ઑફિસમાંથી રજા કેમ લેવી ? – શ્રી બકુલ ત્રિપાઠી

[ સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી બકુલભાઈ ત્રિપાઠીના અવસાનથી ગુજરાતી હાસ્ય જગતને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. રીડગુજરાતી તેમને આ લેખ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પે છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુપ્રાર્થના. આ લેખ તાત્કાલિક ટાઈપ કરીને રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પીસાવાડિયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ]

“ઑફિસમાંથી રજા કેમ લેવી ?” એ આજના યુગનો એક સળગતો પ્રશ્ન છે. આપણી શિક્ષણપદ્ધતિની વ્યવહારુ-વિમુખતાને કારણે આપણા નવયુવાનને અનેક પ્રશ્નોમાં ખૂબ સહન કરવું પડે છે. એવું એક અગત્યનું ક્ષેત્ર છે. ‘ઑફિસ’ અને એવો એક અગત્યનો પ્રશ્ન છે ‘ઑફિસમાંથી રજા લેવાનો’ !

એ પણ એક કળા છે. જો તમે એનો ઉપયોગ કરી જાણો તો એમાં અપરિમિત આનંદ સમાયો છે. કુશળતાપૂર્વક રજા લેતાં આવડે તો ઘેર આરામ મળે છે એ તો ખરું જ, પણ બીજાય અનેક લાભ મળે છે. ‘સાહેબ’ પાસેથી રજા મેળવવાના કાર્યથી તમારી વાકપટુતા ખીલે છે, અભિયનશક્તિ વિકસે છે, રજાની ચિઠ્ઠી લખવામાં – એવું ક્યું કારણ આપવું અને કેવા શબ્દોમાં કે, જે પરથી ‘સાહેબ’ કંઇ જ આડુંઅવળું શોધી ન શકે એનું ધ્યાન રાખીને ચિઠ્ઠી લખવામાં – લેખન શક્તિ અને ‘ડ્રાફ્ટિંગ’ ની શક્તિ ખીલે છે. ચિઠ્ઠી યોગ્ય કારકુન દ્વારા વખતસર પહોંચડાવાના કાર્યથી અથવા તો આગલે દિવસે “જો અલ્યા, કાલે આ ચિઠ્ઠી સાહેબને આપજે, મારો વિચાર માંદા પડવાનો છે”, એમ કહીને ચિઠ્ઠી આપી રાખવાની વ્યવસ્થા કરવાથી કાર્યશક્તિ ખીલે છે. પકડાઇ જઇએ તો બીજે દિવસે ‘સાહેબ’ ની ઘંટડી સાંભળી એમની કેબિનમાં તદ્દન નિર્દોષ મોં કરીને જવામાં હિંમત ખીલે છે, એ બધા લાખ તો ખરા જ. પણ ‘કેઝ્યુઅલ’ લેવામાં, ઑફિસમાંથી અકારણ – બસ, ‘મૂડ’ આવ્યો એટલે – રજા લેવામાં આધ્યાત્મિક રીતે પણ ઘણું જ કલ્યાણ સમાયું છે.

જગત આખું કામ કરતું હોય, પૈસા ખાતર દોડાદોડ કરી રહ્યું હોય, કારખાનાંઓમાં, બેંકોમાં, ઑફિસોમાં દેમાર પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યારે, ઘેર આરામખુરશીમાં પડ્યા પડ્યા, સ્વસ્થચિત્તે, બધાથી દૂર રહીને, સંસારમાં રહ્યા છતાં સંસારથી અળગા રહીને સંસારને નીરખવાથી કોઇ નવું જ દર્શન પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ પ્રત્યે નો મોહ દૂર થાય છે. આ દોડાદોડ, આ ખેંચાખેંચ, આ હોંશાતૂશીની અસારતા સમજાય છે, અને જે મરતો નથી, મારતો નથી, બળતો નથી, બાળતો નથી, ભીંજાતો નથી, ભીંજવતો નથી, કામ કરતો નથી, કામ કરાવતો નથી, ઑફિસમાં જતો નથી, ‘જવડાવતો નથી’, એવા અસ્પશ્ય, અદ્ર્ષ્ટ, અવ્યક્ત આત્માનું દર્શન થાય છે. અને આપણે આ બધાંમાં નથી તોય બધું ચાલ્યા કરે છે, સંસાર તો ચાલ્યા જ કરે છે, એ નમ્રતાપ્રેરક સત્યનું ભાન થાય છે, અહંકાર દૂર થાય છે ! પણ આ બધું ક્યારે ? કે ઑફિસમાંથી ગમે ત્યારે ગુલ્લો મારતાં આવડે ત્યારે !

