બે જીવનલક્ષી નિબંધો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પ્રજાજીવનની સલામતી

આ લખું છું ત્યારે મારી ચેમ્બરથી થોડે દૂર વિદ્યાર્થીઓનાં ટોળાં અવાજો કરતાં યુનિવર્સિટી કાર્યાલય પાસે એકઠાં થયાં છે. આ દશ્યો હવે મારા માટે નવા નથી. પણ જ્યારે જ્યારે આવાં દશ્યો જોયાં છે ત્યારે ત્યારે એક વિચાર આવ્યો છે કે આટલી યુવાશક્તિ અને તેનો આટલો સમય વેડફાય એ ક્યા દેશને પાલવી શકે ? લગભગ દર વર્ષે જૂન મહિનામાં યુનિવર્સિટીનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય અને ઑગસ્ટમાં તો કોઈને કોઈ બહાને હડતાલો આવી જ ગણો ! હડતાલ જેને કારણે પડી હોય તે કારણ જોવા જઈએ તો મોટે ભાગે નગણ્ય જ હોય. હડતાલ માટેના મુદ્દાઓ મોટેભાગે એવા હોય છે કે જે વાટાઘાટથી ઉકેલી શકાય. પણ કોણ જાણે કેમ, હવે આપણને લગભગ બધાં જ ક્ષેત્રોમાં એ કોઠે પડી ગયું છે કે હડતાલ પાડીને દેકારો કરવો અને એ માર્ગે જ ઉકેલ શોધવો. અને બીજી બાજુ એવું વલણ અખત્યાર કરવામાં આવે છે કે હડતાલ ન પડે ત્યાં સુધી ઉકેલ માગતા મુદ્દાને ટાળ્યા કરવો !

થોડાં વર્ષ પહેલાંની વાત. ગામડાની એક કૉલેજમાં નોકરી કરતા એક અધ્યાપક મને મળવા આવ્યા. કહે કે બીજી કોઈ સંસ્થામાં જોડાવાની ઈચ્છા છે. પોતે જ્યાં કામ કરતા હતા ત્યાં રહેવાનું હવે એમને માટે મુશ્કેલ હતું. વાત એમ બનેલી કે કૉલેજમાં એક વૉટર કૂલર મૂકવાનું હતું. કૂલર ખરીદાઈ ગયેલું પણ ક્યાં ગોઠવવું તેનો નિર્ણય લેવાતો નહોતો. સંચાલક મંડળના સભ્યોમાં કૂલરની જગ્યા વિશે મતભેદ હતો ! વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં ઠંડું પાણી જોઈતું હતું પણ વાત ઠેલાયે જતી હતી. અધ્યાપકે વિદ્યાર્થીઓની મુશ્કેલી સંચાલકોને જણાવી પણ પરિણામ કંઈ ન આવ્યું. વિદ્યાર્થીઓ ક્યાં સુધી રાહ જુએ ? છેવટે થાકીને એમણે હડતાલ પાડી. હડતાલ પડી એટલે બીજા જ દિવસ કૂલર ગોઠવાઈ ગયું ! પણ અધ્યાપકને વેઠવાનું આવ્યું. સંચાલકોએ એમને બોલાવીને કહ્યું કે તમે જ હડતાલ પડાવી ! થઈ રહ્યું. એક સીધાસાદા ભલા માણસને સંસ્થા છોડવાનો વારો આવ્યો.

હવે તો પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે કોઈ મધ્યસ્થી થાય તો એના પર જાતજાતના હેતુઓનું આરોપણ કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે જેના અભિપ્રાયનું કંઈક વજન પડે એમ છે એવો એક વર્ગ પણ હવે દૂર ખસવા માંડ્યો છે.

