- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મને પ્રભાવિત કરનારાં પુસ્તકો – કાકા કાલેલકર

મારા મન અને જીવન પર જેની વિશિષ્ટ અસર થઈ છે એવાં પુસ્તકોને યાદ કરતી વેળાએ સૌ પહેલાં તો જે પુસ્તક સૌ કોઈ વાંચી શકે છે એવા ભગવાને રચેલા એક પુસ્તકનો જ હું વિચાર કરીશ.

સુશિક્ષિત, અશિક્ષિત, સાક્ષર, નિરક્ષર, બાળક અને વૃદ્ધ સૌ કોઈ વાંચી શકે એવું એ પુસ્તક છે, અને એ પુસ્તકને સૌ કોઈ વાંચે છે. વારંવાર વાંચે છે અને એ વાંચનારા હરેક માનવીને હર ક્ષણે કોઈ નવી ને નવી જ પ્રેરણા મળે છે. આપણું જીવન પૂરું થઈ જાય તો પણ એ પુસ્તક પૂરું થતું નથી. એ પુસ્તકનું નામ છે કુદરત. ગમે તે વિષયનું અધ્યયન કરવું હોય તો પણ આ પુસ્તકના અધ્યાય શીખવા જ પડે છે. વધારેમાં વધારે શીખ્યો હોઉં તો એ પુસ્તક વાંચતા વાંચતા.

સંકોચશીલ સ્વભાવનો હોવાને કારણે સમાજમાં ભળી જવાનું મારે માટે મુશ્કેલ હતું. કુદરત સાથેની મારી દોસ્તી વધી જવા પાછળ આ પણ એક કારણ હતું. ઝાડ અને એના પર બેસનારાં પંખીઓ; નદીઓ અને એને ઓળંગી જતી હોડીઓ; રસ્તાઓ અને પુલો; પહાડો અને સરોવરો; બગીચાના પુષ્પો અને આકાશના તારાઓ, અને એ બંનેની યાદ આપતાં પતંગિયાં – એ બધાંયે મારા નિરીક્ષણના અને મારા આનંદના વિષયો હતાં. હાથી, ઊંટ, હરણ, વાછરડાં, કૂતરાં અને ખાસ કરીને બિલાડીઓ મારા બચપણના સાથીદારો હતાં. અને સસલાને તો હું ભૂલી જ કેમ શકું ? એના કૂદકાઓ અને મારા મનના કૂદકાઓ એ બંનેના તાલમાં કૈંક અજબ જેવું સામ્ય હતું. પણ સસલાથીયે ગાઢી દોસ્તી તો મારે ખિસકોલી સાથે હતી.

ચોમાસાના દિવસોમાં પાણીની ધારાઓ જ્યારે તળાવમાં વરસતી હતી ત્યારે મને લાગતું હતું કે ચાંદીની પાવલીઓ અને અધેલીઓ વરસી રહી છે. કવિઓના મુખે જીવનને માટે પાણીના બુદબુદની ઉપમા સાંભળી એ પહેલાં જ મેં પાણીના બુદબુદને પેટભરીને જોયા હતા. કેવી રીતે એ તો મને ખબર નથી, પણ જીવનનું પ્રતીક મારે માટે આકાશનાં વાદળ જ હતાં. સૂતાં સૂતાં આ વાદળોનું ધ્યાન મેં જેટલું ધર્યું છે એટલું ભાગ્યે જ બીજી કોઈ ચીજનું ધર્યું હશે. કુદરત અને કુદરતના વ્યાપારોના નિરીક્ષણમાંથી જે કંઈ મેં મેળવ્યું છે, એના પાયા પર જ મારું જીવનદર્શન રચાયું છે.

