ગણપતિ પૂજન : વેદ થી લોક સુધી – સંકલિત

lord ganeshવક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ |
નિર્વિધ્નં કુરું મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

પ્રાચીન કાળથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રી ગણપતિ પૂજનનો મહિમા ગવાયો છે. ઋગવેદ ‘ગણાનાં ત્વાં ગણપતિં હવામહે’ એમ કહીને શ્રી ગણેશજીનું આવહાન કરે છે. વિનાયક, વિધ્નહર્તા, ગણેશ અને ગજાનન જેવા જુદા જુદા નામથી પ્રચલિત શ્રી ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણાવાયા છે. તમામ ધાર્મિક કાર્યો અને શુભ કાર્યોની શરૂઆતમાં શ્રી ગણપતિ પૂજનનું વિશેષ મહત્વ છે. સંતો એ અર્થ બતાવ્યો છે કે, કાર્યના આરંભમાં ગણપતિનું પૂજન એટલે વિવેકનું પૂજન. ગણપતિ વિવેકના દેવતા છે. જે કાર્યમાં વિવેક બુદ્ધિ ન હોય તે કાર્યોમાં વ્યક્તિના અહંકારને લીધે અનેક વિધ્નો આવે એ સ્વાભાવિક જ છે.

શિવપુરાણમાં ભગવાન ગણપતિના જન્મની કથા કંઈક આ પ્રકારે મળે છે (સૌજન્ય : ‘જનકલ્યાણ’) : શ્વેતકલ્પમાં ગણેશની ઉત્પત્તિ આ રીતે થઈ. પાર્વતીની સખીઓ જયા-વિજયાએ એમને એક વાર કહ્યું : ‘આપણે બારણે અસંખ્ય શિવગણ છે, તેઓ શિવની જ આજ્ઞા પાળે છે; તો તુ તારો ગણ કેમ તૈયાર કરતી નથી.’

આ પછી એકવાર એવું બન્યું કે પાર્વતી સ્નાન કરતાં હતાં, ત્યારે નંદીએ કહ્યું છતાં શંકર એકદમ અંદર આવ્યા. પાર્વતીને ખૂબ શરમ લાગી. એટલે એમણે કેવળ પોતાની જ આજ્ઞા પાળે એવો સેવક જોઈએ, એમ વિચાર કરીને પોતાના શરીરનો મેલ કાઢીને એક સર્વાંગસુંદર બાળક નિર્માણ કર્યો. એને સુંદર વસ્ત્ર આપ્યાં, અલંકાર આપ્યા, આશીર્વાદ આપીને કહ્યું : ‘તું મારો જ પુત્ર છે. મારી આજ્ઞા વગર કોઈનેય અંદર આવવા દેતો નહીં.’ ફરી એકવાર, પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં ત્યારે જ શંકર આવી પહોંચ્યા. આ શંકર છે, આ પાર્વતીપતિ છે, એની આ દ્વારપાળ ગણેશને ખબર નહોતી. એણે શંકરને અંદર જતા અટકાવ્યા ને લાકડીથી માર્યા. પછી તો આ નવા દ્વારપાળ અને શંકરના ગણો વચ્ચે યુદ્ધ થયું. એકલા ગણેશે બધા ગણોને હરાવીને ભગાડ્યા. દેવોને આ વાતની ખબર પડતાં જ એમણે નારદને શંકર પાસે મોકલ્યા. ગણેશે ક્રોધથી એમના વાળ કાપી નાખ્યા એમને ભગાડ્યા. તેથી ક્રોધે ભરાઈને શંકરે ઈન્દ્ર વગેરે બધા દેવોને અને પોતાના બધા ગણોને તેમજ ભૂતપ્રેતાદિને યુદ્ધનો આદેશ આપ્યો. આની ખબર પડતાં જ પાર્વતીએ બે શક્તિ નિર્માણ કરી. પછી તો વિલક્ષણ યુદ્ધ થયું. એ બે શક્તિ અને બાળક ગણેશે બધાને પરાજિત કર્યા. આ જોઈ શંકર અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. એટલામાં નારદે આવીને કહ્યું : ‘હે શંભુ, આ નિમિત્તે તમે બધાનો ગર્વ તોડ્યો, હવે તમે જ તમારે જે કરવું હોય તે કરો.’

