થન નથી કરતો. માણસ નિરંતર ગતિશીલ રહે, પુરુષાર્થવાદી રહે અને જ્ઞાન-વિજ્ઞાન તેમજ સુખ-સમૃદ્ધિ માટે ધર્મપૂર્વક પ્રયત્નશીલ રહે એ જીવનનું લક્ષ્ય. એટલે જીવનમાં વર્તમાનનું મતલબ કે જે છે, તેનું આગવું મહત્વ છે. એ વર્તમાન જ ભાવિ પ્રગતિની પૃષ્ઠભૂમિ બનવાનો છે અને ભૂતકાળના અનુભવો સાવધાની અને સંકલ્પબદ્ધતાનું મહત્વ સમજાવવાના છે, એમ વિચારીને માણસે એ ત્રણેયના સમન્વયવાદી બનવું જોઈએ.

જે છે તેનું તટસ્થાપૂર્વક મૂલ્યાંકન, જે હોવું જોઈએ એનું વિવેકલક્ષી સમાયોજન અને તેને પૂરું કરવામાં નિર્મળ સાધનોનો સંચય એ જ જીવનમાં સાચી પ્રગતિની સ્થિતિને જન્મ આપી શકે ! એટલે માણસે વર્તમાનને લક્ષમાં રાખીને ભાવિનાં સોણલા જોવાં જોઈએ. આંખ વધારે પડતી મહત્વાકાંક્ષાભર્યા તરંગી ખ્વાબોની લાલચમાં અટવાય તો નક્કર સિદ્ધિઓ પ્રાપ્ત ન થાય.

‘શું છે’ એ વાસ્તવિકતા છે, ‘શું હોવું જોઈએ’ એ આદર્શ છે. ઈમર્સને કહેલી પેલી વાત માણસે યાદ રાખવા જેવી છે. ‘કુદરત એક કરકસર કરનાર માતા જેવી છે. તે કદીય યોગ્યતા વગર કોઈને કાંઈ જ આપતી નથી. જ્યારે કુદરતને પોતાનું કામ કરાવવું હોય છે ત્યારે એ આકરી કસોટી કરીને યોગ્ય માણસને ચૂંટે છે અને તેના દ્વારા પોતાનું કાર્ય કરે છે.’ એટલે જે હોવું જોઈએ તેને માટે સમય, સંજોગો, પરિસ્થિતિઓ માણસને તૈયાર થવાની તક આપે છે. માણસ એ તકનું મહત્વ ન પીછાણે તો સરવાળે એને ભાગે દુ:ખ જ આવે છે.

જીવનમાં જે છે તેની ઉપેક્ષા ન કરવી અને જે અપેક્ષિત છે એની પ્રાપ્તિ માટે કર્તવ્યનિષ્ઠ રહેવું એ જ, ઉત્તમ માર્ગ છે. જે છે તેની સમક્ષ હાર કબૂલવી, નાસીપાસ થવું, ગભરાવું, તેનાથી ભાગવું, એ જીવન જીવવાની સાચી રીત નથી ! વર્તમાનના પડકારો ઝિલવા અને ભાવિમાં જે પ્રાપ્ત કરવું હોય કે કરવા જેવું જણાતું હોય તે કરવા માટે સાધનારત રહેવું એ જ સલાહભર્યું છે. જિંદગીમાં આમ વર્તમાન અને ભાવિ બંનેનો વિવેકપૂર્ણ સમન્વય સધાય એવી જીવનદષ્ટિ વિકસાવવી એ જીવનનું પરમ કર્તવ્ય છે.

જિંદગી કડવી લાગતી હોય તો શું કરવું ?

જિંદગીની વ્યાખ્યા લોકો પોતપોતાની રીતે, સીમિત અનુભવના વર્તુળમાં એને બાંધીને કરે છે એટલે એને સમજવામાં થાપ ખાઈ જાય છે. કલાકાર એને ‘બ્યૂટી’ માને છે, સૈનિકો એને ‘ડ્યૂટી’, ખેલાડી એને ‘ખેલ’ માને છે અને નાસ્તિક અને ‘અકસ્માત’ આંધળાઓ હાથીના કોઈ એકાદ ભાગને પકડીને તેને સમગ્રતયા મૂલવે એવી સ્થિતિ સર્જાઈ છે બિચારી જિંદગીની !

