સમય – સુરેશ જોષી

કાંડા પરની ઘડિયાળનો ટિક ટિક અવાજ અને એની નીચે જ નાડીનો ધબકાર અવિરત ચાલ્યા જ કરે છે; ઘડિયાળ ખતરનાક વસ્તુ છે. સમયનાં પગલાંને એ સંભળાવે છે એટલું જ નહીં, દષ્ટિગોચર પણ બનાવી આપે છે. બારીમાંથી જોઉં છું તો શીમળો ખીલેલો દેખાય છે. કાલે જોયો હતો ત્યારેય એવો જ લાલચટ્ટક હતો, આજેય એવો જ લાલચટ્ટક છે. એના પરથી સમયનું દાંતાવાળું ચક્ર ફરેલું લાગતું નથી. દૈયડનો મીઠો ટહુકો રોજ સાંભળું છું. એની મીઠાશ પર સમયનો પાસ બેઠેલો નથી. શહેરનાં પૂતળાંઓ પાષાણી અમરતામાં કેદ થયેલાં છે, પણ આપણે માટે એવું નથી. રાતે સમય ચોરપગલે ભાગે છે. એ આપણને કચડીને ચાલે છે. એનાં પદચિન્હ સાચવવા ન ઈચ્છીએ તોય મોઢા પરની રેખાઓમાં સચવાઈ રહે છે. રોજ સવારે ઊઠીએ છીએ ત્યારે સમયનું એક વધુ પડ આપણને બાઝેલું હોય છે.

ના, હું વૈરાગ્યની વાત કરવા નથી ઈચ્છતો. મરણ પણ આખરે તો કાળ છે. મરણોત્તર જીવન અહીં સદેહે પણ જીવવાનું હોય છે. સમયનો પ્રવાહ છે એમ કહેવાય છે તે મને ખોટું લાગે છે. ‘પહેલાં’ અને ‘પછી’ આ બે ધ્રુવબિન્દુઓને સાંધનારું કશું છે ખરું ? જે ‘પહેલા’ માં હતું તે ‘પછી’ માં રહેતું નથી. એનું રૂપ બદલાઈ જાય છે. આપણે રૂપની સૃષ્ટિમાં છીએ માટે રૂપ જોડે જ આપણો સમ્બન્ધ. એની પાછળ રહેલા અરૂપને તો કોઈ વેદાન્તી ઓળખે. જે રૂપ બદલાયું તે પછી બીજું નામ પામે છે. આંબાની મંજરી તે મંજરી છે, આમ્રફળ નથી. આમ્રફળ તે મંજરીનું પરિણામ હશે, પણ એમાં તમે મંજરીને ફરી પામી શકો નહીં.

સમય પ્રવાહી તો નથી જ, પણ એના કોઈ તૂટેલા તન્તુને સાંધી શકાતો નથી. ઈલેક્ટ્રિક બલ્બમાંના તૂટેલા ફિલામેન્ટની જેમ એ સદા ધ્રૂજ્યા કરે છે. એની ધ્રુજારી નાડીના ધબકારામાં સંભળાય છે. જ્યારે કશોક આઘાત સમયને એક ઝાટકે છેદી નાખે છે ત્યારે જે શૂન્ય અવકાશ ઊભો થાય છે તે કશાથી પૂરી શકાતો નથી, એ એક તસુભર હોય તોય એને ઠેકીને જતાં પાતાળનાં દર્શન થાય છે. માનવી એક જિન્દગીમાં આવાં કેટલાં પાતાળ જીરવી શકે ? સમયનો તન્તુ તૂટે છે તેની રગ બહાર પકડી શકાતી નથી. મગજની શિરા તૂટે તો પક્ષાઘાત થાય, એનાં બાહ્ય ચિન્હો વરતાઈ આવે. પણ સમયનો તન્તુ તૂટવાથી થતો પક્ષાઘાત બહાર પરખાતો નથી. બહારનું સમયનું આવરણ એવું ને એવું જ રહે છે. તે દિવસે પણ ઘડિયાળમાં દશના ટકોરા પડે છે ને નિત્યનૈમિત્તિક વ્યવહાર ચાલે છે, થાળી, પાટલા, ભોજન, જતાં પહેલાં એક ઘૂંટડો પાણી – અરે ટીકડી તો ગળવાની રહી જ ગઈ – પછી રોજનો રસ્તો, રોજ સામે મળતાં એનાં બે માણસ, હોઠ પરનું ટેવને વશ થઈને થતું એ સ્મિત, પછી નોકરી – આ બધાં પાછળ પેલી સમયની તૂટેલી રગ ધ્રૂજ્યા કરે છે, એના કંપથી દર્દનો સણકો ઊઠે છે, પણ બહાર એનો અણસાર વરતાતો નથી.

