- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રાગ માલકૌંસ – અભિજિત વ્યાસ

[ આ લેખ વાંચ્યા પછી રાત્રીના સમયે કયા ગીતો વગાડવા એ નક્કી કરવા જેવું ખરું !!! ગુજરાતી સાહિત્ય એકાદમીના સામાયિક ‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.]

મજાની સાંજ હતી. હું તળાવના કિનારે ઊભો આકાશને જોઈ રહ્યો હતો. સૂર્ય તળાવના પાણીમાં જાણે ડૂબતો હતો. સંધ્યા ખૂબ ખીલી હતી. આ કદાચ ચાંદનીના આગમનની તૈયારી હતી. ભાદરવાની ગરમીને હાંફ ચડી બેસી ગયો હોય તેમ આસોના વાયરા ફૂંકાતા હતા. ગરમાળાનાં પુષ્પો હવે કરમાઈ ગયાં હતાં. વરસાદના કારણે ધૂળની ડમરીઓ ઊડતી પણ બંધ થઈ હતી. અને હા, નવરાત્રીના દાંડિયા પણ હવે તો શાંત થઈ ગયા હતા. હું સંધ્યાને માણતો ટહેલતો હતો ત્યાં જ ક્યાંકથી ‘મન તડપત હરિદર્શન’ ગીતના સ્વરો કાને પડ્યા. રેડિયો ઉપર આ ગીત પ્રસારિત થઈ રહ્યું હતું. અરે, આ તો કેવું સરસ ગીત છે ! અને આ તો રાગ માલકૌંસમાં સ્વરબદ્ધ થયેલું છે. આ ગીતને માણું છું ત્યાં જ બીજું ગીત શરૂ થયું… ‘તું છૂપી હૈ કહાં, મેં તડપતા યહાં.’ અને આ પણ રાગ માલકૌંસ પર આધારિત છે. એક જ રાગ આધારિત બે ગીતો માલકૌંસ રાગના સાંભળવા મળ્યાં અને મનમાં તેના સ્વરો ઝંકૃત થઈ ઊઠ્યા. આ રાગ માલકૌંસ પણ ગજબ નશીલો છે. રાતના પ્રહરમાં ગવાતો આ રાગ. આપણી કેટલી બધી ફિલ્મોનાં ગીતો આ રાગમાં સ્વરબદ્ધ થયાં છે. પછી તો આ રાગમાં સ્વરબદ્ધ થયેલાં ઘણાં ગીત યાદ આવ્યાં; જેમ કે ‘આધા હૈ ચંદ્રમા રાત આધી’ , ‘અંખિયન સંગ અંખિયા લાગી લાગી’ , ‘છમ છમ બાજે રે પાયલિયાં’, ‘યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી’, ‘બલમાં માને ના બેરી ચૂપ ના રહે’ , ‘સાવન કી રાત કારી કારી’, ‘જાને બહાર હુસ્ન તેરા’, ‘જિંદગીભર ગમ જુદાઈ કા મુઝે તડપાયેગા’ , ‘સન સનન સનન સનન જા રે ઓ પવન’ કે ‘પીહુ પીહુ પપીહા ના બોલ’. આ તો મનમાં બેસી ગયેલાં અને જે ઝટ યાદ આવ્યાં તે જ. બીજાં પણ અનેક ફિલ્મી ગીતો રાગ માલકૌંસ પર આધારિત હશે જ.

આજે શરદપૂનમ હતી. રાતરાણીની મહેક વાતાવરણમાં પ્રસરી ગઈ હતી. રાતરાણીની મહેક અને અનંગને ન છંછેડે તેવું કેમ બને ? યુવક-યુવતીઓનાં ટોળાંઓ આજ તો મોજમસ્તી કરવા નીકળી પડ્યાં હતાં. મારે પણ આજે તો એક કાર્યક્રમમાં જવાનું હતું. અને આ કાર્યક્રમ પણ શરદપૂનમને અનુલક્ષીને જ હતો. શાસ્ત્રીય સંગીતનો નાનો સરખો એક જલસો હતો.

