ભેટ – ફાધર વાલેસ

હું વતનમાં પહોંચ્યો ત્યારે મારાં બા બીમાર હતાં. વિમાનમથકે મારા ભાઈ, ભાભી અને બીજાં સગાંઓ મને લેવા આવ્યાં હતાં. ત્યાંથી મેં બાને ફોન કર્યો. એમનો પ્રિય પરિચિત અવાજ સાંભળીને હું આનંદથી બોલી ઊઠ્યો : ‘બા ! હું અહીંયાં જ છું ! આવી ગયો છું ! બસ, થોડી વારમાં આવું છું. અહીંની વિધિઓ પતી જાય એટલે સીધો આવું છું. તું તો બરાબર છે ને ?’ જવાબમાં એમનો રણકો હજી આજે મારા કાનમાં ગુંજે છે : ‘હા, હા, મને ખૂબ સારું છે. તું અહીંયાં હોય અને મને સારું ન હોય એમ બને ! હવે જલ્દી આવજે, બેટા.’

મેં ઉતાવળ કરી. સામાન, પાસપોર્ટ, પોલીસ. મારો ભારતીય પાસપોર્ટ જોઈને મળવા આવેલા સગાઓને નવાઈ લાગી (કેટલાકને ખોટું પણ લાગ્યું). મારી તપાસ કરતો પોલીસ ત્યાંની સ્પેનિશ ભાષામાં પ્રશ્નો પૂછતો હતો અને હું એ જ ભાષામાં શુદ્ધ ઉચ્ચારથી જવાબ આપતો હતો એટલે એણે આશ્ચર્ય સાથે કહ્યું : ‘તમે ભારતીય છો તોય સ્પેનિશ ભાષા બહુ સારી બોલો છો.’ મેં મૂછમાં હસીને કહ્યું : ‘જી, કંઈ નહિ. કુદરતી બક્ષિસ છે.’ (સ્પેનિશ તો મારી માતૃભાષા છે ને !) આમ મને જલદી જવા દીધો, અને અમે બધાં ઘેરથી આવેલી મોટરોમાં ગોઠવાઈ ગયાં.

મોટરોની સાથે મોટાભાઈના બે ડ્રાઈવર આવ્યા હતા. એમાંનો એક જૂનો હતો, વર્ષોથી ભાઈને ત્યાં ડ્રાઈવર તરીકે હતો અને મને સારી રીતે ઓળખતો હતો, એણે આગળ આવીને ખૂબ માન અને હેત સાથે મારું સ્વાગત કર્યું ને મારા હાથમાં ફૂલ મૂક્યું. એ મોટર હાંકવા બેઠા ત્યારે થોડી વાર એમ ને એમ બેસી રહ્યો એટલે ભાઈએ એને ધીરેથી આજ્ઞા કરી : ‘ચાલો, હવે ઘેર જઈએ.’ ને એણે જવાબ આપ્યો : ‘એક મિનિટ, આંખો જરા ભીની છે. હું સ્વસ્થ થાઉં અને બરાબર જોઉં, પછી ચલાવું.’ જૂના નોકરની આત્મીયતા કેટલી હૃદયસ્પર્શી હોઈ શકે !

મોટરમાં ભાઈની બાજુમાં બેઠાં બેઠાં મારું મન નવી પરિસ્થિતિમાં ગોઠવાવા લાગ્યું. આ તો જુદી જિંદગી હતી. મારું જીવન સાદાઈમાં ચાલે છે, ઓછી જરૂરિયાતો છે, અપરિગ્રહનું વ્રત છે. એ મને ગમે છે. અને એ મને ફાવે છે. હવે થોડા દિવસ માટે મોટાભાઈને ઘેર મારે બીજી જાતનું જીવન જીવવાનું હતું. પૂરી સગવડ, સુખ, સાહેબી. ભપકો તો એમને બિલકુલ પસંદ નથી, પરંતુ એમની પાસે પૈસાની છૂટ, જીવવાની સૂઝ અને હાથની ઉદારતા છે, એટલે એમને ત્યાં ઉત્તમ ચીજવસ્તુઓ અને ઉત્તમ વ્યવસ્થા હોય છે. વળી મારે માટે એમને અત્યંત પ્રેમ અને મેં પંદર વર્ષની ઉંમરે સંન્યાસ લીધો એટલે મારે માટે એમનો પ્રેમભર્યો ને પજવતો આગ્રહ રહ્યો છે કે, ‘તેં સંસાર છોડ્યો છે, તો તેં શું છોડ્યું છે એ જરા તો જોઈ લે. તું આખું વર્ષ સાદાઈનું જીવન જીવે છે તો કોઈ કોઈ વાર અહીંયા આવીને સુખસગવડોનો સ્વાદ પણ ચાખ. એથી પછી તારા ત્યાગનું પુણ્ય વધશે ને !’

