પાણીકળો – નાનાભાઈ ભટ્ટ

હું ફંડ કરવા નીકળ્યો ત્યારે સંસ્થાને જે સ્વરૂપમાં મૂકી ગયો હતો તેથી જુદી જાતનું સ્વરૂપ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું. આજ સુધી દક્ષિતામૂર્તિ સ્ટેશન પાસેની ધર્મશાળામાં ચાલતી હતી. અમે ફંડ માટે ગયા કે તરત જ મુ. ઓધવજીભાઈએ સંસ્થા માટે તખ્તેશ્વર પ્લોટ્સમાં એક મકાન ભાડે રાખ્યું. હું પાછો ફર્યો ત્યારે આ નવા લીધેલા ભાડાના મકાનમાં જ સ્ટેશનથી ઘરે આવ્યો. સ્ટેશન પાસેની ધર્મશાળા વિદ્યાર્થીઓના શારીરિક તેમજ માનસિક આરોગ્ય માટે અત્યંત નુકશાનદાયક હતી એ વિશે બેમત ન હોઈ શકે. વિદ્યાર્થીઓ સ્ટેશનના બંધિયાર વાતાવરણમાંથી તખ્તેશ્વર ટેકરીના ખુલ્લા વાતાવરણમાં આવ્યા. દરરોજ વહેલી સવારે ખેતરના વિશાળ મેદાન ઉપરથી ઊગતો સૂર્ય જોવાની તેમને તક મળી. ખુલ્લી હવા, ઉજાસ અને એંશી હાથ ઊંડા કૂવાનું તંદુરસ્ત પાણી – આ બધાં વિદ્યાર્થીઓને મળ્યાં એટલે સૌ રાજીરાજી થઈ જાય એ સ્વાભાવિક હતું પરંતુ મકાનભાડાના આ નવા ખર્ચે અમારી આર્થિક જવાબદારીમાં પણ ઉમેરો કર્યો એમ કહેવું જોઈએ.

તખ્તેશ્વર પ્લૉટ્સમાં રહેવા આવ્યા પછી અમે અમારી જ સામે પડેલા ખાડાટેકરાઓની ઉપર ઘણે જ ઓછે ખર્ચે સંસ્થાનું એક છાપરું ઊભું કરી દેવાનો મનોરથ ઘડ્યો. શરૂઆતમાં હું એવી કલ્પના સેવતો હતો કે થોડીએક વળીઓ તથા વાંસ મેળવી લઈને એક નાનું સ્વતંત્ર છાપરું બંધાવવું અને તેમ કરીને વાર્ષિક ભાડાનો બોજો સંસ્થા પરથી ઓછો કરવો.

આપણું પોતાનું મકાન થઈ જાય તો વિદ્યાર્થીઓના વિકાસમાં ઘણી સારી મદદ થઈ જાય એ વિચારથી રંગૂનથી આવીને થોડા જ વખતમાં મુ. મોટાભાઈ અને હું વળીઓ લેવા માટે ગોધરા ઊપડ્યા અને ત્યાંથી દાનમાં બે વેગન જેટલી વળીઓ મેળવી લાવ્યા. દરમિયાન ભાવનગરના નામદાર મહારાજા પાસે સસ્તા દરથી જમીનની માગણી પણ કરી. બરાબર આ અરસામાં સંસ્થાને સૌથી પહેલું ભૂમિદાન મળ્યું. સ્વ. મણિશંકર ગૌરીશંકર ભટ્ટે પોતાના સદગત પુત્ર પ્રાણજીવનના સ્મરણાર્થે આ પ્લૉટનું સંસ્થાને દાન કર્યું. આ પ્લૉટ ઉપર સંસ્થાના મકાનનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું.

મકાનોની શરૂઆત કરી તે પહેલાં અમારે કૂવો બાંધવાનો હતો. કૂવો ક્યાં બાંધવો તે નક્કી કરવા માટે તળાજાથી એક પાણીકળાને બોલાવ્યો હતો. પાણીકળો લગભગ સાંજના મારી પાસે આવ્યો. મેં તેને દક્ષિણામૂર્તિની જમીન બતાવી, એટલે એણે કહ્યું : ‘મને એક ખાટલો આપો ! મારે આ જમીનના જુદાજુદા ભાગો પર સૂવું પડશે અને ક્યાં પાણી નીકળે તેવું છે તે જોવું પડશે.’

‘ભલાભાઈ ! તમે ખાટલામાં સૂશો ત્યારે તો રાત પડી ગઈ હશે. રાતે તમને શી રીતે દેખાશે કે પાણી અહીં છે ?’ મેં પૂછ્યું.
‘સાહેબ, તમે ભણેલા લોકો અમારી વાત ન સમજો. અમે લોકો પાણી ક્યા ભાગમાં વહેતું હોય છે તેને સાંભળી શકીએ. હું પણ તે જ રીતે પાણી કળું છું અને મારું કળેલું પાણી ન નીકળે તેવું હજી બન્યું નથી.’ પાણીકળાએ વિસ્તારથી જવાબ આપ્યો.
મેં આ પાણીકળાને કાથી ભરેલો ખાટલો, ગોદડું આપ્યાં. તેણે રાત આખી જમીનના જુદા જુદા ભાગો પર ખાટલાને ફેરવ્યો અને સવારે મારી પાસે આવીને કહે :
‘સાહેબ ! આ ઢોરા પર પાણી નીકળશે.’
‘ઢોરો તો બહુ ઊંચો છે, આ ખાડામાં ક્યાંય નહિ નીકળે ?’ મેં પૂછ્યું.
‘ખાડામાં પાણીની કસ નથી તેથી નહિ આવે.’
હું ઘડીભર મૂંઝાયો. ઢોરા પર નીકળશે કે કેમ તેની મને શંકા પડી. તે કહે : ‘સાહેબ ! આ નિશાનવાળી જગ્યાએ કૂવો ખોદાવો. ત્યાં પાણી ન નીકળે તો એ ખાડામાં મને ઊભો ને ઊભો દાટજો ! તમે કૂવો ખોદાવો, અને પાણી નીકળે ત્યારે મને બોલાવજો !’