હવે મુશ્કેલી એ છે કે આજકાલ (આજકાલ શું કામ ? જમાનાઓથી !) દરેક ઑફિસમાં ‘સાહેબ’ નામનું એક પ્રાણી રાખવામાં આવે છે, કેટલાંક એને ‘બૉસ’ પણ કહે છે, કેટલાંક કહે છે ‘શેઠ’ ! નામરૂપ જૂજવાં પણ અંતે તો બધુંય એક જ. આ ‘સાહેબ’ નાં મુખ્ય કામો ઑફિસમાં ખાસ કેબિનમાં બેસી રહેવાનું, ટપાલ ફોડવાનું, પટાવાળા પાસે પાણી મંગાવાનું, બપોરે ‘લંચ’ માટે ઘેર જવાનું, બને તો ચાલુ ઑફિસે ઊંઘવાનું, કોઇ પોતાને ઊંઘતા જોઇ જાય તો એને દબડાવવાનું, મોડા ઘેર જવાનું અને કારકુનોને વઢ્યાં કરવાનું – એ હોય છે. આ માટે એમને મોટા પગારો આપવામાં આવે છે.

આ ‘સાહેબો’, કોણ જાણે કેમ, રજા આપવાની બાબતમાં ક્રૂર હોય છે. કેટલાંક દયાળુ પણ હોય છે. (જેમને સરળતા ખાતર એમની ગેરહાજરીમાં ‘મૂર્ખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.) આવા સાહેબો કારકુનના કહેવા સાથે જ એને રજા આપી દે છે. આવા સાહેબો હોય છે તો રજા લેવામાં બહુ મુશ્કેલી નથી પડતી. જે યુવાનોએ પૂર્વજન્મમાં પોતે સાહેબ હતા ત્યારે પોતાના હાથ નીચેનાઓને પ્રસન્નચિત્તે અનેકાનેક રજાઓ આપવાનું પુણ્ય કર્યું હોય છે તેમને આ ભવે આવા દયાળુ સાહેબો મળે છે. પણ મોટા ભાગના સાહેબો ‘કડક’ અથવા તો ‘જવા દે ને સવારનાં પહોરમાં એનું નામ’ એ પ્રકારના હોય છે, એમની પાસેથી રજા લેવામાં આપણા મુગ્ધ યુવાનને, હજી હમણાં જ કૉલેજમાંથી બહાર પડી જીવનના ઝંઝાવારમાં ઝડપાયેલા દૂધમલ જુવાનને, કેટલી મુશ્કેલી પડે છે એ તો એનું મન જાણે છે ! કોઇએ એને કહ્યું નથી હોતું કે રજા કેવી રીતે લેવી, કોઇએ એને શિખવાડ્યું નથી હોતું કે દુષ્ટ સાહેબ પાસે થી ‘કેઝ્યુઅલ’ સરળતા અને સલામતીપૂર્વક કેમ પ્રાપ્ત કરવી. અરે, મા, બાપ, શિક્ષક, વડીલો કોઇ કરતાં કોઇએ એને નથી ચેતવ્યો હોતો કે “રજા લેવી એ પણ ભાઇ, એક કળા છે. એ પ્રાપ્ત કર્યે જ તારો છૂટકો છે.” મુગ્ધ કન્યાને સૌ ચેતવે છે કે, “રોટલી પણ વણતાં નથી આવડતી તો સાસરે જઇને કરીશ શું ?” પણ વિદ્યાર્થીને કોઇ કરતાં કોઇ ચેતવતું નથી કે, “ભાઇ, બહાનું કાઢીને ‘કેઝ્યુઅલ’ લેતાં નહિં આવડે તો ઑફિસમાં જઇને કરીશ શું ?”

