અમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા

કેટલીક અજાણી વ્યક્તિ દ્વારા અનાયાસે એવું શિખામણ-વાક્ય નીકળી જાય કે જિંદગીભર યાદ રહી જાય. શિખામણ આપનારી વ્યક્તિને કદાચ એ યાદ હોય કે ન હોય !

લગભગ વીસેક વર્ષની ઉંમર એ વખતે. કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા આપી. હું નવરો પડ્યો, પણ એ નવરાશ માણું ન માણું તે પહેલાં પિતાએ મને એક ઠેકાણે કામે વળગાડી દીધો. આ ‘કામે વળગાડવાનું’ કારણ એક જ – ‘છોકરાને અનુભવ મળશે, ગરમ લોહી થોડું ઠંડુ થશે અને દુનિયાદારીનું ભાન થશે.’ એવી પિતાની ગણતરી. એ જમાનામાં દરેક પિતા પોતાના પુત્રને પોતાને અનુરૂપ હોય એવી નોકરીએ વળગાળતા કે ધંધો કરાવતા. પિતાની ઈચ્છા પણ મને ધંધો કરાવવાની હતી કારણકે પોતે કમિશન એજન્ટનો ધંધો કરતા હોવાથી એમાં મને પલોટવાની એમની ઈચ્છા.

એ વખતેય એવું કહેવાતું કે પારકી મા જ કાન વીંધી શકે. મારા કાન વીંધવા માટે પિતાએ એક એવા વેપારીની પસંદગી કરી કે જે એમના સમોવડિયા હતા. એક જ પ્રકારનો ધંધો, પણ માલ અલગ. મારા પિતા અનાજનો જથ્થાબંધ વેપાર કરતા તો પેલા વેપારી રણછોડલાલ કેરી, કેળાં, નાળિયેર, ગુંદાં, શેરડીનો વેપાર કરતા.

ઉનાળાના વેકેશનમાં મને રણછોડલાલની પેઢીમાં કામ શીખવા મોક્લ્યો. પ્રાંતિજ રેલવે સ્ટેશનથી થોડે દૂર ખુલ્લી જગામાં રણછોડલાલે કામચલાઉ શમિયાણો બાંધેલો. અહીં આજુબાજુના ખેડૂતો ગાડાં ભરી ભરીને કાચી કેરીઓ વેચવા આવે. રણછોડલાલની પેઢીનાં લગભગ બાંધેલા ગ્રાહકો દૂર દૂરથી ખટારાઓ લઈ કેરી ખરીદવા આવે. રણછોડલાલની પેઢી ખેડૂતોની કેરીઓ યોગ્ય ભાવે વેચાવી વેચનાર-ખરીદનાર પાસેથી કમિશન લઈ લે.

આંબે કેરીઓ ઝૂલતી થાય કે ખેડૂતો વહેલી સવારથી, સાડા-ત્રણ કે ચાર વાગ્યાથી, ગાડાંઓ લાવવા શરૂ કરી દે. મારે એ ખેડૂતોની પેઢી તરફથી સરભરા કરવાની. ચા-પાણી, ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરાવી એમના માલને યોગ્ય જગ્યાએ ઉતારવો. શહેરની બાંધેલી લોજની કુપનો આપી પેઢી તરફથી જમાડવા અને સોદો થઈ જાય પછી કેરીઓને જોખાવવા સુધીની પ્રક્રિયામાં મારે હાજર રહેવાનું. આમ તો મારે દશ-બાર કલાકની ડ્યુટી. સાંજે સાત વાગ્યા પછી મારે અચૂક પેઢી પર હાજર રહેવું પડતું પણ પેઢીના માલિક રણછોડલાલ એવી રીતે કામ ખેંચાવતા કે કલાકોની ગણતરી રહેતી નહીં. ક્યારેક 12-14 કલાક સુધી કામ કરવું પડતું. કામથી એવા થાકી જઈએ કે ટ્રેન પકડી ઘેર જવાનું મન ન થાય, નહિતર મારા ઘર દેહગામ સુધીની સફર કંઈ લાંબી નહોતી. જોકે રણછોડલાલ કામ એવી રીતે ખેંચાવે કે ઘેર જવાની ટ્રેન જ ચૂકી જવાય. પછી તો મોટા શમિયાણાના એક ખૂણે ઘાસ પર પાથરણું પાથરીને સૂઈ રહેવું પડે. બપોરે ઊઠીને રેલવે સ્ટેશનના નળે સ્નાન વગેરે પતાવી, વધેલા ગાંઠિયાનો નાસ્તો કરવાનો અને ચા પીવાની.