કુદરતના આવા નિરીક્ષણથી સમાજનું પણ તટસ્થભાવથી – ઑબ્જેક્ટિવલી – નિરીક્ષણ કરવાની ટેવ મને પડી ગઈ. બાળપણમાં વારંવાર પ્રવાસ કરવાના અવસર મળતા ગયા, અને એ કારણે સમાજના નિરિક્ષણમાં વિવિધતા પણ બહુ આવી. જેમની ભાષાઓ જુદી છે, જેમના રીતરિવાજ વિચિત્ર જેવા લાગે છે અને જેમના જીવનવ્યવહાર પણ આપણાથી જુદા છે એવા લોકોની વચ્ચે જઈને જ્યારે રહેવું પડ્યું અને એ રીતે અનેક ધર્મોનો પણ પરિચય થયો, ત્યારે આપોઆપ જ દષ્ટિમાં વિશાળતાની સાથે ઉદારતા પણ આવી ગઈ. જ્યારે હું પુસ્તકો વાંચવા લાગ્યો ત્યારે એ પુસ્તકો મારે મન ફક્ત શબ્દરચના અથવા વાક્યસમૂહ ન હતાં, પણ જીવનનાં અને એનાં નિરીક્ષણ-ચિન્તનનાં પ્રતિબિંબ હતાં, એનું કારણ આ છે.

પુસ્તકોની વાત શરૂ કરું એ પહેલાં મને એટલું કહેવા દ્યો કે હું મારા જીવનમાંથી પણ ઘણું ઘણું શીખ્યો છું. જીવનમાંથી શીખવા માટે એવું કાંઈ જરૂરી નથી કે એ જીવન સફળતાથી ભરેલું હોય. જીવનપ્રસંગમાં જો વિવિધતા મળે અને જીવન જીવવામાં જો ઉત્કટતા હોય તો માનવી એમાંથી તમામ મેળવી લે છે. જીવન જીવવાની ઉત્કટતા ને કારણે જ પુસ્તકો સમજવાની શક્તિ તેજ બને છે. આજે જો ભગવાન મને નવેસરથી ફરી એ જ જીવન જીવવાનો અવસર આપે, તો હું નથી માનતો કે મારા જીવનનું એક પણ પાસું છોડવાને માટે કે ખોવાને હું તૈયાર થાઉં.

જે પુસ્તકોની વાતો મારા જીવનની સાથે ઓતપ્રોત થઈ ગઈ છે, એ પુસ્તકો છે રામાયણ અને મહાભારત. મારા જીવનની નહીં, મારા રાષ્ટ્રની અને એની સંસ્કૃતિની રચના જ આ પુસ્તકોના આધાર પર થઈ છે. મારા આખાયે જીવન ઉપર જે પુસ્તકની ઊંડી અસર થઈ છે – અને જે વધતી જ જાય છે – એ પુસ્તક છે ભગવદગીતા.

જે પ્રમાણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાંચીને ગાંધીજીના જીવનમાં મોટું પરિવર્તન થયું, અથવા ઈશોપનિષદનો એક મંત્ર હાથ આવતાં મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને કઠિન પરિસ્થિતિમાં ઉદ્ધારનો રસ્તો મળી ગયો, એવું તો મારા જીવનમાં કંઈ થયું નથી. પરંતુ મારા ધાર્મિક જીવનમાં ભગવદગીતાથી પણ વધારે અસર થઈ છે ઉપનિષદોની. સંતસાહિત્યમાં તુકારામ, જ્ઞાનેશ્વર અને એકનાથ એ ત્રણના અમરગ્રંથોનો હું ઋણી છું. મહારાષ્ટ્રના વારકરી લોકો દર વર્ષે પોતાના ગામથી પંઢરપુર સુધી પગપાળા યાત્રા કરે છે. અને આ પ્રમાણે સંતસાહિત્યનો પ્રચાર ગામેગામ થાય છે. પંઢરપુર મહારાષ્ટ્રના સંતજીવનની રાજધાની છે. એનાથી મેં સંતજીવન ઓળખ્યું…

