ગણપતિ દર્શન : એક નવી દષ્ટિએ – અનીલ જોષી

ભાદરવો મહિનો બેસી ગયો છે. ગણેશ ઉત્સવનાં નગારાં ચારે તરફ વાગી રહ્યાં છે. વાતાવરણમાં અનેરો ઉત્સાહ પ્રસરી રહ્યો છે. ગણપતિબાપાના આગમનને વધાવવા માટે આખું શહેર થનગની રહ્યું છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ગણપતિનું વિશિષ્ટ સ્થાન છે. આપણે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરીએ છીએ ત્યારે આ દૂંદાળા દેવની સ્તુતિ કરીએ છીએ. મને બાળપણથી જ ગણપતિનું વિશેષ આકર્ષણ છે. મને ગણપતિમાં હંમેશા પશુસહિતનો માણસ દેખાયો છે. ગણપતિનું મસ્તક હાથીનું છે એટલે એ સૂચવે છે કે દરેક માણસમાં પશુતાનો અંશ રહેલો છે. જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ જોઈએ તો લડાયક ગ્રહ મંગળ જેને નડતો હોય તેને ગણપતિની આરાધના કરવાનું કહેવામાં આવે છે.

મને ગણપતિના ચરિત્રની વિશેષતા એ લાગે છે કે તેને મોદક પ્રિય હોવા છતાં અન્નમય કોષ ઉપર ગજબનો સંયમ ધરાવે છે. ગણપતિના નામે આપણા ખાઉધરાપણાને ખૂબ વિકસાવ્યું છે તે જુદી વાત છે પણ ગણપતિમાં જ્ઞાનમય કોષ સૌથી વધારે સક્રિય કોષ છે. ગણપતિનું વાહન ઉંદર છે. તેમ છતાં ગણપતિની ગતિ પ્રકાશના કિરણની ઝડપથી પણ વધારે છે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે મોરનું વાહન લઈને ઊપડી જાય છે પણ ગણપતિ પોતાના વાહનની મર્યાદા બરાબર જાણતા હતા. એટલે શંકર-પાર્વતીની પ્રદક્ષિણામાંજ એમણે જીવનની સાર્થકતા માની લીધી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગણપતિને મન સાધનનું બહુ મહત્વ નથી પણ સાધ્યનો વિશેષ મહિમા છે. આજે આપણા દેશમાં સાધ્ય કરતાં સાધનની બોલબાલા વધારે છે. માણસને જેમ જેમ સાધનો મળતાં ગયાં તેમ તે સાધ્ય તરફ બેદરકાર બનતો ગયો. આજે માણસે પોતાનું ભાવિ ‘સુપર કૉમ્પ્યુટર’ નામના સાધનને સોંપી દીધું છે પણ માણસ એ નથી જાણતો કે આ કૉમ્પ્યુટર પાસે બધું જ હોવા છતાં સંવેદનોથી ધબકતું હૃદય નથી.

વ્યાસ મુનિએ ‘મહાભારત’ લખવા માટે ગણપતિની લહિયા તરીકે પસંદગી કરી એ ઘટના ભારે સૂચક છે. મહર્ષિ વ્યાસ એ વાત બરાબર જાણતા હતા કે શબ્દને ધારણ કરવાની શક્તિ જેટલી ગણપતિમાં છે તેટલી શક્તિ બીજા કોઈનામાં નથી. શબ્દની શક્તિ પરમાણુ બોમ્બથી પણ ભયંકર છે અને ગણપતિ સિવાય બીજો ક્યો દેવ દે ધારણ કરી શકે ? ગણપતિ ઉત્સવનો તહેવાર આવે છે ત્યારે આ ઉત્સવનો ઘોંઘાટ એટલો બધો થાય છે કે આપણા કાન બહેરા થઈ જાય છે પણ ગણપતિના મોટા મોટા કાન આ ઘોંઘાટના પ્રદૂષણને પણ ધારણ કરી શકે છે. આમ અવાજ અને શબ્દ પોતાનું હૃદય ગણપતિ પાસે આવીને ઠાલવે છે. મારી દષ્ટિએ ગણપતિ એ શબ્દનું પિયર છે.

આપણે ગણપતિની મૂર્તિ જોઈએ છીએ ત્યારે ગણપતિની ફા6દ ઊડીને આંખે વળગે છે. આ દૂંદાળા દેવની ફાંદ લાડુ ખાઈખાઈને વધી નથી પણ બ્રહ્માંડનાં અનેક રહસ્યો ગણપતિના પેટમાં રહી શક્યાં છે એ વાત સમજવા જેવી છે. માણસના પેટમાં અને ગણપતિમાં છે તેટલી માણસમાં નથી. માણસના પેટમાં કોઈ વાત ટકતી નથી પણ ગણપતિનું ‘મહાભારત’ ને પચાવી શકે છે.

