ક્રાંતિકારી લોજ – રજનીકુમાર પંડ્યા

‘તારી ભાભી બહારગામ ગઈ છે, યાર.’ મહેન્દ્રે મને કહ્યું : ‘મારે તને ક્યાંક બહાર જમવા લઈ જવો પડશે.’

ભૂખ તો કકડીને લાગી હતી, પણ આ ધૂળિયા ગામમાં કોઈ જમવા લાયક ઠેકાણું હશે ? આજુબાજુના ગામના માણસો સવારે ખરીદી કરવા આવી સાંજના ચાલ્યા જતા હતા. બસ સ્ટેશનની આજુબાજુ અનેક રેંકડીઓ ફૂટી નીકળી હતી. ધૂળથી નહાયેલી બસો ધૂળના ગોટેગોટે ઉડાડ્યે જતી હતી અને એ જ રસ્તા ઉપરના બાંકડે બેસીને માણસો ‘પૌષ્ટિક’ ભજિયાં, ગાંઠિયા આરોગ્યે જતા હતા. ગાંઠિયાની એક દૂકાન ઉપર બોર્ડ હતું : ‘આદર્શ આરોગ્ય ભુવન’

અમે જોકે એનાથી કંઈક ઠીક કહી શકાય એવા રસ્તા ઉપર આવ્યા. કેટલાક દુકાનદારો એને સલામ કરતા હતા. એણે ગૌરવથી મારી સામે જોયું : ‘આવા નાના શહેરમાં મારા જેવા નોકરિયાતોનો ભારે વટ હોય છે હોં !’ પછી બોલ્યો : ‘તને આજે આઝાદી પહેલાંના એક ક્રાંતિકારીની લોજ પર જમવા લઈ જાઉં, ચાલ !’
‘ક્રાંતિકારીની લોજ !’ મને નવાઈ લાગી.
‘તને મશ્કરી લાગે છે ?’ એ બોલ્યો : ‘પણ દુર્લભભાઈ દેવાંગી એક જમાનામાં મોટા દેશભક્ત ક્રાંતિકારી હતા. બેતાલીસની લડતમાં લાઠીઓ ખાધેલી. સત્યાગ્રહો માટે જેલમાં ગયેલા અને એ પછી આઝાદી મળી ત્યારે ખુદ આપણી સરકાર સામે પણ ગરીબોને થતા અન્યાય સામે સત્યાગ્રહ કરેલો. એમાં પણ જેલમાં ગયેલા, એમનો સ્વભાવ જ ક્રાંતિકારી…’

એક મોટી બસ પસાર થઈ. અમારા મોં ઘૂળથી ખરડાઈ ગયાં અને ઊઘરસ ચડી. મહેન્દ્ર બોલ્યો : ‘સરકારે એમની કોઈ કદર ન કરી એટલે પછી આજીવિકા માટે એમણે લોજ ખોલી છે. ક્રાંતિ જનતા ભોજન કેન્દ્ર.’
‘સરસ નામ છે.’ મેં કહ્યું : ‘ક્રાંતિ અને ભોજન વચ્ચે જનતા શબ્દ મૂકીને એમણે પોતાની વ્યાપારી સૂઝનો પણ પરિચય આપ્યો છે.’
‘તને દરેક વસ્તુમાં યાર, વાંકું જ દેખાય છે.’ એ બોલ્યો : ‘કોઈ પણ વસ્તુ કરતી વખતે કોઈ જનતાનો ખ્યાલ કરે એમાં ખોટું શું છે ? જનતાને વાજબી ભાવે સારું ખાવાનું મળે એ પ્રવૃત્તિ સેવા ન ગણાય ?’

