બે પ્રેરક પ્રસંગો – સંકલિત

પરદેશી ધરતી – અજ્ઞાત
[ ‘ગુજરાત દર્પણ’ સામાયિક (અમેરિકા), એપ્રિલ-2006 માંથી સાભાર ]

પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન !

એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’
‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી.
અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને.

દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું. અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઑફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હૉસ્પિટલ તરફ મારી મૂકી.

હૉસ્પિટલના મુખ્ય ડૉકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’ માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં. હતા માત્ર પ્રતીક્ષામાં. પસાર થઈ રહેલી પળોની ગણત્રીમાં અને કોઈ અજ્ઞાત ભયની ચિંતામાં.

સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા.
લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. મૂંગા મૂંગા બેસી રહેતા, ને ફરી ઊભા થઈ જતા. કમળાબા મનમાં ઈષ્ટદેવ શ્રીનાથજીનું સ્મરણ કરી રહ્યાં હતાં, ‘બધું સમું-સૂતરું પાર ઉતારજો, શ્રીજી બાવા!’

થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ ! કમળાબાના મનમાં પ્રશ્ન થયો, કશું ચિંતાજનક ? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.
‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું ? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં ! રમાને કંઈ…..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.
‘હું જોઉં….’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું ? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં. રમાના યોગક્ષેમની ચિંતામાં કાળજું કંપતું હતું.

ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઊઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દશ્ય આશ્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં.

અંદર અંગ્રેજ ડૉકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.
એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ ? અહીં કેમ ઊભાં છો તમે ?’
‘તમે શું કરતાં હતાં ?’ કમળાબેને સામું પૂછ્યું.
‘પ્રાર્થના ! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં !’
‘શી ?’
‘એ કે, મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઑપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ !’ નિગ્રો નર્સે કહ્યું.
કમળાબાને થયું, ‘અરે વાહ ! આ ધરતી પરદેશી હતી ? કે સવાયી સ્વદેશી ?’


મનની મોટાઈ – બેપ્સી ઍન્જિનિયર

ઈંગલેન્ડમાં આવેલું નોરફોકનું પરગણું. ત્યાંનો એરૂનડેલનો કિલ્લો જેટલો પુરાણો એટલો જ ખ્યાત નામ.

નોરફોકના રેલ્વે સ્ટેશન પર એક દિવસ ગાડી આવી થંભી. ગાડીના ડબ્બામાંથી એક બાળા ડોકાઈ. પહેલીવહેલી વાર એ અહીં આવી હશે એમ મોંના ભાવ પરથી લાગતું હતું. બાળા આઈરીશ હતી. તે નીચે તો ઊતરી પણ તેની બૅગ કેમ ઉતારવી ? ખૂબ ભારેખમ હતી એ. એના પોતાના વજનથી બમણી. આમતેમ નજર દોડાવતી રહી. ટ્રેન ઊપડે તે પહેલાં કોઈ મજૂર મળે તો….. તે નાની બાળા એરૂનડેલના કિલ્લામાં કામવાળીની હેસિયતથી અહીં આવી હતી.

કિલ્લો માઈલ જેટલો દૂર હતો અને વેરી બની બેઠેલી બૅગ એની મૂંઝવણ અનેકગણી વધારી દેતી હતી. ત્યાં જ તેની નજર સ્ટેશન પર ઘરાકની શોધમાં ઊભેલા એક મજૂર પર પડી. તે દોડતી તેની પાસે પહોંચી ગઈ અને તેને બૅગ ઊંચકી એરૂનડેલના કિલ્લા સુધી પહોંચાડવા વિનંતી કરવા લાગી. હા-ના ની રકઝક લાંબી ચાલી. એક શિલિંગમાં પેલો કિલ્લા સુધી મસમોટી બૅગ પહોંચાડવા તૈયાર નહોતો. બાળાના ગજવામાં શિલિંગ સિવાય કશું જ નહોતું. હરપળ તેની દ્વિધા વધતી જતી હતી છતાં પેલો ટસથી મસ નહીં. આંખમાં ધસી આવવા મથતા અશ્રુપ્રવાહને પરાણે ખાળતી બાળા આસપાસ વિહ્વળ બની જોતી હતી ત્યાં જ એક બીજો માણસ તેની સામે આવી ઊભો. વસ્ત્રો જરા લઘરવઘર હતાં એટલે બાળાને થયું કે એ પણ મજૂરી રળવા જ ત્યાં ઊભો હશે. ત્યાં તો પેલાએ જ ચોખવટ કરતાં કહ્યું, ‘હું તને કિલ્લા સુધી પહોંચાડી દઈશ, ચાલ.’

