હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે – રીના મહેતા

પૂનમનો ચંદ્રોદય હમણાં જ થયો છે. આ ચંદ્ર પીળાશ પડતા ધોળા રંગનો છે. ઉનાળુ આકાશ ધોળી વાદળીઓથી છવાઈ ગયું છે. ચંદ્રના કિરણો વાદળીઓની પાછળ ઢંકાઈ અદ્ભુત તેજવલયો રચે છે. નીચે વાડામાં થોડીવાર પહેલાં ખીલેલાં મધુમાલતીનાં સફેદ ફૂલો આકાશમાં બુટ્ટાં ભર્યાં હોય તેવાં લાગે છે. ફૂલોનાં ઝૂમખાં ચાંદની પીને હીંચકા ઉપર ઝળૂંબી રહ્યાં છે. હું હીંચકા પર બેઠી ચાંદનીનો, ફૂલોનો અને આ રળિયામણી રાતનો ઝૂલો ખાઉં છું. હીંચકો ધીમો ધીમો, અવિરત ચાલ્યા જ કરે છે. દિવસે પણ થોડી થોડીવારે હીંચકા પર બેસી લેવાની મને ટેવ પડી ગઈ છે. જેમ કોઈ પક્ષી માળાની બહાર નીકળી ડાળ ઉપર ઝૂલી લે એમ જ. ક્યારેક તો એકધારી કલાક સુધી હીંચકે બેસું છું. ત્યારે હીંચકો મારામાં અને હું હીંચકામાં ઝૂલું છું. હીંચકો ઝૂલે છે અને હું અડધી પળ હવામાં ઊડી શકું છું. આકાશ અને વાદળને અડવા હાથ લંબાવું છું, હીંચકો હાલી-હાલીને ત્યાં જ હોય છે પણ હું ક્યાં ને ક્યાં જઈ આવું છું ! હીંચકો મૂંગો મૂંગો મારી બધી વાત સાંભળે છે. જે હું કોઈને નથી કહેતી એ વાત પણ હીંચકો જ જાણે છે.

કોઈ ને કોઈ હીંચકો મારો અંતરંગ મિત્ર રહ્યો છે. સૌથી જૂનો તો પેલો પાતળા ભૂરા પાટિયાવાળો હીંચકો. કોઈ દુર્બળ-પ્રેમાળ ડોસી જેવું રૂપ. જૂના રસોડા પર માળિયું. તેની ઉપર પતરાં. કાળા-જાડા લાકડા ઉપર હીંચકાનાં કડાં. હીંચકાના સળિયા પણ પાતળી સોટી જેવા. હીંચકા પાછળ પાર્ટીશન તેથી બહુ મોટો ન ખવાય. કોઈ અંગત મહેમાન આવે તો ત્યાં બેસીને, કામ કરતી બા જોડે વાતો કરે. દાદી ત્યાં પગ ઊંચા વાળીને બેસી માળા કરતાં હોઠ ફફડાવે ને હીંચકો પણ એટલો જ હાલે. રસોડું પરવાર્યા પછી હીંચકો નવરો થઈ જતો. ઉનાળામાં એની નીચે ઠંડા પથ્થર પર બિલાડી એકદમ લાંબી થઈને સૂતી હોય. હું રમતાં રમતાં વારંવાર એ હીંચકે બેસતી, ઉપર માળિયામાંથી દેખાતાં માટલાં, વાસણ, ટોપલી વગેરે જોતી. પેલાં કાળા મોભ પર ઊધઈએ કરેલા પોપડા પણ દેખાઈ જતાં. બારીઓની બહારનો તડકો હીંચકા પર આવતો નહીં. છતાં આછો હૂંફાળો પ્રકાશ, પાણિયારે ભરેલા તાંબા-પિત્તળનાં બેડાંનો ઝગમગાટ, ઊડ-ઊડ કરતી નવરી ચકલીનો ચીંચીંકાર હીંચકા પર ઝૂલ્યાં કરતો.

