ખરી પડે છે પીંછું – રીના મહેતા

[ફરી એકવાર લેખિકા રીના મહેતા ના પુસ્તકમાંથી ‘ખરી પડે છે પીંછું’ નો ટાઈટલ લેખ. લેખિકા કલ્પનાની પાંખે બેસાડીને વાચકને ક્યાંથી ક્યાં પહોંચાડે છે તેનો એક અદ્દભુત નિબંધ. ‘ખરી પડે છે પીંછું’ શબ્દથી જ શરૂઆત અને એ જ શબ્દથી નિબંધનું સમાપન એ નિબંધની વિશિષ્ટતા દર્શાવે છે. વિચારોનું ઊંડાણ અને કલ્પનાની ચરમસીમા અહીં સુંદર રીતે અભિવ્યક્ત કરાઈ છે. લેખિકા પીંછામાંથી એક આખી ચકલીને ઊભી કરે છે, પોતે ચકલી બને છે, ઊડે છે અને છેલ્લે ફરી માત્ર રહી જાય છે એક પીંછું. કદાચ વિષયની ગહનતાને પામવા માટે બે-ત્રણ વાર તેનું વાંચન કરવું પડે એમ મને લાગે છે. – તંત્રી ]

ઢળતી સાંજે મારી પાસે ચકલીની પાંખમાંથી ખરી પડેલું પીંછું આવે છે. હું એને હાથમાં લઉં છું. વેદાંગ કદી પીંછાને અડક્યો નથી, તેથી તે આશ્ચર્ય અને થોડીક બીક અનુભવે છે. પીંછાને હું ફૂંકથી ઉડાડું છું પરંતુ એ સહેજ ઊંચે જઈ પાછું નીચે આવે છે. પીંછા પાસે પાંખ નથી, ચકલી નથી, આકાશ નથી. પીંછું એકલું નથી છતાં એકલું છે. એની પાસે હું છું પણ ચકલી નથી. પીંછાને મારી ફૂંકની નહિ, ચકલીની પાંખની જરૂર છે. મારી સફેદ-ગુલાબી, સપાટ હથેળીમાં બદામી-કથ્થાઈ રંગની ઝાંયવાળું પીંછું જાણે કશાકની રાહ જોઈને બેઠું છે પણ ચકલી તો અત્યારે માળામાં એનાં બચ્ચાંને ચણ ખવડાવતી હશે. એને તો પોતાનું એક પીંછું ઓછું થયાની ખબર પણ નહીં પડી હોય. પીંછું ખરી પડ્યા પછી પાંખમાં રહી ગયેલી જરાક અમથી ખાલી જગ્યા ચકલીને વર્તાઈ નહીં હોય કેમકે પીંછું તો હતું જ સાવ હળવું ફૂલ ! હળવું એટલે આ અધ્ધર ઝળૂંબેલા આકાશ જેવું કે હવા જેવું કે કંઈ નહિ જેવું ! નાનકી ચકલીને એનાં હોવા – ન હોવાની ખબર જ ક્યાંથી પડે ? કેમકે ચકલીને તો પોતાના હોવાનીયે ઝાઝી ખબર ક્યાં છે ? એ તો હળવીફૂલ ઊડ્યા કરે, બસ ! ઊડ્યા કરે.

મારી આંગળીઓ વચ્ચે પકડાયેલું પીંછું ક્ષણ પહેલાં તો ચકલીની પાંખમાં લપાઈને વરસાદમાં પલળીને થરથરતું હશે. કદીક ઠંડીના ઘેરાયેલા ધુમ્મ્સમાં ઠૂંઠવાતું હશે. કદીક ધૂળની ઢગલીમાં ફડફડ ફુવારા ઉડાડી નહાતું હશે. ડૂંડાથી ભર્યાં-ભર્યાં ખેતરમાં તડકાને ચક-ચક ચણતું હશે. ચકારાણાની ચાંચ એને ટોચતી હશે. વહેલી સવારે એ સૂર્યોદયનાં કેસરી ગીતો ગાતું હશે. ઝીણાં-ઝીણાં જીવડાં કે ઈયળ ખાતું હશે. નાનાં-નાનાં ઈંડાને હાથ પસવારતું હશે. એમાં પાતળા શ્વાસ સરકાવતું હશે.

હવે ચકલીની પાંખનો તંતુ નથી. ચકલીની આંખનો સેતુ નથી. ચકલીના પગના ઠમ્મક-ઠમ્મક ઠેકડા નથી. ચકલીની ચાંચનાં ટેરવાં નથી. માળાના લટકતા તાંતણે હીંચકા નથી. ફર્રર્ર-ફર્રર્ર ફૂટતો સમય નથી. સવાર નથી, સાંજ નથી, રાત નથી, દિવસ નથી. શ્વેત સળીમાં ઊતરી જતું સૂર્યનું કિરણ નથી. અંધકારનું રણ નથી. સાંજનું ફરફરતું ધણ નથી. ચણવા મળેલો ઝીણેરો કણ નથી. હવાની આરપારની ક્ષણ નથી. છે કેવળ સાંજ અને સફેદ-સપાટ હથેળી. છે કેવળ ફૂંક અને જરાક અહીંતહીં ફંગોળાવું.

