લાલન પાલન – બી. એન. દસ્તૂર

[‘સ્ત્રી’ સામાયિકમાંથી સાભાર ]

એક સૂફીવાર્તા.
બે દરવીશો સફરે નીકળ્યા. એક હતો અલમસ્ત. ચાર ઈન્સાનોનું ખાઈ જતો. મસ મોટી પાણીની મશક સાથે રાખતો જેથી તરસ કોને કહેવાય તેની એને ખબર જ ન પડે. ઊંટ મળે તો ચાલવાની તકલીફ ન લે. બીજો હતો સૂકલકડી. આખા દિવસમાં બે નાન મળે તો ભયોભયો. રણમાં આખો દિવસ પાણી ન મળે તો વાંધો નહીં. રણમાં એક દિવસમાં પાંચ-દશ ફરલાંગ ચાલી નાખે.

એક કસબામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખોટા આરોપસર કોટવાલના હાથે ચડી ગયા. નાખ્યા એક કોટડીમાં. ન ખાવાનું, ન પીવાનું. ગુનો કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી બંધ, બે દિવસ, ત્રણ દિવસ વીતી ગયા. સારે નસીબે સાચો આરોપી પકડાઈ ગયો. અને આ દરવીશોની કોટડી ખોલી એમને મુક્ત કર્યા. પણ પેલો સુકલકડી જ બહાર આવ્યો. અલમસ્ત ભૂખ અને તરસથી ઉકલી ગયો હતો. લોકો અજબ થઈ ગયા. એક ડાહ્યા ઈન્સાને કહ્યું : ‘પેલા અલમસ્ત દરવીશે ભૂખ અને તરસનો મુશ્કેલીઓનો અનુભવનો’તો કર્યો. શરીર અને મન ભૂખતરસ માટે તૈયાર નહતાં. પેલો સીધો સોટા જેવો દરવીશે ભૂખ તરસ જોયાં હતાં. જીવી ગયો.’ આ કથામાં માવતરો માટે સંદેશો છે.

તમારાં બાળકને તમે આજે, એ પાણી માગે ત્યારે દૂધ આપો છો. નિશાળે મોકલો છો મર્સિડિઝમાં, એનાં બૂટ નાઈકીનાં છે. ડાર્ક ગ્લાસિસ રેબેનનાં છે, લા-કોસ્તેનું ટી શર્ટ છે. લી-વાઈસનું જીન્સ છે, એનો અંગત ટી.વી છે, ડી.વી.ડી પ્લેયર છે. આ બધું છે નાણાંની બદૌલત અને નાણાંના ફક્ત બે ઉપયોગ છે – વાપરો અને દાન કરો. પૈસા હોય તો વાપરવામાં કાંઈજ ખોટું નથી. પણ ખતરો એ છે કે બાળકને આ સગવડો આપી તમે એને આવતી કાલના સંઘર્ષ માટે તૈયાર કરવામાં કાચા પડો છો.

બાળકે એવી દુનિયામાં આગળ વધવાનું છે જ્યાં સ્પર્ધા હશે ગળાકાપ અને આંતરરાષ્ટ્રીય અને તકોની પણ ભરમાર હશે. સ્પર્ધાનો સામનો કરવા અને જેટની ઝડપે આવતી અને અલોપ થઈ જતી તકોને પકડવા માટે જરૂરી પડશે ઊંચી ‘અડેપ્ટેશન લેવલ’ ની. દુનિયામાં આગળ વધવા માટે જરૂર પડશે ઊંચી આવડતોની, બહોળાં જ્ઞાનની, મજબૂત મનની, તંદુરસ્ત શરીરની. નાની ઉંમરે પાણી માગો અને દૂધ મળે તો તરસ્યા રહેવાની નોબત આવે તો ઉકલી જવાય – પેલા અલમસ્ત દરવીશની જેમ.

બાળકે આવતી કાલે પાંચ માઈલ ચાલવાનું છે. માટે આજે એને દશ માઈલ ચલાવો. એની અડેપ્ટેશન લેવલ ઊંચી જશે અને એ પેલા પાંચ માઈલ રમતાં રમતાં કાપી નાખશે. પી.ટી. ઊષા જેવી એથલિટ 100 અને 200 મીટરની રેસની તૈયારી કરતાં 100 અને 200 મીટર દોડતી નથી. દશ ગણું દોડે છે પ્રેકટિસમાં અને તે પણ રેતીમાં, સામા પવને, ટેકરી ચડતાં. શરીરમાં અને મનમાં તાકાત આવી જાય. સાચી રેસના દિવસે એના પગમાં અદ્યતન ‘રનિંગ શુઝ’ હોય. પગ નીચે સીન્ડર ટ્રેક હોય, રેતી નહીં. દોડવાનું સપાટ ટ્રેક ઉપર, ટેકરી ચડવાની નહીં. હવે 100 મીટર દોડવું, પ્રેક્ટિસની સરખામણીમાં બચ્ચોં કા ખેલ જેવું લાગે.