વર્ષમાં એકાદ વાર ફોઈ અમદાવાદથી આવતાં ત્યારે હીંચકો સભર થઈ જતો. ફોઈને ઘેર હીંચકો નહીં ને અહીં તેઓ જાણે આખા વર્ષનું સામટું હીંચકે બેસી લેતાં. સવારની ચાથી માંડીને રાતની છેલ્લી ચા પણ હીંચકે. શાક સમારવું, નાસ્તો કરવો, લાંબી-લાંબી વાતો કરવી પણ હીંચકે. કદીક તો જમવાની થાળી પણ હીંચકે ગોઠવતાં. એમને હીંચકે જમતાં જોઈ મને રમૂજ, આનંદ અને આશ્ચર્ય થતાં. બપોરે આગલાં ખંડનાં હીંચકે જ ઊંઘી જતાં અને રાતે પણ જો ઊંઘ ન આવે તો આખી રાત હીંચકે જ ગાળી લેતાં. થોડા દિવસ પછી ફોઈ ચાલ્યાં જતાં. હીંચકા પર કોઈક ખાલીપો બેસી જતો.

પાછલું ઘર વધારે જૂનું થતાં ત્યાંનું રસોડું બંધ કરી દેવાયું. સગડી, ગેસ, વાસણો, માટલાં, પાટલા, બધો અસબાબ નવાં રસોડે ચાલ્યો જતાં હીંચકો સૂનો પડી ગયો. એનાં કડાં જ્યાં લટકતાં હતાં એ મોભને ઊધઈ વધુ ને વધુ ખોતરતી રહી. છેવટે એ હીંચકો ટૂંટિયુંવાળી એક ખૂણે સૂઈ ગયો. હવે ઘરમાં એક જ આગલા ઓરડાનો હીંચકો રહ્યો. ઘરનાં બધાંની પ્રીતિ તેની ઉપર કેંન્દ્રિત થઈ. કોઈ ને કોઈ તો ત્યાં બેઠેલું જ હોય. પાળેલી બિલાડી પણ એની ગાદી પર મોજથી સૂવે. ચાલુ હીંચકે પણ છલાંગ મારી લાડકા બાળકની જેમ અમારા ખોળે ભરાય.

હીંચકાની વાત કરું ને બહેનનું નામ ન લઉં તો વાત અધૂરી રહે. ફોઈની હીંચકાપ્રીતિ એનામાં ઊતરી. એને હીંચકા વગર જરાકે ન ચાલે. ભણવાનું હોય કે નવલકથા બધું ત્યાં જ વાંચે. કોઈ આવે ને એનું વાંચવાનું બગડે તો પણ એ બીજે ન વાંચે. આવનાર વ્યકિત ઝટ હીંચકેથી ન ઉઠે તો અકળાય. અમે ગમ્મત કરતાં કે આ હીંચકો સાસરે લઈ જજે.

એ ગઈ, ને મારી જેમ હીંચકો અહીં એકલો રહી ગયો. લગ્ન પછી બીજે જ દિવસે હું તેને સાસરે એને મળવા ગઈ. ત્યાં મેં એક નવા, અજાણ્યા હીંચકા પાસે એને ઊભેલી જોઈ. હું એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મારું રડવું કેમે કરી અટકે જ નહિ. ઘરે આવી ધબ દઈ બેસી પડી. ઠંડા સળિયાને મારા હાથને સ્પર્શ થયો. હીંચકાના હિલ્લોળમાં હજી અમારી વાતોના પડઘા ઊઠતા હતા. આ એ જ જગ્યા હતી જ્યાં મોટી રોજ નિશાળે જતાં મને માથું હોળી આપતી, કદીક ગજરો નાંખી આપતી, અંતાક્ષરી રમતી, ફિલ્મોની સ્ટોરી મુગ્ધ કંઠે કહેતી, એક ડીશમાંથી નાસ્તો કરતી, ક્યારેક ખડખડાટ હસતી, ક્યારેક રિસાઈને રડતી, સેંકડો વાર પગની ઠેસ દઈ મારી સહપંખિણી થઈ ઊડતી. એ જ જગ્યાએ તેણે લગ્નની મહેંદી મુકાવેલો ફોટો પડાવ્યો. બહેરાશ પકડેલાં કાન માંડી કલાકો સુધી પથારીમાં પડયાં પડયાં અમારી વાતો સાંભળતાં દાદી પણ નહોતાં રહ્યાં. અને પેલી બિલ્લી તો ક્યારની હીંચકેથી છલાંગ મારી આકાશે પહોંચી ગઈ હતી.