આકાશમાં ચાંદની ખીલી હતી. ઉસ્તાદ રાગ ‘ચાંદની કેદાર’ વગાડતા હતા. વાતાવરણમાં આહલાદકતા હતી. પણ હું તો અહીં રાતનો રાગ માલકૌંસ સાંભળવાની ઈચ્છાથી આવ્યો હતો. સાંજથી આજે મારા મનમાં માલકૌંસના સ્વરો અડીંગો જમાવી બેસી ગયા હતા. રાત્રીનો નશો અને તે પણ આવી ચાંદની રાતે. મારા મનમાં માલકૌંસના સ્વરો ગુંજી રહ્યા હતા. આ રાગના નશાથી હું તરબતર હતો. રાગ જ એવો છે. જ્યારે પણ સાંભળીએ ત્યારે મજા જ આવે. મન આ મજાના પ્રદેશ પર ફરવા લાગ્યું. મનમાં અનેક પ્રસંગે, અનેક ગાયકો અને વાદકો પાસેથી સાંભળેલો માલકૌંસ યાદ આવ્યો.

કેટલાંય વર્ષો પહેલાંની વાત યાદ આવી. માલકૌંસ સાથે સાથે અનેક વિવિધ સ્મૃતિઓ જોડાયેલી છે. અનેક પ્રસંગો યાદ આવે છે. પણ આજે એ બધાની કંઈ યાદી નથી કરવી. પણ કેટલીક વાતો ફરી ફરીને યાદ આવ્યા કરે છે. જેમ કેટલાંક ગીત કે કેટલીક ધૂન મનમાં ફરી ફરી ટેપ વાગતું હોય તેમ યાદ આવ્યા કરે તેમ જ આ બધા પ્રસંગો પણ યાદ આવ્યા કરે છે. માલકૌંસ રાગ તો કંઈ કેટલાય કલાકારોએ વગાડ્યો-ગાયો હશે. પણ અમુક ધૂન, કે બંદિશ ખૂબ મનમાં બેસી ગઈ છે; જેમ કે ઉસ્તાદ અમીરખાં સાહેબે ગાયેલો રાગ માલકૌંસ.

પણ આજે જે વાત યાદ આવે છે તેને તો વર્ષો વીતી ગયાં છે. અને એ સમય મારી ટીન એજ કાળનો. રાગ માલકૌંસનો પ્રથમ પરિચય ત્યારે જ થયો હતો. ઓડવ જાતિના આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થાય છે તે સ્વરો આરોહમાં ‘સાગમધનીસાં’ અને અવરોહમાં ‘સાંનીધમગસા’. રાત્રીના પ્રહરે રજૂ થતો આ રાગ રાત જેવો જ નશીલો. સંગીત સાંભળવાનો પણ ત્યારે તો રીયાઝ કરતા હતા. જુદા જુદા ગાયકો-વાદકોને સાંભળવા, એની બંદિશોને માણવે, વગેરે. કહો કે એ જ એક કામ ત્યારે તો હતું તો પણ ચાલે. કેટલાક મિત્રોની સાથે મળીને એક સંસ્થા કરી હોય તો તેમાં વિવિધ કલાકારોને બોલાવીને સાંભળી શકાય. એટલે એ દિશામાં કાર્ય કરી એક સંસ્થા બનાવી તેનું નામ આપ્યું ‘આલાપ’. આ સંસ્થાનો પ્રથમ કાર્યક્રમ આપવા માટે ભાવનગરથી રસિકલાલ અંધારિયાને આમંત્રણ આપ્યું. અહીં પણ હૉલ વગેરે બુક કરીને આયોજન ગોઠવી દીધું. બસ, આવી પહોંચ્યો કાર્યક્રમનો દિવસ.

રસિકભાઈએ ખૂબ સરસ રજૂઆત કરી. આમ પણ મને રસિકલાલ અંધારિયાને સાંભળવા ગમે. અને તેમાં રૂબરૂ સાંભળવાની તો વધુ મજા આવે. એમણે કેટલાક રાગોની રજૂઆત કરી. આજે એ કયા કયા હતા તે બહુ યાદ નથી. પણ જે ગાયા હતા તેમાંનો એક રાગ માલકૌંસ હતો. રસિકભાઈએ રાગ માલકૌંસથી શરૂઆત કરી. હજી તો એમનો આલાપ ચાલતો હતો ત્યાં જ પ્રેક્ષાગારની એક તરફથી કંઈક અવાજ આવ્યો અને એ તરફના પ્રેક્ષકો ઊભા થઈ ગયા. રસિકભાઈ પણ ગાતા ગાતા થંભી ગયા. કુતૂહલવશ લોકોનું ટોળું થઈ ગયું. બેચાર જણાએ દોડીને બધાને શાંત રહેવાનું કહ્યું. અને એક ભાઈને એમની સીટમાંથી ઊંચકીને બહાર લઈ ગયા.