મારી ડયૂટી સાંજે સાત વાગ્યાથી વહેલી સવાર સુધીની પણ બપોરે જરાક નવરો પડું કે રણછોડલાલ મને પકડી લેતા – ‘અરે ભઈલા, શું કરે છે તું ? એક કામ કર ને ! ઉનાવાથી થોડાં ગાડાં આવ્યાં છે. તું એની કેરીઓ ઉતરાવવાની વ્યવસ્થા કર. અને હા, પછી લૉજમાં એને જમાડવા લઈ જા. જોકે ત્રણ વાગ્યા છે. લોજ બંધ થઈ ગઈ પણ હોય, છતાં મારું નામ દેજે એટલે પૂરી-બટાટાનું શાક કરી જમાડી દેશે.’ આમેય, રણછોડલાલની પેઢીની કુપનનું જમણ એટલે માત્ર પૂરી-બટેટાનું શાક. રસાવાળા શાકમાં બટેટા શોધવા પડે પણ સાથે કાચી કેરીનું અથાણું હોય, ડુંગળીનાં દડબાં હોય એટલે કામ ચાલી જતું.

રણછોડલાલે અમારા જેવા જે થોડાંને નોકરીએ રાખેલા એને પણ આ જ કુપન અપાતી. લોજવાળાને રણછોડલાલે શું સાનમાં સમજાવી દીધેલું કે એવું જ ભાણું અમને પીરસતો. કાચી-પાકી તળેલી પૂરીઓના ડૂચા મારીને પેટ ભરવું પડતું.

ઉનાળો પૂર બહારમાં ચાલતો હોવાથી પેઢી પર ગાડાંઓની આવક વધતી ચાલી. સાધારણ રીતે બપોરના બાર એક વાગ્યા પછી ગાડાંઓ આવે નહિ પણ હવે તો ગમે તે સમયે બળદોની ઘૂઘરીઓ સંભળાવા લાગે. થોડીવારમાં વિશાળ શમિયાણામાં કેરીઓના ડુંગરા ખડકાવવા શરૂ થઈ જાય.

સતત ચોવીસ કલાકની નોકરી જેવી આ કામગીરીથી હું પંદર જ દિવસમાં કંટાળી ગયો. કામ કરવાના કલાકો નિશ્ચિત નહીં, સૂવા-ઊઠવાનાં ઠેકાણાં નહીં, ભરઊંઘમાં હોઈએ તો ઉઠાડીને પણ શેઠ કામ ચીંધી દે. ચા-પાણી, નાસ્તો લોજવાળો જે આપે તે જમી લેવાનું અને ઘેર જવાનું તો નામ નહિ. રણછોડલાલ શેઠને મારી શું પડી હોય ? એને તો આ ઉનાળો ગજવામાં ભરી લેવો હતો. જેટલું કમાય એટલું કમાઈ લેવાનું, હું મરું કે જીવું એમાં એને શું ?

