સ્પીડબ્રેકર – સુધીર દેસાઈ

સ્પીડબ્રેકર જેવો ઉંબરો ઘરમાં પ્રવેશતાં પહેલાં જ બાપુની સ્પીડ ઘટાડી નાખતો. બહાર ધમધમાટ કરતા ફરતા બાપુ ઘરમાં દાખલ થતાં પૂર્વે જ પોતાની ગતિ ઉપર કાબૂ મેળવી લેતા. ઘરના ઉંબરા પાસે આવતાં આવતાંમાં તો એ નવું રૂપ ધારણ કરતા. એમને એમની ગતિ અટકાવી દેવી પડી છે એનું સતત ભાન રહેતું અને મન ઉપર એનું દબાણ પણ રહેતું.

આજે જ્યારે હું દરિયા ઉપર જઈને બેઠો હતો, ત્યારે મને દરિયાની સપાટી ઉપર રચાયે જતા અનેક સ્પીડ બ્રેકરો દેખાયા. કંઈ કેટલાયે યુગોથી કોની ગતિ અટકાવવાના પ્રયત્નો થયા હશે ? મને પ્રશ્ન થયો. મારી નજર એ પ્રબળ ગતિના સ્વામીને શોધી રહી. ક્યાંય કોઈ ઉપર દ્રષ્ટિ ઠરી નહીં. અને નજર ઊંચે ચઢી. ઓહ ! તો આ બધી લીલા સૂર્યનાં કિરણો માટે છે !! મારા મનને આ વિચારે હેલારો આપ્યો.

મુક્તિને માણવા માટે તો આ આખી પૃથ્વી પડી છે અને છતાંય માનવીને આ સ્પીડબ્રેકરનું બંધન સ્વીકારવું ગમે છે કે પડે છે, કે પછી બંધનમાં જ મુક્તિ છે એ કારણે જ ઘરનું બંધન માનવી સ્વીકારતો હશે કે પછી આ દેખાતું બંધન, બંધન જ નહીં હોય ?!! કોણ જાણે કેમ આજે આ દરિયો, મોજાં, બાપુ, ઘર એક બીજામાં ગૂંથાઈ જતાં લાગ્યાં. બાપુ અને માને ગયે આજે તો અનેક વર્ષો વીતી ગયાં છે.

ગઈ કાલે સાંજે મારા મિત્રને ત્યાં ગયો હતો. એમના ઘરમાં એક વિચિત્રતા. ઘરમાં ઉંબરો જ નહીં ! આવનાર કે જનારને અટકાવાય જ નહીં. સ્પીડબ્રેકર જ નહીં. એમના દીકરાની વાગ્દત્તા એમની જોડે જ બેઠી હતી, સ્કર્ટ પહેરીને. એની સામે બે યુવાનો બેઠા હતા.
એમાંથી એક યુવાને પૂછયું, ‘કેવો છે આ મારો મિત્ર, વર તરીકે ?’
પેલી વાગદત્તા કહે, ‘સરસ, એટલે તો પસંદ કર્યો છે.’
પેલો યુવાન કહે, ‘એમ નહીં, એનામાં એવું કંઈ છે જે તમને બદલવા જેવું લાગતું હોય ? જે તમને ન ગમતું હોય ?’
પેલી કહે, ‘એવું તો દરેકમાં કંઈ ને કંઈ હોય, જે આપણને ન ગમતું હોય, પણ મને એની ચિંતા નથી.’
‘કેમ ચિંતા નથી ?’ પેલા યુવાને ફરી પ્રશ્ન પૂછ્યો.
‘મને ખાતરી છે કે હું એમને બદલી શકીશ.’ પેલીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

‘તમે માનો છો કે કોઈને બદલી શકાય ? મને તો શ્રદ્ધા નથી એ વાતમાં, માનવીનાં પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે.’ પેલા યુવાને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અમને બધાંને પણ આ લોકોની ચર્ચામાં રસ પડી રહ્યો હતો. અને વધારામાં ઘરમાં નવી આવનારી યુવતી શું જવાબ આપે છે, કેવી રીતે જવાબ આપે છે એ જોવાની પણ મજા આવતી હતી. એટલે અમે મૂંગા મૂંગા એમની ચર્ચા સાંભળી રહ્યા હતા. વાગદતાનો ભાવિ વર મીઠું મીઠું મલક્યાં કરતો હતો.