પહેલા તો હીંચકાને પણ મારું એકલાં બેસવું ગમ્યું નહિ. ધીમે ધીમે અમારી વચ્ચે મૂક સંવાદ વધતો ગયો. એક દિવસ મેં પણ બહેનની માફક એની ઉપર બેસી ફોટો પડાવ્યો.

વર્ષોનાં વર્ષો વીતી ગયાં. હજીયે ત્યાં જાઉં ને હીંચકે બેસું ત્યારે જ ઘરમાં આવ્યા જેવું લાગે છે. હું અને બહેન ત્યાં અલપઝલપ મળીયે તોય ઘડીક સાથે હીંચકે બેસી પડીએ છીએ. ફોઈ વર્ષોથી અંહી આવ્યા નથી. એમના પગમાં હીંચકાને ઠેસ મારવાની તાકાત પણ બચી નથી. બધાં જ સમયાંતરે આ હીંચકાને છોડી ચાલ્યાં ગયાં છે. દાદા-દાદી, અમે બે બહેનો, ભાઈ-ભાભી, બાળકો. હીંચકો ઘર જેટલો જ ઘરડો થયો છે. પણ એના રૂપ-રંગ બદલી કાઢયાં છે. લોખંડના સળિયાને બદલે પિત્તળની જાજરમાન સાંકળો અને ઘૂઘરી બંધાઈ છે. રંગ ઊખડેલી દીવાલો અને બે વૃધ્ધજનો વચ્ચે એ ઘૂઘરી જરા જરા રણક્યા કરે છે. છતાં, બધાં ભેગાં મળે ત્યારે હીંચકે જ ટોળે વળે છે. બાળકો એની કોટે વળગી એને હચમચાવી કાઢે તો યે એ ઘરડા દાદા જેવું હસ્યા કરે છે. હીંચકો અમને બધાંને જોડી રાખતી કડી છે. ઘરના કોઈ બે જણ બેસે અથવા એક ઊઠે ને બીજું બેસે ત્યારે એ કડી જોડાઈ જાય છે.

બે હીંચકાની વાત કરી પણ પેલો છપ્પરખાટ મને હજી ખડખડાટ હસાવે છે. મોટો મસ, તોતિંગ ખાટલા જેવો. મોસાળના ઘરમાં હમેશાં ખૂબ ગમતો. એની મજબૂત ઈસ ઉપર પાટી ભરેલી અને એની ઉપર પથારી-ઓશિકાં. રજામાં અમે બધાં હારબંધ આડાં સૂઈ ધમાલ કરીએ. બાપુના મૃત્યુ પછી એ અહીં લવાયો. પણ એને અમારું ઘર બહુ ગોઠયું નહિ. મારા લગ્નની પીઠી ટાણે ભેગાં થયેલાં ડઝનેક બાળકો એને જોરજોરથી હીંચકતાં હતાં ને અચાનક જ એ તૂટી પડયો !