હડતાલની સાથે ભાંગફોડ પણ જોડાઈ ગઈ છે. થોડાં વર્ષો પહેલાંની વાત. એક સવારે આઈ.એ.એસના વર્ગો લેવા માટે હું નીકળ્યો. બસ સદભાગ્યે તરત જ મળી ગઈ. થોડે દૂર બસ ગઈ હશે ને કંડકટરે મોટેથી કહ્યું કે સામે પથરા છે. સવારની એક કૉલેજમાં વિદ્યાર્થીઓ તોફાને ચડ્યા હતા. અને હડતાળ પાડી ભાંગફોડ શરૂ કરી હતી. ટોળું જોયું એટલે કંડકટરે ડ્રાઈવરને અને પેસેન્જરોને ચેતવ્યા. બસ ઊભી રાખી ડ્રાઈવર ઊતરી ગયો અને એક બાજુ જઈને ઊભો. ટોળું આવી પહોંચ્યું. બધા પેસેન્જર ઊતરી જાય તે પહેલાં તો પથ્થરમારો શરૂ થઈ ગયો ! બસમાં એક ડોશીમા હતાં. એ ગભરાઈ ગયેલાં. આમેય વાર્ધકયને કારણે તેઓ તરત નીચે ઊતરી શકે એમ નહોતાં. અમારી બૂમો કોણ સાંભળે ? બસના બારણામાં ઊભા રહીને એક ભાઈએ પોતાનો રૂમાલ ફરકાવ્યો અને મોટેથી બૂમ મારી. કંઈક મુશ્કેલી છે એમ લાગ્યું એટલે પથ્થરમારો અટક્યો. ડોશીમાને સાચવીને નીચે ઉતારી એક રિક્ષામાં બેસાડી દીધાં. વર્ગ માટે હું મોડો પડ્યો. એક તરફ મન પર એનો ભાર હતો તો બીજી બાજુ જેનો કાંઈ વાંકગુનો નથી એવા સામાન્ય નાગરિકોની જે અવદશા થઈ તેની વેદના હતી.

શ્રી સુરેશ જોશીએ એક પ્રશ્ન અધ્યાપકોની સભામાં પૂછ્યો હતો કે હમણાં જ બસ બાળીને જે વિદ્યાર્થી મારી સામે આવીને બેઠો છે તેને કવિતા હું શી રીતે શીખવું ? જાહેર જીવનની વિક્ષુબ્ધ દશા માનવીનાં વિક્ષુબ્ધ મનનું જ પરિણામ હોય છે. એના ઉપાયો શોધવા જોઈએ. પણ એ ન શોધાય ત્યાં સુધી એક પ્રશ્ન સામે ઊભો છે : જેનો કોઈ વાંકગુનો નથી એને પરેશાન કરવાનો આપણને કોઈ અધિકાર ખરો ? હમણાં ડેરીમાં પડેલી હડતાલે અનેક બાળકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધાં. મને દુ:ખ એ વાતનું છે કે નાનાં બાળકો આમાંથી એવું શીખે છે કે પ્રશ્નોનો ઉકેલ શેરીઓમાં અને રસ્તાઓ પર જ શોધાય અને ભાંગફોડ કરવાથી જ એ મળે. ક્યાં જઈને આ અટકે ?

લોકશાહી એ માત્ર ચૂંટણીપદ્ધતિ નથી પણ એક જીવનરીતિ છે. તેનું શિક્ષણ સ્વાતંત્ર્ય મળ્યા પછી પ્રજાને મળવું જોઈતું હતું તે મળ્યું નથી તેનાં આ પરિણામો છે. ગાંધીજીએ તે વખતના કાર્યકર્તાઓને કહ્યું હતું કે ભારતભરમાં બધા વિખેરાઈ જાઓ અને લોકશિક્ષણનું કાર્ય કરો. એ વિના મળેલું સ્વાતંત્ર્ય જોખમમાં મુકાશે અને કોઈક વાર ખોવા વારો આવશે. આપણે એ કેટલું કર્યું ? પ્રજાજીવનની સલામતી માટે અને શાંતિ માટે લોકશાહીના સાચા પાઠ હજુ પ્રજાએ શીખવાના બાકી છે. એની પ્રતીતિ છાશવારે ખોરંભાતું જાહેર જીવન કરાવે છે.

શિખરોને ટીંબા ન બનાવાય !

એવું લાગે છે કે આપણા જાહેર જીવનમાં અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં અમુક આગ્રહો ઓછા થતા જાય છે. થોડા સમય પહેલં એક અધ્યાપક ભાઈ મળવા આવ્યા હતા. મેં એમના વ્યવસાય વગેરેના ખબરઅંતર પૂછ્યા. હસતાં હસતાં બહુ સહજ રીતે એમણે કહ્યું કે, હવે તો ‘શિષ્ય દેવો ભવ’ નું સુત્ર આચારમાં મૂકવાનું છે. એટલે કે વિદ્યાર્થીને જે સારું લાગે તેમ કરવાનું અને આપણી સલામતી જાળવવાની ! મેં પૂછ્યું કે અમુક આદર્શો માટેના આગ્રહો જતા કરીને ‘પ્રિય’ થવાનું વલણ અપનાવીશું તો આખો સમાજ ક્યાં જઈને ઊભો રહેશે ? વિદ્યાર્થીનું પોતાનું પણ એમાં લાંબાગાળે અહિત જ થવાનું ને ?