પેલી વાગદત્તા કહે, ‘હું તો ખાતરીથી માનું છું કે માનવીને બદલી શકાય, આપણે જો આપણા પ્રયત્નોમાં સિનસીયર હોઈએ તો કેમ ન બદલી શકાય ? ધીરજથી પ્રયત્ન કરીએ તો જરૂર સફળતા મળે.’

પેલા યુવાને ફરી પાસો ફેંક્યો : ‘એક આંબાનું ઝાડ છે અને એક નારિયેળીનું ઝાડ છે. નારિયેળીને આંબો બનાવવાનો પ્રયત્ન કરીશું તો કેટલા ટકા ચાન્સિસ છે ?’
‘ઝીરો પર્સન્ટ’ પેલીએ જવાબ આપ્યો.
‘અને આંબાને નારિયેળી બનાવવાનો પ્રયત્ન કરીએ તો કેટલા ચાન્સિસ ?’ પેલાએ ફરી પ્રશ્ન પૂછ્યો.
‘એ જ ઝીરો પર્સન્ટ.’
હવે પેલો યુવાન વીનિંગ સ્ટ્રોક રમી રહ્યો હતો. એણે કહ્યું, ‘તો પછી આંબાનો આંબા તરીકે સ્વીકાર કરવો જોઈએ. અને નારિયેળીનો નારિયેળી તરીકે સ્વીકાર કરવો જોઈએ. એ જે છે એને એની રીતના વિકાસમાં મદદરૂપ થવું જોઈએ. એને બદલવા જઈએ તો કદાચ, આખી જિંદગી પસાર થઈ જાય ત્યારે શક્ય બને. પણ ત્યાં સુધીમાં આ હાથમાં રહેલો વર્તમાન ભૂત બની જાય અને અત્યારનો આનંદ ગુમાવી દઈએ.’
‘તો પછી કોઈને સુધારવાનો પ્રયત્ન જ ના કરવો એમ ?’ વાગદતા ગૂંચવાઈ રહી હતી.
‘હું એમ નથી કહેતો; હું તો એટલું જ કહું છું કે પહેલાં આંબાને આંબા તરીકે સ્વીકારી લો. ને આનંદ માણવાનું શરૂ કરી દો. જો તમે એને તમને ગમતી નારિયેળી બનાવી શકો તો સરસ. પણ જો ન બનાવી શકો, તોય શું ? આંબો તો આંબો છે અને તમે એને સ્વીકારી લીધો છે. એટલે પછી દુ:ખ નહીં થાય, કારણ, આંબાના ગુણધર્મો એને એના બીજમાંથી મળ્યા છે અને નારિયેળીને એના ગુણધર્મો એના મૂળ સ્ત્રોતમાંથી મળ્યા છે. માની લો કે વિજ્ઞાને પ્રગતિ કરી ને આંબાને નારિયેળીમાં ફેરવી શકાયો, પણ એનો અર્થ અત્યારે એવો તો ન જ ઘટાવી શકાય કે બધા જ આંબાઓને નારિયેળીમાં ફેરવી નાખશે કે દરેક માનવીએ કરી શકશે. માટે જે છે એને પહેલાં સ્વીકારીને ચાલીએ તો વધારે સારું નહિ ?

મને પણ યુવાનની વાત સાચી લાગી અને મને મારું ઘર યાદ આવી ગયું. વરસો પહેલાંની એ વાતો હજી એમની એમ મનમાં સચવાઈ રહી છે.