મારા નવા ઘરે હીંચકો નહોતો. એકાદ વર્ષ પછી વાડામાં અમે આ હીંચકો મુકાવ્યો. આ હીંચકો કંઈ નવો નહતો. વર્ષોથી એ લાકડું થઈ પડયો રહ્યો હતો. આજે એને આંગળી ફેરવી અડકું છું ને થાય છે કે દસ વર્ષ ઝૂલીઝૂલીને મેં એને ડાળ બનાવી દીધો છે. વરસાદનું પાણી પીને એનું લાક્ડું ફૂલી ગયું છે. બાળકોના કૂદકા-ભૂસકાથી એની વચ્ચેની ફાટ મોટી થઈ ગઈ છે. એ ફાટમાં માટી ભરાય તો ચોમાસે તણખલું ઊગી નીકળે છે ! હીંચકાની નીચલી બાજુએ એના મૂળ માલિકનું સફેદ રંગથી રંગાયેલું નામ હજી ભૂંસાયું નથી. – સુલોચનાબહેન. કોણ હશે એ સુલોચનાબહેન ? કેવાં હશે ? એમનું નામ હીંચકા પર શા માટે લખાવ્યું હશે ? હીંચકો ક્યાં, કયે ગામ, કયે ઘરે બંધાયો હશે ? તે અહીં ઠેઠ અમારા ઘર સુધી શા માટે આવ્યો હશે ? ઉત્તર માત્ર એક – મારે ઝૂલવા ! આ હીંચકા વિના દિવસ ને રાત, સવાર ને સાંજ હું ક્યાં ઝૂલું ? કઈ રીતે આ રૂપાળા ચંદ્ર સાથે સંતાકૂકડી રમું ? કેવી રીતે વાદળોની અંદર મારું માથું ખૂંપાવી દઉં ? ને આકાશના નાના ટુકડામાં અસીમ વિસ્તરી જાઉં.

રોજ સવારે કે બપોરે હીંચકે બેસીને જ ચા પીઉં છું. રાતે અમે બે હીંચકે ન બેસીએ તો જાણે દિવસ પૂરો નથી થતો. હીંચકો અમારા દાંપત્યનું, સખ્યનું અનિવાર્ય અંગ બની ગયું છે. તો હીંચકે એકલાં બેસવાનુંયે આછું ગમતું નથી. આ હીંચકે બેઠી હોઉં ત્યારે દર વખત એની પર જ ઝૂલતી હોઉં એવું થોડું છે ? ઘડીકમાં પેલો ભૂરા રંગવાળો, નાજૂક હીંચકો વાદળ બનીને મને ઝૂલાવે છે, તો ઘડીકમાં પેલો અડધી સદીથી એક જ સ્થળે ઝૂલતો હીંચકો મને એની ગોદમાં બિલાડીની જેમ ઊંચકી લે છે. તો વળી, પેલો છપ્પરખાટ પણ મને નિરાંતજીવે સુવાડી દે છે. હું આ કે તે કે પેલા હીંચકે અગણિત દિવસો, અગણિત રાત્રિઓ વિતાવતી, અગણિત તારાઓ ગણતી, અગણિત પુષ્પો જોતી, અગણિત ગીતો ગણગણતી, અગણિત હાસ્ય વેરતી, અગણિત અશ્રુ વહાવતી ઝૂલ્યા જ કરું છું…. ઝૂલ્યાં જ કરું છું….મારી અંદર અને બહાર ! અંદર અને બહાર !

તંત્રી નોંધ (રીડગુજરાતી.કોમ) :

અમુક કૃતિઓ એવી હોય છે કે જેની પ્રશંસા કર્યા વગર રહેવાય જ નહીં. લેખિકા રીના મહેતા લિખિત આ ‘હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે….” એ પણ કંઈક એવી જ કૃતિ છે. આ કૃતિ “ખરી પડે છે પીંછું” નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ પુસ્તકને ગુજરાતે સાહીત્ય એકાદમી એ પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકની પ્રશંસા કરવા માટે મારી પાસે શબ્દો ખૂટી પડે તેમ છે. લેખિકા એ આ પુસ્તકનાં તમામ લેખો અંતરમુખ બની ને લખ્યાં છે એમ લાગે છે, કારણકે અંતરમુખ બન્યા વગર ભાવની આટલી એકાગ્રતા શક્ય જ નથી ! લેખિકાની ભાષા પર પક્કડ એટલી બધી છે કે તે તૃણ થી લઈને મોટા હાથી સુધીની રજે રજ વસ્તુનું વિસ્તૃત વર્ણન કરી શકે છે. વાચકોને ક્યારેક હાસ્યરસમાં ડૂબાડી દે છે તો ક્યારેક આંખોમાંથી પાણી લાવી દે છે. બાળપણના પ્રસંગો, સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોની મજેદાર રસપ્રદ વાતો, ગામડાંના પ્રાકૃતિક વર્ણનો અને બીજી કેટકેટલીયે વસ્તુ થી ભરપૂર એવું પુસ્તક “ખરી પડે છે પીંછું”, ખરેખર દરેક વાચકે વસાવા જેવું છે. એ પુસ્તક આપણા એકાંતના સમયનું સાથી બનશે, અને લેખિકા તમને ભાવનાના કોઈ દૂર-દૂર પ્રદેશમાં લઈ જાય છે એવી અનુભૂતિ ચોક્કસ કરાવશે. આ પુસ્તક માટે આપને કોઈ માહિતી જોઈતી હોય તો મને લખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નહીં રે વિસારું હરિ – મીરાંબાઈ
વાત કહેવાય એવી નથી ! – અજ્ઞાત Next »   