છેલ્લા ત્રીસ વર્ષથી શાહીબાગમાં રહું છું. શેઠીયાઓનાં લાડકોડમાં ઉછરેલા બાળકોને પેહેલી ઠોકરે જ પડી જતાં જોયાં છે. રોકડા 500 ફૂટ દૂરથી મારે ઘરે મારી પત્ની પાસે ઍમ્બોઈડરી શીખવા એક બેબી બહેન આવતાં ઈમ્પોર્ટેડ કારમાં. ટ્યૂશન પતે એટલે બેબી ફોન કરે ‘મમી કાર મોકલ.’
અને એ બેબી બહેન બેબી મટી ‘મિસ’ બન્યાં અને એક ગરીબ છોકરાને પ્રેમ કરી બેઠાં. જીદ કરીને પરણ્યા અને છ મહિનામાં બેક ટુ પેવેલિયન. સાસરામાં ન રસોઈયો, ન નોકર, ન માળી, ન આયા અને ન કાર. પ્રેમનાં ઝાડને પૈસાનું ખાતર જોઈએ તે વાતની આ મિસને મોડી મોડી ખબર પડી. સંઘર્ષ કરી ઉપર ઉઠવા પતિને કોઈ પણ ટેકો એ આપી શકી નહીં.

અને જિંદગીમાં એવાં માવતરોને જોયાં છે જે ઘરમાં ચાર કાર હોવા છતાં બાળકોને રિક્ષામાં જ નિશાળે મોકલે. રસોઈમાં સક્રિય ભાગ લેવડાવે. બે કલાક હોમવર્ક બાદ એક કલાક જનરલ નોલેજ વધારવાની પ્રવૃત્તિ ફરજિયાત. ખિસ્સામાં રોજના પાંચસો મૂકવાની ત્રેવડ છતાં મૂકે દશનું પત્તું. મોબાઈક ભલે ચલાવે, સાઈકલ ચલાવવી કમ્પલસરી.

‘સંબંધ સરખે સરખા વચ્ચે હોય’ એવી વડીલોની વાત સાવ ફેંકી દેવા જેવી નથી. જેને પાણી માગતા દૂધ મળે એને તરસ લાગે તો એ કૂવાનું પાણી પી શકે નહીં. એકવીસમી સદી અનિશ્ચિતતાની સદી છે. ક્યારે શું થશે, થઈ બેસશે તે કોઈ કહી શકતું નથી. આ સદીમાં તમારાં બાળકને જોરદાર પ્રગતિ કરતું જોવાનો આનંદ લેવો હોય તો એને મુશ્કેલીઓ પચાવવાની તાલીમ આપો. ઘરમાં ચારસો લીટરનું ફોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર ભલે હોય, બાળકને મટકાનું પાણી પણ પીવાની આદત પાડો અને દૂધ માગે ત્યારે પાણી આપો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂંકણિયાવિભૂષણ ! – બકુલ ત્રિપાઠી
અમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા Next »   

15 પ્રતિભાવો : લાલન પાલન – બી. એન. દસ્તૂર

 1. Neela Kadakia says:

  ખરેખર આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.
  નીલા

 2. દસ્તુર સાહેબ ના લેખો , ખરેખર ચેતનવંતા જ હોય છે – સમયલક્ષી, પોઝીટીવ વિચારો અને જીવન જીવવાની કળા શીખવતા.
  સરસ બોધક વાત તેઓ એ જણાવી છે.
  આભાર.

 3. dharmesh says:

  thanks dastoor saheb, tamari vaat j kai alag chhe, tamari nazar chhe kai alag kai khaas jovani, pranam

 4. Kavita says:

  Very good lession for todays parenting. We all need ti learn & practice this value.

 5. વિજયસિંહ મંડોરા says:

  દસ્તુર સાહેબનો આ લેખ ખુબ જ સાચો માર્ગ બતાવે છે એ મા-બાપો ને જેઓ પોતાના સંતાનને જરા પણ તકલીફ સહન કરવા દેતા નથી. દસ્તુર સાહેબના બીજા લેખો પણ વાંચવા ગમશે જ. અભિનંદન દસ્તુર સાહેબ અને આભાર.

 6. JAWAHARLAL NANDA says:

  saras, MAJA AAVI GAYI, DASTOOR SAHEB N LEKH PRERNA DAYAK HOY CHHE, KAYAM

 7. JATIN says:

  i m great fan of b.n dasture. he is my favourate news paper writer along with sarad thakar.
  dastur from sandesh
  thakar from gujarat samachar now in divyabhaskar.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.