પાણીકળો જતાં-આવતાંનું ભાડું પણ લીધા વગર, આવ્યો હતો તે જ રીતે ચાલીને, તળાજા પહોંચી ગયો. જ્યાં પાણીકળાએ ખીલી મારી હતી ત્યાં કૂવો ખોદવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં પાણી નીકળ્યું. મેં પાણી ચાખી જોયું તો મીઠું લાગ્યું. એટલે મેં પેલા પાણીકળાભાઈને બોલાવ્યા. તે આવ્યા, તેણે પાણીનો વીરડો તપાસ્યો અને પછી નાળિયેર, સાકર વગેરે મગાવીને ત્યાં વધેર્યાં, અમને સૌને પ્રસાદી આપી, અને સવા રૂપિયો અમારી પાસેથી માગીને હરિજનોને વહેંચવા માટે અમને પાછો આપ્યો.

પાણીકળાને પાણી નીકળ્યું તેની ખુશાલીમાં કાંઈક આપવાની અમે ઘણી મહેનત કરી, પણ તેણે તો કંઈ પણ લેવાની મુદ્દલ ના પાડી. તે કહે : ‘ભાઈ, જે દહાડે પાણી કળવા માટે હું કાંઈ પણ સામા પાસેથી લઉં તે દહાડે આ મારી વિદ્યા વહી જાય, એમ મારા ગુરુએ મને કહ્યું છે. લોકોને કૂવા જોઈ આપવા એ તો પરોપકારનું જ કામ છે અને આ વિદ્યા તો મને મારા ગુરુએ આપેલી વિદ્યા છે; મારા પોતાનામાં કાંઈ શક્તિ નથી.’ એટલું કહીને પહેલા વખતની માફક આજે પણ તે કશુંય લીધા વગર પગપાળા ચાલીને પાછા તળાજા પહોંચી ગયા.

આ પાણીકળાએ મને વિચાર કરતો કરી મૂક્યો. આ પાણીકળાની વિદ્યા સાચી કે મારી વિદ્યા સાચી ? આ પાણીકળો સાચે ત્યાગમૂર્તિ કે કૉલેજ છોડીને કીર્તિ ખાટનારો હું સાચો ત્યાગમૂર્તિ ? હજી આજેય આટલાં વર્ષો પછી પણ આ પાણીકળા આગળ મારું મસ્તક નમે છે, અને આપણા દેશનાં ભલાંભોળાં સાદાં ગ્રામવાસીઓ પાસે ગુરુગમની જે ચાવી હતી તે ચાવી આપણે ગુમાવી બેઠા છીએ, એ વાતની ભોંઠપ પણ મને આવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ
ફૂંકણિયાવિભૂષણ ! – બકુલ ત્રિપાઠી Next »   

15 પ્રતિભાવો : પાણીકળો – નાનાભાઈ ભટ્ટ

 1. gopal hparekh says:

  prernadayak satya ghatna, salam panikalane temaj nanabhaine

 2. Amol Patel says:

  Varsho pahela aaj varta me school ni text book ma vaanchi hati, aaje fari vanchi ne jane e yado taji thai gai.

  Abhar

 3. Keyur says:

  Aa Paanikala nu man to aapan ne na kalay eevu che. Aa kalyug maa satyug ni vyakti aavi rite vasti hashe teni vaat kehva badal lekhak no khub khub aabhar. School ma aa vaarta vaanchi hati teni yaad taaji thai.

 4. excellent fact…we are eager to read such truths.

 5. Aniti says:

  Nice!!!

  Thanks for such a great truths.

 6. dmkhatri says:

  અત્યંત સુંદર લેખ.. માણસ ની કિમત તેના વેષથી નહિ, પણ તેના કાર્ય થી થાય છે…
  જુના ગુજરાતી પાઠ્ય-પુસ્તક ની આ સુંદર વાર્તાએ મારા શાળા ના દિવસો યાદ કરાવી દીધા.
  અત્યાર નો નવો અભ્યાસ ક્રમ ભવિષ્યની પેઢીને આવા સંસ્મરણો વાગોળવાની તક આપશે કે કેમ તે એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. પાઠ ની માત્ર અને માત્ર એક એક લીટી ગોખાવતો અને આપણા સંસ્કારો થી દૂર કરાવતો આ નવો અભ્યાસ ક્રમ બાળકો નું બાળપણ અને નવું શિખવાની ધગશ, જોવા-જાણવાની આકાંક્ષા ગુંગળાવે છે.

  વિચારો માતા-પિતા, જાગો અને બાળક ને તેની ભાષામાં ભણાવો.

  એક માતૃ-ભાષા પ્રેમી..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.