જિંદગી નથી હોતી માત્ર કડવી કે નથી હોતી માત્ર મીઠી ! ઘટનાઓના સંદર્ભમાં આપણો પલટાતો જતો ‘મૂડ’ એને પોતાની રીતે મૂલવે છે, પરિણામે જે તે પરિસ્થિતિમાં જીવનને આપણે તેવી નજરે નિહાળીએ છીએ. એટલે જીવનમાં દષ્ટિકોણનું આગવું મહત્વ છે. એટલે જીવનને કેવળ સંગ્રામ માનવો કે શણગાર એ તમારા દષ્ટિકોણ પર અવલંબે છે. જીવનને તમે ભયથી ન જુઓ, અશ્રદ્ધાથી ન જુઓ. કેવળ રૂપિયા-પૈસા-પદ કે પ્રતિષ્ઠાથી ન મૂલવો, પરંતુ જીવવા માટે મળેલી એક ક્ષણ તરીકે નિહાળો તો તમારો જીવન વિષયક દષ્ટિકોણ સાવ બદલાઈ જશે.

જીવનવિષયક પરિભાષાઓમાં આપણે અપેક્ષાઓના ત્રાજવાના કાંટાને જ વધુ મહત્વ આપીએ છીએ. પરિણામે આપણો સાપેક્ષ દષ્ટિકોણ આપણને અમુક વસ્તુ તરફ લળવા-વળવા-ઢળવા લલચાવે છે અને તેને પામવા કે ગુમાવવાના માપદંડને આધારે જીવનની કટુતા કે મધુરતાનું જિંદગીવિષયક જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ.

એટલે જિંદગી કડવી લાગે ત્યારે તેનાં કારણો તપાસી તેમાંથી ભય અને ભ્રમ, શંકા અને કુશંકા, હતાશા અને લાચારીની બાદબાકી કરી પરિસ્થિતિનો સામનો કરવા હસતા મોંઢે તૈયાર રહેવું અને આપણા મનને સૂચન કરવું કે ‘મને કોઈ દુ:ખી કરી શકે તેમ નથી, કારણકે હું માનસિક રીતે આઝાદ છું. મારી જિંદગીને હું કે કોઈ કડવી બનાવી શકશે નહીં, કારણ કે હું આઝાદ છું !’ ખલિલ જિબ્રાને એક ઠેકાણે નોંધ્યું છે : ‘હું જ આગ છું અને હું જ કચરાનો ઢગલો ! મારી આગ મારા કરચાને ભસ્મીભૂત કરી શકે તો જ મને મનોવાંછિત સરસ જિંદગી મળી શકે !’ ચાણક્ય જેવો ચાણક્ય પણ જીવનને મૂલ્યવાન ગણીને વારંવાર કહેતો કે કરોડો સુવર્ણમુદ્રાઓ આપવાથી પણ જીવનની એક ક્ષણ ખરીદી શકાતી નથી.

જીવન કડવું લાગે ત્યારે પણ દવાના ડોઝની જેમ તેને ગટગટાવી આનંદી રહેવું, એ જ કડવાશને પચાવવાની એક માત્ર તાકાત છે. જીવન ક્ષુદ્ર બંધનોમાંથી આઝાદીનો અનુભવ કરી શકે તો જ આનંદરૂપ લાગી શકે. એષણાઓની અપૂર્તિને અભિશાપ ગણીને નિરાશાની ગોદમાં સરી જનાર માણસને પોતાનું જીવન કડવું જ લાગે. સ્વાભિમાન, સમજણ, અને સંયમ એ જીવનને મધુર બનાવનારાં રસાયણો છે. લોંગફેલો કહે છે તેમ હંમેશાં કોઈ ને કોઈ ઠેકાણે પ્રભાત હોય છે જ અને જાગૃત થતા પ્રદેશોમાં એક કિનારા સુધી કોઈને કોઈ ઠેકાણે પક્ષીઓ ગાયા જ કરે છે. કાર્લાઈલ તે વાતનું સમર્થન કરતાં કહે છે કે ખુશમિજાજમાં અદ્દભુત બળ રહેલું છે. તેની જીવનશક્તિ અખૂટ છે. કોઈ પણ જાતના પ્રયાસ કાયમના ઉપયોગી બનાવવા હોય તો તે સમાન રીતે આનંદયુક્ત હોવાં જોઈએ. તેમાં આનંદ, આનંદનું લાવણ્ય અને પ્રકાશનું સૌંદર્ય હોવું જોઈએ. એટલે જીવનમાં ક્યારેય વ્યર્થતા ન અનુભવવી એ જિંદગીના કડવાશ દૂર કરવાનો ઉપાય છે.

વિશ્વનું સૌથી મુશ્કેલ કામ કયું ?