તરત જ અમારી સામે કોઈ જ્ઞાતિના વંડા જેવી જગ્યા દેખાઈ. ઉપર મોટું બોર્ડ માર્યું હતું : ‘ક્રાંતિ જનતા ભોજન કેન્દ્ર, માલિક દુર્લભજી દેવાંગી, ક્રાંતિકારી.’ બોર્ડ ઉપર ફૂલહાર સુકાઈ ગયા હતા. અને ઉપર કપડાંનું બેનર માર્યું હતું : ‘જય જવાન, જય કિસાન…. અન્ન એ જ જીવન….’
અમે અંદર દાખલ થયા કે તરત જ એક ઝભ્ભા અને લેંધાવાળા એક તીખી આંખવાળા વૃદ્ધ સામે મળ્યા. કોઈક દૂધવાળા સાથે કશીક રકઝક ચાલતી હતી. કદાચ ભાવ અંગે કોઈક વાંધો હોય એમ લાગ્યું : ‘આ એ જ ક્રાંતિકારી દુર્લભભાઈ, આપણે પહેલાં એમને મળી લઈએ…..’
પણ અમારે જેવું ન પડ્યું. દૂધવાળાને બબડતો મૂકીને એ જ અમારી પાસે આવ્યા. દૂધવાળા સાથે કરેલી ચકમકની ગરમી હજી એમના ચહેરા પરથી ગઈ નહોતી. છતાં અમારી સામે મરક્યા તો ખરા જ. ‘આ જ ક્રાંતિકારી દુર્લભભાઈ’ મહેન્દ્રે ઉત્સાહથી કહ્યું. મેં એમની જોડે હાથ મેળવ્યા. હું કશું બોલું એ પહેલાં જ એ બોલ્યા : ‘એક જમાનામાં મેં વીર ભગતસિંહ જોડે કામ કરેલું…’

એકાએક એક કૂતરું મારા પગ સાથે ઘસાઈને ઝડપથી પસાર થયું. બેચાર જમનારાના ટેબલ સાથે એ અથડાયું. એક જણની થાળીમાં બાજુમાં મૂકેલો પાણીનો ગ્લાસ છલકાયો. પાણી થાળીમાં પડ્યું.
‘એ પછી સુભાષબાબુ સાથે પણ મેં…..’ દુર્લભભાઈ બોલવા જતા હતા ત્યાં પેલા માણસે ભાણા ઉપરથી જ બૂમ પાડી : ‘થાળી બગડી છે… થાળી બદલી આપો.’
દુર્લભભાઈએ એ બોલનારની સામે રાતી આંખે જોયું : ‘થાળી નથી બગડી, ઉપરની રોટલી જ બગડી છે. અસત્ય કેમ બોલો છો ?’ પછી શી ખબર શા કારણે પણ એમનો અવાજ બૂમમાં ફેરવાઈ ગયો : ‘જમવું હોય તો જમો, નહિતર…’
‘અમારા પૈસા મફતના આવે છે તે અમે…..’ પેલો માણસ ખુરશી ઉપરથી ઊભો થઈને બોલવા ગયો ત્યાં દુર્લભભાઈ એની તરફ ધસી ગયા.
‘જોયું, ક્રાંતિકારીનું લોહી ?’ મહેન્દ્ર બોલ્યો : ‘કેવું ગરમ થઈ જાય છે !’

થોડીવાર બખેડો ચાલ્યો. મહેન્દ્ર અને હું એક ટેબલ પર ગોઠવાયા. આગલા જમી ગયેલા માણસની થાળી અને ગંદકી ટેબલ પર એમ ને એમ પડ્યા હતાં. એક વેઈટર અમારી પાસેથી પસાર થયો. મેં એને બૂમ પાડી, પણ એણે સાંભળી નહીં. સખત તરસ મને લાગી હતી. એક માણસ અમારી પાસે ખાલી ગ્લાસ મૂકી ગયો. અમે પાણી માટે પાંચેક મિનિટ રાહ જોઈ. એક વેઈટર પાણીનો જગ લઈને પસાર થતો હતો. એને મેં બૂમ પાડીને બોલાવ્યો.
‘શું છે ?’ એણે મારી સામે લગભગ ડોળા કાઢીને જોયું.
‘પાણી.’ મેં કહ્યું.
‘આવે છે.’ એ છલકાતો જગ લઈને આગળ ચાલ્યો ગયો : ‘વારાફરતી વારો આવે.’
‘એ લોકો ડિસિપ્લીનમાં માને છે.’ મહેન્દ્ર બોલ્યો : ‘જ્યાં માલિક શિસ્તના આગ્રહી હોય ત્યાં માણસો તો હોય જ.’