પણ એમની પાસે હું પહોંચ્યો એ પહેલાં અંગ્રેજીમાં બુદ્ધિવાદી સાહિત્ય મેં ખૂબ વાંચ્યું અને જેને લોકો નાસ્તિકતા કહે છે એની અસર નીચે આવ્યો. પોતાના જીવનના આ અધ્યાયને હું આજે પણ બહુ મહત્વનો સમજું છું. ઈશ્વરની જ કૃપા હતી કે ઈશ્વરનો ઈન્કાર કરવાવાળા ઉચ્ચ કોટિના સાહિત્યની સાથે મારો એ સમયે પરિચય થયો. રેશનાલિસ્ટિક ઍસોસિયેશન સિરીઝના કેટલાયે ગ્રંથો મેં વાંચી નાખ્યા. સંધ્યાવંદન, પૂજા, પ્રાર્થના વગેરે તમામ છોડી દીધા. મારું જોશ જનોઈ અને ચોટલી પર તૂટી પડ્યું. અને હું સંશયવાદનો – અજ્ઞેયવાદનો મોટો સમર્થક બની ગયો. આ ભૂમિકાના મૂળમાં અભિમાન કે ઉદ્દામવૃત્તિ ન હતી. સત્યની ખોજ કરવાની જિજ્ઞાસુવૃત્તિ અને બૌદ્ધિક નમ્રતા હતી. આ નમ્રતાએ મને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના પુસ્તક ‘વેરાઈટીઝ ઑફ રિલિજિયસ એક્સપિરિયન્સ’ નું મે આદર સાથે અધ્યયન કર્યું. અને આવી પૂર્વતૈયારીઓ પછી સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાનાં પુસ્તકો મેં વાંચ્યા. ભગિની નિવેદિતાના લેખોની મારા મન પર વિશેષ અસર થઈ અને ઊંડાણમાં ઊતરીને ધર્મની સામાજિક દષ્ટિ હું સમજી શક્યો. ફીલ્ડિંગનું પુસ્તક ‘સોલ ઑફ એ પીપલ’ એટલા માટે મેં વાંચ્યું હતું કે ભગિની નિવેદિતાએ એ પુસ્તકની ખૂબ પ્રશંસા કરી હતી. સત્યની કઠોર શોધ કરવાવાળો મારો બુદ્ધિવાદ મેં છોડ્યો ન હતો. બુદ્ધિવાદને પૂરતું પોષણ આપવા અમટે હું જહૉન મોર્લોનો વિશ્વવિખ્યાત નિબંધ ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ સાથે સાથે વાંચતો હતો. વચમાં કહી લઉં કે વર્ષો પછી જ્યારે હું ગાંધીજીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે શ્રી મહાદેવ દેસાઈ કોઈ સાહિત્યિક ઈનામ મેળવવા માટે ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ નો ગુજરાતી અનુવાદ કરી રહ્યા હતા. એમાં મેં થોડોઘણો સહકાર આપ્યો અને અમે એકબીજાના મિત્ર બન્યા. મહાદેવભાઈનો એ અનુવાદ ‘સત્યાગ્રહની મર્યાદા’ ના નામથી પ્રગટ થયો.

સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાની પછી વારો આવ્યો આનંદકુમારસ્વામી અને રવીન્દ્રનાથ ઠાકુરનો. ભારતની સંસ્કૃતિના આ બે ઉત્તુંગ આચાર્યોના ગ્રંથો મેં શ્રદ્ધા સાથે વાંચ્યા અને ઉત્સાહ સાથે નવયુવાનોને શીખવ્યા. ‘એસેઝ ઈન ઈન્ડિયન નેશનાલિઝમ’ , ‘ગીતાંજલિ’ , ‘સાધના’ , ‘નેશનાલિઝમ’, પૉલ રિશારનું ‘ટુ ધ નેશન્સ’ આ બધાં પુસ્તકો જીવનદીક્ષા દેવાને માટે પૂરતાં છે. જ્યારે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ્ય’ વાંચ્યું ત્યારે એની સાથે થૉરો અને એમર્સન, ટૉલ્સ્ટૉય અને ડિકિન્સન તથા સ્ટુઅર્ટ એઝનાં પુસ્તકો વાંચવાં અપરિહાર્ય બન્યાં. ગૂઢવાદના આકર્ષણને કારણે મેં આ બધાં પુસ્તકોની સાથે એડવર્ડ કાર્પેન્ટર અને વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યમય ઉદ્દગારો પણ વાંચ્યા.