11 પ્રતિભાવો : હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે – રીના મહેતા

 1. Suresh Jani says:

  રેનાબેન તમારી શૈલીમાં અદભુત જાદુ છે. તમારો જુનો લેખ શોધતો હતો ત્યાં આ લેખ નજરે ચડી ગયો અને દિલમાં વસી ગયો.
  તમે આવું સુંદર લખતા જ રહો.

 2. anshu says:

  …Etlu badhu hruday thi lakhyu chhe k mane lagyu jane hu mari j vat vanchu chhu! Patro badlay pan bhavo e j chhe.
  ane Mrugeshbhai tamari vat sav sachi chhe prashansa karya vagar na j rahevay. Kharekhar a lekh vanchine akhu pustak vanchvani ichha thai gai che ane te pan hamna j!!
  Rinaben tamaro khub j abhar atlo sundar lekh apva mate.

 3. Darshana says:

  On my next trip to Desh, I will look for this book by RinaMehta “khari pade chhe pinchu”.
  swinging back and forth,from past to present….and as the lekhika syas
  “mari andar ane bahar”. Thanks Rina. (and Mrugeshbhai for sharing it)

 4. nayan panchal says:

  ખૂબ જ સરસ.

  નિર્જીવ વસ્તુઓ સાથે પણ લાંબા સમયના સાથને લીધે માયા બંધાઈ જાય છે. આવી વસ્તુઓ ‘નકામી’ થઈ જાય તો પણ કાઢી નાખતા જીવ નથી ચાલતો.

  “હું આ કે તે કે પેલા હીંચકે અગણિત દિવસો, અગણિત રાત્રિઓ વિતાવતી, અગણિત તારાઓ ગણતી, અગણિત પુષ્પો જોતી, અગણિત ગીતો ગણગણતી, અગણિત હાસ્ય વેરતી, અગણિત અશ્રુ વહાવતી ઝૂલ્યા જ કરું છું…. ઝૂલ્યાં જ કરું છું….મારી અંદર અને બહાર ! અંદર અને બહાર !”

  નયન

 5. અતુલ જાની (આગંતુક) says:

  એક શ્વાસે વાંચી કાઢ્યો મે આ લેખ – રીના બહેન હદ કરી નાખી તમે તો, મારી પાસે આ લેખના વખાણ કરવા માટે બીલકુલ શબ્દો નથી. વાંચીને લગભગ સ્તબ્ધ જ થઈ ગયો. ભાષા ઉપરની જબરજસ્ત પકડ, શબ્દોનો અનેરો તાલમેલ, કોઈ લેખ નહીં પણ જાણે સુમધુર સંગીત સાંભળતો હોઉ તેવું લાગ્યું. જીવનમાં અનેક લેખો વાંચ્યા છે પણ પહેલી વાર એવું લાગ્યું કે બસ લેખ પુરો થઈ ગયો? એમ જ થાય કે બસ વાંચ્યા જ કરુ, વાચ્યા જ કરુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.