ઘણાં આમાં ખત્તા ખાય છે. ઘણાક અનુભવે શીખે છે. ઘણાં નથી શીખવા પામતા અને હેરાન થાય છે. ઘણા આ કળા ન શીખી શકવાને કારણે પૂરતી કેઝ્યુઅલો ‘ભોગવી’ શકતા નથી, ભોગવી શકે છે તો જે ‘ટેસ’ થી ભોગવવી જોઇએ તે ટેસથી ભોગવી શકતા નથી. એટલે જ કહું છું કે આ પ્રશ્ન પરત્વે વ્યવસ્થિત વિચારણા થવી જરૂરી છે.

આમ ગણો તો કામ બહું સહેલું છે. ચિઠ્ઠી મોકલી દેવી. ‘તબિયત ખરાબ છે. આવી શકાશે નહીં. આજની રજા મંજૂર કરવા મે. કરશો.’ સાહેબ ‘તબિયત’ નો અર્થ ‘શારીરિક સ્થિતિ’ એવો ગણશે. તમારી શારીરિક તંદુરસ્તી બરાબર હશે તોય તમે ખોટા નહીં ગણાઓ. કારણ ફારસી ભાષામાં ‘તબિયત’ એટલે ‘માનસિક સ્થિતિ’, ‘મિજાજ’, ‘મૂડ’ ! અને તમારો મિજાજ ઠેકાણે નથી એ વાત તો ખરી જ ને ! યુધિષ્ઠિરને ‘નરો વા કુંજરો વા’ કહેવાથી લાગેલું એટલુંય પાપ તમને ‘તબિયત ખરાબ છે’ એમ કહેવાથી નહીં લાગે.

ચિઠ્ઠી મોકલવાની ક્રિયા બહુ ધ્યાનપૂર્વક કરવી પડે છે. આપણી ઑફિસમાં કામ કરતો પાડોશી આજે જ ઘેરથી વહેલો નીકળી ગયો હોય તો ? ઘરનું બીજું કોઇ ચિઠ્ઠી આપવા જઇ શકે એમ ન હોય તો ? ત્યારે કરવું શું ? માટે ડાહ્યા માણસો જ્યારે આકસ્મિત રીતે માંદા પડવાના હોય ત્યારે આગલે દિવસે ઑફિસમાં પોતાની સાથે કામ કરનાર મિત્રને, “કાલે માંદા પડવાનો વિચાર છે. આ ચિઠ્ઠી સાવારે સાહેબને આપજે.” એમ કહીને ચિઠ્ઠી આપી રાખે છે.

પણ અચાનક તબિયત બગડ્યાં અંગેની ચિઠ્ઠી આમ વારંવાર નથી મોકલી શકાતી. “ગઇકાલે તો સાજોસમ હતો અને આજે અચાનક શું થઇ ગયું ?” એવાં (ન કરે નારાયણ પણ તમારી શોકસભામાં બોલાવાં જોઇએ એવાં) વાક્યો સાહેબ અને અન્ય સજ્જનો બોલે એ તદ્દન સ્વાભાવિક છે. આથી દર વખતે કંઇ અચાનક માંદા પડ્યાની ચિઠ્ઠી ન મોકલાય.

એટલે બને ત્યારે, માંદા પડવાનું હોય એના બે ત્રણ દિવસ અગાઉ ‘વાતાવરણ’ જમાવવું ! આંખો ચોળીને લાલ કરવી, ઢીલા થઇ જવું, ધીમેથી બોલવું, ખૂબ ધીમેથી ઉધરસ ખાવી, અચાનક આંખો બંધ કરીને બેસી જવું, અને કોઇ પૂછે એટલે “કંઇ નહીં”….. “કંઇ નહીં” કહીને શહીદની જેમ કામે વળગવું, દર બે કલાકે ઑફિસ વીંધીને વૉટરરૂમ આગળ જઇ, પ્યાલામાં પાણી લઇ, વર્ષાબિંદુ ઝીલતા ચાતકની જેમ મોં ઊંચું કરી, પહોળું કરી, ગોળી ગળવી. બજારમાં એસ્પ્રો – એનેસિન જેવા દેખાવની પિપરમીંટની ગોળીઓ મળે છે ! સાહેબની કેબિનમાં જવું – આવવું તેય ધીમે પગલે. જતાં અને આવતાં જરા ઉધરસ ખાઇ લેવી, સહેજ બેધ્યાન બની જવું અને અચાનક સાહેબનો ઘાંટો સાંભળીતાં ચમકીને જાગી જવું અને ગરીબડું મોં કરીને ઊભા રહેવું.

