ફૂંકણિયાવિભૂષણ ! – બકુલ ત્રિપાઠી

[ વ્યસનમુક્તિ અંગે નામાંકિત હાસ્યલેખકોની વિનોદિકાઓનો સમાવેશ ધરાવતા પુસ્તક ‘છોડો વ્યસન સંગ’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ, પુસ્તકના સંપાદક ડૉ. ભરતભાઈ પરીખ (અમદાવાદ) તેમજ ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં આપેલી વ્યસન છોડવા અંગેની હાસ્યસભર કૃતિઓ સમયાંતરે રીડગુજરાતી પર માણતા રહીશું. ]

બિચારા ફૂંકણિયાભાઈઓને – સિગારેટ પીનારાઓને – બહુ જ અન્યાય કરવામાં આવે છે. સિગારેટ એ કેન્સરના રોગનું મૂળ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે એ વાત ખરી, પણ એમાં શું થઈ ગયું. જે ખરા સિગારેટિયાભાઈઓ છે તે તો આ જાણે છે. અરે, સિગારેટની ઉપર પણ ચેતવણી લખી હોય છે છતાં એ ફૂંક્યા જ કરે છે, ફૂંક્યા કરે છે તે શા માટે ? એક શૌર્યભાવનાને ખાતર, હિંમત બહાદૂરી બતાવવા ! ‘કિસી કી પરવાહ નહીં !’ એવું પુરુષાતન બતાવવા !

એ ભાઈઓને તો ફૂંકણશ્રી, ફૂંકણભૂષણ અને ફૂંકણવિભૂષણની પદવીઓ આપવી જોઈએ.

image1 તમે ખરો ફૂંકણિયો જોયો છે ? એકાદ અડધી સિગારેટ પીને ચૂપ થઈ જનારો કે ન જ રહેવાય તો દિવસમાં એકાદ બે સિગારેટ પી લેનારા – પાછા આપણને ‘સોરી’ પણ કહી દે એ તો બિચારા ગલુડિયાં કહેવાય. શરૂ શરૂના એપ્રેન્ટીસો ! હજી તો એ શીખે છે. આજે નહીં, ભવિષ્યમાં તમે જોજો એનું ફૂલફોર્મ ફૂંકણિયારૂપે પ્રગટશે ત્યારે. આપણને એવા ફૂંકણિયા આપણી આસપાસ ઘણા જોવા મળે છે કે જે દુશ્મન જોડે તલવાર વીંઝતા ઘા પર ઘા કરતા મર્દની જેમ સિગારેટ પર સિગારેટ ફૂંક્યે રાખતા હોય, હવામાં ધુમાડા કાઢતાં હોય અને એકાદ બે વાર તમારા મોં પર ફૂંઉઉઉ કરીને ધુમાડો છોડી લેતા હોય !
આ ખરા ફૂંકણિયા !

પછી તમે ધુમાડો આમતેમ વિખેરી નાખવા કંટાળીને હાથ આમતેમ કરતાં હોય ત્યારે ફૂંકણિયાશ્રી મલકાય ! જો સામે પ્રિયતમા હોય અને બિચારી પ્રેમમાં બરાબર ફસાયેલી હોય, તો આ ફૂંકણિયાશ્રી ખડખડાટ હસે અને પેલી નહીં નહીં કરતી રહે અને આ બીજી વાર તોપગોળો છોડે – ધુમાડાનો !

સિગારેટ પીનારામાં કેટલાક શિખાઉ ફૂંકણશ્રીઓ હોય છે, કેટલાક લાચાર ફૂંકણશ્રીઓ હોય છે અને કેટલાક દેખાદેખી છાપ ફૂંકણશ્રીઓ હોય છે. આ બધા વચ્ચે સિંહ જેવો જે ફૂંકણશ્રી ફપ….ફપ….ફપ… ધુમાડા કાઢતો હોય છે એ તમને ઠેર ઠેર જોવા મળશે. અને બે હાથે વંદન કરજો, કારણ એ શહીદ છે, પોતે કોઈ શક્તિશાળી સિકંદર છે એવા સ્વપ્નમાં રાચતો અને છેવટે થોડાં વર્ષો પછી ખોંખોં ખોંખો કરતો કેન્સર હૉસ્પિટલની ભૂમિ પર ઢળી પડતો વીર શહીદ છે ! આજનો ફૂંકણિયો એટલે આવતી કાલનો શહીદ ! તમને ફૂંકણશ્રી આમતેમ તમારી પાડોશમાં, ઑફિસમાં, બજારમાં, મિત્રોમાં જોવા ન મળે તો કૅન્સર હૉસ્પિટલમાં પહોંચી જાઓ. (ઓફકોર્સ, પ્રેક્ષક તરીકે)…. ત્યાં તમને લગભગ શહીદીને આરે પહોંચી ગયેલા કેસરિયા કરી ચૂકેલા મૂર્ખ પુરુષો – સૉરી ખોટું લખાઈ ગયું, વીરપુરુષો જોવા મળશે.