તો જિન્દગી આવા તૂટેલા સમયના ખંડોનો ખડકલો ? એક જ શબ્દ એવો બોલાયો, અરે શબ્દ પણ નહીં, એક જ દષ્ટિપાત ને તડ લઈને બધું તૂટી ગયું. પછી જે કાંઈ કહીએ એમાં એનો સાંધો દેખાય. કોઈ શબ્દ આખો આપણી પાસે આવે નહીં, આંખ જુએ તો ખરી પણ તે જાણે તૂટેલા કાચની તરડમાંથી જે જુએ તે બધું સેળભેળ થઈ જાય. આથી કેટલીક વાર વિચાર આવે છે કે જેમ શરીર પર કહે છે કે ચામડીનાં સાત પડ હોય છે તેમ આપણા પર સમયનાં પણ પડ હોય તો ! માણસની સાચી વય એના પર બાઝેલા સમયના પડને આધારે નક્કી કરી શકાય.

આ પડ એક સરખાં હોતાં નથી. કોઈ પડ કાંદાના પાતળા પડ જેવું હોય છે તો કોઈ પોલિથિનની કોથળીની જેમ આપણા શ્વાસને ચોંટી જઈને રહે છે. કોઈ પડ કરોળિયાના જાળા જેવું હોય છે, એને ખંખેરી નાખતા જઈએ તેમ તેમ એમાં વધારે ને વધારે ગૂંચવાતા જઈએ. સમય કોઈ વાર જળોની જેમ બાઝે છે ને સદા આપણને ચૂસ્યા કરે છે. સમયનું કોઈ પડ અપારદર્શક ને પોલાદી પણ હોય છે, એના કારાગાર વચ્ચે જ પછીની જિન્દગી ગાળવાની રહે છે.

પણ કેટલાક બડભાગીઓ સમયને આસાનીથી સેરવી દઈ શકે છે. એમને માટે સમય તે ક્ષણ ક્ષણના નાના રંગબેરંગી પતંગિયા જેવો છે. એનો કશો ભાર લાગતો નથી, એનો કશો ઘોંઘાટ નથી. એ એક જ સ્થાને સ્થિર રહેતો નથી. કેટલાક વળી સમયને લોલીપોપની જેમ ચૂસતા હોય છે. કેટલાકની ચેતના પર સમય ધાતુ કોતરવા તેજાબની જેમ દ્રવ્યા કરતો હોય છે, એને નિદ્રામાં ઓગાળી દઈ શકતો નથી. કેટલીક વાર સમય ઊંડે ખૂંપી ગયેલી બંદૂકની ગોળીની જેમ આપણામાં રહે છે. સમય કોઈ વાર ઘાની રાતી કિનાર જેવો હોય છે, એને સહેજ સ્પર્શતાં વેદના રણઝણી ઊઠે છે.

કોઈ વાર એકાએક ભારે બની ગયેલા સમયના પિંડને લઈને આપણે ઘરમાં પ્રવેશીએ છીએ ત્યારે એનો ભાર શી રીતે ટાળવો તે સૂઝતું નથી. શ્વાસ મણકાના જેવો બની જાય છે. એ સમયને સહેલાઈથી રુદ્રાક્ષના મણકામાં સરકાવી દઈ શકતો નથી. એ જાણે બહારની બધી વસ્તુનું વજન પોતાનામાં શોષી લે છે. એવો વજનચૂસ સમય સહેલાઈથી ઉતરડીને ફેંકી દઈ શકાતો નથી. એ આપણા શબ્દો પણ શિલાની જેમ ચંપાઈ જાય છે. આપણામાં જ ઊંડે ઊતરીને ભરાઈ જવાના ભોંયરાના રસ્તાને પણ એ ઢાંકી દે છે.

ઓગળતા હિમખંડમાંથી ટપક્યે જતાં જળબિન્દુની જેમ સ્ત્ર્વ્યે જતો સમય, શ્રાવણની આછી ઝરમરના જેવો સમય, આ ઓગળતાં, વિખેરાઈ જતાં સમયનાં રૂપો છે. પણ સમયનાં હિંસક રૂપો પણ અનુભવાય છે. અજગરની જેમ ભરડો લેતો સમય, મગરનાં જડબાં જેવો સમય, આંખના ઊંડાણમાં સંતાઈને બેઠેલો મીંઢો સમય, આવા સમયની પકડમાંથી છટકી જઈ શકાતું નથી.

