ધૂળ – રમેશ ત્રિવેદી

[ ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓનો એક પ્રકાર ‘લઘુકથા’ કરીને છે. તેમાં અત્યંત ટૂંકી વાર્તામાં ભાવના અને સંવેદનાઓ વ્યકત કરવાની હોય છે. કડી(ઉત્તરગુજરાત) ના સુપ્રસિદ્ધ લઘુકથાકાર શ્રી રમેશ ત્રિવેદીના હસ્તે લખાયેલી સુંદર લઘુકથાઓનો સંચય ધરાવતું એક પુસ્તક ‘લધુકથા-આસ્વાદ’ હમણાં થોડા સમય પહેલા જ પ્રકાશિત થયું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં માત્ર લઘુકથા નથી પરંતુ તે સાથે દરેક લધુકથાના સારા-નરસા પાસાઓને સમજાવે તેવો ‘આસ્વાદ’ (analysis and explanation) જુદા જુદા સાહિત્યકારો દ્વારા વર્ણવવામાં આવ્યો છે. તો ચલો માણીએ એક નાનકડી કથા, આસ્વાદ સાથે. ]

‘છોડી લલી, એં…… હરિબાપાના મધુભૈ કાલ આબ્બાના છ !’ – બા ના શબ્દો કાને પડતાં જ પડખે સૂતેલી નાનકડી લલી સફાળી પથારીમાં અડધી બેઠી થઈ ગઈ. ને બોલી : ‘બા, મધુભૈની હારે બંટીય આવસી ન ?’
‘આવસી સ્તો, બંટીના વાળની લટ લેવાની છ એક ન તારી ભાભીય આવસી જોડે.’
‘તો તો મજા પડસી….’ કહી આનંદના અતિરેકમાં એ બાને વળગી પડી, ને પછી તો મોડી રાત સુધી પથારીમાં આળોટતી આળોટતી મનમાં બધું અવનવું ગોઠવતી રહી –

….બંટી આવસી એકન અમે ખેતરે જઈસુ… મું તુવેરોને ફોલી ફોલીને બંટીને દાણા ખાવા આલીસ. પછ કોતરોના ધૂળિયા મારગે નદીએ જઈસુ, ભાભી નદીના પૉણીમાં પગ ધોસી… ને મું બંટી પર પૉણી છાંટીસ… ને ઘેર પાછાં ફરતી વેળાએ સક્કરટેટીય લેતાં આઈસુ…. પછ ઘેર આઈન વાડામાં ઊગેલો દૂધીનો વેલો, ગલગોટો, કરણ ને મોગરોય બંટીને વતાડીસ…. પછ વિયાયેલી કૂતરીનાં ગલૂડિયાં રમાડીને મેઢીએ જઈસુ ને હૅંચકે ઝૂલીસુ, એં… પાળેલી બિલાડીને હાથ અડકાતાંવેંત બંટી તો બિચારો એવો…..

લલી વહેલી સવારે ઝબકીને જાગી ગઈ. પગમાં વાગતી ઝાંઝરી, ને કોઢમાં બાંધેલી ગાયના કોટે બાંધેલી ઘંટડીના રણકાર જેવો ઝીણો ઝીણો હિલ્લોળ એના નાનકડા મનમાં વારે વારે ઊઠી રહ્યો હતો. પતંગિયાની પેઠે ફળિયું ને ઘર કરતી એ હરિબાપાના ઘેરેય કોણ જાણે કેટલી વાર જઈ આવી હતી….

બપોરના ત્રણ વાગી ગયા તોય મધુભૈ તો દેખાયા નહીં એટલે લલીનું મોઢું સાવ પડી ગયું. એ જોતી હતી કે બિચારાં ભાભુય વારે ઘડીએ બારણે જઈને ઊભાં રે’તાં’તાં ને હાથમાં માળા લઈને હૅંચકે બેઠેલા હરિબાપા ઊંચા જીવે બારણા ભણી…

ને છેવટે મધુભૈને બદલે એમની ટપાલ આઈ એકન ભાભુના જીવને ટાઢક વળી, પાધરું ટપાલમાંનું કવર ફોડતાંકન કાગળ કાઢી એના હાથમાં મૂકતાં એ બોલ્યાં :
‘બુન લલી, લે, ન,….. તું જ છ ન તે જેવું આવડે એવું વાંચી કાઢ ને…’ ભાભુના હાથમાંથી કાગળ લઈને એણે થોડાક ગભરાયેલા અવાજમાં શરૂ કર્યું.