મને વસિષ્ઠ-વિશ્વામિત્ર વચ્ચેનો એક પ્રસંગ યાદ આવ્યો. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધરોમાં આ બંને મહાન ઋષિઓનાં નામ આગલી હરોળમાં છે. વિશ્વામિત્ર ઘણું ઉગ્ર તપ તપ્યા હતા. પોતાની તપશ્ચર્યાનો એમને ગર્વ હતો અને એમનો ક્રોધ તો દુર્વાસાની યાદ આપે એવો. ગર્વ અને ક્રોધ પર જેણે વિજય મેળવ્યો નથી તે પૂર્ણ તપસ્વી શી રીતે કહેવાય ? વસિષ્ઠ વિશ્વામિત્રની આ મર્યાદાઓ જાણતા હતા. તેઓ ઈચ્છતા હતા કે વિશ્વામિત્ર ક્રોધ અને ગર્વ પર વિજય મેળવીને સાચા અર્થમાં પૂર્ણ તપસ્વી બને. જો આવું પરિણામ લાવવું હોય તો એમની મર્યાદાઓનું એમને ભાન કરાવવું જ જોઈએ. એટલે વિશ્વામિત્રને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે વસિષ્ઠ એમને કહેતા ‘આવો રાજર્ષિ.’

રાજર્ષિ કરતાં બ્રહ્મર્ષિની પદવી ઊંચી છે. વસિષ્ઠ વિશ્વામિત્રને ‘બ્રહ્મષિ’ કહીને સંબોધતા નહીં. વિશ્વામિત્રના ગુસ્સાનો પાર ન રહેતો. એમને થયું કે વસિષ્ઠ મારું અપમાન કરે છે અને બીજાઓની નજરમાં મને નીચો પાડે છે. નક્કી એમના મનમાં મારે માટે દ્વેષ હોવો જોઈએ. વસિષ્ઠના મનમાં વિશ્વામિત્ર માટે પૂરો સદભાવ હતો, પણ ગર્વની આડે વિશ્વામિત્ર તે જોઈ શકતા નહોતા. તેમને વસિષ્ઠને મારી નાખવાનો વિચાર કર્યો. એક વેળા રાત્રે વસિષ્ઠની પર્ણકુટિ પાછળ કુહાડી લઈને સંતાઈ રહ્યા. મનમાં એમ કે લાગ આવે કે તરત કુહાડીની વસિષ્ઠનું માથું ધડથી જુદું કરી નાખું.

રાત સરતી જાય છે. આકાશમાં ચંદ્ર ઊંચે ચડ્યો છે. પૂર્ણ ચંદ્રનો પ્રકાશ વનસૃષ્ટિને વધુ રૂપાળી બનાવી રહ્યો છે. પર્ણકુટિના આગળના ભાગમાં કુદરતના સૌન્દર્યને નીરખતાં વસિષ્ઠ અને અરુંધતી બેઠાં છે. વાતવાતમાં ઋષિપત્ની અરુંધતીએ પ્રશ્ન પૂછ્યો : ‘આ ચંદ્રના શીતળ પ્રકાશ જેવું નિર્મળ તપ કોનું હશે ?’ સહેજ પણ રોકાયા વિના વસિષ્ઠે ઉત્તર આપ્યો : ‘ઋષિ વિશ્વામિત્રનું.’ વસિષ્ઠના આ શબ્દો વિશ્વામિત્રે સાંભળ્યા; એમણે જાણ્યું કે વસિષ્ઠ તો મારાં વખાણ કરે છે. એમને ભારે પસ્તાવો થયો. કુહાડી ફેંકી દઈને તેઓ આગળ આવ્યા અને વસિષ્ઠના ચરણોમાં માથું મૂક્યું. વિશ્વામિત્રને ગર્વરહિત તેમ જ નમ્ર બનેલા જોઈને વસિષ્ઠ બોલ્યા : ‘આવો, વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ !’