મારું ભાગ્ય જ કાંઈ એવું ઉપકારી છે કે એક જ સાથે પરસ્પર વિરોધી વાતાવરણવાળા ગ્રંથો મારી પાસે આવી જાય છે. ગૂઢવાદી (મિસ્ટિક) સાધકોની વાણી જ્યારે વાંચતો હતો ત્યારે અનાયાસે અનાતોલ ફ્રાન્સની નાનકડી નવલિકા ‘થાઈ’ મારા હાથમાં આવી. મારા મિત્ર સાધુચરિત ધર્માનંદ કોસંબીના કારણે ભગવાન બુદ્ધના ચરિત્ર અને ઉપદેશની તરફ હું આકર્ષિત થયો હતો. ગાંધીજીના આદેશથી જ્યારે અમે લોકોએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે મેં ધર્માનંદજીને વિદ્યાપીઠમાં બોલાવ્યા અને એમની પાસે સારા સારા ગ્રંથ લખાવ્યા, જેથી મરાઠી, ગુજરાતી અને હિંદી વાચકો બૌદ્ધ ધર્મને એના શુદ્ધ રૂપમાં સમજી શકે.

કુદરતના હાર્દિક નિરીક્ષણ દ્વારા ભગવાનનાં દર્શન કરવાની મારી સાધના બાળપણથી ચાલુ જ હતી. મેંગલોરની પાસે રહેતા મારા મિત્ર મંજેશ્વર ગોવિંદ પૈએ આકાશના તારાઓની સાથે મારી મૈત્રી કરાવી. ગોવિંદ પૈ કાનડી ભાષાના એક વિખ્યાત કવિ અને વિવેચક છે. દેશી-પરદેશી અનેક ભાષાઓના સાહિત્યનું એમનું અધ્યયન ઊંડું છે. આ તારાઓએ મારા જીવનને એટલું સમૃદ્ધ કર્યું અને મારી માનવતાને એટલી વ્યાપક બનાવી કે હવે હિંદુસ્તાનના કોઈ પ્રાંતમાં જાઉં કે દુનિયાના કોઈ પણ દેશમાં પહોંચું તોયે મને ક્યાંય પરાયાપણું લાગતું નથી. જે તારાઓ કાશ્મીરમાં જોયા હતા એ જ તારાઓ સિલોનમાં પણ મળવાને આવ્યા હતા. જે તારાઓને પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં જોયા હતા એ જ જાપાનમાં ટોકિયોના આકાશમાં મને ખુશખબર પૂછતા હતા. મેં યરવડા જેલમાં ગાંધીજીની પાસે મારા આ દેવતાઈ મિત્રોની વાત કરી. તારાઓની નીચે, તારાઓના પ્રકાશને પામતાં પામતાં સૂવાનો ગાંધીજીનો આગ્રહ હતો જ. એથી જ્યારે હું સાબરમતી જેલમાં હતો અને મહાત્માજી યરવડા જેલમાં હતા ત્યારે એમણે એક પવિત્ર દિવસે જેમ્સ જીન્સનાં ત્રણ પુસ્તકો મને મોકલ્યાં : ‘ધી સ્ટાર્સ ઈન ધેર કોસિંઝ’ , ‘મિસ્ટીરિયસ યુનિવર્સ’, અને ‘ધ યુનિવર્સ એરાઉન્ડ અસ.’ ગાંધીજીએ મોકલેલાં આ ત્રણ પુસ્તકોએ ધર્મદર્શનને એક નવું જ રૂપ આપ્યું. ધર્માનુભવ પર એક નવો જ ઓપ ચડાવ્યો. ત્યારથી ભૌતિક વિજ્ઞાનનાં જે કોઈ પુસ્તકો વાંચું છું એમાં નવી ધાર્મિકતા જ જોવા પામું છું.

મેં જાણીજોઈને ગાંધીજીના સાહિત્યનો ઉલ્લેખ અહીં નથી કર્યો. એમના સાહિત્યની અસર લખવા બેસું તો બાકીનું બીજું બધું રહી જશે.