મારાં પુણ્ય વધારવા એ ઠીક પ્રયત્ન કરે છે. ભારતમાં આવ્યા પછી હું લગભગ વીસ વર્ષ સુધી પાછો યુરોપ ગયો નહોતો. પહેલો પ્રસંગ યુરોપમાં ગણિતના એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા મને આમંત્રણ મળ્યું ત્યારે થયો. એ વખતે મારા ભાઈએ લખ્યું હતું : ‘તું તને ફાવે ત્યારે આ તરફ આવી શક્તો નથી અને કામ વગરની મુસાફરી કરી શકતો પણ નથી એ હું જાણું છું. તારા સંઘના નિયમો પાળજે અને તારાં વ્રત સાચવજે. એમાં હું માથું નહિ મારું. પરંતુ એક અધિકાર તો માંગુ છું. તારે ભારતની બહાર પરદેશમાં જવાનું થાય ત્યારે ગમે તે કામ માટે હોય અને ગમે તે દેશમાં હોય અને ગમે તેના ઉપક્રમે હોય, તો પણ તારી વિમાનની ટિકિટ હું મોકલીશ – તું ઘેર આવવાનો ન હોય તો પણ. આટલું પુણ્ય પણ મને રળવા દે ને !’ રળવા દીધું. પણ એમાં એમણે દુષ્ટતા કરી. પહેલી વાર ટિકિટ મોકલી ત્યારે સ્પેનની ઍર ઈન્ડિયાની ઑફિસમાં પોતે પૈસા ભરે, ત્યાંથી અમદાવાદની ઍર ઈન્ડિયાની ઑફિસમાં ટેલેક્સ દ્વારા સંદેશ મોકલે અને મને અહીંયા ટિકિટ મળે એવી વ્યવસ્થા હતી. એ મુજબ મને અમદાવાદમાં ઍર ઈન્ડિયાની ઑફિસેથી બોલાવ્યો અને ટિકિટ લેવા જવાનું કહ્યું. હું ગયો. મારી આગળ ટેલેક્સની માહિતી લઈને ઑફિસવાળાએ ટિકિટ કાઢી આપી અને મારા હાથમાં મૂકી. મેં એ તપાસી જોઈ. બધી વિગતો બરાબર હતી. પણ આ શું ? ભૂલ હોવી જોઈએ ને ! ટિકિટ ફર્સ્ટ કલાસની હતી. ‘સુધારી આપો ને !’ ઑફિસવાળા ભાઈએ ટેલેક્સમાં જોયું. ખાતરી કરી. પછી મને કહે : ‘ટિકિટ ફર્સ્ટ કલાસની જ છે. એમાં આપણે અહીંયા કશું કરી શકીએ એમ નથી. પૈસા ત્યાં ભરાય એટલે ત્યાં જ વાત થઈ શકે. અહીંયા કોઈ ફેરફાર ન થાય કે રિફન્ડ પણ ન થાય. ફર્સ્ટ કલાસમાં જવું પડશે. શું એ નથી ગમતું ?’

એમ તો ગમે છે. ફર્સ્ટ કલાસમાં બેઠકો પહોળી અને ભોજન સમૃદ્ધ. પણ જનતા ક્લાસ કરતાં ફર્સ્ટ કલાસના દર ખૂબ મોંઘા, અને આખરે વિમાન તો એનું એ જ છે ને, પછી આટલા ખર્ચની શી જરૂર ? પણ મોટાભાઈને મારાં પુણ્ય વધારવાં હતાં એટલે મારી ફરિયાદો છતાં પોતાનો આગ્રહ રાખ્યો. અને ત્યારે મેં સંકોચ પણ છોડી દીધો. મને હવે બંને દુનિયામાં ફાવી ગયું. સાદાઈમાં પણ અને સગવડમાં પણ. રેલગાડીના જનતા કલાસમાં અને એર ઈન્ડિયા જંબોના ફર્સ્ટ કલાસમાં. અમદાવાદની પોળોમાં ખીચડી ખાતાં અને પેરિસના રેસ્ટોરાંમાં બિલ જોઈએ તો ચક્કર ચડે એવાં ભોજન ખાતાં. ત્યાગમાં અને ભોગમાં. મોટાભાઈની રમૂજમાં તથ્ય પણ દેખાયું કે દુનિયાનો ખ્યાલ કરવાથી દુનિયાનો ત્યાગ વધારે સાર્થક થાય. હા, સામાન્ય જીવન તો સાદાઈનું રહ્યું, પણ એમાં સુખસગવડના એવા થોડાક પ્રસંગો આવે તો એથી ભડકવું પણ નહિ. હવે ઓછાથી ચલાવું ત્યારે એનો ભાર નથી, અને સમૃદ્ધિ અનુભવું ત્યારે એનો ક્ષોભ નથી. મારી આટલી કેળવણી મારા ભાઈને હાથે થઈ છે.

