વિશ્વકવિતા – નૂતન જાની
[ ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં લખાયેલા કાવ્યોનો સુંદર ગુજરાતી અનુવાદ કરીને ડૉ. નૂતનબેન જાનીએ ‘વિશ્વકવિતા : કવિતા તુલના’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે, જેમાંથી કેટલીક રચનાઓ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ નૂતનબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]
અગ્નિપથ – હરિવંશરાય બચ્ચન [મૂળભાષા : હિન્દી ]
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
વૃક્ષો ઊભાં, ભલે
ઘટા-છટા હલે
એક પર્ણનોય છાંયડો માંગ નહીં, માંગ નહીં, માંગ નહીં !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
તું નહીં થાકશે ક્યારેય,
તું નહીં થોભશે ક્યારેય,
તું નહીં પાછો વળીને જોશે ક્યારેય ! લે શપથ, લે શપથ, લે શપથ !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
આ મહાન દશ્ય છે,
ચાલી રહ્યો મનુષ્ય છે,
અશ્રુ-સ્વેદ-રક્તથી લથપથ, લથપથ, લથપથ !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
દુ:ખ સમાપ્તિનો માર્ગ – વેણુગોપાલ કૃષ્ણ [મૂળભાષા : મલયાલમ]
વાદળો ઘેરાયેલું આભ છે
લહેરોથી ઘેરાયેલો સમુદ્ર
તથાગત !
ક્યો છે મારાં દુ:ખ સમાપ્તિનો માર્ગ ?
તૃષ્ણારિક્ત નથી હું
તૃષ્ણામુક્ત નથી હું, તૃષ્ણાશૂન્ય નથી હું
તથાગત !
ક્યો છે મારાં દુ:ખ સમાપ્તિનો માર્ગ ?
ધનની વાસના છે, યશની આકાંક્ષા છે
મૃત્યુનો ભય છે
તથાગત !
ક્યો છે મારાં દુ:ખ સમાપ્તિનો માર્ગ ?
વૃદ્ધ પિતા છે, જર્જર મા
રુગ્ણ પત્ની, કુંવારી કન્યા
તથાગત !
ક્યો છે મારાં દુ:ખ સમાપ્તિનો માર્ગ ?
દુ:ખ પ્રિય જાતક છે
તૃષ્ણા અતૃપ્ત
અમોઘ છે આ વચન તથાગત !
ક્યો છે મારાં દુ:ખ સમાપ્તિનો માર્ગ ?
મારું સરનામું – અમૃતા પ્રીતમ [મૂળભાષા : પંજાબી]
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.
આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.
પત્રો – જહૉન ડ્રપૂ [મૂળભાષા : અંગ્રેજી(યુ.એસ.) ]
એક પત્ર
તેં લખ્યો
હું થીજ્યો
બીજો
હુંફાળો હતો
અને મેં તેને ચાહી.
ત્રીજાએ
કેવળ
જાળવ્યો આપણો સંપર્ક.
હજી બીજા કેટલાય
પત્રો છે
ભીતર સંઘરાયેલા
વણલખ્યા
કદાચ હું તને
કદીય જાણી નહીં શકું.
માનવચહેરાઓનું સૌંદર્ય – નિકોલાઈ ઝેબોલોટસ્કિ [મૂળભાષા : રશિયન]
કેટલાક ચહેરાઓ હોય છે વિશાળ દ્વાર સમાન,
નાનામાં નાની વસ્તુ પણ જ્યાં લાગે છે અતિ મહાન.
કેટલાક ચહેરાઓ લાગે છે મરિયલ ઝૂંપડી જેવા,
રંધાય છે જ્યાં કાળજું અને સંધાય જ્યાં કબાબ.
કેટલાક ચહેરા ઠંડા અને મૃત, સાંકળ જડેલા,
લાગે છે જાણે કે ભોંયરાઓ અંધકારના.
અને કેટલાક જાણે છે મિનારા – વર્ષોથી,
જ્યાં કોઈ નથી રહેતું, નથી ડોકાતું બારીએથી.
પરંતુ એકવાર મેં જોઈ હતી એક કુટિર,
નિર્ધન – જેવી, દેખાતી નહોતી જે શાનદાર,
પણ એની નાનકડી બારીમાંથી લગાતાર
વસંતઋતુનો પવનઝોકો મારા સુધી ધસી આવતો હતો.
સાચ્ચે જ આ વિશ્વ ખૂબ અદ્દભુત છે, મહાન છે !
ચહેરાઓ છે અહીં જાણે કે વિજયનાં ગીતો છે.
તડકા-સદશ્ય એમની જ ચમકદાર સરગમથી
સ્વર્ગના શિખરોનું ગીત બની જાય છે.
Print This Article
·
Save this article As PDF
રીડગુજરાતી પર ઘણીવાર સાવ અચાનક જ ખૂબ સરસ ખજાનો જડી આવે છે… આ પુસ્તક ક્યાંથી મળી શકશે એની વિગતો મળી શકે ખરી?
[…] રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/20/vishva-kavita/ Posted by rdgujarati Filed in કાવ્યો-ગઝલો-પદ્ય […]
[…] રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/20/vishva-kavita/ […]
અગ્નિપથ્-very very inspiring poem.