એક રાત્રે કેરીનો ખટારો રવાના કરી રાત્રે સાડા બારે લોજમાં જમવા ગયો ત્યારે લોજવાળાએ જમવાની ના પાડી દીધી. બહુ કરગર્યો ત્યારે એણે કુપન લઈ મને બે ત્રણ જાડીપાતળી રોટલીઓ અને અથાણું આપી કહ્યું : ‘હવે પછી અગિયાર વાગ્યા બાદ આવશો તો જમવાનું નહીં મળે.’
‘પણ શેઠ છોડે ત્યારે જમવા આવું ને ?’
‘શેઠ તો રાત્રે એક વાગે છોડે એટલે મારે એક વાગ્યા સુધી ચૂલો ચાલુ રાખવો ? પેઢી પર પાણીનાં માટલાં છે ને ? બે ગ્લાસ પાણી પેટમાં પધરાવી દેવું પણ અહીંયા આવવાનો ધક્કો ન ખાવો…..’
બસ, મારી કમાન છટકી.
પિતાએ અનુભવ લેવા આવો નઘરોળ વેપારી પસંદ કર્યો ? માંડ ચાર ચોપડી ભણ્યો હશે રણછોડલાલ, જ્યારે હું ? જૂન મહિનામાં તો હું ગ્રેજ્યુએટ થઈ જઈશ. આ રણછોડલાલની મારી સામે હેસિયત શું ?

કાચી-પાકી રોટલીઓને પેટમાં પધરાવી હું પેઢી પર આવ્યો. ઊંચા-પહોળા ગલ્લાવાળી પેડીની ગાદી પર તે વખતે ભગવાનજીભાઈ નામના મહેતાજી બેઠા બેઠા જુદી જુદી ખાતાવહીઓમાં આંકડાઓ માંડતા હતા. પેઢીના કારોબારનો પૂરેપૂરો હિસાબ આ વૃદ્ધ ભગવાનજીભાઈને હસ્તક. બોલે ઓછું પણ હિસાબ ચોક્કસ. એ ભલા અને એના ચોપડાઓ ભલા. એ પ્રાંતિજ ગામમાં જ રહેતા. આજે કેરીઓની આવક ખૂબ જ રહી અને પાંત્રીસેક જેટલા ખટારાઓ માલ ભરી રવાના થયા હોવાથી એ મોડે સુધી હિસાબ કરતા બેઠા હતા.
મેં એમની પાસે જઈને કહ્યું – ‘ભગવાનજી ભાઈ, મારી કપડાંની થેલી આપો.’ મારી થેલી ગલ્લાની નીચેના કબાટમાં રહેતી.
‘કાં ?’ એમણે એમના નાકના ટેરવે સરકી ગયેલાં ચશ્માંને ઊંચે ચડાવી મારી સામે જોયું.
‘મારે આ નોકરો નથી કરવો. હું જાઉં છું. શેઠને કહી દેજો કે બીજી વ્યવસ્થા કરી લે.’
‘શું થયું ?’
‘શું થયું તે પૂછો છો ? તમને તો તમારા ઘરેથી જમવાનું ટિફિન આવે છે પણ અહીં તો જમવાનાં ઠેકાણાં નથી. સવારે નાસ્તામાં વધેલા ગાંઠિયાનો ભુક્કો અને કેરોસીનવાળી ચા. સત્તર દિવસથી દરરોજ સવાર-સાંજ પૂરી અને બટેટાનું શાક જમવા મળે છે જેમાં બટેટાના ફોડવા નામના હોય. રાત્રે ઘાસ પર ગંદી ચટાઈ પાથરી, કેરીઓનું ઓશીકું કરી સૂઈ જવાનું. આ તે કંઈ જિંદગી છે ? મારી થેલી આપો એટલે જઉં રાત્રે સ્ટેશનના બાંકડે સૂઈ જઈશ. સવારની ગાડીમાં ઘરભેગો.’
‘શેઠને શું કહું ?’
‘મારા વતી જેટલી ગાળો અપાય એટલી આપજો. અહીં નોકરી કરવાને બદલે સ્ટેશન પર હમાલી કરવી સારી.’