અચાનક કોલાહલ વધ્યો. અમે એ દિશામાં જોયું. લોકો કહેતા હતા કે, દુર્લભભાઈએ પેલા જમનારાને તમાચો મારી દીધો હતો. મારું મન જરા ખિન્ન થઈ ગયું. મેં મહેન્દ્રને કહ્યું : ‘એ જમનારાની વાત સાચી હતી. ચાલુ લૉજે અહીં કૂતરાં આંટા મારે અને કોઈની થાળીમાં પાણી પડે તો થાળી બદલી આપવી જ જોઈએ ને ?’
‘તને નહીં સમજાય.’ એ બોલ્યો : ‘ગામડામાં કૂતરાં પણ હોય અને આવા બાઝકણા ઘરાક પણ હોય. એ બંને પાસેથી કેમ કામ કઢાવવું તે આ દુર્લભભાઈ જ બરાબર જાણે છે. આપણને એમાં સમજ ન પડે. દુર્લભભાઈનું મિલિટ્રી મગજ છે. અરે, બે વરસ પહેલાં જ આવી વાતમાં ખૂન થતાં થતાં રહી ગયેલું.’
‘શું ?’ આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. દુર્લભભાઈ અમારી નજીક આવતા હતા, એટલે મહેન્દ્રે નાકે આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો સંકેત કર્યો. એ અમારી પાસે આવ્યા બોલ્યા : ‘ત્યારે શું ? અક્ક્લનો ઓથમીર સમજતો નહોતો. આ તો જનતાની લોજ છે. અહીં તો સૌ સરખા. પરદેશની ગુલામી સહન ન કરી તો તમારી તો શું સહન કરવાના હતા ?’ પછી અચાનક એમનું ધ્યાન અમારા ખાલી ભાણા સામે ગયું. ખાલી ભાણા સામે જોઈને એમણે પૂછ્યું : ‘અરે તમે હજુ જમવા નથી બેઠા ?’
‘પાણી પણ નથી આવ્યું.’ મેં કહ્યું. એમણે અમારી સામે જોયું. પછી બીજી દિશામાં ગુસ્સો વાળી લીધો. બાજુમાંથી પસાર થતા નોકરનું બાવડું થોભીને પૂછ્યું ‘કેમ, હજુ આ સાહેબનું ભાણું નથી આવ્યું ?’ નોકર ગભરાઈને કશુંક બોલવા જતો હતો ત્યાં એમણે એની બોચી પકડીને એક ઝાપટ ઝીંકી દીધી : ‘નાલાયક સામે બોલે છે ? જા લઈ આવ, કહું છું’
ભાણાં પણ આવી ગયાં, પાણી પણ…..પણ ખુલ્લી જગ્યામાં જમનારાઓની અવરજવરથી ધૂળ ઊડતી હતી અને પાણીની સપાટી ઉપર તરતી હતી.