એટલે વિષ્ણુને મોટા સૈન્ય સાથે મોકલીને શંકર પોતે પણ યુદ્ધ કરવા ગયા. ગણેશે પોતાના શસ્ત્રથી વિષ્ણુના ચક્રના ટુકડા કર્યા, શંકરનું ત્રિશુળ નીચે પાડ્યું, વિષ્ણુને પછાડ્યા ને પરાજિત કર્યા. એટલામાં ફરીથી શંકરે ત્યાં આવીને ત્રિશુળથી ગણેશનું મસ્તક છેદી નાખ્યું.

બધા દેવોએ વિજયોત્સવ કર્યો. પન અતિશય ક્રોધમાં પાર્વતીએ હજારો શક્તિ નિર્માણ કરી અને એમને પ્રલયનો આદેશ આપ્યો. બધી શક્તિઓએ સંહાર શરૂ કર્યો. સર્વત્ર હાહાકાર મચી ગયો. નારદના કહેવાથી બધાએ પાર્વતીને પ્રાર્થના કરી. પાર્વતીએ કહ્યું : ‘મારો પુત્ર જીવતો થાય અને સર્વમાં પૂજ્ય થાય તો જ શાંતિ નિર્માણ થશે, નહીં તો નહીં.’

પછી શંકરની આજ્ઞાથી એકદંત હાથીનું મસ્તક આણીને ગણેશના શરીર પર મૂકવામાં આવ્યું. વેદમંત્રોથી અભિમંત્રિત કરીને, શંકરનું સ્મરણ કરીને જળ છાંટ્યું, ત્યારે ગણેશમાં ચેતન આવ્યું. બધા દેવો અને ગણાધ્યક્ષોએ તેનો અભિષેક કર્યો. પાર્વતીએ આશીર્વાદ આપતાં વરદાન આપ્યું : ‘વિધિ અનુસાર તારી પૂજા કરવાથી અનંત વિધ્નો દૂર થશે અને સર્વસિદ્ધિ પ્રાપ્ત થશે.’ ગણેશના મસ્તક પર સિંદૂર જોઈને પાર્વતીએ એને ‘સિંદૂરપ્રિય’ નામ આપ્યું. ગણેશે શંકર, પાર્વતી, બ્રહ્મા, વિષ્ણુને નમસ્કાર કર્યા, નારદ વગેરે ઋષિઓ પાસે જઈને પોતાના અપરાધની ક્ષમા માગી. ત્રણે દેવાધિદેવે કહ્યું :
‘આ ગણનાથ સર્વને પૂજનીય છે. એની પૂજા સિવાય અમારી પૂજા વ્યર્થ છે !’
પછી બ્રહ્મદેવ, વિષ્ણુ, શંકર અને પાર્વતીએ ગણેશની પૂજા કરી, શંકરે તેને અનેક વરદાન આપ્યાં, કહ્યું : ‘તું સર્વપૂજ્ય છે.’ પછી એમણે ગણેશપૂજાવિધિ અને જુદાં જુદાં વ્રત કહ્યાં, એની ફલશ્રુતિ કહી.

આમ જોવા જઈએ તો કોઈનું મસ્તક કાપી નાખવું એ તો હિંસા કહેવાય અને મહાદેવ એવું કાર્ય કરે નહીં. જે પોતે ભોળાનાથ અને શીધ્ર પ્રસન્ન થનારા દેવોના પણ દેવ છે એમને ક્રોધ આવે એ સંભવ નથી. જગતની માતા પાર્વતી જગતનું પાલન કરે, વિનાશ ન કરે. જેની પાસે દરેક દુષણ, ભુષણ બની જાય એવા ઈશ્વરનું કદાચ ગુસ્સે થવું એ પણ કલ્યાણ માટે જ હોય. પરંતુ પુરાણોમાં આવતી આવી જુદી જુદી કથાઓ સામાન્ય માનવીને જીવનમાં સંયમ, વિવેક અને જીવનમાં આવતી જુદી જુદી સમસ્યાઓમાંથી ઉકેલ કેમ કાઢવો તે સરળતાથી શીખવે છે. શ્રી શિવપુરાણ ઉપરાંત અન્ય પુરાણો માં શ્રી ગણેશ જન્મની કથા જુદી જુદી રીતે વિસ્તારથી વર્ણવાઈ છે. નારણપુરાણ ‘સંકટનાશક ગણેશસ્તોત્ર’ દ્વારા ગણપતિની નીચે મુજબ સ્તુતિ કરે છે (જલશ્રીબેન અંતાણી, [ન્યુજર્સી] તરફથી સાભાર) .