ખર્યું છે પીંછું સહજપણે. ખરી છે સાંજ રોજિંદા ક્રમમાં. પીંછાનાં ઝીણાં-ઝીણાં રોમ હવામાં જરાક-જરાક હાલે છે. મારા હાથમાં આખું આકાશ ઝૂલે છે. પીંછું લઈને હું પહેરું છું. ધરતીમાં જડેલા મારાં મૂળિયાં વહેરું છું. એક જ પળમાં પીંછાને ફૂટે છે પાંખ. પાંખને ફૂટે છે આકાશ. બીજી પળે પીંછાને ફૂટે છે ચાંચ અને ફૂટે છે ચીંચીંકાર. પીંછું પહેરીને હું નવું-નવું ઊડતાં શીખેલા બચ્ચાનેએ જેમ બચૂકડા ઠેકડા ભરું છું અને ટચૂકડી ચાંચથી ચણું છું કૂણી – કૂણી જાર. ચકચક ચણતાં, ચીંચીં કરતાં, ખેતરમાં લહેરાતો લીલોછમ સાળુ ઓઢું છું ને વાયરાના હીંચકે હીંચું છું. હીંચકો તો મારો એ જાય પેલા ખુલ્લા આકાશે…… જ્યાં ઝીણેરી આંખથી વાદળની બારી હું ઘડી-ઘડી ખોલું ને મીંચું છું !

સાંજ પડે અંધારું ભેટવાને આવે ને ટોળાબંધ કલરવમાં માળા ભણી હુંયે ઊંડું છું. માળાની હૂંફાળી પથારીમાં બચ્ચાં ભેળી લપાઈને કેટલાયે જન્મોની નીંદર માણું છું. નીંદરમાં આવે છે શમણાં ને ભડભાંખડું થાતાં તો ઊઘડે છે આકાશ. આકાશ ઊઘડે છે ત્યારે મારી ઊઘડે છે પાંખ. વાદળનાં ઝૂંડનાં ઝૂંડ મને હળવે રહીને પસવારે હાથ. એનો ઝાલું ઝાલું ને ઓગળે, બાપ રે બાપ ! આ આભ તો કેવડું મોટું ને ઊઘડ્યા કરે, બસ, ઊઘડ્યા કરે ! પાંખ મારી નાની તે ફફડ્યા કરે, બસ ! ફફડ્યા કરે ! નાની-નાની પાંખથી હું ઊંચે ને ઊંચે ઊડું છું, નીચે ને નીચે ઊડું છું. આગળ ને આગળ ઊડું છું, પાછળ ને પાછળ ઊડું છું. અંદર ને અંદર ઊડું છું, બહાર ને બહાર ઊડું છું.

ક્યાંય પહોંચવું નથી તોયે ઊડું છું. કશુંયે શોધવું નથી તોયે ઊડું છું. ઊડતાં ઊડતાં હું હાંફું છું. ઊડતાં-ઊડતાં હું થાકું છું. ને આકાશનાં એક પછી એક પડ ઓળંગતા-ઓળંગતા ખરતી જાય છે મારી ચાંચ ને ખરી પડે છે ચીંચીંકાર. ખરતી જાય છે મારી આંખ ને ખરી પડે છે ફર્રર્ર ઠેકડા ને હર્રર્ર હિલ્લોળ. ખરતી જાય છે એક પછી એક પાંખ…. એક પછી એક પાંખ…

ને ઊડતાં-ઊડતાં હું પહોંચી જાઉં છું આકાશની બીજી તરફ. ત્યારે ખરી પડે છે આખું આકાશ. રહી જાય છે શૂન્ય હવામાં તરતું-તરતું એક પીછું…..આમ ખરી પડે છે પીંછું…….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુવિચારોનું સરોવર – સંકલિત
વાચકોનું સર્જન – સંકલિત Next »   

7 પ્રતિભાવો : ખરી પડે છે પીંછું – રીના મહેતા

 1. manvant says:

  રસપ્રદ અને પ્રવાહી લેખન છે.અભિનંદન સહ આભાર
  આમાં જીવન દર્શન ખરું ?

 2. એક ખરી પડતા પીંછા ને જોડી ને માનવ મન ના તરંગો સર્જ્યા છે.
  મનભાવો નુ વર્ણન સુંદર.
  અભિનંદન લેખીકા શ્રી રીના મહેતા ને.

 3. chetna says:

  apni a vaat ma ghana badha gudharth rahela chhe…

 4. Urmi Saagar says:

  કલ્પનાનાં સુંદર રંગો સાથે આપણ ચંચળ મનની ઉડાન… મઝા આવી ગઇ. ધન્યવાદ રીનાબેન અને મૃગેશભાઇને!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.