એ અમારી બાજુમાં ખુરશી ખેંચીને બેઠા. બોલ્યા : ‘બેતાલીસની સાલમાં ખાધેલી લાઠીના નિશાન હજુ મારા બરડે સાબૂત છે. પણ એક વખતના અમારા સાથી કોઈ ગવર્નર થઈ ગયા, કોઈ એલચી ગઈ ગયા ક્યાંક, પણ આપણે કદી એવી કોઈ એષણા રાખી નથી. કારણકે…..’ દુર્લભભાઈ આગળ બોલવા જતા હતા ત્યાં વચ્ચે જ એમને અટકાવીને મેં પૂછ્યું : ‘દુર્લભભાઈ, બે ખાલી રકાબી મળશે ? આ ગ્લાસ પર ઢાંકવા ?’
એમની આંખોમાં ગુસ્સાની લકીર ઝળકી-રકાબી મંગાવી, પણ બોલ્યા ‘દેશની ધરતીની ધૂળથી જો આમ ડરશો તો કાંડામાં કૌવત ક્યાંથી આવશે ? અમે તો જેલમાં ચૂલાની મેશવાળા રોટલા ખાધા છે.’

જમીને અમે ઊભા થયા ત્યારે થોડે દૂર જઈને મહેન્દ્રે ગલ્લા પર બીલ ચૂકવ્યું. દુર્લભભાઈનાં પત્ની બીલ લેતાં હતાં. દુર્લભભાઈએ મારી પાસે જ ઊભાં ઊભાં દૂરથી એમને બૂમ પાડી : ‘સાંભળ્યું ? દહીંના પૈસા લઈશ મા. જમવાના જ લેજે. આપણા મહેમાન કહેવાય.’ પછી મારા તરફ જોઈને બોલ્યા : ‘મહેન્દ્રભાઈ સાથે મારે ઘર જેવો સંબંધ…. એમને મારા માટે માન પણ ઘણું.’

જમીને અમે બહાર નીકળ્યા. મેં મહેન્દ્રને પૂછ્યું ‘કેટલું બીલ થયું ?’
મહેન્દ્ર થોડો સંકોચાયો. પછી બોલ્યો : ‘આ લોકો આખું ભાણું નથી આપતા. છૂટક છૂટક વાનગીના છૂટક છૂટક પૈસા લે છે. જેમ કે ભાતના ચાર, રોટલીનો એક-એક રૂપિયો, શાકના ત્રણ….. એમ કુલ અઠ્ઠાવીસ રૂપિયા થયા બે જણાના.’
‘અઠ્ઠાવીસ ?’ મેં નવાઈ પામીને પૂછયું : ‘બહુ કહેવાય, નહિ ?’ (એ જમાનાની આ રકમની વાત છે.)
‘પણ જમવાનું સારું હતું, નહિ ?’
‘હા.’ મને ઘચકારો આવ્યો. મેં કહ્યું : ‘સરસ…. ક્રાંતિના જમાનામાં એમણે ભોગવેલી યાતના આપણને એમના ભોજન દ્વારા પણ સ્પર્શી ગયા વગર રહે નહિ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકાદ વાક્ય…. – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
કેળવણી – અનિલ જોશી Next »   

6 પ્રતિભાવો : ક્રાંતિકારી લોજ – રજનીકુમાર પંડ્યા

 1. manvant says:

  હું માનું છું તે મુજબ શ્રી. રજનીકુમાર પંડ્યા હાલ
  અમેરિકામાં ગુજરાત ટાઇમ્સમાં લેખો આપે છે, તે જ છે !
  એમની સૂક્ષ્મદૃષ્ટિથી લખાયેલો કોઇપણ લેખ શિલાલેખ
  જેવો હોય છે!દુર્લભભાઈનું ચરિત્ર આબેહૂબ ચિતરાયું છે.
  આ લેખનું છેલ્લું વાક્ય સઘળાનો સાર છે. આભાર !

 2. Mitul Koradia says:

  a durlabh bhai ane ajna gandhi vichar vada rudhichustoma bahu fer dekhato nathi .

  gandhi ji na sacha vicharo su chhe te Rajkumar Hirani e Lage raho Munnabhai ma saras batavya chhe …

  Nice Lekh

 3. […] #    રચના     –  1  –  :   –  2  –   :    –  3  –    […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.