આ સો-બસો વર્ષના વિશ્વસાહિત્યમાં એવી પ્રભાવશાળી નવલકથાઓ તૈયાર થઈ છે જેની અસર સમસ્ત માનવજાતિ પર ઊંડી પડી છે. મેં નવલકથાઓ બહુ ઓછી વાંચી છે. મોટી મોટી નવલકથાઓ વાંચવાની હિંમત પણ નથી થતી. પણ જે નવલકથાઓ મન પર ખૂબ જ છાપ પડી એનો વિચાર કરવા બેસું તો એક સ્વતંત્ર વાર્તાલાપ થઈ જશે. એક જ પુસ્તકને માટે લખવાનું બાકી રહી જાય છે. મારા મનના બંધારણ સાથે જેનો મેળ નથી બેસતો અને મારી આજ સુધીની સંસ્કારિતા સાથે જેનો તાલ નથી જામતો, છતાંયે જેણે મહિનાઓ સુધી મારા મન ઉપર એવી પકડ જમાવી કે હું દિનરાત એના વાતાવરણમાં રહેવા લાગ્યો. મૂળ પુસ્તક તો હું નથી વાંચી શક્યો. એનો મરાઠી અનુવાદ જ વાંચ્યો હતો અને પાછળથી એના એક-બે અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યા. વધુમાં વધુ પ્રભાવ પડ્યો મરાઠી અનુવાદનો, પણ અંગ્રેજી અનુવાદ પણ એની અસર કર્યા વિના ન રહ્યા. એ પુસ્તક છે ‘કુરાનેશરીફ’ અથવા ‘અલ કુરાન’. પ્રમાણિકતા અને ઉત્કટતાનાં આદર્શ ઉદાહરણો આ પુસ્તકમાં મળી આવે છે. આજની સાહિત્યિક અભિરુચિ ગમે તે કહે, આ પુસ્તકનું અધ્યયન દરેક સંસ્કારી મનુષ્યે કરવું જ જોઈએ. ચાળીસ કરોડની જનતાને સમજાવવા માટે એ એક સારી ચાવી છે.

જીવનવ્યવહારમાં અસંખ્ય લોકો સાથે આપણે મળીએ છીએ. થોડા લોકો સાથે ગાઢો પરિચય થઈ જાય છે. દરેક માનવી પાસેથી આપણે કૈંક ને કૈંક મેળવીએ જ છીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમના પરિચય અને સહવાસથી આપણને નવી દષ્ટિમાત્ર નથી મળતી, પણ એ નવી દષ્ટિ પ્રમાણે ચાલવાનું બળ પણ મળે છે. કેટલાક લોકો આપણા હાથમાં એવી એક ગુરુકિલ્લી આપી દે છે કે જેના વડે આપણે હજારો તાળાં ખોલી શકીએ છીએ અને ગાંઠો ઉકેલી શકીએ છીએ. એવા લોકો તરફની આપણી કૃતજ્ઞતા અસીમ બની જાય છે. રાજા જનકે પોતાના ગુરુ યાજ્ઞવલ્ક્યની તરફ જે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે એનું વર્ણન હું એક વાર કરી ચૂક્યો છું.

કેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે કે જેને આપણે પુસ્તક ન કહેતાં જીવન્ત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુરુ ત્રણેનું કામ એ એકસાથે કરે છે. આવાં પુસ્તકોનું સ્મરણ જેટલું આહલાદક હોય છે એટલું જ પાવક હોય છે. આજે એવાં અનેક પુસ્તકોનું સ્મરણ અને વર્ણન કરવાની તક મળી છે એનો મને ખૂબ આનંદ થાય છે. હું ઈચ્છું છું કે અનેક લોકો આ પુસ્તકોનો અને એવી જાતનાં બીજા પુસ્તકોનો લાભ ઉઠાવે અને જો ઈશ્વર બળ અને તક આપે તો એવાં પુસ્તકો લખે પણ. જેઓને ભગવાને ખૂબ આપ્યું છે એમનો ધર્મ છે કે તેઓ પણ ભગવાનનું સ્મરણ કરીને કૈંક ને કૈંક આપતા પણ રહે.