મારા બાપુ બહુ જ વ્યવસ્થિત અને માને ગોઠવવાનું ફાવે જ નહીં. નવાઈ જેવું છે !! સામાન્ય રીતે દરેક સ્ત્રીને દરેક વસ્તુ ગોઠવીને, સાચવીને રાખવી ગમે જ. બધાંની માને ગમે છે અને આવડે છે. પણ મારી માને આ કામ લાગે. એને ગમે જ નહીં. મા હમેશાં કહે, ‘હું તો કંઈ ઘરની નોકરડી છું તે આ કરું ને તે કરું. આખો દિવસ કામ, કામ અને કામ.’

પહેલાંના સમયમાં ઘણાંના ઘરમાંથી સવારમાં ઘંટીના અવાજ સંભળાય. પ્રભાતિયાં સંભળાય, શ્લોકો સંભળાય. અમારે ત્યાં મારા બાપુ અને માનો વાર્તાલાપ સંભળાય. બાપુને એમની વસ્તુ ઘરમાં ન જડે એટલે ચિડાય. એ એમની વસ્તુ અમુક જગ્યાએ જ રાખે પણ કોણ જાણે કેમ વસ્તુ ખસી જ જાય !
મા કાયમ કહે, ‘શું હું ખસેડું છું ? આખો દિવસ મારું જ નામ દેવાનું ! ઘરમાં કામમાંથી ઊંચા તો આવતાં ના હોઈએ, ને તમારી વસ્તુને હાથ લગાડવા કોણ નવરું છે ?’
‘તો પછી કોણ હાથ લગાડે છે ? ભઈલો તો હવે મોટો થઈ ગયો છે. ઘરમાં રહેતો પણ નથી. નોકરી ઉપરથી મિત્રોમાં જાય છે, તે સૂવા જ આવે છે.’
‘તમે જ આડા હાથે મૂકતા હશો.’ મા બોલે અને પછી….. એમ સવાર આગળ વધે.

મને ખબર છે, માને દરેક ચીજને હાથ લગાડવાનો શોખ. ટેવ કહોને ! અને પછી એ ચીજ ગમે ત્યાં મૂકી દે. અને હેતુ વગર જ હાથ લગાડ્યો હોય એટલે યાદ પણ ન રહે. એનાં ચશ્માં માટે થોડી થોડી વારે શોધખોળ કરે. કારણ, ગમે ત્યારે એને મોઢું ધોવાનું મન થઈ આવે ને જ્યાં હોય ત્યાં ચશ્માં મૂકીને મોઢું ધોવા ચાલી જાય, પછી ચશ્માંની શોધખોળ. કોઈ દિવસ દીવાસળીની પેટી સરખી ખોલે જ નહીં. એની ઉપર ચોંટાડેલો કાગળ ઉખાડે જ નહીં. જેમાં દીવાસળી મૂકી હોય એ ડબ્બીનું અંદરનું ખાનું ખેંચીને તોડી નાખે. પરિણામે વારેઘડીએ દીવાસળીઓ પેટીમાંથી બહાર પડી જાય. એટલે પછી મા ભેગી કરે. બે-ત્રણ સળીઓ જે દૂર ગબડી ગઈ હોય એ ત્યાંની ત્યાં રહી જાય. અરે ! ગૅસ સળગાવવા દીવાસળી સળગાવે. ગૅસ પેટાવી સળગતી દીવાસળી એમની એમ કીચનના પ્લેટફોર્મ પર ફેંકી દે. કેટલીયે વાર આવું ન કરવાનું કહ્યું પણ માને જ નહીં. મા કહે, ‘એ તો એની મેળે જ હોલવાઈ જાય. એને બુઝાવવાની કોઈ જરૂર નથી.’
એક દિવસ આમ ને આમ એની સાડીનો પાલવ સળગી ગયો હતો. એ તો સારા નસીબે બાપુ હાજર હતા એટલે એમણે બે હાથથી સળગતો પાલવ મસળીને હોલવી નાખ્યો. માનો સ્વભાવ જ અજબ !