…..પૂ. બાપુજી,…..પૂ.બા, પૂ.કાકી…. નામાવલિ પૂરી કરીને એણે આગળ વાંચવા માંડ્યું –
પૂ. બાને માલૂમ થાય કે બાપુજીએ બંટીની બાબરી માટે મૂરત કઢાવીને મોકલ્યું તો છે, પણ હમણાં તો મારે રજાઓની મુશ્કેલી છે… ને બીજું આ ફેરા અમે દિવાળી પર ગામ આવેલાં ત્યારની વાતની બંટી અને એની મમ્મીની તબિયત ઠીક રહેતી નથી…..દાકતરનું કે’વું છે કે ધૂળની ઍલર્જીને લઈને જ….. પૂ. બાપુજીને વાંધો ન હોય તો ટપાલમાં બંટીના વાળની લટ કાપીને મોકલી આપું તો ચાલશે ?…….

‘મૂઈ તમારી તબિયત ભૈ !……’ કહી ઊંડા નિસાસા સાથે ભાભુ બોલી ગયાં. એટલે એકાએક એ વાંચતી અટકી ગઈ. એણે ભાભુ સામે જોયું. ભાભુ સૂનમૂન બનીને ખડકીના બારણા આગળ ઊભાં હતાં, ને હરિબાપા આમથી તેમ જતા હીંચકે બેસીને ફૂંકાતા વાયરા ભેળી બારણા સુધી ઊડી આવતી ધૂળ સામે તાકતા બેસી રહ્યા હતા.

લલી એકાએક રડમસ બની ગઈ. એને હરિબાપાને પૂછવાનું મન થઈ ગયું : ‘બાપા, એલરજી એટલે શું ?’ ને એ થોડેક દૂર ધૂળમાં ઓળઘોળ થઈને નહાતી ચકલી સામે તાકતી ક્યાંય સુધી ચૂપચાપ ઊભી રહી.

[ આસ્વાદ : ‘ધૂળ’ : વ્યથાનું કાવ્ય – પ્રફુલ્લ રાવલ ]

‘ધૂળ’ શહેરીસંસ્કૃતિનો સ્પર્શ પામીને આધુનિક બનેલા પુત્રની અને હજુય ગ્રામ્યસંસ્કૃતિ વચ્ચે જીવનનો આનંદ પ્રાપ્ત કરવા મથામણ કરતાં કુટુંબની સંવેદ્યકથા છે. પ્રચલિત ઘટના સર્જનાત્મક રૂપ પામે તો કેવી પરિતુષ્ટિ આપે છે તેનું આ લધુકથા સારું નિદર્શન પૂરું પાડે છે. સર્જકની સ્વરૂપ પરત્વેની નિષ્ઠાનું આ સુફળ છે. રમેશ ત્રિવેદી પાસે અભિવ્યક્તિની કળા તો છે જ. અને લધુકથામાં અભિવ્યક્તિનો મહિમા પણ છે જ. નહીંતર ઘટના છટકી જાય અને કથાને સ્થાને ટુચકો બની રહે.

આ લધુકથાનો પ્રારંભ બાના ‘છોડી લલી, એં….હરિબાપાના મધુભૈ કાલ આબ્બાના છ !’ એ આનંદ ઉદ્દગારથી થાય છે. અને લલી પણ આનંદને પામવા પૂછે છે – ‘બા, મધુભૈની હારે બંટીય આવસી ન ?’ દીકરીના પ્રશ્નનો ઉત્તર બાએ આમ આપ્યો છે – ‘આવસી સ્તો, બંટીના વાળની લટ લેવાની છે એકન તારી ભાભીય આવસી જોડે.’ આ ઉત્તરમાં પરંપરા સંતાઈને બેઠી છે. પરંપરા-વિધિવિધાન એ જાણે ગ્રામ્યસંસ્કૃતિનું આધારબિંદુ છે. બંટી આવશે એ સમાચાર લલી માટે આનંદપ્રદ તો છે જ. એ સાથે મોડી રાત સુધી પથારીમાં આળોટતી એ મનમાં અવનવું ગોઠવે છે એમાં એની ભાવનાનો પડઘો છે. વળી તેમાં ગ્રામ્યસંસ્કૃતિમાં ઉછરેલી દીકરીની મનોભાવના પણ છતી થઈ છે. આપ્તજન પ્રત્યે એને કેવો લગાવ છે ! બંટી પ્રત્યે એનો જે સહજ સ્નેહ છે તે પણ અછાનો નથી રહેતો. વિચારમાં જ રાત પૂરી થાય છે અને વિચારાન્તે એ સવારે ઝબકીને જાગી જાય છે. પછીની લલીની પ્રવૃત્તિ સર્જકે કાવ્યાત્મક રૂપે રજૂ કરી છે. – ‘પગમાં વાગતી ઝાંઝરી ને કોઢમાં બાંધેલી ગાયના કોટે બાંધેલી ઘંટડીના રણકાર જેવો ઝીણો ઝીણો હિલ્લોળ એના નાનકડા મનમાં વારે વારે ઊઠી રહ્યો હતો.’ બંટીના આગમન પૂર્વે ‘પતંગિયાની પેઠે ફળિયું ને ઘર’ કરતી લલી થાકતી નથી પરંતુ બપોરના ત્રણ સુધી મધુભૈ દેખાતા નથી. એટલે લલીનું મોઢું સાવ પડી જાય છે. ‘હરિબાપા ઊંચા જીવે બારણા ભણી….’ એ વાક્યમાં એમની ચિંતા સમાયેલી છે. સર્જકે જે છોડી દીધું તે ભાવકને ઘણું કહી જાય છે. મધુભૈ આવતો નથી પણ ટપાલ આવે છે. એ પણ લલી જ વાંચે છે જેમાં ‘ધૂળની ઍલર્જીને લઈને જ’ તબિયત બગડી હોવાનું કારણ દર્શાવ્યું છે. જે ધૂળમાં મધુ રમ્યો છે તે ધૂળ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. સર્જકે કશું ખુલ્લું કર્યા વગર Satire કર્યો છે. આધુનિક શહેરીજીવનનો પાસ તો ‘પૂ. બાપુજીને વાંધો ન હોય તો ટપાલમાં બંટીના વાળની લટ કાપીને મોકલી આપું તો ચાલશે ?’ એ વાક્યથી સમજાય છે. પરંપરાને જીવનનો હિસ્સો માનતા ગ્રામ્યપરિવારના હૃદયને ઠેસ પહોંચાડે તેવી આ પૃચ્છા છે. ‘મૂઈ તમારી તબિયત ભૈ !’ એ ભાભુના શબ્દો સાંભળી લલી પત્ર વાંચતી અટકે છે. ‘ભાભુ સૂનમૂન બનીને ખડકીના બારણા આગળ ઊભાં હતાં.’ એ ઘટના વેદનાસભર છે. અને વધુ વેદના તો હરિબાપાની છે. ‘હરિબાપા આમથી તેમ જતાં હીંચકે બેસીને ફૂંકાતા વાયરા ભેળી બારણા સુધી ઊંડી આવતી ધૂળ સામે તાકતા બેસી રહ્યા હતા.’