આ નાનકડી કથા જીવનનું એક મહાન સત્ય કહી જાય છે. વખાણ તો કોને નથી ગમતાં ? પણ આપણી હાજરીમાં જો કોઈ આપણાં વખાણ કરે તો સમજી જવું કે એ આપણો હિતેચ્છુ હોવાનો સંભવ ઘણો ઓછો છે. આપણી મર્યાદાનું ભાન જે કરાવે તે આપણો હિતેચ્છુ હોવાનો સંભવ વધારે છે. કડવું સત્ય ગળે ઉતારવાને માટે પણ માણસમાં યોગ્યતા જોઈએ. આ પ્રકારના વ્યવહાર પાછળ આદર્શો માટેના કેટલાક ચોક્કસ આગ્રહો હતા. જે ગર્વરહિત ન હોય અને અક્રોધી ન હોય તે બ્રહ્મર્ષિ નહીં એટલે નહીં જ. કોઈને રાજી રાખવા માટે હિમાલયના શિખરને ગામડાગામનો ટીંબો ન બનાવાય. શિખરોની ઊંચાઈ જે દિવસે ઘટવા માંડે, આદર્શો નીચા પડવા માંડે, તે દિવસથી પ્રજાજીવનની અધોગતિની શરૂઆત થઈ જાય. એટલે આગ્રહોને ખાતર ભોગ આપવો પડે તોય શું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગણપતિ દર્શન : એક નવી દષ્ટિએ – અનીલ જોષી
સ્પીડબ્રેકર – સુધીર દેસાઈ Next »   

6 પ્રતિભાવો : બે જીવનલક્ષી નિબંધો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

 1. Shailesh Trivedi says:

  મને લાગ્યુ કે આ લેખ માં સહુથી વધારે અભિપ્રાયો આવશે. મારી આશા ઠગારી નિવડી. ખરું જોતાં અહિં વધુ અભિપ્રાયો આવવા જોઈતા હતા.

  મારી દ્રષ્ટી એ લેખક ની વાત ખોટી તો નથી જ પરંતુ શું વિધ્યાર્થિ ઓ ની વ્યાજબી માંગણીઑ ખોટ છે? અને શિક્ષણ નુ વેપારીકરણ જ્યારે નહિ થાય, ત્યારે જ વિદ્યાર્થી શિક્ષકો ને માન આપતા શિખશે.

 2. Dipika says:

  today’s education system doesn’t give anything in life. it teach only how to make more money. you know dog, cat, cow don’t need to work 10 hrs a day to get food, but we need to work whole day to get food. mean our life is worst than dog. school word comes from “schola” from greek. schola means after doing a work, after 3:00 pm people get togather and discuss about the human life, how to live which makes good human. who is god? how we can relate us with God? what to do in life to make God happy?
  gradually the system changed (not good way) and now our half life pass in study (school!) and half life in earning!
  when i wake up and start to go for work, i everyday thinks that i’m going away from GOD (Nisarg – Nature) God is in nature (river, hills, plants, wather, sun, clouds, sky). i would be prison in office for 8 to 9 hrs. i would not see sun, morning, noon, after noon and evening.
  this life style is only because of today;s education system. 8 hrs study in school! 8 hrs work after getting the degree!

 3. Anish Dave says:

  Mr. Brahmabhatt’s essay is more a wistful longing (for accountability among today’s students?) than a focused argument. I wish he had offered a few solutions instead of just presenting anecodotes and a mythological story. I have not seen so much as heard about the student strikes in India. The main reason for strikes is politicization of education, which I differentiate from students’ taking interest in politics. Added to this reason is gargantuan and corrupt bureaucracy in our educational system. Unfortunately, there are no easy or quick solutions to this problem. Universal literacy and econocmic development may slowly change things over time. Until then, we can continue to lead by example. I don’t agree with a comment posted by a reader that the present educational system does not give one anything. Certainly, enjoying nature is reinvigorating and inspiring. But to say that a normal 8-hour-a-day-work is nothing but a painful drudgery akin to one’s incarceration is taking things too far. I’ve worked for more than 10 years in an office that did occasionally felt like a prison, but let me tell you that without that office and the work I did there I would not be where I am today. Boring or interesting, life is about honest work. If God asked me to name one thing that I’d like him to give my countrymen, especially her youth, I’d say without a blink, honesty.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.