અને આવા એકાદ દિવસ પછી જો તમે માંદા પડ્યાની રજા લો તો રજા આપનારનાઅ હ્રદયમાં તમે તમારા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરી શકશો. જો યોગ્ય વાતાવરણ જમાવી શક્યા હશો તો એકને બદલે બે કે ત્રણ દિવસની ‘સીક લીવ’ લઇ શકશો !

બને ત્યાં સુધી આવી ‘ખરાબ તબિયત’ ની રજા એક સાથે બે દિવસથી વધારે સમય માટે લેવી નહીં. નહીં તો ઑફિસના મૂર્ખ મિત્રો આપણી ખબર લેવા ઘેર આવે છે, અને એ લોકોને આવતા જોઇને બે મિનિટમાં જ, એકદમ દોડીને ચોરસો લાવી ઓઢીપોઢીને પલંગમાં સૂઇ જવામાં ઘણી ઉતાવળ કરવી પડે છે. ખમણઢોકળાં ખાતા હોઇએ તો રકાબી રસોડામાં મૂકી આવી, હાથ ધોઇને આરામખુરશીમાં ઢીલા થઇને સૂઇ જવાનો પૂરતો વખત મળતો નથી. પિકચરના બપોરના શોમાં ગયા હોઇએ તો આપણે અંદર સૂઇ ગયા છીએ અને “હમણાં જ માંડ આંખ મીંચાઇ છે એટલે ડિસ્ટર્બ કરવા ઠીક નહીં ; પણ તમારું નામ કહો, તમે આવ્યા હતા તે કહીશું, અને પાણીબાણી પીવું છે ? સારું ત્યારે, આવજો !” – કહીને મિત્રોને ઝડપથી વળાવી દેવાનું કામ ઘરનાં માણસો માટે ઘણું મુશ્કેલીભર્યું બની જાય છે.

માટે આકસ્મિક માંદગીની રજાઓ બે કે ત્રણ દિવસથી વધારે લાંબા ગાળા માટે લેવી હોય તો હવાફેર નો કાર્યક્રમ યોજવો !

અમારા એક મિત્રે આવી રીતની સરસ યોજના કરેલી. એક દિવસા ક્ષયનિવારણ નિમિત્તે ઑફિસમાં ફાળો ઉઘરાવવા સ્વયંસેવકો આવ્યા ત્યારે છટકવા માટે એ પાએક કલાક પાણીની રૂમમાં સંતાઇ રહેલા ત્યારે એમને એક વિચાર આવ્યો અને તરત એમણે સાત દિવસનો ઉધરસ સપ્તાહ ઊજવી નાંખ્યો !

સાહેબે પૂછ્યું છેવટે, “શું થયું છે ?”
“કહીં નહીં,” એમણે કહ્યું.
પછી બે દિવસ ઉધરસ.
“કંઇ થયું છે, મિ. શાહ ?”
“નહીં સાહેબ, એ તો…..સહેજ પંદરેક દિવસથી ઉધરસ આવે છે અને અહીં……
અહીં સાહેબ, છાતીમાં ડાબી બાજુ દુખ્યા કરે છે…..એટલું જ, બીજું કંઇ નહીં…..તો હં સાહેબ, પેલા નાગરવાડિયા એન્ડ કું. ના ઑર્ડરનો શો જવાબ લખવાનો છે, સાહેબ ?”
અહા, ધન્ય છે આ વીરપુરુષને ! પંદર પંદર દિવસથી છાતીમાં દુખે છે (ડાબી બાજુ) પણ એને એની પરવા નથી ; એ સચિંત છે, ઉદ્વિગ્ન છે, વિચારમગ્ન છે – પણ તે છાતીના દુખાવા અંગે નહીં પરંતુ નાગરવાડિયા એન્ડ કું. ના ઑર્ડર અંગે ! ‘ધન્ય છે’ સાહેબના મનમાં થયું હશે. પણ એ કંઇ બોલ્યા નહીં.

