પૈસા આવશે એટલે…. – હરિશ્ચંદ્ર

આજે ફરી મોડું કર્યું. મુન્નાને તો ક્યારનો તૈયાર કરી દીધો છે. ગીતા ક્યારની વાટ જોઈ રહી છે કે રીક્ષા આવી જાય તો આને બેસાડીને બીજે કામે લગાય. છેવટે રીક્ષા આવી. મુન્નો દોડ્યો અને ખીચોખીચ રીક્ષામાં જેમ તેમ જગ્યા કરીને બેસી ગયો. તેણે ‘બાય’ કર્યું, તો બીજાં બાળકો પણ હાથ હલાવવા લાગ્યાં. નહીં નહીં તોયે રીક્ષામાં પંદર-વીસને તો ભર્યાં જ હતાં ! ગીતાને ઘણીવાર થાય કે આપણી પાસે પૈસા આવશે એટલે મુન્નાને આ રીતે નહીં મોકલે. સ્કૂટર ખરીદી લેશે અને તેના પર રોજ સ્કૂલે મૂકી આવશે. એ ઘરમાં આમ કહ્યા પણ કરતી. મુન્નો સાંભળીને ખુશ થતો. સ્કૂટર પર બેસવાની કલ્પનાથી એનો ચહેરો ચમકી ઊઠતો.

ગીત થોડાં કામો પતાવીને રસોડામાં ગઈ. કેશવ હજી ઊઠ્યો નહોતો. કાલે ઓવરટાઈમ કરીને મોડો આવેલો, તેથી મોડો સૂતો હતો; પણ હવે તેને ઉઠાડવો પડશે.
‘ક્યાં સુધી સૂતા રહેશો ? હું ચા બનાવું છું.’
કેશવે પડખું ફેરવ્યું, પણ આંખમાં હજી ઊંઘ હતી. ચા બની ગઈ. ગીતાએ શાક પણ વધારી લીધું અને નાસ્તો કાઢ્યો. ‘સાંભળો છો ? આજે રવિવાર નથી.’
‘હમણાં આવ્યો,’ કહેતા કેશવ ઊઠ્યો અને હાથ-મોં ધોવા દોડ્યો, પણ ફરી બૂમ પાડી, ‘પાણી નથી આવતું. જરાક બાલદી લાવ તો !’

અવારનવાર આવું થાય છે. વચ્ચે વચ્ચે નળ બંધ. આજે તો પાણી ભરી પણ નથી લીધું. બે-ત્રણ બાલદીમાં જ બધું આટોપવું પડશે ! ગીતાને થતું અને એ કહેતી પણ કે આપણી પાસે પૈસા આવશે એટલે કોઈ સારા મકાનમાં રહેવા જઈશું કે જ્યાં ચોવીસ કલાક પાણી આવતું હોય. મુન્નો સાંભળતો, ત્યારે ખુશ થતો અને સારા મકાનની કલ્પનામાં રાચતો.
કેશવ નાસ્તો કરીને ઝટઝટ તૈયાર થઈ ગયો. જતાં જતાં બોલ્યો : ‘આજે ફરી ઓવરટાઈમ કરવાનો છે.’
‘કાં ? બે દિવસ ઉપરાઉપરી ?’
‘હા, આજે જેનો વારો હતો, તે છુટ્ટી પર છે, એટલે મેં જ લીઈ લીધો.’

ગીતાને દયા આવી, પણ શું કરે ? થયું, આપણી પાસે પૈસા આવશે, એટલે કેશવને આવું નહીં કરવું પડે. બપોરે ગીતાને ઘરકામ ઘણું પહોંચ્યું. પછી ઝટઝટ તૈયાર થઈને શાકભાજી ખરીદવા નીકળી. ઘણું મોડું થઈ ગયું હતું. મુન્નો સ્કૂલેથી આવે, તે પહેલાં ઘરે આવી જવું પડશે. ગીતાને થતું અને એ કહેતી પણ કે, આપણી પાસે પૈસા આવશે એટલે ફ્રિજ ખરીદી લઈશું. રોજ-રોજ શાકભાજી ખરીદવા જવાની ઝંઝટ નહીં. મુન્નો સાંભળીને ખુશ થતો. કેવી મજા ! પછી એ શરબતમાં બરફ નાખીને પીશે !

મુન્નાએ સ્કૂલેથી આવીને કહ્યું કે અમને ફરવા લઈ જવાના છે. આ કાગળ ઉપર સહી કરાવીને પાછો લઈ જવાનો છે. ગીતાએ કાગળ વાંચ્યો, પણ સાથે જે પૈસા ભરવાના હતા, તે વાંચીને હબકી ગઈ. તેણે મુન્નાને જેમતેમ કરીને પટાવી લીધો કે આમાં નહીં. ભગવાન કરશે અને આપણી પાસે પૈસા આવશે એટલે આપણે ત્રણેય આનાથી સારી જગ્યાએ ફરવા જઈશું. મુન્નો સાંભળીને રાજી થઈ ગયો.

મુન્નાને બેટ-બૉલ ખરીદવાં હતાં ગીતાએ કહ્યું : ‘હજી તો તું નાનો છે.’
‘અરે, મારાથીયે નાના છોકરા ક્રિકેટ રમે છે, મમ્મી !’
મમ્મી બોલી : ‘સારું. હમણાં પપ્પા ઓવર-ટાઈમ કરે છે ને, તેના પૈસા આવશે એટલે તને ખરીદી દઈશ.’ મુન્નો ખુશ થઈ ગયો. એને આશા બંધાઈ.