એવા વિચારો એમની બાજુમાં હું મોટરમાં બેઠો હતો ત્યારે મારા મનમાં ચાલતા હતા. હમણાં ઘર આવશે અને એમાં થોડા દિવસ માટે તો લાડનું જ જીવન જીવવાનું હશે. ખુશીથી જીવીશ. અને પછી ખુશીથી એ છોડીને ફરીથી રોજિંદુ સાદું જીવન પાછું અપનાવી લઈશ.

….. ઘર આવ્યું. બા ઉપર પથારીમાંથી ઊઠીને અમારી રાહ જોતાં હતાં. એમનાં દર્શનમાં એટલી મૃદુતા હતી કે મારું આખું દિલ દ્રવી ગયું. મારે એમને કષ્ટ આપવું નહોતું અને લાગણીનો શ્રમ પણ પડવા દેવો નહોતો, એટલે પ્રથમ મૌન પળ પછી મારી પોતાની લાગણી છુપાવીને મેં સહજભાવે કહ્યું : ‘તારા માટે હું શું શું લાવ્યો છું એ મારે બતાવવું છે. તું હમણાં અંદર જા, અને હું અહીંયા એનું પ્રદર્શન ગોઠવી દઉં. પછી તને બોલાવીશ.’ એ મારી યુક્તિ બરાબર સમજી ગયાં. (દીકરાનો વિચાર માથી શાનો અજાણ્યો રહે !) અને અમે બે ભાઈઓ ઊભા હતા એ તરફ એ હેતની નજર કરીને ધીમે પગલે અંદર ગયાં.

સામાન છોડીને ભારત અને આફ્રિકાથી લાવેલી વસ્તુઓ હું ઘરના મોટા ખંડમાં કાઢવા અને ગોઠવવા લાગ્યો. કાપડ, હાથીદાંતની મૂર્તિઓ, ચંદનની પેટીઓ, એક આદિવાસી મહોરું, તાંબાની ચીજો, કાશ્મીરી શાલ. એક સાડી પણ હતી, દાર્જિલિંગની ચા પણ હતી અને સારા પ્રમાણમાં કાજુ પણ હતા. ખાસ્સો દેખાવ થયો. પછી બાને બોલાવીને એકએક વસ્તુ બતાવીને એ કેવી છે ને ક્યાંની છે ને કોણે આપી એ હું સમજાવતો હતો, અને તે એકએક વસ્તુ લઈને પ્રસન્નતાથી જોતાં રહ્યાં. મેં કહ્યું : ‘તારા માટે હું સારી સારી વસ્તુઓની ભેટ લાવ્યો છું, નહિ ?’ એમણે કહ્યું : ‘સારામાં સારી ભેટ તું જ છે ને !’ અને હેતથી મારી સામે જોઈ રહ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલડાં – સંકલિત
રોજ ઊઠીને…. – તોશિયો ઈશી (છોકરો : 15 વર્ષ) Next »   

12 પ્રતિભાવો : ભેટ – ફાધર વાલેસ

 1. સાચી વાત છે , મા ને મન તો સંતાન જ તેનુ સર્વસ્વ.
  સરસ લેખ.

 2. Ashok Mistry says:

  Quite touchi..As ususal the touch of Father makes the article lively and gives the impression as if I am listening to the Father. I am fond fan of his books. This one has once again moved me. …Long live Father and keep inspiring us through your experience and expressive writings……

 3. arti rathod says:

  respected,dear father,
  after a long time i read your article,it is really touchi.i really love to read you.i read many books of yours when i was a student,and got guidance from those books.now i suggest those books to my students… they also learn many things,, thank you father..for all you write for us..

 4. Naren Oza says:

  Ibelong to Ahmedabad but at present at USA for a short period. at ahmedabad I used to read Father Walles in our local news paper.
  But here while surfinlg googals I accidently happened to read
  this article and really saying that this one is best and most touchy and emotional.

  Father has narrated every relations very very warmly.

  thank you father ,
  still awaiting for more

 5. Kalpesh says:

  વાચકમિત્રો,

  ફાધર વાલૅસ હાલ સ્પેન સ્થાયી થયા છે.
  તેઓની વેબ્-સાઇટ – http://www.carlosvalles.com

  દર મહિનાની ૧ અને ૧૫મી તારીખે ફાધર વેબ્-સાઇટ પર લખે છે.

  લિ.
  કલ્પેશ

 6. RAMESH SANGHANI says:

  My Dear Father,
  Read the article, its very touchy.As I lost my mother at the age of four,I do not really know whats mothers love.Yes I had grand mother who looked after me, she gave me love but……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.