એ ભાઈને વાઈ આવી ગઈ હતી. બહારની લૉબીમાં એમને સુવડાવ્યા. એક માણસે એનું બૂટ કાઢીને એમના નાક પાસે મૂક્યું. બીજા બધા અંદર આવ્યા. કાર્યક્રમમાં ખાસ્સો વિક્ષેપ પડ્યો. ફરી રસિકભાઈએ રાગ માલકૌંસ ગાવાની શરૂઆત કરી. પણ બન્ને પક્ષે જામ્યું નહીં. ન રસિકભાઈને ગાવાની કે ન અમને સાંભળવાની મજા આવી. એમણે ઝટપટ દ્રુતમાં જઈ રાગને આટોપી લીધો. મોડી રાત્રે કાર્યક્રમ પત્યો પછી ચા-નાસ્તા માટે મળ્યા. ત્યારે રસિકભાઈએ પેલા ભાઈને શું થયું હતું તેમ પૂછપરછ કરી. પછી બોલ્યા, ‘મારા કાર્યક્રમમાં રાગ માલકૌંસની રજૂઆત સમયે અવારનવાર આવું બન્યું છે.’ અરે ! રસિકભાઈ તો કાર્યક્રમ આપવા અનેક જગ્યાએ જતા હશે. અને એ બધી જ જગ્યાએ એમને રાગ માલકૌંસની રજૂઆત સમયે કંઈક આવું જ બને છે. આ તો કંઈક મોટું રહસ્ય કહેવાય.

આ પછી તો આ વાત મનના એક ખૂણામાં ગોઠવાઈ ગઈ. આપણા ભૂતકાળની બધી સ્મૃતિઓ એક પછી એક મનના ખૂણાઓમાં ગોઠવાતી જતી હોય છે. ક્યારેક કોઈ સ્મૃતિ તો આપણા શરીર પરના કોઈ તલ જેવી બની જાય છે. પણ આ સ્મૃતિઓનું રહસ્ય પણ કંઈ ગજબનું હોય છે ! ક્યારે કઈ સ્મૃતિ, ક્યો પ્રસંગ કે કઈ વાત સળવળીને બેઠી થઈ જશે તેનું કંઈ નક્કી નહિ. એ તો એની મેળે જ સળવળીને ઊભી થઈ કહે કે હું અહીં બેઠી છું હોં ! અને ક્યારેક તો માથામેળ વગર તે સળવળતી હોય છે. એ કદી સમય, ટાણું કટાણું પ્રસંગ કે ક્ષણને જોઈને નથી સળવળતી. એને તો જ્યારે સળવળવું હોય ત્યારે બેઠી થઈ જાય. આ કાંઈ હું ફકત મારા મનની જ નથી વાત કરતો. તમારા મનની પણ હોઈ શકે !

વર્ષોના વર્ષ વહેતાં રહે. ક્યારે કોણે તે યાદ નથી પણ એક વખત એક મહેફિલમાં કોઈ કલાકારને રાગ માલકૌંસની રજૂઆત કરવાનું કહ્યું. તે એમણે ‘ના’ કહેતાં કહેલું, ‘પ્રેત યોનિનો રાગ હું નથી વગાડતો.’ અને મનમાં ફરીને આ રાગની રહસ્યમયતાના વિચારે ચડી ગયો હતો. પણ મને તો માલકૌંસ રાગની રજૂઆત ખૂબ ગમે. કોઈ ઉસ્તાદી રજૂઆત થતી હોય અને તેમાં ખોવાયા ન હોઈએ તેવું બને જ નહિ. ફરી ઉસ્તાદ અમીરખાં સાહેબને યાદ કરું. રાગ માલકૌંસમાં ગાયેલી એમની બંદિશ ‘જિન કે મન રામ બીરાજે’ વિલંબિતમાં અને ‘આજ મોરે ઘર આયો બાલમા’ દ્રુતમાં સાંભળીએ એટલે એક અવર્ણનીય આનંદ થાય. એવી જ મજા લક્ષ્મી શંકરે ગાયેલા માલકૌંસમાં પણ આવે. એવું ક્યાંક વાંચ્યાનું પણ યાદ આવે છે કે આર્યુર્વેદમાં એવું કહ્યું છે કે રાગ માલકૌંસ એ મોક્ષનો રાગ છે. એની ચાલીસ દિવસની સાધના કરવાથી કંઈ કેટલાય રોગોનું શમન થાય છે. તો પણ પેલું યાદ આવ્યું કે ‘પ્રેત યોનિનો રાગ હું નથી વગાડતો.’

ફરી એક સ્મૃતિ મનમાં સળવળીને બેઠી થઈ ગઈ.