પણ ત્રણ દિવસમાં એ ભાઇ છેવટે સાહેબ પાસે બોલાવડાવી શક્યા, “ તો પછી કો’ક સારા ડૉક્ટરને બતાવો ને, મિ. શાહ.”
“હા, સાહેબ !”
એમણે સાહેબની આજ્ઞા માની. એક દિવસ ડૉક્ટરને બતાવવા જવાની રજા.
પછીના બે દિવસ ઑફિસમાં હાજરી.
પછીના બે દિવસ મોટી હોસ્પિટલમાં સ્ક્રીનિંગ કરાવવા જવા માટે રજા.
તે પછી એક દિવસ રિપોર્ટ લેવા જવાની રજા.
પછી ટ્રીટમેન્ટ ચાલુ થઇ. “સાહેબ, કદાચ, આઇ મીન ટી.બી. પણ હોય. હજી કહેવાય નહીં !”
વધુ બે રજાઓ….
ડૉક્ટરે જાહેર કર્યું : “ટી.બી. અસર છે, અઠવાડિયું હવાફેર માટે જઇ આવો.”
ગયા. અઠવાડિયાની રજા.
આવ્યા, “હવે કેમ છે ?”
“ઠીક છે.”
“ઠીક છે ને ?”
“હા….. જો કે સાચું પૂછો તો આ તો આમ જ ચાલવાનું, ડૉક્ટર તો કહે છે મહિનો રજા લઇને બહાર રહી આવો. પણ સાહેબ, એં તે કંઇ ચાલે ? ઑફિસનું કામ ‘સફર’ થાય…..”
“જો ખરેખર જરૂર હોય તો પછી….”
“પણ સાહેબ, રૂલ્સ મુજબ…..”
“એ તો જોઇશું. એમ કરો, ત્રણેક અઠવાડિયાં જઇ આવો.”
ગયા.
આવ્યા.
ઠીક છે. ચાલે છે.
એમનો તો હજી બે મહિના પછી એકાદ અઠવાડિયું રજા લેવાનો વિચાર હતો, ત્યાં એક દિવસે સાહેબે પૂછ્યું, “બાય ધ વે, મિ. શાહ, તમે ક્યા ડૉક્ટરની ટ્રીટમેન્ટ લો છો ?”
“સાહેબ…..ટ્રીટમેન્ટ તો સાહેબ….. એ તો છે ને સાહેબ…..ડૉ. દેસાઇની…..”
“ડૉ. દેસાઇ ? ક્યા દેસાઇ ?”
“છે સાહેબ….. એ બાજુ….. અમારી બાજુ ….. ઘણા હોશિયાર છે, સાહેબ…..”
“એમ કે ? મને તો મૂરખ લાગે છે.” સાહેબે કહ્યું, “તમારું દરદ તો લંબાયા કરે છે. ઘેટ ઇઝ સિરિયસ ! તમે એમ કરો. હું ચિઠ્ઠી લખી આપું છું. ડૉ. કામાને મળો, મારા ઓળખીતા છે, હોશિયાર માણસ છે.”
પણ અમારા એ મિત્ર પણ હોશિયાર માણસ હતા ! આ વાતચીત પછી દસ જ દિવસમાં એમનો રોગ મટી ગયો !

પણ એકંદરે એમનું એ વર્ષ ઘણું સુખમાં ગયું. આમ માંદગી એ નાના પાયા પરની તેમ જ મોટા પાયા પરની રજા લેવા માટે ઉત્તમ બહાનું છે. શિયાળામાં કે ચોમાસામાં શરદી તો થાય જ, તેં ઉપરાંત દાંતનો દુખાવો, સ્ટમક અપસેટ થઇ જાય, કાકડા ફૂલે, આધાશીશી થઇ જાય…..ઇશ્વરે અનેક રોગો સજર્યા છે, એ બધાંનાં લક્ષણો યાદ રાખવાં, દરેકનાં ચિહ્ નો ધ્યાનમાં રાખવાં, સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે એ જાણે લેવું. એનાં નિષ્ણાંત – પણ સાહેબથી અજાણ્યાં, કારણ કે કલ્પિત – એવા ડૉક્ટરોનાં નામ યાદ રાખવાં, એવી ઘણી વાતોની દરકાર રાખવાની છે.

સાહેબને ચીડવીનેય રજા લઇ શકાય ! તબિયત ખરાબ હોવાનો, આગળ કહ્યો એવો, અભિનય સારા પ્રમાણમાં કરી પછી કામકાજમાં ભૂલો કરવા માંડવી, હાથમાંથી ફાઇલો પડી જાય, અચાનક ચોપડી લઇને જતાં જતાં ગમે તે ખુરશી પર બેસી જવું પડે, શાહીનો ખડિયો ઢોળાઇ જાય, ટોટલ તદ્દન ઢંગધડા વિનાના થવા માંડે, એટલે સાહેબ ચિડાશે, “તમારું મગજ ક્યાં છે !” “હેં ?…..ઓહ, સૉરી સાહેબ…..વેરી સૉરી.”