આ દીર્ધવાક્યમાં ‘આમથી તેમ જતાં હીંચકે બેસીને’ એ શબ્દો દ્વારા જે વ્યંજના સર્જકે વ્યક્ત કરી છે તે અદ્દભુત છે. લધુકથાકારે શબ્દોનો જે વિનિયોગ કર્યો છે તે હરિબાપાના માનસને – એમની અવ્યક્ત પીડાને દર્શાવે છે. હરિબાપાની આ અવસ્થા લીલીને સ્પર્શી ગઈ છે. એને હરિબાપાને પૂછવાનું મન થાય છે, ‘બાપા, એલરજી એટલે શું?’ પણ પૂછતી નથી. એનું ‘ઍલર્જી’ શબ્દનું અજ્ઞાન કૃતિને ઉજળી કરે છે. લધુકથા ત્યાં પૂરી થાય છે. પરંતુ સર્જકે ત્યાં વિરામ નથી લીધો એમણે વેદનાને વિશેષ ઘટ્ટ બનાવી છે. ‘લલી થોડેક દૂર ધૂળમાં ઓળઘોળ થઈને નહાતી ચકલી સામે તાકતી ક્યાંય સુધી ચૂપચાપ ઊભી રહી છે.’ ‘ચકલીનું ધૂળમાં નહાવું’ એ પ્રતીક બને છે. પરંપરા મુજબ ચકલીનું ધૂળમાં નહાવું વરસાદની એંધાણી છે. અહીં હજુ વરસાદ આવ્યો નથી પણ આવશે જે આંખમાંથી વરસવાનો છે. સર્જકે જે નથી કહ્યું એ જ કૃતિના સૌંદર્યનું દ્યોતક બન્યું છે. જે ધૂળની આધુનિક માનવી ઉપેક્ષા કરે છે તે જ તેનાં મૂળ છે. પરંતુ માણસને એનું વિસ્મરણ થયું છે, જે પરંપરામાં જીવતા મનુષ્યને વ્યથિત કરે છે. મધુભૈ સાથેનો સંબંધ જ વ્યથા આપે છે. લઘુકથાના પ્રારંભનો લલીનો આનંદ અંતે વ્યથામાં પરિણમે છે. આ સંદર્ભે જયન્ત પાઠકની આ પંક્તિનું સ્મરણ થઈ આવે છે :

‘બધા આનંદોની પરિણતિ, હવે વ્યાપક વ્યથા,
જુદી સંબુદ્ધાથી મુજ જનમની જાતકકથા.’

આ લઘુકથા જાણે વ્યથાનું કાવ્ય છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પડછાયા – ભીષ્મ સાહની
ટપાલ – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »   

14 પ્રતિભાવો : ધૂળ – રમેશ ત્રિવેદી

  1. harshad says:

    …something is like you do what you like and the joy you get. this short story is the same. thanks for giving pleasure of reading.

  2. Wellbutrin. says:

    Side effects caused by wellbutrin….

    Wellbutrin and weightloss. Wellbutrin sr breastfeeding. Wellbutrin. Wellbutrin sr….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.