એક વખત ઘરમાં જ બેઠો બેઠો હું સંગીત સાંભળતો હતો. રૂમમાં એકલો જ હતો એટલે ડીમ લાઈટ રાખી હતી. મારું મન ખૂબ પ્રસન્ન હતું. રાત પણ અંધારી હતી. મોટેભાગે અમાસ હતી. હું રેકોર્ડ ઉપર માલકૌંસ સાંભળી રહ્યો હતો. મોડી રાતના બારેક વાગ્યા હશે. પહેલા વાદ્ય પર અને પછી કંઠ્ય પર હું માલકૌંસને સાંભળી રહ્યો હતો. સમય ક્યાં ઓગળતો હતો તેનો પણ ખ્યાલ ન હતો. અચાનક ઠંડો પવન ફૂંકાતો હોય તેમ બારી ખડખડ થવા લાગી. તાનપૂરાના સ્વરો જાણે મારા કાનમાં જ ગૂંજતા હોય તેમ મને ભાસ થતો હતો. જાણે હું જ કેમ ગાતો ન હોઉં તેમ માલકૌંસના સ્વરોમાં હું ઓગળી ગયો. પણ પછી અચાનક ખ્યાલ આવ્યો, કે અહીં કોઈ બેસીને મને જ જાણે સાંભળી રહ્યું છે. પણ જે સાંભળી રહ્યો હતો તે શ્રોતા મારો પરિચિત ન હતો. તો પછી આ કોણ અહીં બેસીને મને સાંભળી રહ્યો છે ? મનમાં એક ફડક બેસી ગઈ. મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા. અને અચાનક મારી આંખો પેલા શ્રોતાને જોવા માટે પહોળી થઈ ગઈ. મારા મોઢામાંથી જાણે કે માલકૌંસના સ્વરો જ અદ્રશ્ય થઈ ગયા. આ શું થઈ રહ્યું છે તેવું વિચારું ત્યાં તો જે શ્રોતા હતો તે ઓગળી ગયો. મારી સામે કોઈ ન હતું. શરીરે પરસેવો વળી ગયો હતો. ખુલ્લી બારીમાંથી જાણે કે કોઈ બિલ્લીપગે આવીને ચાલી ગયું હોય તેમ બારી ખડખડતી હતી.

આ શું થઈ ગયું તેમ વિચારું ત્યાં ખ્યાલ આવ્યો કે મારા ખુલ્લા મોઢામાંથી સ્વરો અદશ્ય નહોતા થયા પણ રેકોર્ડ પૂરી થઈ ગઈ હતી. પ્લેયરમાં રેકોર્ડ ખાલી ખાલી ફરી રહી હતી. અને રૂમમાં મારા સિવાય કોઈ ન હતું. મેં ઊભા થઈને ઠંડુ પાણી પીધું. હૃદયનો થડકારો હજી પણ બેઠો નહોતો. એટલું ચોક્કસ કે કોઈક તો આ રાગ માલકૌંસ સાંભળવા આવ્યું જ હતું. તો પછી તે કોણ હતું ? મનમાં પેલા ઉસ્તાદના શબ્દો સળવળી બેઠા થઈ ગયા. ‘પ્રેત યોનિનો રાગ હું નહિ વગાડું.’

મેં બેઠા થઈ મોટી લાઈટ ચાલુ કરી રેકોર્ડ પ્લેયરને બંધ કર્યું. રાત્રીનો એકાદ વાગ્યો હતો તેમ ઘડિયાળમાં ડંકા પડ્યા. હવે સૂઈ જવું જોઈએ તેવા વિચારે હું પથારીમાં પડ્યો. પણ નીંદર ન આવી તે ન જ આવી. મનમાં થોડો ડર પણ હતો કે ફરી શ્રોતા તરીકે આવેલો પેલો ઓળો તો નહિ આવી જાય ને ! એ રાત ડરની મારી ખુલ્લી આંખે પસાર થઈ ગઈ.

આજે શરદ પૂનમની રાત ખીલી હતી. સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાગ ચાંદની કેદાર પૂર્ણ થયો હતો. અને બીજા રાગ તરીકે કલાકારે માલકૌંસની જાહેરાત કરી. મારા પગમાં સળવળાટ થયો. આવ્યો’તો આ કાર્યક્રમમાં રાગ માલકૌંસને સાંભળવા. પણ મનમાં સળવળી ઊઠી કેટલીક સ્મૃતિઓ. ચાલો હવે અહીંથી જવું જોઈએ. બહુ સાંભળ્યો આ રાગ માલકૌંસ. ક્યાંક ફરી પેલો ઓળો શ્રોતા બનીને મારી પાસે આવીને બેસી જશે તો ?