ત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ તજાયજી… ત્યાગ.

વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ.

કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ.

ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં વિષે વિકારજી… ત્યાગ.

ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી… ત્યાગ.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે અનર્થજી… ત્યાગ.

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી, આપે થયું અશુધ્ધજી… ત્યાગ.

પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આજની ઘડી રળિયામણી – નરસિંહ મેહતા
નહીં રે વિસારું હરિ – મીરાંબાઈ Next »   

6 પ્રતિભાવો : ત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી

 1. nayan panchal says:

  વૈરાગ્ય પામવા માટેના બે રસ્તા છે.

  સંપૂર્ણ ત્યાગ કરીને અથવા પૂર્ણ ભોગ કરીને.

  મહાવીર સ્વામી જેવા મહાન લોકો સંપૂર્ણ ત્યાગ કરીને વૈરાગ્ય પામી શકે છે. સામાન્ય મનુષ્ય માટે તે ‘થોડું’ મુશ્કેલ થઈ જાય છે. એટલે જ તો આપણી સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે.

  સરસ રચના.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર ભજન – ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના

  આવું જ એક સુંદર ભજન રાણાવાવના શ્રી નિર્વાણધામ યોગાશ્રમના સરળ સંત શ્રીભજનપ્રકાશાનંદજી મહારાજે રચ્યું છે.

  વૈરાગ્યની વાટે ચાલવું તે, કાયરપણાનું ત્યાં કામ નથી
  કઠણ બંધ કરમ કામના, કાપવા તે સહેલા નથી –વૈરાગ્ય ની

  મોટા મોટા મુનીજનો તે, રાત દિ’ રહ્યા અંતર મથી
  કામ – દામની જાલ જબરી, રહી અહં મમ બંધથી –વૈરાગ્ય ની

  રહ્યું બીજ ભૂમિ મહીં, ઉષ્ણ ઋતુએ દિસતું નથી
  વરસે ઘન વન પાંગરે, ઈન્દ્રિય વિષય આકારથી –વૈરાગ્ય ની

  અધુરા વૈરાગે આદર કરી, નીકળ્યો વિપત વૈરાગ્યથી
  અહીં તહીંનો રહ્યો નહીં, ધોબી શ્વાન ન ઘર ઘાટથી –વૈરાગ્ય ની

  પૂરણ બ્રહ્મ પામ્યો નહિં, રહ્યો દૂર સુખ સંસારથી
  વગર વિચારે નીકળ્યો, વણ સમજ્યા વૈરાગથી –વૈરાગ્ય ની

  ભજનપ્રકાશ વૈરાગી કોઈ, લોક પરલોકના ભોગથી
  વારવાર વંદન કરૂં, ચરણોમાં અંતર ભાવથી –વૈરાગ્ય ની

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.