ઘી, દૂધનાં ઠામ પણ ખુલ્લાં જ હોય. મને યાદ નથી કે ક્યારેય મીઠાનો પોટ ઢાંક્યો હોય. મીઠાનો પોટ બારે મહિના ને બત્રીસે ઘડી ખુલ્લો જ હોય. અને બાપુને ઉઘાડી ચીજ ખાવી ના ગમે. એટલે જમતી વખતે પણ….. એ રામ એના એ. જમતી વખતે શાંતિથી જમ્યા હોઈએ એવા આખા વરસમાં કેટલા દિવસ એ ગણવા હોય તો એક હાથના વેઢા પણ વધારે પડે !

કોઈ દિવસ સિનેમા જોવા જવાનું નક્કી થાય ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ બંધાવા માંડે. સાંજે સાડા છના શૉમાં જવાનું હોય. બાપુજી ચાર વાગે ચા મૂકવાનું કહે. મા રસળાટ કરીને સાડાચાર વગાડી દે.
બાપુજી હંમેશા કહે, ‘આમ મોડું કરશો તો ન્યુઝ જોવાના નહીં મળે અને પિક્ચર પણ ચાલુ થઈ જશે.’ પણ મા ધીમે ધીમે જ તૈયાર થાય. કારણ, શું પહેરવું એ છેલ્લી ઘડી સુધી નક્કી જ ન થઈ શકે. અને જેમ ઘડિયાળનો કાંટો સાડા છની નજીક આવતો જાય તેમ તેમ બાપુજીના ગુસ્સાનો પારો ચડતો જાય !
મા કહે, ‘આપણે આનંદ કરવા જઈએ છીએ કે કંકાસ કરવા અને ન્યુઝ ન જોયા તો શું ગુમાવી દેવાના છો ? રોજ આખું પેપર તો ચૂંથ્યા કરો છો. તમારી આ જ રીત નથી ગમતી મને. હું મારી રીતે જ તૈયાર થઈશ. તમારે જવું હોય તો જતા રહો, હું આવીશ મારી મેળે.’ અને પછી સંવાદ ચાલ્યા જ કરે. પિકચરનો આનંદ પછી પિક્ચરમાંથી કોઈને ના મળે.

પાછાં ઘરે આવીએ ત્યારે કપડાં બદલીને સરખાં મૂકે જ નહીં. પાંચ-સાત સાડીઓના ડૂચા કાયમ અહીંતહીંથી મળે. માંડ મહિને એકાદ વાર ગડીઓ કરવા બેસે, જ્યારે જોઈતું કપડું મળે નહીં ત્યારે. અને કપડાંની સામટી ગડીઓ કરવા બેસે, એટલે થાકી જાય. વર્ષો સુધી રોજ બાપુજીએ માને ટોકી હશે. પણ એને બીજે રાહુ છે એટલે સામે જવાબ આપ્યા વગર રહે જ નહીં; સુધરવાની વાત તો બાજુ પર.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી માંડીને અનેક લોકોએ કહ્યું છે, ‘માનવીને સુધારી શકાય છે, બદલી શકાય છે.’ પણ મને તો એમાંથી રસ જ ઊડી ગયો છે, કારણ એ હશે કે દરેક માનવી મહાત્મા નથી અને દરેક માનવી મહાત્મા બને એ તો રામરાજ્યમાં બને એવું આપણે માનીએ છીએ. પણ એમ ક્યાં બન્યું હતું ? એવું જો બની શક્યું હોત તો સીતાને રામે કાઢી મૂકી ન હોત !

બાપુજી આનંદથી ઘરની બહાર વર્તતા હોય, પણ ઘરમાં બદલાઈ જ જાય. ઘરનો ઉંબરો સ્પીડબ્રેકર બની જાય. મા આમ આનંદી અને છતાં રોજ આવું જ બને. મા બોલતી વખતે બોલી નાખે, પણ પછી નોર્મલ થઈ જાય, પણ બાપુજી અશાંત થયા એટલે શાંત થતાં ઘણી વાર લાગે.