પરંતુ પૈસા આવે, તે પહેલાં ગીતા બીમાર પડી ગઈ, અને ઓવરટાઈમના પૈસા કરતાંયે ક્યાંક વધારે પૈસા બીમારી પાછળ ખર્ચાઈ ગયા. જો કે મમ્મી સારી થઈ ગઈ તેથી મુન્નો ખુશ હતો. મહોલ્લાના છોકરાઓ સાથે એ ક્રિકેટ રમતો થઈ ગયો હતો. ગીતાના મનમાં અફસોસ હતો કે પોતે દીકરાને બૉલ-બેટ ન અપાવી શકી, પણ હંમેશાંની જેમ તેણે મનને મનાવી લીધું કે, આપણી પાસે પૈસા આવશે એટલે….

ગીતાને વિશ્વાસ હતો કે બધા દિવસ કાંઈ આવા જ નથી રહેતા. લગ્ન કરીને આવી, ત્યારે તો એમની પાસે પહેરેલાં કપડાં અને થોડાક સામાન સિવાય બીજું કાંઈ જ નહોતું. આજે તો જીવવા જોઈએ, તે બધું જ કાંઈ છે. હા, જેને માટે બહુ પૈસા જોઈએ, તે નથી અને તેથી ગીતાથી બોલાઈ જવાય છે કે ‘આપણી પાસે પૈસા આવશે એટલે….’ તેને આવી એક આદત થઈ ગઈ છે. બાકી, ગીતા આની કદી હાયવૉય નથી કરતી કે કેશવ પાસે નથી એની કદી ફરિયાદ કરતી. કેશવ મહેનતુ છે, ઈમાનદાર છે. બીજાઓની જેમ તિકડમબાજી કરીને પૈસા નથી લાવતો, તે પણ એને ગમતું. કેશવને એ કહેતી : ‘આપણને અનીતિનો પૈસો ઘરમાં ન ખપે.’

બંનેએ નક્કી કરેલું કે મુન્નાને ક્રિકેટમાં બહુ રસ છે, તો વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં ટીવી ખરીદવું અને ગમે તેમ બચત કરીને ટી.વી. લાવ્યાં. ઘરમાં ખુશીની એક લહેર દોડી ગઈ. ગીતાએ ટીવી પર ગણેશજીની મૂર્તિ રાખીને મનોમન પ્રાર્થના કરી – ‘હે ભગવાન, આવી રીતે બધી આશાઓ પૂરી કરજે !’ મુન્નો તો રાજી-રાજીના રેડ થઈ ગયો હતો, અને બંને જણ દીકરાનો રાજીપો જોઈને ખુશખુશાલ ! મુન્નાને ટીવી જોવાની આદત થઈ ગઈ. વર્લ્ડકપ પૂરો થયો ન થયો, ત્યાં એ વખતે બુશ અને સદામ હુસેનનો તમાશો શરૂ થયો. મુન્નાને થોડું સમજાય, થોડું ન સમજાય પણ એ ટી.વી સામે બેસી રહેતો અને મમ્મી-પપ્પાને જાતજાતના સવાલો પૂછતો. લડાઈ છેવટના તબક્કામાં પહોંચી હતી. બગદાદમાં લૂંટફાટ શરૂ થયાનાં દશ્યો ટીવી ઉપર દેખાતાં હતાં.

એક રાતે મમ્મી-પપ્પાએ જોયું કે મુન્નો સૂનમૂન થઈ ને બેઠો હતો.
‘કેમ સૂવું નથી ?’
મુન્નો તંદ્રામાંથી જાગ્યો હોય તેમ બોલ્યો : ‘ચાલો આપણે ઈરાક જઈએ !’
‘ઈરાક ?…. કેમ ?….. ત્યાં તો લડાઈ ચાલે છે.’
‘હા, મમ્મી ! પણ અત્યારે ત્યાં તો લડાઈ ચાલે છે. અને લોકો પૈસા ઉછાળે છે. હમણાં હું ટીવી ઉપર રોજ જોઉં છું.’

આ સાંભળીને ગીતા હેબતાઈ જ ગઈ ! ‘આપણી પાસે પૈસા આવશે એટલે….’ એમ બોલ-બોલ કરવાની તો આ અસર નહીં હોય ?!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાગ માલકૌંસ – અભિજિત વ્યાસ
શ્વાસ – આકાશ ઠક્કર Next »   

15 પ્રતિભાવો : પૈસા આવશે એટલે…. – હરિશ્ચંદ્ર

 1. Keyur says:

  Aa paiso chej eevo. No hoy to pan upadhi ane hoy to pan chinta. O Bhagvan have karvu shu??????

 2. manvant says:

  કહેવત છે :નાણાં વગરનો નાથિયો…નાણે નાથાલાલ !
  ગરીબી શું કરાવે ને શું નહીં ?પરંતુ આશા અમર છે!

 3. dharmesh Trivedi says:

  khub sunder vartavastu
  balmanas ni vicharshilta no ane vadilo na vanivartan nu pratibimb khub saras rite jilau chhe.

 4. MONEY TALKS AND S>>> WALKS.
  WHEN MONEY COMES HEAD LOOKS IN THE SKY (UP)
  ,BUT WHEN YOU HAVE LOST OR HAVE NONE LOOK THE EARTH(DOWN)

 5. MONEY TALKS AND S>>> WALKS.
  WHEN MONEY COMES HEAD LOOKS IN THE SKY (UP)
  ,BUT WHEN YOU HAVE LOST OR HAVE NONE LOOK THE EARTH(DOWN)
  NICE TO READ IN GUJARTI.

 6. hemen mehta says:

  money is like a sex.you wont miss it untill it is gone,and you wont need it if you have it.

 7. Suchita says:

  પૈસો ઘણુ બધુ છે પણ બધુ જ નથી
  ખાલી પૈસો હોવથી સુખી નથી થવાતુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.