img2 અમદાવાદ, મુંબઈ, રાજકોટ, જામનગર વિવિધ શહેરોમાં કેન્સર સોસાયટીઓ છે. એમને કોણ જાણે શી ધૂન ચડી છે તે એ લોકો આ ફૂંકણિયાઓને પાછા વાળવા માગે છે ! હમણાં મારા મિત્ર ડૉ. દેવેન્દ્ર પટેલ અને ડૉ. પંકજ શાહ અને તેમાં વધારે (મારા મિત્રો હોવા છતાં !) કેન્સર ડિટેકશન અને પ્રિવેન્શન કેન્દ્ર કાઢ્યું.
મને ફોન પર કહે : ‘તમે આવો.’
‘શું કામ ?’
‘કેન્સર અટકાવવાની સહાય આપવા, તે માટે નાં તમારા સાધનો, એ માટેનું હંમેશનું પ્રદર્શન વગેરેની અમે ત્યાં વ્યવસ્થા કરી છે. એ માટે અમે મોટું ડોનેશન મેળવ્યું છે……’
‘મને એ ડોનેશનમાંથી અડધો ભાગ આપો !’ મેં કહ્યું.
‘તમારા જેવા જો આ સેન્ટરનો ઓનરરી ચાર્જ સંભાળવા તૈયાર થાય તો તો આખુંય ડોનેશન તમને સોંપી દઈએ.’ કેન્સર ડૉકટર પંકજભાઈએ કહ્યું.
કેન્સર ડૉ. દેવેન્દ્ર જરા સમજદાર અને મને બરાબરના ઓળખે એટલે કહે, ‘આખુંય કેન્દ્ર તમને સોંપી દેવાની વાત તો પછીથી કરીશું પણ આ રવિવારે જોવા આવો, હું તમને મારા ખર્ચે કોફી પાઈશ !’ અમારી વાકધારા આગળ ન ચાલી.

imag3 મારો ઈરાદો છે આવડું મોટું ડોનેશન મેળવી અમદાવાદમાં શહીદવીર ફૂંકણિયા સેન્ટર સ્થાપવાનો ! ત્યાં અમે નાના-નાના છોકરાઓને બોલાવીને સિગારેટ પીવાથી કેવુંક સિકંદરપણું અનુભવાય છે તેની વાત કરીશું. બે કે પાંચ રૂપિયાની સિગારેટ મોંમાં મૂકીને ધુમાડા કાઢતાં કાઢતાં તો જાણે એક જ સાથે સિકંદર, નેપોલિયન અને લલ્લુપ્રસાદ ત્રણેય જેવા મહાન લડવૈયા એક સાથે હોય એવો ભાવ અનુભવી શકશો. આ કંઈ જેવો તેવો ફાયદો નથી. તમારામાં મર્દ બનવાની તાકાત ન હોય, તમને અંદરથી સતત નમાલાપણાની અનુભૂતિ થયા કરતી હોય, અરે, જીવનમાં કશીય કંઈ બહાદુરી બતાવવાનો વિશ્વાસ ન હોય ત્યારે… સિગારેટ ફૂંકો ! તમે બે ઘડી તો જાણે પોણો લાખની રંગીન મોટરસાઈકલ પર બેસી, પાછળ તમને પસંદ એવી કોઈ પણ પ્રિયતમાને બેસાડીને સી….ધા જ ચંદ્રલોકમાં હંકારી જતા હશો એવો અનુભવ થશે !

img4 અરે, પછી આગળ જતાં તો ખરેખર સ્વર્ગે પહોંચી જશો, કારણ ખરેખરી સ્વર્ગની સીડી એ ધર્મધ્યાનમાં નથી પણ સિગારેટ પીવામાં છે ! વચ્ચે થોડાં વર્ષો લાગશે, પણ ફૂંકતાં ફૂકતાં, ખોંખોં ખોંખોં કરતાં કરતાં મારા ભાઈ, તમે પાંચ પંદર વર્ષે સ્વર્ગમાં ખરેખર પહોંચી જવાને લાયક બની જશો ! તમારી કંગાળ પ્રિયતમા હવે તો પત્ની તમને પૃથ્વી પર રોકાઈ જવાનો આગ્રહ કરશે પણ સાચો ફૂંકણિયો એમ કંઈ પત્ની, બાળકોની માયાથી લલચાઈ ન જાય ! એ તો ખોં ખોં ખોં ખોં કરતો પહોંચી જ જાય ઉપર ઊંચે ફૂંકણલોકમાં…. જ્યાં એણે બસ, ઊંધે માથે લટકીને ચોવીસ કલાક…. અનંત સમય કલ્પિત સિગારેટો ફૂંક્યા જ કરવાની છે….. ફૂંક્યા જ કરવાની છે…..