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

આમ, વેદો અને પુરાણોમાં અનેક સ્તોત્રો અને સ્તુતિઓ દ્વારા શ્રી ગણેશ પૂજનનો મહિમા ગવાયો છે. ગણપતિ પૂજનનો મહિમા વેદથી લઈને લોક સુધી બધે જ ગવાયો છે. આવા દૂંદાળા દેવની મહિમાનો ગાન કરવાનું આપણું લોક સાહિત્ય પણ ચૂકતું નથી. કવિ શ્રી નર્મદ રચિત બે ગણેશ આરતીઓ ને માણીને સર્વ વિધ્નો દૂર કરનારા શ્રી ગણેશજીનું ભાવપૂર્વક સ્મરણ કરીએ.

[1]

જયતિ જયતિ ગણપતિ શ્રીમતિ ગતિ બલ વર્ધન
વિધ્નહંત્રિ શુભકર્ત્રિ જય, સિદ્ધિ સર્વ દર્શન ….(ટેક)
ચંદ્ર ભાલ ગજવદન જય, જય ગિરજાનંદન
ચર્ચિત સિંદૂર તનુ સકલ, જગત કરે વંદન …જયતિ…
લંબોદર પર અહિ સૂત્ર, રાજે પદ્માસન
મૂષકનું વહાન વહાલું, વળી મોદક ભોજન …જયતિ…
આયુધ પરશુ ત્રિશુલ ભડ, સંકટ ભીડ દલન
કમંડલૂ કર ધર કમળ, નવનિધિતણું સદન … જયતિ…
બ્રહ્મવિચાર પ્રસન્ન નિત, શાંતિજ સુખ વર્ષણ
કર્મકુશળ ગુણ ગ્રામ જય, જય મંગળ હર્ષણ … જયતિ…

[2]
જયદેવ જયદેવ જય મંગળમૂર્તિ
વિધ્ન અશુભ ભય હર્તા કર્તા શુભ પૂર્તિ …જયદેવ
સિદ્ધિ બુદ્ધિ સૌભાગ્ય તૂંથી ભવ તરવો
શિવગણનાયક ગુણનિધિ ગિરજાસુત ગરવો … જયદેવ
વરદ અભય અંકુશ પરશૂ ભુજ સોહે
વેષ્ટિત પરિવારે પણ શાંતિ નિત જોએ … જયદેવ
વિચિત્ર દર્શન સુંદર સિંદૂર ને સાજે
ગજમુખ લંબોદર ને ફણી સૂત્ર રાજે … જયદેવ
પશુઆનન આનંદ ચિદઘન દરસાવે
સ્વલ્પ પૂજને પ્રસન્ન વરને વરસાવે … જયદેવ
જય જય જય શ્રી રાજ ઉત્સવ આ થાએ
ભકતની આર્તિ જાએ દીપારતી ગાયે … જયદેવ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાર્ટુનવિશ્વ – સંકલિત
ગણપતિ દર્શન : એક નવી દષ્ટિએ – અનીલ જોષી Next »   

7 પ્રતિભાવો : ગણપતિ પૂજન : વેદ થી લોક સુધી – સંકલિત

 1. Neela Kadakia says:

  શુક્લામ્બરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજમ
  પ્રસન્નવદનં ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે

 2. ranjana pandya says:

  ગનપતિ સ્ત્રોત્ર અને ગનપતિનિ આરતિ સાભલવા મલે તો આનદ થશે.

 3. Allegra….

  Allegra beck healthy….

 4. nayan panchal says:

  ગણપતિ બાપ્પા મોરયા …

  ગણપતિ બાપ્પા મોરયા …

  ગણપતિ બાપ્પા મોરયા …

  ગણપતિ બાપ્પા મોરયા …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.