ગણપતિનું વાહન ઉંદર છે. કોઈને નવાઈ લાગે કે ગણપતિએ પોતાના વાહન તરીકે ઉંદરડાને શા માટે પસંદ કર્યો હશે ? અહીં આપણે એ વાત સમજવી જોઈએ કે ગણપતિને મન ઉંદર એ સામાન્ય પ્રાણી નથી પણ માણસના અન્નમય કોષને નાશ કરનારું તત્વ છે. અનાજના ભંડારો જ્યાં ભર્યા હશે ત્યાં ઉંદરસેના ધસી જશે. આજે માણસ ઉત્સવ ઉજવે છે ત્યારે તે સૌથી વધારે ખાય છે. ઉત્સવો તો ઉત્તમ ભોજન જમવા માટેનું બહાનું છે. ગણપતિ એ વાત બરાબર જાણે છે કે માણસનું પેટ જ્યાં સુધી છે ત્યાં સુધી એ પેટપૂજામાંથી ઊંચો આવવાનો નથી. આ પેટપૂજાએ માણસના જ્ઞાનની ભૂખને મારી નાખી છે એટલે ગણપતિની ઉંદરસેના અનાજના ભંડારોમાં ઘૂસીને માણસના ખાઉધરાપણાની મજાક ઉડાવે છે. ગણપતિને કોઈ આવરણો ગમતાં નથી એ વાત ઉંદરો બરાબર જાણે છે એટલે જ તેઓ ઘરમાં ઘૂસીને કપડાં ફાડે છે. ઉત્સવો હંમેશાં દેવની ઉપર આવરણ બની જતા હોય છે. આપણા ધાર્મિક ઉત્સવોમાં ક્રિયાકાંડનો મહિમા એટલો બધો વધી જાય છે કે સત્યનો અવાજ કોઈના કાને સંભળાતો નથી. પણ ગણપતિના મોટા મોટા કાન કીડીનાં પગલાં સાંભળી શકે છે.

શંકર અને પાર્વતીના અલૌકિક લગ્નજીવનનું પ્રતિબિંબ ગણપતિમાં જોઈ શકાય છે. ભગવાન શંકરને પામવા માટે પાર્વતીએ તપ કર્યું ત્યારે શંકરે પ્રસન્ન થઈને એમ કહ્યું કે, ‘હે પાર્વતી ! હું તારા તપથી ખરીદાયેલો દાસ છું.’ અહીં આપણે એ સમજવું જોઈએ કે ગણપતિને ચૂરમાના લાડુથી ખરીદી શકાય નહીં. તમે ગણપતિની મૂર્તિ ખરીદીને ઘેર લાવી શકો છો પણ ગણપતિને ખરીદી ઘરમાં લાવી શકતા નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગણપતિ પૂજન : વેદ થી લોક સુધી – સંકલિત
બે જીવનલક્ષી નિબંધો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ Next »   

17 પ્રતિભાવો : ગણપતિ દર્શન : એક નવી દષ્ટિએ – અનીલ જોષી

 1. shivshiva says:

  આપણે જ આપણાં ધર્મ અને દેવતાની હાંસી ઉડાવતા હોઈએ તો વિધર્મી આપણાં ધર્મની કે દેવી દેવતાઓનું અપમાન કરે તો શી નવાઈ ?
  આ લેખ વાંચીને ખૂબ દુઃખ થાય છે વિચિત્રતા દર્શાવ્યા બદલ

 2. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  ભગવાનશ્રી ગણેશના સ્વરૂપમાંથી પ્રેરણા પામીને આપણે આપણી નિર્બળતાઓ અને ખોટા મૂલ્યોને સુધારી એવો લેખકનો ભાવાર્થ આ લેખમાં જણાય છે – અને એ દ્રષ્ટિકોણથી જ આ લેખ રીડગુજરાતી પર મૂકવામાં આવ્યો છે. આમ છતાં, કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે તો ક્ષમા કરશો. સર્વ પ્રથમ વંદનીય એવા ભગવાન ગણેશના ચરણોમાં તો આપણા વંદન જ હોય.

  તંત્રી :
  મૃગેશ શાહ

 3. શૈલેશ ત્રિવેદી says:

  એકદમ ચોટડુક લેખ. બા. ગં. ટિળકે આ ઉત્સવ લોકો માં ભાઈચારો વધે એ હેતુ થી સાર્વજનિક બનાવ્યો. આપણે વગર વિચારે મોટ લાઉડ સ્પિકરો મુકી ઘોંઘાટ કરીએ છિએ. મોટી મૂર્તિ કે ભપકા થી ભગવાન પ્રસન્ન નથી થતા.

  ઉત્સવો આપસ માં ભાઈચારો વધે તે માટે હોય છે નહિ કે ખોટા ભપકા કરવા માટે. ગણપતિ ની સાચી બાજુ વર્ણન કરવા માટે લેખક ને ધન્યવાદ.

 4. rakshit says:

  it’s true and good article. we need to change lots of things in celebration of religious festivals.

 5. Does taking testosterone cause prostate cancer….

  Low testosterone….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.