ભગવાનજીભાઈએ થેલી કાઢી આપી અને પછી ગાદી પર બેસાડી કહ્યું : ‘જો ભાઈ, તારી વાત કંઈ જુદી જ છે. તારા બાપને હું ઓળખું છું. એણે તને અહીં નોકરી કરવા નહિ, અનુભવ લેવા મોકલ્યો છે. અનુભવ સારા જ હોય એવું માનવાની જરૂર નથી. ખરાબ પણ હોય, ખૂબ ખૂબ કડવા હોય, આંખમાંથી લોહીના ટસિયા ફૂટી આવે એવા નરસા પણ હોય. માણસ આ બધા ખરાબ અનુભવમાંથી જ બધું શીખે છે. તારે માથે નથી આભ તૂટી પડ્યું કે નથી તારા ઘરને આગ લાગી. આવું થાય ત્યારે એને સમસ્યા કહેવી, બાકી બધી તો અગવડતાઓ કહેવાય. સમસ્યામાંથી માર્ગ કાઢવો મુશ્કેલ પણ અગવડતાઓ વિવેકબુદ્ધિથી દૂર કરી શકાય. એ જરાય અઘરું નથી. તારી અત્યારની મુશ્કેલી તું અગવડતાઓ દૂર નથી કરી શકતો એ છે. એમાંથી માર્ગ કાઢતાં શીખ. એમાં જ તારો ફાયદો છે….’

આજે એ વાતને વીસ-પચીસ વર્ષ થઈ ગયાં છે. જ્યારે જ્યારે મારી સામે કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે હું ભગવાનજીભાઈના શબ્દોને યાદ કરું છું. આ બધી મુશ્કેલીઓ ભાગ્યે જ સમસ્યારૂપ હોય છે. એને હું અગવડતાઓમાં ખપાવી મારી મેળે માર્ગ કાઢી લઉં છું. ક્યારેક તો વિકટ પ્રશ્નોને પણ અગવડતા ગણી લઉં છું ત્યારે પેલો પ્રશ્ન પછી પ્રશ્ન જ નથી રહેતો.

ભગવાનજીભાઈએ એ રાત્રે મને જે ટૂંકો બોધ આપ્યો એ મારી પછીની જિંદગીને ઘણી સરળ બનાવી ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાલન પાલન – બી. એન. દસ્તૂર
ફૂલડાં – સંકલિત Next »   

12 પ્રતિભાવો : અમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા

 1. Mital says:

  aaj na jamana ma pan ekdam khari utarti aa vaat, varso pela pan ketli saachi hati ?
  kharekhar, sara narsa anubhav par thi maanas ghadaai chhe. kahe chhe ne ke bhantar ane gantar chadhe, to yogya manushya kahewaai.

  aabhar,
  mital

 2. Neela Kadakia says:

  કહેવાયછે કે શાણા માણસો સાનમાં સમજી જાય એ તો સાચું છે પરંતુ અનુભવથી સાચું શાણપણ આવે છે.

  નીલા

 3. સરસ વાત અહી વાંચવા મળી. અનુભવે જ માણસ ઘડાય છે. અને અનુભવો સારા પણ હોય અને નરસા પણ હોય તેમાથી આપણે માર્ગ કાઢવો રહ્યો.
  આભાર !!!

 4. Sandip says:

  yaad Rakhava jeve vat…! Check all your problems thro’ Bhagwanjibhai’s test…Is it ‘Samsya’ or ‘Agavadata’??

  Nice one.. I was reading Shri Girish Ganatra when he was writing in Rangtarang – if I am not wrong… He was always touchy..!!!

  Thanks for putting this story on Readgujarati.. Thanks Mrugeshbhai..

  Sandip (surat)

 5. aditya parmar says:

  satya vaat che.anubhav khub mahatvano che.
  anubhav vina vyakti nu ghadtar thay nahin.
  saras lekh che.
  thanks to writer and publisher.

 6. manoj sutaria says:

  wonderful website…

 7. manoj sutaria says:

  wonderful website…jay jay garvi gujarat

 8. Vallabh Patel, Ahmedabad says:

  Bhagwanbhai no bodh samaj mate amulya drashtant chhe.
  Mushkelimathi marag kadhavo tenu nam jh manas.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.