અને છેલ્લે વાત – ફૂંકણલોકની….. ફૂંકણિયાઓના સ્વર્ગની. તમે નહીં માનો , કદાચ ખરી ન હોય…. ફૂંકણિયાઓને લલચાવવા માટે કોઈ ટોબેલો કંપનીએ બનાવી કાઢેલી પણ હોય, પરંતુ આ પૃથ્વી પર તો તમને ખોંખોંનું સ્વર્ગ મળે જ છે. એ માટે ટોબેકો કંપનીઓ બિચારી ટીવી પર રંગરંગીન જાહેરખબરો માટે કરોડો ખર્ચવા તૈયાર છે. ટીવીવાળા કહે છે હવે એવી જાહેરખબરો લેતા નથી….. પણ…. જવા દો એ બધી કકળાટની વાતો…..

મારો તો ઈરાદો છે કેન્સર પ્રિવેન્શન સોસાયટીવાળા અડધું ડોનેશન મને આપી દે તો ‘ગો-ટુ-હેવન ફૂંકણિયા કલબ’ સ્થાપવાનો. ત્યાં અમે વાર્ષિક સ્પર્ધા ગોઠવીશું અને જે ફૂંકણિયો સતત 24એ, 48, 72, 101 કલાક ચેઈન સ્મોકિંગ કર્યા કરે એને ફૂંકણશ્રીનો ઈલ્કાબ આપવો, જે 1000 કલાક સળંગ ચેઈન સ્મોકિંગ કરી બતાવે તેને ફૂંકણવિભૂષણ બનાવવો વગેરે….વગેરે….વગેરે.

તકલીફ એક જ છે. ગવર્નરશ્રી પેલા કેન્સર પ્રિવેન્શન સેન્ટરનું ઉદઘાટન કરવા ગયા. અમારા નવા કેન્સર પ્રોમોશન સેન્ટર… સૉરી, સૉરી સિગારેટ પ્રોમોશન સેન્ટરનું ઉદ્દઘાટન કરવા ગવર્નરશ્રી નહીં જ આવે. હું એમનો સ્વભાવ જાણું છું ને ! એટલે પછી અમારે કોક બીજી સન્માનનીય વ્યક્તિ જોઈશે ઉદ્દઘાટન કરાવવા…. કોને બોલાવીશું ?

તમે જાણો છો કે મારે સર્વ દેવદેવીઓ જોડે ટેલિફોનિક સંબંધો છે. ખુદ યમરાજાને ટેલિફોન કરીને પૂછી જોઉં ? કે આપ સિગારેટ પ્રોમોશન સેન્ટરનું ઉદ્દઘાટન કરવા આવશો ? તમારું જવા-આવવાનું પાડાભાડું અમારે ત્યાંથી કોઈ ટોબેકો કંપની ડોનેટ કરવા જરૂર તૈયાર થશે.

img5

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાણીકળો – નાનાભાઈ ભટ્ટ
લાલન પાલન – બી. એન. દસ્તૂર Next »   

13 પ્રતિભાવો : ફૂંકણિયાવિભૂષણ ! – બકુલ ત્રિપાઠી

 1. kishan moradiya says:

  aaj che jivan ni sachi kankotri aapna funkaniya bandhuo mate. dhanyache e funkania bhaio karan k teo to duniya na population par ekdam chintatur lage che, ane etlej vasti ghatado karva mage che fuki fuki ne. jay fukaniya devni.

 2. jawaharlal nanda says:

  KHAREKHAR KHUB J SARAS LEKH CHHE

 3. હાસ્યપદ શૈલીમા રજુઆત , 🙂

 4. Gira says:

  You know.. this KANKOTRI and these posters should be distributed to each and every person who does this MAHAN work(smkoing). And we should let them know that what are the benefits and loss of quitting smoking/to continue smoking.

  I really like this article, but I really want,”THOSE PEOPLE WHO DO SMKOE”, them to visualize the shame that they are holding by smoking. We should hand this article to them in a person and make them read. I really want them to realize that, whatever they are doing is totally UNCOOL.

  Anyways, but the article and those little banner/posters were funny.Thanks.

 5. Neela Kadakia says:

  હાસ્ય સાથે ઘણું બદુ સમજાવી દીધું છે
  good sense of humore

  નીલા

 6. Nirav Min says:

  “ધ્રુમ્રપાનમ્ મહાદાનમ્ ગોટે ગોટે ગૌદાનમ્”

  ખરેખર આ લેખ મા વ્યસન વીસે સરસ વ્યંગ કરેલ છે.
  સ્વ. શ્રી બકુલભાઈ ને હદય પૂર્વક શ્રાદ્ધાંજલી…….

  નીરવ મીન – દ્વારકા
  જય દ્વારકાધીશ.

 7. Suhas Naik says:

  Smoking thrills but it kills…very good article…Thanks…!

 8. jatin says:

  હુ ખુબજ સિગારેટ પિવ ચુ તો મારે તે ને મુકવા માટે ઉપાય જો તો ચે.

  ક્રુ પિયા તમે મને મારિ ઇમેલ ઇડિ પર મેઇલ મોકલો.

  તમારો આભાર્………………….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.