પેલાએ બૅગ ઉપાડી લીધી. બાળા તેની પાછળ દોરાઈ. પછી તો પગલે પગલાં મેળવતાં ને વાતોના તડાકા મારતાં બન્ને ચાલ્યાં. ત્યાં તો સામો કિલ્લો દેખાયો. બાળાએ પેલાને એના ગજવામાં પડેલી એક છેલ્લી શિલિંગ આપી. આભાર માની પેલાએ તે લીધી અને ત્યાંથી ચાલતી પકડી.

બીજા દિવસનું વહાણું વાયું. તે દહાડે એવું કાંઈક બન્યું કે બાળાના આશ્ચર્યનો તો પાર જ નહીં. અત્યંત વૈભવશાળી કિલ્લાના એક ભભકાદાર ખંડમાં એની સામે એના માલિક ઊભા હતા. પ્રેમથી તેમણે બાળાને પૂછ્યું, ‘અહીં ગમે છે ખરું ને ?’ સહેજ શરમાઈને મનની ગભરામણ મનમાં દબાતી બાળાએ હકારમાં ડોકી હલાવી અને સહેજ માથું ઊંચું કરી માલિક સામું જોયું ત્યાં તો વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ બાળા તો સડક ! અરે, આ તો ગઈ કાલે રાતે એની બૅગ ઊંચકી કિલ્લા સુધી એને સહીસલામત મૂકી જનાર પેલો લઘરવઘર વસ્ત્રોવાળો જેને એ મજૂર માની બેઠેલી અને પોતાની એક પૂરી શિલિંગ મજૂરી રૂપે આપેલી તે પોતે ! એરૂનડેલ કિલ્લાનો માલિક ! ડ્યુક ઑફ નોરફોક પોતે !

એ દિવસે બાળાને સમજાયું કે જે મનથી મોટો છે તે નાનામાં નાનું કામ કરવામાં કદી નાનપ અનુભવતો નથી. જિંદગીભર તેણે આ યાદ રાખ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જિંદગીને ચાહું છું – પરાજિત પટેલ
સ્વાતિબિંદુ – કલ્યાણી વ્યાસ Next »   

11 પ્રતિભાવો : બે પ્રેરક પ્રસંગો – સંકલિત

 1. ઘણી જ સુંદર અને સચોટ વાતો છે.
  પહેલી વાર્તા માં પ્રાર્થનાની , ધરતી ગમે તે હોય પ્રભુની મહત્તા બધે છે જ.
  અને બીજી વાર્તામાં તો મહામુલી વાત છે કે તમારા પદ- હોદાનો ગર્વ ન કરશો અને કામતો બધા સરખા, આ વાત આપણા રાષ્ટપિતા શ્રી ગાંધીજી એ બખુબી પચાવી છે.
  આભાર !

 2. urmila says:

  I am from east africa and reading Bukoba took me back many years to my childhood/beautiful story – beneath the different coloour skin – blood is the same colour and also the humanity of the mankind which kamalaba realised

 3. manvant says:

  ઈશ્વર મહાન છે !પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી થતી.
  માનવતાને રૂપ, રંગ ,જાતિ ,અંતર નથી.
  મહાન માણસો કર્મે મહાન બને છે !આચાર કે વિચારે
  નહીં.અજ્ઞાત ,બેપ્સી એંજી.મૃગેશભાઈ નો આભાર !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.