બે-ત્રણ દિવસ પછી કોઇ સાથી (તમારી સૂચના મુજબ ) સાહેબને કહેશે, “સાહેબ, એ માંદો છે !” “એમ ?” “હા, બે દિવસથી ટેમ્પરેચર છે.” “તો પછી કહેતો કેમ નથી ?” “તમને કહેતાં સાહેબ…..એક્સક્યુઝ મી, પણ એ જરા ગભરાય છે.” વફાદાર મિત્ર કહેશે.

“ગભરાય છે ! હું તે કંઇ વાઘ છું ! ફાડી ખાવાનો છું !” સાહેબ ચિડાઇને કહેશે. “એને કહો કે કંઇ અરજન્ટ હોય તો પૂરું કરી નાંખે અને ઘેર જાય….જાઓ…..આજના યંગમેન, ‘કરેજ’ નહીં મળે કોઇ જાતની….” સાહેબ બબડતા રહેશે, અને મિત્ર બહાર જઇને યંગમેનને સમાચાર આપશે. યંગમેન એને જરા ચાપાણી પિવડાવીને ઘેર જશે. બે દિવસની રજા !

પરંતુ યુદ્ધમાં તેમ રજા લેવામાં એકસરખી ચાલ હંમેશા ના ચાલે ! યુક્તિઓ બદલતાં રહેવું જોઇએ. જાતે માંદા પડવાનું પૂરતા પ્રમાણમાં થઇ ગયું હોય તો સગાંવહાલાંને માંદા પાડવાં, કે પછી…..પહોંચાડી દેવાં ! માંદા પડવા માટે સન, વાઇફ અને ફાધર ઘણાં અનુકૂળ છે. ફાધર બહારગામ જ રહે. એટલે દર વખતે એમને માંદગીનો ઊથલો આવે ત્યારે ત્યાં જવું પડે. પહોંચાડી દેવા માટે જરા દૂરનાં સગાં પસંદ કરવાં. પણ કેટલાં સગાં છે, કોણ ક્યાં રહે છે અને કેટલી ઉંમરનાં છે એનું ધ્યાન રાખવું. બને તો ઘેર એનું લિસ્ટ રાખવું. જેમનો આપણાં શહેરમાં આવવાનો અને આપણી ગેરહાજરીમાં ઑફિસમાં આવવાનો સંભવ જરાપણ ન હોય એવાં જ સગાનું અવસાન નિપજાવવું. નહીં તો, “તમે કોણ ! મિ. ત્રિવેદીના ફુઆ કે ! ઓહ ! પણ એ તો તમારા ઉઠામણામાં ગયાં છે એટલે રજા પર છે !” એવું કહેવાનો સંજોગ ઊભો થાય છે. આવું ભાગ્યે જ બને પણ ધ્યાન રાખવું સારું.

પણ આ બહાનામાંય મજા નથી, એક તો રજા પરથી આવ્યા પછી દિલગીર હોવાનો અભિનય કરવો પડે છે. અને બીજીયે મુશ્કેલી છે. સગાંવહાંલાં કેટલાં હોય ! અવસાન પમાડી- પમાડીને કેટલાં સગાંને પમાડીએ !

આ માટે નાતીલા બહુ સારા ! નાતીલાની સંખ્યા ઉપર કોઇ મર્યાદા નથી. અને એમને મૂકવા સ્મશાને જવું પડે એ તદ્દન સ્વાભાવિક પણ છે ! આ બહાનું એવું કરુણ છે કે પાષાણહ્રદયી સાહેબો પણ ઝાઝી હા-ના કરી શકઆ નથી.

