ફૂલડાં – સંકલિત

અટકળોનો દરિયો – અઝીઝ ટંકારવી

વ્યર્થતામાં એટલા ખૂંપી ગયા,
તથ્યતાની આંગળી ચૂકી ગયા.

સાચવી છે એક ચંચળ પળ અમે,
કાફલા યુગના ભલે છૂટી ગયા.

આંગળી છૂટી તમારી એ પછી –
વાલિયાના વારસો લૂંટી ગયા.

એક પંખી ઝાડ પર બેઠું અને –
ડાળને ટહુકા વળી ફૂટી ગયા.

ને પવન ભોઠો પડી પાછો ફર્યો,
ફૂલ સૌ, ભમરા બધા ચૂંટી ગયા.

સુખ અહીં અટકળનો દરિયો છે ‘અઝીઝ’,
આપણે પણ એ મહીં ડૂબી ગયા.
દિશાઓની પછેડી – જાતુષ જોશી

આ દિશાઓની જરા ઓઢો પછેડી,
ઓગળી જાશે પછી સઘળીયે કેડી.

આંખ તો પાતાળકૂવો હોય છે પણ,
આંખ પર હોતી નથી ક્યાંયે ગરેડી.

કોઈ તો મનથી બધે ફરતું રહે છે,
બાંધ લે, બાંધી શકે તો બાંધ બેડી.

આ હવા સીડી જ હોવી જોઈએ હો,
આ બધું આકાશ છે એની જ મેડી.

ફૂલ ખીલ્યું કે તુરત પરભાત પ્રગટયું,
ને પછી ફૂલે હવામાં મ્હેક રેડી.


મારા પ્રેમમાં – નિરંજન ભગત

મારા પ્રેમમાં વિલંબિત લય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ,
ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ,
ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક,
ન એના જેવો આવેગનો કો’ અતિરેક,
ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ,
ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ;
મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ,
એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ,
એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે,
ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે,
મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ?
ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ?
મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ?
પ્રિયજન, એનો તમને ભય છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા
ભેટ – ફાધર વાલેસ Next »   

21 પ્રતિભાવો : ફૂલડાં – સંકલિત

  1. સુંદર સંકલન , ત્રણેય સરસ !!!

  2. Urmi Saagar says:

    ખૂબ જ સુંદર ફુલડાં છે, મૃગેશભાઇ!

  3. farzana aziz tankarvi says:

    nice collection…..it’s a wonderful surprise for me to read my dad’s ghazal on this web…
    thank u mrugeshbhai…..i m in uk and i called my dad after reading this ghazal….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.