કામને મુશ્કેલ ગણવાના માપદંડો માણસની શક્તિ, સામર્થ્ય, સાધનો, વગવર્ચસ્ , સંકલ્પશક્તિ, લક્ષ્યાંક, સમજણ વગેરે પૈકી તે પોતે શાને મહત્વ આપે છે તેના પર અવલંબિત છે. જે કામ કરતાં માણસને વધુ કષ્ટ પડે તેને તે મુશ્કેલ માને છે. આમ મુશ્કેલીને માણસ સહનશીલતાના ત્રાજવાથી જ સૌ પ્રથમ તપાસે છે. જેમાં આધિ,વ્યાધિ, ઉપાધિની આંધી સર્જાવાની શક્યતા હોય તે કાર્ય મુશ્કેલ એવું માણસનું સીધું ગણિત હોય છે. જેણે પગ ગુમાવ્યા છે એને માટે ગૌરીશંકર શિખર સર કરવાનું મુશ્કેલ છે, એમ કહી શકાય, પણ એમ કહેવું યોગ્ય નથી, કારણકે જેમના પગમાં જોર છે એવા સઘળા લોકો ઉચ્ચ શિખરો સર કરવા સંકલ્પબદ્ધ નથી હોતા. એનાથી ઊલટું, કયારેક અપંગો પણ આત્મવિશ્વાસનો ઉપયોગ કરીને ઊંચા શીખરો સર કરી લેતા હોય છે.

મુશ્કેલ કાર્યોની યાદીમાં સૌથી મોખરે છે આફતની પળોમાં મનને ચંચળ બનતું રોકવાનું. ધૈર્યવાન અને અડગ મનોબળવાળા માણસ ગમે તેવું કઠણ કાર્ય પણ પાર પાડી શકે છે.

શાસ્ત્રો કહે છે કે બહારના શત્રુઓ સામે લડવા કરતાં પોતાની અંદરના શત્રુઓ સામે લડવાનું કામ વધુ કપરું છે. જાત સાથે લડનારા લોકો જ જગ સામે લડી શક્યા છે. જીતી શક્યા છે. જીતી શકે છે. જગતમાં આપણને એવાં અનેક ઉદાહરણ જોવા મળશે કે સંકલ્પશૂન્ય સિંહોને પણ પોતાના દઢ મનોબળથી અજેય શક્તિથી સંપ્રેરિત થયેલા સસલાં હરાવી શક્યાં છે, ભયાનક વરાહને પણ નિર્ભય શિયાળવાએ પરાજિત કરી દીધા છે.

ગૌતમ બુદ્ધ કહે છે કે પ્રિય વસ્તુઓનું બંધન તોડવાનું કામ દુષ્કર હોય છે. એવાં બંધનો જેઓ તોડી શકે છે, એમને નથી હોતો શોક કે નથી હોતો ભય. માણસ બધા બંધનો બહાદુરીથી તોડી શકે છે, પણ મોહના બંધન આસાનીથી તોડી શક્તો નથી. એટલે મોહમુક્ત થવાનું કામ વૈરાગીઓને મન મુશ્કેલ કાર્યો પૈકીનું એક છે.

થિયોડોર વ્હાઈટે કરેલી એક વાત આજના સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. ‘તમે જેને રોજ મળતા હો તેવા તમારા મિત્રોના પ્રભાવશાળી વિચારોની વિરુદ્ધ કહેવું કે વિચારવું તે કદાચ તમે આચરી શકો તેવું સૌથી વીરકૃત્ય હશે.’ આપણે ભય, સ્વાર્થ કે ગણતરીને કારણે આપણા અંગત અભિપ્રાયને ઊગતાં પહેલાં જ કાયરતાની મનોગત ભોમમાં ‘વિષપીતો’ કરી દઈએ છીએ. ધીરે ધીરે આપણે સત્ય બોલવાને પણ ‘સાહસ’ ગણતા થઈ જઈએ છીએ. હાથમાં આવેલું છોડવું એ પણ કપરાં કામો પૈકીનું એક છે. ધિક્કર, નિંદા, આઘાતો, પ્રત્યાઘાતો અને પીડાઓ, પરાજયોની પરંપરા અને અડચણોની હારમાળા વચ્ચે અડીખમ ઊભા રહીને જીત માટે ઝઝૂમતા રહેવું એ પણ કાંઈ બચ્ચાંના ખેલ નથી. હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય, સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ, વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રતીક્ષા – ‘મરીઝ’
હોમવર્ક – અલ્પા શેઠ Next »   

16 પ્રતિભાવો : શ્યામ ગુલાબી આકાશ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. sweta says:

  really nice artical….nirash thayela manvi mate vachva jevu chhe…a badhi j vaato sachi chhe pan jivan ma utarvi akri chhe..!

 2. MANVANT says:

  અનેકાનેક લેખક-કવિનાં ઉદાહરણો કરતાં
  લેખકે માત્ર કથિતવ્ય જ વાચક આગળરજૂ
  કરવું જરૂરી લાગ્યું.”એકરૂપતા જરૂરી છે “.
  ચાણકય ની વાત બહુ ગમી :”કરોડો સુવર્ણ-
  મુદ્રાઓ આપવાથી પણ જીવનની એક ક્ષણ
  ખરીદી શકાતી નથી”.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.