લોકગીતો-રાસ – નરસિંહ મહેતા

આવેલ આશા ભર્યા….

આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યા…… (2)

શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ…

વૃંદા તે વનના ચોકમાં
કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ…

જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નેર રે…. આવેલ…

અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ…

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે…. આવેલ…

શેરી વળાવી સજ્જ કરું….

આ…. શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આ…. ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

આ…. દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

આ…. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

આ…. ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

આ…. રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

આ…. પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

આ…. મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનું મૂલ્ય – કીર્તિદા પરીખ
પસંદગીની મૂંઝવણ – જ્યોતિન્દ્ર દવે Next »   

10 પ્રતિભાવો : લોકગીતો-રાસ – નરસિંહ મહેતા

  1. ઘણા વખત પછી નરસિંહ મહેતાનાં ગીતો વાંચવા મળ્યાં

  2. prerana lashkari says:

    i can take proud about NARSIH MEHTA… BEQ,, I AM ALSO NAGAR BY CAST

  3. madhav says:

    Its all about the great poet and his devine love towards God. Really India has many verity of poets. thanks to the Mrugesh shah

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.