સાહેબ ચિડાય : “આ તે કાંઇ રીત છે ! તમારી નાતમાં રોજ કેટલા માણસ મરે છે ! હમણાં દસ દિવસ પહેલાં કોઇ ગુજરી ગયેલું. અને પાછું આજે !”
ત્યારે તમે ઠંડે કલેજે કહી શકો, “ આ તો સાહેબ, કંઇ આપણા હાથની વાત છે !”
છતાંય સાહેબ મિજાજમાં આવીને કહી નાંખે, “ તો પછી…તો પછી…ના જાઓ સ્મશાને ! આમ, ઑફિસનું કામ બગડે એ કેમ ચાલે !”
તો તમારાથી કહેવાય : “એ તો સાહેબ, એવું છે ને, આતો કાલે આપણો વારો. એમનાંમાં નહીં જઇએ તો આપણામાં કોણ આવશે ?” સાહેબને મનેકમને પણ રજા આપ્યે જ છૂટકો ! અને તમે ‘આપણા’ એ શબ્દ દ્વારા સાહેબને પણ સમાવી દીધા એ વાત પર મનમાં મલકાતા મલકાતા કેબિનમાથી બહાર નીકળશો.

પરંતુ જીવનમાં એકપત્નીવ્રત પાળવું શક્ય છે, પણ એક બહાનવ્રત પાળવું શક્ય નથી. બહાંનાને પણ પ્રધાનોની જેમ વારંવાર બદલતા રહીએ તો જ બરાબર કામ આવે. માંદા પડવા-પાડવા અને લોકોને અવસાન પમાડી દેવા ઉપરાંત ચોમાસામાં વતનના ઘરના છાપરામાંથી પાણી ગળતું હોવાનો (કે એ ઘરામાં ચોરી થયાનો !) પાડોશીનો તાર મંગાવવો એ પણ એક ઉત્તમ માર્ગ છે. ઉપરાંત ટેક્સનાં લફરાં, ગેસ્ટનાં લફરાં વગેરે પણ બહાનાં તરીકે કામ આવી શકે છે.

આવાં બહાનાં પસંદ કરવામાં એક વાતનું ધ્યાન રાખવું. સાહેબ ને જે લફરાંનો, જે મુશ્કેલીઓનો અનુભવ હોય તે જ મુશ્કેલી આપણે પસંદ કરવી. એથી કહી શકાય કે, “સાહેબ, મકાનમાલિક સામે ઘરના ભાડાના ઝઘડા અંગે કોર્ટમાં જવું પડે એમ છે. એ માટે દિવસ આખો બગાડવો પડશે. આ પણ સાહેબ, મોટું કફરું છે. તમે તો જાણો છો સાહેબ, તમને કેટલી મુશ્કેલી પડી હતી ગઇ વખતે !” આમ કહીને સાહેબને, “મકાનમાલિકો નાલાયકો હોય છે જ એવા” એવું કહેવા તરફ દોરી જઇ શકાય અને સમદુઃખિયા ગણાઇને રજા મેળવી શકાય ! અલબત્ત, આ માટે સાહેબના અંગત જીવન અંગે, સાહેબની મુશ્કેલીઓ અંગે, કુટુંબ અંગે થોડી માહિતી હોવી જોઇએ. તો જ ખબર પડે કે સાહેબે કઇ કઇ મુશ્કેલીઓ અનુભવી છે અને તે મુજબ તમે પણ મુશ્કેલી પસંદ કરી શકો. પણ પટાવાળા જોડે સારો સંબંધ રાખ્યાથી આ માહિતી તો સહેલાઇથી મેળવી શકાય છે.

કુશળ માણસો તો સાહેબને મદદરૂપ થઇ ને (ન થઇ શકાય એમ હોય તો પણ થઇને !) રજા લઇ શકે છે. સાહેબ પણ આખરે તો માણસ જ છે. હું જાણું છું. ઘણા કારકુનો આ વાત કબૂલ કરવા તૈયાર નહીં હોય. પણ ખરેખર સાહેબો પણ આખરે માણસો છે, એમને પણ બાળકો હોય છે, એ બાળકો બાલમંદિરમાં ભણતાં હોય છે, ચાર વર્ષ પૂરાં થતાં એમને પણ શાળામાં દાખલ કરવાનાં હોય છે. અને શાળામાં એડમિશન કેમ મેળવવું તે અંગે સાહેબોને પણ ક્યારેક ચિંતા થતી હોય છે !