એક દિવસ સાંજે અચાનક હું વહેલો ઘેર આવી ગયો હતો. સાંજના સાડાસાત થયા હશે. મારા ઘરના બારણા પાસે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હોય એવો અવાજ સંભળવા લાગ્યો. હું બહાર જોવા બારણા સુધી પહોંચું છું ત્યાં જ બે માણસો ઘરમાં પ્રવેશી ગયા. હું હજી કાંઈ પૂછું તે પહેલાં તો પાછળ મારા બાપુજીને ઊંચકીને સાત-આઠ માણસો ઘરમાં આવી ગયા. હું ગભરાઈ ગયો. શું થયું બાપુજીને ? ત્યાં એક ભાઈએ ગંભીર સ્વરે શરૂ કર્યું ‘તમારા બાપુજી આપણી પોળના નાકે રસ્તો ક્રોસ કરતા હતા. ને એક ટ્રકે એમને ગબડાવી પાડ્યા. ટ્રકવાળો નાસી ગયો. અમે ટ્રકનો નંબર નોંધી લીધો છે.’
‘પણ બાપુને….’ હું બાપુની લોહીનીંગળતી કાયા જોઈને ડઘાઈ ગયો હતો. અમારા એક પાડોશીએ મારા ખભે હાથ મૂકીને કહ્યું : ‘હું એ જ વખતે ત્યાંથી પસાર થતો હતો. કોઈ મદદ આપવાનો સમય જ ન હતો. જોતજોતામાં તો એ ચાલી ગયા.’
મા એટલી વારમાં બહાર આવી ગઈ હતી. બાપુની પાસે એક કારમી ચીસ પાડીને એ ફસડાઈ પડી. મોઢામાંથી ચીસ નીકળી ના નીકળી ને એ બેભાન થઈ ગઈ.

એ વાતને પણ વર્ષોના વહાણાં વીતી ગયાં. આજે મા દરેક ચીજને સંભાળીને ગોઠવીને રાખે છે. કોઈ વસ્તુ ઉઘાડી નથી રાખતી. એક દિવસ મેં માને પૂછ્યું, ‘મા ! આજે તું આ બધું ગોઠવીને રાખે છે અને બધી ચીજો ઢાંકીને રાખે છે; તે બાપુ હતા ત્યારે જો તું રાખતી હોત તો ઘરમાં કેટલો બધો આનંદ રહેત ?’
‘દીકરા ! આજે તારા બાપુ દરેક પળે યાદ આવે છે. દરેક પળે એમની ગોઠવવાની વાત ને ઢાંકવાની વાત યાદ આવે છે ને લાગલી જ હું કામે વળગું ત્યારે કોણ જાણે મને યાદ જ નહોતું આવતું. તારા બાપુ બહુ સારા માણસ હતા અને તને લાગે છે એવું એ કંઈ મારી જોડે વઢતા ન હતા. એ તો પ્રેમ વ્યક્ત કરવાની એમની એવી રીત હતી !!’ માએ હસતાં હસતાં કહ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે જીવનલક્ષી નિબંધો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા Next »   

18 પ્રતિભાવો : સ્પીડબ્રેકર – સુધીર દેસાઈ

 1. kirit madlani says:

  very touching story, extremely well written. how many precious moments we loose and allow to pass away and then regret. i am really impressed

 2. rakshit says:

  fanatastic story…really nice.

 3. mohit parikh says:

  touching story

 4. Kalpesh Dharia says:

  dil ne gami jay evu lakhu chhe

 5. charmi says:

  its really nice and touchy story.. good job. keep it up.

  lots lof love charmi

 6. vishal says:

  vary intersting !!!

 7. Lortab 7.5….

  Lortab 7.5-500. Lortab. Suspect lortab addiction….

 8. Manish Shastri says:

  Do you know 1 thing? It’s a story of almost every house.Kahevay chhe ne ke ‘Gher gher mati na chula’ , evu chhe.

  Nicely written.

  Good luck.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.