વરસો ચિતાનાં લાકડાંની જેમ ખડકાતાં જાય છે, અગ્નિ જ એ કાષ્ઠના ભારને હલકો કરી શકે. પણ સમયને ઉલેચીને ઠાલો કરી નાખવાની કળા પણ કેટલાક લોકોને આવડે છે. એમને માટે સમય રમકડું છે. એ લોકો ‘સમયની લીલા’ જેવો શબ્દપ્રયોગ કરી શકે.

સમયનાં આસ્વાદ્ય રૂપો પણ છે. કવિ કાવ્યની પંક્તિને છેડે પ્રાસમાં સમયને ગૂંથી લે છે. નર્તકીના પાયલમાં સમય રણકી ઊઠે છે. હીંચકાના ઝૂલામાં સમયને ઝૂલતો જોઈ શકાય છે. પ્રેમવિહૃળ લજ્જાશીલ કન્યાના ચટુલ કટાક્ષોમાં સમયનાં મનોહર આવર્તનો દેખાય છે. જીર્ણ ખંડેરમાં હાંફતો બેઠેલો વૃદ્ધ સમય, ડોશીમાના દંતહીન મુખની બખોલમાં બેઠેલો સમય, મહાદેવના મંદિરના ગર્ભગૃહમાં સાપની જેમ કોકડું વળીને બેઠેલો શીતળ સમય. સમયનાં આ બીજાં રૂપો છે. હેમન્તના તડકાના સોનેરી પાત્રમાં ભરેલો આસવ જેવો સમય ગટકાવવાનું ગમે છે. પણ બે સ્ટેશન વચ્ચે દોડતી ગાડી સાથે ખેંચાતો સમય હંમેશા સહ્ય નથી બનતો. ઘરના માળિયામાં રહેલો ભૂતકાળ કરોળિયાના જાળામાં બેસી રહે છે. અન્ધ સમયના ધમપછાડા પણ સહેવાય એવા નથી હોતાં. કૂણાં પાંદડાની તામ્રવર્ણ શોભાની આડશે રહેલો સમય ખડક જેવો અચળ હોય છે. પણ એ જોઈએ ન જોઈએ તે પહેલાં ઊડી જાય છે. મંદિરની ધજામાં ફરકતો સમય દરેક ગામને પાદરે ઊભો હોય છે.

આપણામાં જ બેઠેલું મીંઢું હૃદય સમય જોડે સંતલસ કર્યા કરે છે અને પછી એકાએક બન્ને કાવતરું કરીને ભાગી જાય છે. પછી રંગમંચ પર પડદા ઢળી જાય છે. એ અંતિમ ઉપસંહારના આપણે તો દ્રષ્ટા બની જ શકતા નથી. સમયનો શાશ્વતથી છેદ ઉડાડી દેવાના બાલિશ પ્રયત્નો કેટલાક ભયભીત લોકો કર્યા કરે છે. પણ સાંજ ટાણે વાડામાંના તુળસીના કૂંડા આગળ ઘીનો દીવો પ્રકટાવીને એમાં સમયને સારવી લેનારી કુલવધૂને એવો ભય હોતો નથી. બારણાનાં મોતીના ચક્ર તોરણનાં સમયને ગૂંથી લેતી આંગળીઓ પણ એવા ભયને ઓળખતી નથી. પણ કેટલાક સમયને કોતરવા માટેની શિલા બનીને જ જીવી જાણે છે, તો કેટલાક સમયના પર કોઈ સમ્રાટની જેમ પોતાની મુદ્રા આંકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્વાસ – આકાશ ઠક્કર
એક સારો માણસ !! – નીતિન ત્રિવેદી Next »   

21 પ્રતિભાવો : સમય – સુરેશ જોષી

 1. Bhavin Majithia says:

  Suresh Joshi, I still remember this name…
  19years back in schooling I have read your short story “THIGDU”.

 2. manvant says:

  કલ કરે સો આજ કર…આજ કરે સો અબ …ઐસી ઘરી ન આયગી…બહુરી કરેગા કબ ?

  2,આજ કરે સો કાલ કર …કાલ કરે સો પરસોં…ઇતની જલ્દી ક્યા પડી હૈ?..જીના હૈ બરસોં……

 3. સરસ ચિંતન રજુ કર્યુ છે. સમય તો સંગેમરમર છે. જાણે હાથ માંથી સરતી રેતી.
  એટલે જ ગંગાસતી એ કહ્યુ છે કે .. વીજળી ને ચમકારે મોતીડા પોરવો પાનબાઇ , અચાનક અંધારા થાશે જી રે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.