આવી વખતે તમારે નાવડું લઇને ઝુકાવવું, નૂતન સ્કૂલના હેડમાસ્તર તમારા સંબધી છે, (આધ્યાત્મિક રીતે, ઐહિક રીતે નહીં) માટે તમે એ અંગે કંઇ કરી જ શકો. એ માટે બપોરે જ જવું પડે…..બે ત્રણ વાર જાઓ તોય એ મળે નહીં. મળે તો પછી આવવાનું કહે જ. એટલે તમારે ફરીથી બે ત્રણ વાર રિસેસ પછી ઑફિસમાંથી જતાં રહેવું પડે. અને એડમિશનં ! એનું એવું છે ને, કે જેના ભાગ્યમાં જે લખ્યું હોય છે તે જ થાય છે ! આપણે કોણ !

એવી જ રીતે તમારી પોસ્ટઑફિસમાં, શેરબજારમાં વગેરે અનેક સ્થળે ઓળખાણો હોઇ શકે છે. હોય જ ! રિસેસ પછી રજા લેવી હોય એટલે ઓળખાણ હોય જ ને ! બને તો કામ કરવું, ન બને તો ઘેર જઇને રેકર્ડો સાંભળવી. પ્રભુ જે કરશે તે સારું જ કરશે. न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति !

ઇશ્વરની લીલાની જેમ ઑફિસમાંથી રજા લેનારાઓની લીલા અનંત છે. બધું તો આપણે ક્યાંથી વર્ણવી શકવાના ! કેવા સાહેબ છે ; કેવી ઑફિસ છે, કેવા સાથીદારો છે અને કેવી હવા છે એ જોઇને સૌએ પોતપોતાનો મોરચો રચવો રહ્યો. મુદ્દાની વાત એક જ : “આના કરતાં ખોટી રજાઓ લેવી જ નહીં એ શું ખોટું !” એવા મોક્ષને ન અપાવનારા, અકીર્તિ કરનારા, અને આરામની શક્યાઓનો ક્ષય કરનારા સંશયમાં કદી પડી જવું નહીં ; કારણ આવા સંશયને વશ થઇ રજા ન લેવાથી, આ લોકમાં સુખથી પ્રાપ્તિ થતી નથી અને પરલોકમાં પણ “અરેરે પૃથ્વી પર મેં પૂરતી કેઝ્યુઅલો પણ ન ભોગવી !” એ પ્રકારનો શોક રહ્યા કરે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાહ ! ક્યા અંદાઝેબયાં – સં. આશિત હૈદરાબાદી
સુવિચારોનું સરોવર – સંકલિત Next »   

12 પ્રતિભાવો : ઑફિસમાંથી રજા કેમ લેવી ? – શ્રી બકુલ ત્રિપાઠી

 1. manvant says:

  વાત ખૂબ તાણીને ચિતરી છે.ગમી.લેખક માટે પ્રભુપ્રાર્થના!

 2. ગુજરાતી સાહિત્યજગતને શ્રી બકુલભાઈનાં જવાથી ન પૂરાયતેવી ખોટ પડી છે.
  પ્રભુ તેમના આત્માને શાંતી આપે તેમજ તેમના કુટુંબને આઘાત સહન કરવાની શક્તિ આપે.

 3. Pruthul S Patel says:

  Bakulbhai was unique, original, lively, interesting, highly creative and practical. He possessed excellent skills of observing day-to-day life of a common man. What Bakulbhai has mentioned in this article happens in our daily life.

  I thank Amitbhai of Rajkot for bringing this article authored by Bakulbhai to our notice.

  I look forward to many such articles on this website.

 4. Chintan says:

  “ફુલ ગયુ પન ફુલની સૉઙમ રહી ગઈ” We all will miss him.

  Really practicle scenario, expressed in really nice way, little fun, and at last given a true message.

  Excellent.

 5. Hemal says:

  Nice one….

 6. Atul says:

  It was very nice.
  It was very inspering too.

 7. Bhajman Nanavaty says:

  શારદાનાં ચક્ષુથી અશ્રુ રેલાયું,
  હાસ્ય વિલાયું, બકુલ કરમાયું,

  ધરા ગુર્જરી રત્ન વિલુપ્ત થઈ
  સચરાચરમાં છવાયું, બકુલ કરમાયું,

  ઠોનિના ચાબુક હવે ક્યાં વિંઝાશે
  કક્કો ખરઙાયો,બકુલ કરમાયું,

  સદૈવ હાસ્ય પ્લવિત થનાર અમે,
  આજે નયન વરસે, બકુલ કરમાયું,

  12/09/2006

 8. jasvant rajguru says:

  we will miss him for sure. Writer like him are very few. we pray for his soul.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.